સેન્સેક્સ ધડામ , રૂપિયો તળિયે , ક્રુડ પાતાળે …
અલ્યા શું થવા બેઠું છે ? લોહી લુહાણ છે બધા બજારો …
શેર બજાર ની વાટ લાગી ગઈ છે માર્ચ મહિના થી અત્યાર સુધી માં બજાર ૨૫ % ડાઉન થયું છે ,સોનું ચાંદી તો ક્યારનાય પાછા પડે છે સોનું દિવાળીએ ૨૨૦૦૦ નો ભાવ બજાર બોલે છે અને ચાંદી ૩૦૦૦૦ , એક જ દિવસ માં આજે બજારે ૧૭૦૦ પોઈન્ટ ની ગોથ મારી છે ,બજાર ના ઈતિહાસ ની ચોથી સૌથી મોટી સેન્સેક્સની ગુલાંટ છે , ડે ટ્રેડરો ના મોઢામાંથી ફીણ નીકળી ગયા છે , બે જ દિવસમાં એફ આઈ આઈ ૭૦૦૦ કરોડ કાઢી ગઈ છે એ પણ કેશ માર્કેટ માંથી ..!!!
કારણ શું ? તો કહે ચાઈના .. ચાયનીઝ માર્કેટ ૮ % ડાઉન એક દિવસમાં એટલે હોન્કોંગ જાપનીઝ અને તાઈવાનીઝ એની જોડે ૫% ડાઉનમાં ઉતરી ગયા ..જે દિવસથી ચાઇનીઝ યુઆન માં ડીવેલ્યુએશન થયું છે ત્યારથી પનોતી બેઠી છે દુનિયાભરના બજારો પર…
પણ ચાઈના બેઠું બેઠું પોતાની કરન્સી ને ડીવેલ્યુએટ કેમ કરે છે ? વર્ષો ના વર્ષો યુઆન ને એકધારો ઝાલી રાખ્યા પછી હવે કેમ યુઆન ને ઝોલા ખાવાડાવે છે ચાઈના ??
એક અઘોષિત કરન્સી વોર ચાલુ થયું છે ..ચાઈના જોઈ રહ્યું છે કે એમના યુઆન ને છીંક આવે તો કેટલી કરન્સી ના નાકમાંથી લેંટ નીકળે છે એ ચેક થઇ રહ્યું છે …
જબજસ્ત કરન્સી વોર ચાલ્યું છે દુનિયામાં , ચાયનીઝ યુઆન ૪% ડાઉન થયો છે અને જોડે રૂપિયો ૩.૫% ડીવેલ્યુંએટ થયો છે ,આપડી લેંટ કાલે કેટલી વધારે નીકળે છે એ જોવાનું છે , જેટલી સાહેબે કીધું પગલા લીધા છે પણ કોઈ ને કહીશું નહિ , રઘુ સાહેબ કહે છે અમે ચાંપતી નજર રાખીએ છીએ .. હવે જોઈએ જેટલી સાહેબ ના પગલા અને રઘુ સાહેબ ની ચાંપતી નજર ડોલર ને ૭૦ રૂપિયે તો નહિ પોહાચાડે ને ..?? અને સાહેબે તો કહી દીધું દુનિયાની મંદીએ ભારત માટે એક અવસર છે …!! લે બહુ કરી આ તો …
થોડો ચાઈના નો મારો અનુભવ શેર કરું …
છેલ્લા બે વર્ષ માં હું જેટલી વાર ડેલીગેશનમાં ચાઈના ગયો એટલી વાર ત્યાના ઉદ્યોગપતિઓ મંદી મંદીની બુમો મારે છે , રોક બોટમ પ્રાઈઝ માં એમનો માલ વેચવા તૈયાર છે ચીનાઓ ,ડિમાન્ડ અને સપ્લાઈ નો ગેપ જતો રહ્યો છે , ઇન્વેન્ટરી વધી રહી છે …
જેટલા જાપાન અને કોરિયાવાળા જેના જેના પ્રોડક્શન યુનિટો ચાઈના માં છે એ બધાના સીઈઓ અત્યારે ભારતમાં આંટા મારતા થઇ ગયા છે , મને ક્યારનો ડાઉટ ક્રિયેટ થયો હતો કે આ જાપાન અને કોરિયાવાળા ના મોટા મોટા માથા કેમના ભારત આવવા માંડ્યા ? પેહલા તો મારા વાલા એમના મેનેજરો ને જ મોકલતા ..
સાત આઠ વર્ષ પેહલા જયારે હું જયારે ચાઈના એક્ષિબિશનો માં જતો ત્યારે ચાઇનીઝ એક્ઝીબીટરો સાથે ઇન્ડિયન કલ્ચરની વાતો થતી પણ છેલ્લા બે વર્ષમાં સિનારિયો બદલાઈ રહ્યો છે , વાતચીતો નો ટોપિક ભારત ના આર્થિક સુધારા કેટલા ઝડપથી થશે એની વાતો થવા માંડી છે ..
જાપાન અને કોરિયાવાળાઓ ને હજી ભારત માં એમના માલ વેચવા માટેની ભરપુર તકો દેખાય છે ,એમણે ચાઈના માં માલ બનાવી અને ચાઈના ના બજારો ને ઉભરાવી દીધા ,અને ત્યાંથી દુનીભરમાં માલ ફેંક્યા ..
એક વાત એ પણ છે કે ચાઈના એ દરેક વસ્તુ માસ સ્કેલ માં બનાવી અને એનું સીધું પરિણામ ઓવર પ્રોડક્શન …
ચાઈના જબરજસ્ત ઓવર પ્રોડક્શનથી ઘણા વરસથી પીડાઈ રહ્યું છે , તમે બોલો એ પ્રોડક્ટ બોલો એ ક્વોન્ટીટી માં ચાઈના બનાવી આપે છે, એક જમાનો હતો કે નાની ક્વોન્ટીટી ના ઓર્ડરમાં ચાઈના હાથ નોહતું લગાડતું ,આજે નાની નાની ક્વોન્ટીટી ના ઓર્ડર પણ ચાઈના લે છે , જેનો સીધો મતલબ છે ઓવર પ્રોડક્શન ..અને મંદી ..
પાછો આજની વાત પર આવું ,
આજના બજારો ની પછડાટ નું મોટું કારણ ચાઇનીઝ યુઆન જ છે , ચાઈના એ પોતે પ્રોડક્શન માં પોતાની સુપ્રીમસી દુનિયા ની સામે પ્રૂવ કરી લીધી છે , અને હવે નેક્સ્ટ સ્ટેપ ચાઈનાનું પોતાની કરન્સી યુઆનને દુનિયાની લીડીંગ કરન્સી માં સ્થાપિત કરવાનું છે …
ચાઈના ને કોઈપણ રીતે એની કરન્સી યુઆન જેને ચીનાઓ આરએમ બી કહે છે એને ડોલર ,યુરો ,અને પાઉન્ડ ની હરોળમાં લાવવો છે , પોતાના ઉદ્યોગકારો ને સાચવવા માટે ચાઇનીઝ સરકારે વર્ષો ના વર્ષો યુઆન ને સ્થિરતા આપી ચાઇનીઝ ફેડરલ બેન્કે સપોર્ટ કર્યો , ક્યારેય અપ ડાઉન ના કર્યા , ઉદ્યોગકારો ને કીધું તમે માલ બનાવો અને વેચો કરન્સી ફલ્કચ્યુએશનમાં તમને કોઈ નુકસાન નહિ પડે ,કીધું પણ ખરું અને કરી પણ બતાવ્યું …
હવે જયારે પ્રોડક્શન માં માસ્ટરી આવી જ છે અને કોઈ કોમ્પીટીશન જ નથી ત્યારે હવે યુઆન ને રમાડે છે અને આપણે એની જોડે જેમ પતંગની જોડે તુક્કલ ગોથ મારે એમ ગોથ મારીએ છીએ ..
આવતીકાલ નો દિવસ પણ થોડો ભારે જ રેહવાનો બજારો માટે અને વધુ તડાફડી બોલી તો દસ બાર પાર્ટીઓ ઉઠવાની , ફોરવર્ડ સોદા મંદી ના જ પડ્યા છે ..
શેરબજારની અસર રીયાલીટી પર આવતા વાર લાગે પણ આવશે ખરી …લીક્વીડીટી ની ખેંચ આમ પણ બજાર માં છે એ થોડી વધવાની ..અને વાતે વાતે ભગવાનને હેરાન કરવા વાળી પ્રજા થોડી ઘણી બાધાઓ વધારે રાખશે …
પેહલા ગ્રીસ હવે ચાઈના … આના કરતા ક્લોઝ ઈકોનોમી શું ખોટી હતી હેં ? દુનિયા નીચે જાય તો આપણે ઉપર યાદ કરો જુના દિવસો , છાપા નું બીજું પાનું .. રિલાયન્સ તો પરપોટો છે …તાતા તો રાંડી રાંડ નો શેર ..
જવાદો એ દિવસોની વાત , અત્યારે તો આઈ ટી વાળા ને કદાચ ફાયદો થશે … હજી બજાર નીચે જાય તો માલ લેવા ના દિવસો આવશે..
પપ્પા ના શેરબજાર ના ગુરુ જેઠા કાકા અત્યારે જીવતા હોત તો ૧૩૦ વર્ષ ના હોત કદાચ ..
જેઠા કાકા પપ્પા ને કેહતા “ દાક્તર ગામ બજાર માંથી બહાર જાય ત્યારે આપણે અંદર જવું અને ગામ અંદર આવે તો આપણે બહાર જવું “
ચાલો સૌને
શુભ રાત્રી
શૈશવ વોરા