કાળઝાળ તપતો અધિક-જેઠ મહિનો આગળ જતો જાય છે,
સવાર અને પડી ફેસબુક ખોલ્યું તો પુના રેહતા કોઈકે વિદ્વાને વિદુષી ડૉ અશ્વિનીજી ભીડે દેશપાંડે નો ગાયેલો રાગ મિયાં મલ્હાર શેર કર્યો હતો, અને મારાથી કિલક થઇ ગયું ..એકદમ જ મારા કમરામાં મિયાં મલ્હાર ની તાનો ગુંજવા લાગી..બોલે રે પપીહરા પપીહારા ..
બારીની બાહર ડોક્યું કર્યું તો ક્યાંક થોડી બદલી છાયેલી હોય એવું લાગ્યું..
એક મિનીટ માટે અષાઢના ભણકારા વાગી ગયા..
પણ હાય રે કિસ્મત આ તો દુ`કાળનો અધિક છે..જેઠ આખો છે બાકી, લગભગ ચાલીસ દિવસની વાર છે મિયાં મલ્હારને..!!
ગરમીથી હાલત એવી છે કે બપોર પડ્યે ક્યારેક એસી કામ કરતા નથી એવું લાગે છે, અને સરકાર કહે છે પર્જન્ય યજ્ઞ કરવો છે…
ભાઈ એના કરતા મિયાં મલ્હાર ,સુર મલ્હાર ,ગૌડ મલ્હાર ,રામદાસી મલ્હાર ,મેઘ મલ્હાર , ગાય મલ્હાર .. અને બીજા ઢગલો એક મલ્હારના રાગ રાગીણી છે..એનો ટ્રાય કરો..
વિધાનસભા પરિસરમાં આવેલા સ્વર્ણિમ સંકુલ ને રાજ દરબાર બનવવામાં ખાલી રંગભવન જ ખૂટે છે,
તો પછી એક પરમેનેન્ટ રંગ ભવન પણ હો જાયે….
મુઆ બીજા બસ્સો ત્રણસો કરોડ..
રાજ દરબારની જેમ હેઈ મજાના ચોવીસે કલાક રાગ રાગીણીઓ ગુંજતા રેહશે સ્વર્ણિમ સંકુલમાં અને પોઝીટીવ એનર્જી આવ્યા કરશે..
ડેમ ખાલી થયા, તો હુકમ કરવાનો…ગા`વ મલ્હાર .. ઝરમર ઝરમર વરસાવવો છે તો ગવડાવો રાગ દેશ,વરસાદ વધી ગયો તો ગવડાવો રાગ પટદીપ (દીપક રાગ નો જ એક પ્રકાર)
અને હા યાર.. ગાવાવાળા ક્યાંથી લાવવા ..?
ઘેર થી વડનગરથી..
મ ..પ .. ની ધ ની ની સાં .. મ પ ગમરે સા .. મિયાં મલ્હાર ચાલુ, ત્યારે શું વળી હેં ??
મિયાં મલ્હારમાં હતું શું..? દરબારીનો ગંધાર એક શ્રુતિ ઉપર લઇ ને બંને નિષાદ ને ભેગા કરી નાખો એટલે મિયાં મલ્હાર વળી, અને દેશ ગાવો છે કશું ય નથી એમાં ય… ગનીસા ગનીસા કર્યા કરો એટલે દેશ રાગ..
વરસાદ જ વરસાદ..જેઠ મહિનો હોય કે અધિક જેઠ ..!!!
અષાઢની રાહ જ નહી જોવાની તમતમારે..!
કરિશ્મા થાય છે એની નાં નહિ, પણ એ ક્યારેક જ..પર્જન્ય યજ્ઞ થાય પણ સાયન્ટીફીકલી પ્રૂવન ઓપ્શનને પેહલી પ્રાયોરીટી હોવી જોઈએ..!!
હજી ગયું ચોમાસું યાદ કરો તો ચારે તરફ પાણી જ પાણી હતું અને અચાનક માથે કાળ પડ્યો..
મેનજમેન્ટ હતું કે મિસ મેનેજમેન્ટ એ અર્ધસત્યના જમાનામાં તમને ક્યારેય જાણવા નહિ મળે…
નવાઈ તો લાગે ,
અલ્યા હજી છ મહિના પેહલા તો પાણી ક્યાં નાખવું એ સવાલ હતો, અને અત્યારે નર્મદા ડેમમાં ડૂબમાં ગયેલા હાંફેશ્વર મહાદેવ બાહર કેમના આવી ગયા ??
રાંડીરાંડ ના સેંથા ની જેમ માં નર્મદા ભરૂચ આગળ પાતળી પટ્ટીમાં વહે છે..
ક્યાં અફાટ પટ અને ક્યાં એ સાબરમતી કરતા નાની નર્મદા..!!??
સાબરમતીને બે કાંઠે રાખી અને ભરૂચ આગળ નર્મદાને સુકવી નાખવી ..
આ કાર્ય તો સતયુગ ,ત્રેતા ,દ્વાપર માં પણ એકેય રાક્ષસે પણ નથી કર્યું..
ભગીરથએ ગંગાને ધરતી ઉપર ઉતારી હતી પણ પછી સિંધુ, બ્રહ્મપુત્ર,કાવેરી ને “સુકવી” નોહતી મારી, ગમે તે કાર્ય હોય એકવાર પાછું વાળીને તો જોવું જ રહ્યું…
નર્મદાજીને અમરકંટક થી તો ભરૂચ છેકે છેક સુધી વેહતા રાખવા જ રહ્યા…
સા`ભ્રમતી કોરી રેહશે તે ચાલશે..
