ફાઈનલી બે લગ્નોમાં જવું જ પડશે..!!
એક એવી પરિસ્થિતિમાં ક્યારેક ફસાઈ જવાય છે કે જયારે બધું પ્રેક્ટીકલ જ્ઞાન ને એક બાજુ મૂકી અને દિલથી કેહવાયેલી વાત ને સાંભળવી જ પડે..!!
આજે મીઢળબંધા જોડે વાત થઇ ..એ..ઈ..કાકા ..,નહિ ચાલે હો ,જરાય નહિ ચાલે..!! મારા લગનમાં તમે ને કાકી તો મસ્ટ છો..!!
સાલું હજી તો ડાયપરમાં રમતું તું ટેણીયું , અને ઘોડી ચડવા જેવડો ક્યારે થઇ ગયો એ જ ખબરના રહી..!!! અને પાછો હક્ક કરતો થઇ ગયો, લે..!! સુખ ના ઝટ જાય ,એકદમ ટૂંકા હોય.. આમ તો એવું કેહવાય કે દીકરા મોટા કરવા એટલે પાણા પકવવા જેવી વાત છે , પણ હવે એ તો એનો બાપ જાણે, આપણે તો રમાડી રમાડી ને છુટ્ટા..!! જેમના ઘરે પ્રસંગ છે એ બંને મિત્રો પાંચમા ધોરણથી સાથે ભણતા , ત્યારનો સબંધ..!! અને એમના ઘેર પ્રસંગ..!! જે છોકરા હજી હમણાં તો ખભે ને માથે ચડી જતા એ પરણવાના..!! ખરેખર હવે
આધેડની ફીલિંગ આવે છે..!! આપણી બીજી પેઢી પરણતી જોઈએ ત્યારે..!! અને એમાં પણ આવા કોવીડ કાળમાં મીઢળબંધા જીદ પકડે એટલે એની લાગણી જોઇને નમી જ પડવું પડે..!! પણ બંને મિત્રો એ બીજી પણ એક વાત કરી અને એ પણ એક જ સરખી..!! પેહલા તો બંને જણાએ કંકોત્રી વોટ્સ એપ કરી અને પછી તરત જ મેસેજ આવ્યો , kindly confirm person ..!! મેં તરત જ
2` લખી ને જવાબ મોકલ્યો ,અને પછી થોડા સમયે બંને જણા જોડે વાત કરી,
બંને મિત્રો જેમના સંતાનો પરણે છે એમણે એક વાત કીધી…શૈશવ્યા એક વાત જોરદાર વાત થઇ ,જેટલા લોકો ને મેસેજ મોકલ્યા એ એકે એક જણાએ સામો જવાબ આપ્યો છે અને સ્પષ્ટ જવાબ આપ્યો છે, એક જણ , બે જણ ,ત્રણ જ્ણ કે ચાર જણ ..!!
પરફેક્ટ નંબર આપ્યા..!!
અને જે નથી આવી શકે તેમ, કે પછી આવવા નથી ઈચ્છતા એ લોકો એ એકદમ સ્પષ્ટ નાં પાડી છે, કોઈ એ ગોળ ગોળ વાત કરી જ નથી , આપણા સમાજ નો આ બહુ મોટો બદલાવ છે , અને બીજી વાત એવી પણ છે કે એકપણ ઘરમાંથી એકપણ વડીલ આવવા માંગતા નથી , સાહીઠ ઉપર નું એકપણ માણસ લગ્ન કે બીજા કોઈ પણ પ્રસંગમાં ઘરની બાહર નીકળવા તૈયાર નથી..!!
મેં કીધું અલ્યા આટઆટલી વિકેટો કોવીડમાં પડી હોય અને રોજ છાપા લખે છે કે સ્મશાનોમાં લાઈન લાગે છે તો પછી કોણ સામે ચાલીને એ લાઈનમાં જોડવા આવે..!! તું પણ ખરો છે ને કે ડોહા ડોહીઓ ને આગ્રહ કરે છે..!
મિત્ર એ ઘસી ને કીધું…. ના..આ…આ…, મેં એકપણ ઘરડા ને આવવા કીધું નથી ,પણ કંકોત્રી તો ઘરના વડીલ હયાત હોય ત્યાં સુધી તો એમના નામે લખવી રહી ને..!!
મારો જવાબ હતો ..હા ભાઈ એ વાત બરાબર , પણ યાર હવે બધા ઘણું સમજી ગયા છે , હવે તું મારી વાત પણ સાંભળી લે, હું તારા માટે નહિ પણ છોકરાની જીદ ને લીધે આવું છું પણ જમવામાં મને ના ગણીશ..!
સામો જવાબ આવ્યો .. તું જમે કે ના જમે મને કોઈ ફર્ક નહિ પડે ,મારે તો હવે બીજા ૪૮ જ બોલાવવાના રહ્યા..!!, તારે શું કરવું એ તારી મરજી ,મને જરાકે ખોટું નહિ લાગે, મને તો ખબર જ છે કે તું મારા સબંધે નહિ મારા છોકરા ના સબંધે આવે છે , તું કેટલો અને કેવો આડો ને જીદ્દી છે એની મને ચાલીસ વર્ષથી ખબર છે..!!, મેં તને અત્યારે લોકેશન વોટ્સ એપ કર્યું છે ,ક્યારે ,ક્યાં અને કેટલા વાગે આવવું એ તમે કાકો ભત્રીજો ફોડી લેજો …!!
સીધી ખો
નાખી વરરાજાને માથે..!!
બીજા બે ત્રણ મિત્રો સાથે પણ પાછળથી આ પોઈન્ટ ઉપર ડિસ્કશન થયું ,
આટલા વર્ષો થી આપણે ત્યાં લગ્નોમાં rsvp ક્યારેક ક્યારેક લોકો લખતા ,પણ આપણે ધરાર જવાબ નોહતા આપતા અને પરિણામ સ્વરૂપ એક જબરજસ્ત બગાડ સંસ્કૃતિ ઉભી કરી ને મૂકી દીધી..!!
લગ્નોમાં જેટલો બગાડ મેં જોયો છે એટલો કદાચ બીજે ક્યાંય નથી જોયો , હવે આ કોવીડ કાળમાં બધા જેમ પ્રોમ્પ્ટ થઇ ગયા છે અને ચોક્કસ માણસ જણાવે છે તેમ કોવીડ કાળ પૂરો થાય પછી પણ આવી RSVP ની ટેવ જાળવી રાખીએ તો કેવું રૂડું..!!!
બાકી તો મસ્ત ગુલાબી ઠડી ચાલી રહી છે , હજી ગઈસાલના દિવસો યાદ કરીએ તો આ લગ્નગાળામાં એક એક દિવસમાં ત્રણ ત્રણ જગ્યા હોય અને એ પણ સવાર સાંજ , અઠવાડિયામાં તો એવી હાલત હોય કે ઘેર પત્નીજી ને કહી દઈએ કે હું તો ઘેર દૂધ ને ભાખરી ખાઈશ મારું જમવાનું ઘેર બનાવડાવજો ..!!!
પણ હવે જે નથી થવાનું એ ભૂલી જવાનું..!!
આગળ હજી કેવા દિવસો આવશે એની ખબર નથી પણ ચેતતો નર સદા સુખી..!!
જો કે બંને લગ્નોમાં જતા પેહલા આ ચેતતા નર
એ બધી ડીટેઇલમાં પૂછપરછ કરી લીધી છે, લગ્ન ખુલ્લામાં છે ને ? બંધિયાર હોલમાં નથી ને ? કેટલી કેપેસીટીનો પ્લોટ છે ? પ્રોપર સેનેટાઈઝ થશે ને ? સો થી વધારે નહિ જ ને ? છુટ્ટા બેસવાની વ્યવસ્થા કેવી રીતની ?
આપણે પણ “હોશિયાર” તો ખરા ને જ વળી , સામેવાળા એ પણ કહી દીધું છે કે તારે જમવું હોય તો જ જમજે ,બાકી બધું જ ગરમ ગરમ રાખ્યું છે અને ડિસ્પોઝેબલમાં જ પીરસવાના છે વેવાઈ ..
થોડીક વધારે જક કરી એટલે મિત્રના પત્ની એ અમારા પત્નીજી ને કહી દીધું શૈશવભાઈના દૂધ ભાખરી લેતી આવજે ,ગાડીમાં બેસાડી ને ખાવડાવી દેજે..ત્યારે શું કચકચ..!!
સાચું કહું તો મનમાં લગ્નમાં જવાનો અત્યંત હરખ હરખ થઇ ગયો છે ,બાર મહિના થવા આવ્યા ક્યાંય કોઈ લગ્નોમાં ગયા નથી , વરા ની દાળ ને મસ્ત લવિંગ ઘી નો બાસમતી પુલાવ ને ઉપર પાપડ ..!!
અરરર .. જીભ અત્યારે લપકારા મારે છે ..!!
કેવા માહલતા
તા લગ્નો માં .. એક એક લગ્ન માં ચાર-ચાર ,છ-છ પ્રસંગ અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી તો પેલી રશિયન છોડીઓ નું બેન્ડ આવતું થઇ ગયું હતું અમદાવાદમાં..!!
કોની નજર લાગી ગઈ ..!!
બળ્યું આ લોકડાઉનમાં ખા-ખા કર્યું છે અને જીમ એક બે દિવસ ગયા પછી કોગળિયા ની બીક લાગી ગઈ ,એટલે ઘરમાં કસરત કરીએ છીએ ,પણ જીમ જેવી નાં થાય..!!
એમાં ને એમાં વજન સાત કિલો ચડ્યું છે ગઈસાલના લગ્નોમાં પેહરવાના કપડા તડુંમ તડુંમ થાય છે..!!
બે દિવસમાં તો ક્યાંથી ઉતરે સાત કિલો..?
બે જોડ કપડા જ વસાવા પડશે ..!
ખાતર ઉપર દીવો બીજું શું..!!
આમન્ત્રણ હોય તો મારી જેમ જરાક સાચવી ને જઈ આવજો ,
ક્યારેક છોકરાઓ ના મન પણ સાચવવા પડે ..!!
સમય આવ્યે લાકડા સુધી એના જ ખભે ચડી ને જવાનું ભાઈ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)