ટીવી ઉપર રીપોર્ટ જોયો ..
૨૦૨૩ની સાલમાં ૫૮ % લગ્નો ભારત દેશે ઓનલાઈન પ્લેટફોર્મની મદદથી થયા જે ૧૧ % નો વધારો દર્શાવે છે..!!!
બહુ કેહવાય નહિ ????
નાતે વરીએ , નાતે મરીએ ..
આવી બધી કેહવતોનો તો ખો નીકળી જશે આ ઓનલાઈનના ચક્કરમાં..!!
ગજ્જબ ચાલ્યું છે ,
ઓનલાઈન પ્લેટફોર્મના લગ્નોની ચકરડી ભમરડી ,
દરરેક છોકરા છોકરી અત્યારે હજી વધારે સારું પાત્ર મળશે એની લાહ્યમાં પોતાની ઉંમર વધારી રહ્યા છે , છેવટે પાકે ઘડે કાંઠલા બેસતા વાર લાગે છે પછીથી..
ઓનલાઈનમાં લગ્નોમાં જે ડેટા સાઈટ ઉપર મુક્યો હોય તેની ઉપરથી જ નક્કી કરવાનું હોય કે આપણને આગળ શું મળશે ,
જયારે પેહલા ઘરબારની તપાસ વડીલો કરતા પછી આગળ વાત જતી ,અને છેક છેલ્લે સબ સલામતના સિગ્નલો આવે ચારેબાજુથી પછી છોકરા છોકરીઓને આગળ કરવામાં આવતા..
આજે ઓનલાઈનમાં બધું સીધેસીધું મુરતિયો કે યુવતી, અને એના માબાપ બસ ત્રણ દુ ને છ જ જણ ..!
આખો ખેલ ગોઠવાય ત્યારે એટલું બધું પ્રેક્ટીકલ ડીસીશન લેવાય છે કે ના પૂછોને વાત..પેહલાના સમયમાં લગભગ એક લગ્ન પાછળ વીસથી ત્રીસ દિમાગ લડતા..
છોકરા છોકરી બન્ને પક્ષે કમ સે કમ દસ-વીસ લોકો સામસામે બેસે અને વાત વિચારોની આપ લે થતી..
એક સમયે જયારે અમારી માટે વાતો ચાલતી ત્યારે કોઈક કોર્પોરેટ ઘરાનામાંથી માંગા આવતા અને મીટીંગો કરતા ત્યારે સીધો જોબ પ્રોફાઈલ પૂછી લેવામાં આવતો ,તારા કારખાનામાં તારું સ્ટેટ્સ શું ? એવે સમયે અમે ચોખ્ખું કહી દેતા કે આ લગ્ન માટેની મીટીંગ છે બીઝનેસની નહિ..
પણ હવે આવું કહીએ તો ?હાઉ રૂડ ? એવું લાગે..
તું કેટલું કમાય છે ? તારા જીવનના ટાર્ગેટ બોલ અને મારા જીવનના ટાર્ગેટ આ છે,
બોલ છે મંજુર ? બે ત્રણ મહિના બે જણા કોફા કોફી ઉપર જાય અને પછી થયું તો થયું બાકી તું છુટ્ટો અને હું પણ છુટ્ટી..
મજાની વાત તો એ છે કે છેલ્લા એક દસકામાં મારી જાણમાં એકપણ લગ્ન પ્રેમલગ્ન થયા નથી ..!
અને જેમાં પ્રેમ લગ્ન જેવી વાત હતી એ બધા પ્રેક્ટીકલી તો એરેન્જ મેરેજ કરતા પણ વધારે “એરેન્જ” હતા ..
એ કેહવાતા પ્રેમ લગ્નોમાં બાયો ડેટાની આપ લે થાય અને માતાપિતા પરિવારની સંપૂર્ણ સહમતી સાથે લગ્નો થયેલા ,એટલે પેલી અમારા જમાનામાં થતી એવી ભાગદોડી તો હવે જવલ્લે જ થાય છે..
હવે આટલી ભૂમિકા બાંધી એટલે કોઈને એમ થાય કે તો શું પ્રજા પ્રેમ કરવાનું ભૂલી ગઈ ?
ના ,ના .. જરાય પ્રેમ કરવાનું ભૂલી નથી પણ અત્યારે “સગવડ” ઉભી થઇ ગઈ છે પેલી ઓયો રૂમની, લગભગ દરેક હોટલો આજકાલ ત્રણ કલાક માટે પણ રૂમો આપે છે અને જેવી જેની ત્રેવડ એવા રૂપિયા ખર્ચીને “પ્રેમી પંખીડા” પાંજરે પુરાઈને એમનો “પ્રેમ” પૂરો કરી લ્યે છે, ઘણીવાર એક કરતા વધારે વખત “પ્રેમ” પૂરો થઇ જાય પછી સ્વાભાવિક રીતે ગુણને બદલે દોષ દેખાવાના ચાલુ થઇ જાય અને પછી પડે “પ્રેમ”માં પંકચર..!
ડેટિંગ સાઈટ ઉપર પાછા ચડી જાય જુનાને બ્લોક કરીને..!!
સવાલ અહિયાં એવો પણ આવે કે ઓનલાઈન ડેટિંગ સાઈટ ઉપરથી પ્રેમ કેટલા લોકોને થયો તો ? એક બીજો એનો પણ સર્વે થવો જરૂરી છે કે લગ્નો તો ૫૮% ઓનલાઈન થયા હોય તો “પ્રેમ” ની શું પોઝીશન ?
થોડાક જ્ઞાનીઓના રીલ્સ આ મુદ્દા ઉપર જોયા લગભગ સાર એવો આવે કે કોઇપણ લગ્નજીવન પરફેક્ટ અને સુખી નથી આ જગતમાં..!
હવે અત્યારે રીલ્સના જમાનામાં આવા જ્ઞાન ઠેર ઠેર રીલ્સમાં ફરતા હોય અને સમય આવ્યે વસ્તી હોટેલ્સની રૂમમાં જઈને આવતી હોય તો પછી કોણ સામેવાળાનું વિચારવા બેસે ?
પ્રેમની તો ક્યાં વાત કરવી ?
ભારતભરના લગભગ દરેક સમાજો અમેરિકન સોસાયટી તરફ જઈ રહ્યા છે .. કદાચ હજી ગામડાઓમાં ડેટિંગ સાઈટના એટલા ચલણ નથી પણ બી ટાઉનમાં તો હવે જરાક અઘરું છે,,!
લગ્ન નામની સંસ્થા ઉપરનો વિશ્વાસ ભારતીય સમાજ લાંબે ગાળે ગુમાવી દે એવું ચિત્ર ઉભું થઇ રહ્યું છે..
સામાજિક પ્રાણીમાંથી સમાજ નીકળી અને ફક્ત પ્રાણીજન્ય જરૂરિયાતો પૂરી કરી અને સાથે રહી લેવાની વાત છે..
આમ ને આમ ચાલ્યું તો બે ત્રણ દસકાથી વધારે લગ્ન નામની સંસ્થા પડી ભાંગશે .. અત્યારની ગતિ જોતા ..
કવિ ક્યાંક કેહતા કે પૂછીને પ્રેમ થાય ?
હવે પૂછીને નહિ પણ ચારેય બાજુનું જાણી કરીને “પ્રેમ” કરવામાં આવે છે..
પેહલા પણ એવું રેહતું પણ બહુ ઓછું ,અને હવે લગભગ જાણી લેવું બધું પછી પ્રેમ કરવો, એ પણ જો થાય તો..
બાકી ચાલે બધું..!
કદાચ ગ્લોબલાઇઝેશન બહુ ઝડપથી થઇ રહ્યું છે , નાના બાળકો ટેકનોલોજી બહુ જ ઝડપથી સ્વીકારે છે અને એમાં ઈન્ટરનેટથી સીધું આક્રમણ ચાલી રહ્યું છે ,એના પ્રતાપે સેહજ અઘરી પડે એવી ભારતીય સોસાયટી કરતા અમેરીક્ન સોસાયટી સેહલી ,સારી અને સરળ લાગે છે..
પરણતા પેહલા છુટા પડીશું તો શું કરીશું એનું પણ પ્લાનિંગ થાય છે અને ઇન બીટવીન જો બાળક થાય તો છુટા પડતી વખતે બાળક કોણ રાખશે એની પણ ચોખવટ થતી જોઈ છે ..
કયારેક મારા જેવાને એમ લાગે કે આટલી બધી ચોખવટો કર્યા પછી એ લોકો ક્યા જીવનનો આનંદ માણતા હશે ?
ઊંડું વિચારીએ તો ભયાનક અસલામતીની ભાવના વર્તાય આ તમામ ચોખવટ પાછળ.. અને પછી સરવાળે ભાગાકાર થયો છે..
“હું” બહુ જ મોટો થયો છે ,”મારું” આગળ છે, જે પેહલા `અમે` અને `આપણું` હતું..
પરંપરાઓને સાવ કોરાણે મૂકી દેવાની જરૂર મને લગતી નથી..
સાપેક્ષ જીવાઈ રહેલી જિંદગી પોતાનું શું છે તે ભૂલી ચુકી છે …
સૌથી મોટ્ટી વાત છે કે લગ્ન કરતા અને કરાવતા તમામ સમાજો હવે ડરી રહ્યા છે , એક બીજામાં રહેલી વિશ્વાસની ભાવના અને પોતાનામાં રહેલો આત્મવિશ્વાસ સમાજ ગુમાવી રહ્યો છે..
દુ:ખ નથી જોઈતું ,કે દર્દ નથી જોઈતું .. સંઘર્ષ તો બિલકુલ નહિ..!
ડોશીઓ કુંવારી મરશે ,અને ડોસો વાંઢો…
શારીરિક રીતે બિલકુલ નહિ, પણ સામાજિક રીતે ચોક્કસ..!
જય હો
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*