પણ મતોના રાજકારણ ને કોણ પોહચે..??
જેસીબી મશીનના જમાનામાં શિક્ષકોના હાથમાં કોદાળા અને પાવડા પકડાવવા અને એને સાચું ઠેરવવા ગાંધીજીના શ્રમદાનની વાર્તા અયોગ્ય છે..
ગામના તળાવો ઊંડા થવા જ જોઈએ, પણ હવે તો ખટારા અને જેસીબી જ ચાલે..બિચારા માસ્તરોના આખા દિવસના વીસ તગારે તળાવ કેટલા ઊંડા જાય ..?
શેહરોના તળાવોની શું પોઝીશન ..?
વસ્ત્રાપુરનું શું ..?
તો કહે તળિયું જ ફૂટલું છે … પાણી રહે જ નહિ..!!
રૂપિયાના આંધણ કર્યા બધું પાણીમાં ..સોરી માટીમાં ..!
લખુડી તળાવડી ?
પુરાઈ ગઈ ..
કેટલા તળાવો બચ્યા અમદાવાદમાં ?
વાત કરવા જેવી નથી ..કાળજે શેરડા પડે ..
ઘમ ઘમ કરતો વીસ પચ્ચીસ દિવસમાં વરસશે ,મોરલા થનગન નાચશે અને અમે મેઘ મલ્હાર ગણગણશું પણ હકીકતે જમીન પર શું થશે..?
ફરી પાછી એ જ અણઆવડત ..
ક્યાંક નેહરોના પાળા તૂટશે અને ગામડે ગામડા પાણીમાં જતા રેહશે, ક્યાંક કમ્પ્લીટ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે, અમદાવાદના પૂર્વ પશ્ચિમ ને જોડતા બોટાદ રેલ્વે લાઈનના માદલપુર થી લઈને નિર્ણયનગર સુધીના બધાજ ગરનાળા પાણી ગરકાવ થશે અને પછી રીવર ફ્રન્ટના પાણી જખ મારીને ઉતારો ત્યારે ગરનાળા ખાલી થાય..!
ગરનાળા ખાલી કરવા માટે મોઘભાવનું સંઘરી રાખેલું પાણી એમનેમ વેહાડાવી દેવું પડશે..
ગયા વર્ષે ઉત્તર ગુજરાતમાં મેઘ કેહર વરસ્યો હતો અને બધું જ પાણી સાબરમતી અને એની સહયોગી નદીઓમાંથી બાહર નીકળવાની બદલે કચ્છ બાજુ ગયું હતું ..
છેલ્લે રહી રહીને બાવળા બગોદરા પંથકને વરસાદે ધમરોળી નાખ્યો હતો..
લગભગ સોળ આની ચોમાસું હતું તો પણ આજે દરેક ડેમ ના તળિયા દેખાઈ રહ્યા છે..
પ્રેક્ટીકલી ફાટી પડી છે સરકારની ,જો વરસ્યો નહિ તો ..??
કલ્પના પણ કરી શકાય તેમ નથી..
મિસમેનજમેન્ટને સુધારો ..
ડેટાનો જમાનો છે ,
આગોતરા પ્લાનીગ માટે નો રાઈટ ટાઈમ છે ..
દેશભરમાં પથરાયેલા હજ્જારો ડેમની સ્ટ્રેન્થ ચેક કરવાનો રાઈટ ટાઈમ છે, અને દરેક ડેમને અડીને આવેલા માટીના પાળા કે પર્વત જે ડેમ જેટલું જ પાણીનું પ્રેશર લેતા હોય છે એની સ્ટ્રેન્થ ચેક કરવાની ઓથોરીટી ઉભી કરવાનો હાઈ ટાઈમ છે…
આજે નહિ જાગ્યા તો મોરબીના મચ્છુ જેવી હોનારતો ગમે ત્યારે અને ગમે ત્યાં દેશભરમાં થશે અને વસ્તી વધારાને લીધે મરણઆંક લાખ્ખો માં જશે..
મચ્છુની આજુબાજુનાં પાળા તૂટ્યા હતા ડેમ સલામત હતો છેક સુધી ,તાત્કાલિક અસરથી ડેમ ,ચેક ડેમ અને કેનાલના પાળાની સ્ટ્રેન્થ સમય સમય પર ચેક કરી અને રીપોર્ટ થવા જોઈએ ..
બાકી તો એકસો ત્રીસ કરોડમાંથી બે પાંચ લાખ મરે તો શું ફેર પડશે..?
સરકાર ગમે તેની હોય …
છે ને આર એસ એસ ના સ્વયંસેવકો.. મડદા ઊંચકવા..!! (ગમે તેવી મુસીબતને માથે ઉપાડીને લઈને પાર પાડતા સંઘના નાનામાં નાના સ્વયંસેવક પ્રત્યે સંપૂર્ણ સન્માન અને અહોભાવથી આ વાક્ય લખ્યું છે..)
અમે તો પક્ષવાળા..!!
પેલી સાબરમતીની આરતી કરવાના ઢઢડિયા થયા હતા ,ગંગા આરતીની જેમ ..
શું થયું અલ્યા હેં ?
આરતી કરો છો આ સુડતાલીસ ડીગ્રીમાં ?
કે પછી આરતી હવે ભોપાલના રાજભવનથી થાય છે ?
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા