દમણને ગુજરાતમાં ભેળવી દેવામાં આવશે..
આવા બધા ઘણા મેસેજીસ સોશિઅલ મીડિયા પર ફરી રહ્યા છે..આગળ લખતા પેહલા સ્પષ્ટતા કરી દઉં કે દારૂની દુકાને થી અમુલના એલચી ફ્લેવર્ડ દૂધની બાટલી લઈને અને પીનારો માણસ એવો “મુરખો” હું છુ..!
હું દારુ પીતો નથી..
પણ એનો મતલબ એ હરગીઝ નહિ કે દારુ પીવે એ બધા ખરાબ,નાલાયક કે નક્કામા,બૈરીને મારઝૂડ કરનારા કે બળાત્કારી..!
દમણને ગુજરાતમાં ભેળવો એટલે આપોઆપ દમણમાં દારૂબંધી આવે અને એની સીધી જ અને ખતરનાક અસર એટલે દમણમાં બનેલા અઢળક રિસોર્ટ અને વર્ષોની મેહનત પછી ઉભા થયેલા હોટલ ઉદ્યોગનું તાત્કાલિક ધોરણે અકાળ મૃત્યુ..!
કાયદાને ગધેડો કીધો અને હવે એ ગધેડો હવે રાજ કરીને બધું તારાજ કરી રહ્યો છે..!
એક પ્રસંગની કલ્પના કરો..
એક દિવસ સવારે બે પાંચ હજાર બૈરા અને થોડાક ગમે તે ધર્મના બાવાઓ ભેગા થઇ ને અમદાવાદની સિવિલ હોસ્પિટલ પર હુમલો કરે છે અને બધું તોડીફોડી નાખે, અને આ જે બાવાઓ કીધા એમાં હિંદુ,મુસલમાન,ક્રિશ્ચિયન અને બીજા બેચાર ધરમના પણ જોડાય…
તો પછી હવે તો સરકાર “મજબુર” થઇ જાય અને છેવટે વિધાનસભામાં કાયદો પસાર થાય કે એલોપેથીની પ્રેક્ટીસ બંધ ૩૧મી તારીખથી, બધા જ દવાખાના અને હોસ્પિટલ્સ બંધ, અને દરેક દરગાહ મંદિરો પર ભુવા, ઓલિયા, ફૂંકવાવાળા પાસે લોકોએ દવા લેવી..!
કારણ શું આવા કાયદા લાવવાનું ?
તો કહે હોસ્પિટલમાં તો લોકો મરી જાય છે ભુવાને ત્યાં કે ફૂંકવાવાળાને ત્યાં કોઈ મરે નહિ એના ઘેર જઈને મરે બધા..!
કાયદાની એક કલમ બધા જ દાકતરોને ગુન્હેગાર ઠેરવી દે..એક જ રાતમાં ભગવાનનો અવતાર દાકતરો રાક્ષસ ઘોષિત થઇ જાય..!
વિચિત્ર લાગ્યું ને આખું લખાણ ?
પણ દોસ્તો એવું જ છે સદીઓથી એક જુદી જિંદગી જીવવા ટેવાયેલા દમણના લોકો ઉપર અચાનક દારૂબંધી આવશે, અને જે કામ બિલકુલ કાયદેસરનું હતું એ ગેરકાયદેસર કેહવાશે..!
આ દેશમાં બહુમતી (કોઈપણ કોમ ધરમની “બહુમતી” નહિ પણ વધુ માણસો ભેગા થઈને નક્કી કરે તે) એમ નક્કી કરે કે મુકેશ અંબાણીનું આન્તાલીયા જપ્ત કરો અને ત્યાં રોજ સરસ મજાની ઝુણકા ભાખર બનાવો અને ગરીબોને ખવડાવો તો આન્તાલીયા અમદાવાદના ત્રણ દરવાજા બાહરની મુસા ની હોટલ છે એવું થઇ જાય..!
અને હા એમનેમ તો આન્તાલીયા જપ્ત ના થાય, એટલે એના માટે કાયદો એવો પસાર કરવાનો કે દેશમાં સો કરોડ રૂપિયાથી વધારે કિમતનું કોઈનું ઘરના હોવું જોઈએ અને જો હોય તો સરકારનું..!
જય હો..!
શું મતલબ છે ? બહુમતીના જોરે આવા કાયદા પસાર કરી અને સસ્તી લોકપ્રિયતા લેવાનો ..?
શું બધા જ દારુ પીનારા દારૂ પી ને પોતાની પત્નીને ફટકારે છે..? શું સ્ત્રીઓ દારૂ નથી પીતી..? મારે દારૂ પીવો કે નહિ એ હક્ક મારો કે સરકારનો..?
દારુ ને “દૈત્ય” ઘોષિત કરી નાખ્યો છે,અને લગભગ દરેક ગુજરાતીના જીનેટીક્સ માં ઘાલી દીધું છે કે દારુ એટલે ભયંકર અને ખરાબ..
મેં પણ બહુ વર્ષો સુધી એક ચોક્કસ અંતર જાળવ્યું દારૂ પીનારા લોકો જોડે, અને નફરતથી જોયા,પણ જેમ જેમ ઉમર વધતી ગઈ તેમ તેમ એવો એહસાસ થતો જાય કે ના ખરેખર એવું કઈ જ નથી..
કેમેસ્ટ્રી ભણ્યા ઈથાઈલ આલ્કોહોલ અને મિથાઈલ આલ્કોહોલ..બધા –ઓલ,-નોલ અને -એટ પ્રત્યયો ક્યાં લાગે અને કેમ લાગે એ શીખ્યા,આલ્કોહોલ CNS(સેન્ટ્રલ નર્વ સીસ્ટમ)ને ઈફેક્ટ કરે કે નહિ? સેડેશન કેમ આપે છે?કેમ માણસ “હાઈ” થઇ જાય એ બધું મોમ પાસેથી જાણ્યુ..પછી એમ લાગ્યું કે બીજા બધા જે નશા છે ઓપિયમ વગેરે વગેરે,એના કરતા તો દારુ ખરેખર ઓછો હાનીકારક છે..!
આજે દારુ બનાવવો એ પણ ચપટીનો ખેલ છે મારે માટે, પણ દારુની કેમિકલ, ફીઝીયોલીજીકલ,અને સોશીઓલોજીકલ થતી અસરો બધાના એનાલીસીસ કરવા ઘટે છે..
મોટે ભાગે સ્ટ્રેસ રિલીવર અને આનંદ માટે જ સોમરસનું સેવન થાય છે,ઘણી બધી વાર જે કામ વગર પીધે અશક્ય હોય, એ પીધા પછી ઝપાટામાં થાય છે..
મને “પીધેલા”ની તો હમેશા દયા આવી છે,અને ઘણી બધી વાર સખત “ખાર” પણ ચડે, જયારે પીધેલો પોતાની જાતને સંભાળી ના શકે ત્યારે,
પણ જયારે જયારે એવા પીધેલા જીવનના એનાલીસીસ કરું,ત્યારે ત્યારે ખરેખર દયા આવે છે પીધેલાઓ ઉપર,પોતે જ પોતાની જાત ઉપર બાંધેલી પોતાની મનથી માની લીધેલી મર્યાદાને તોડવા માટે એને નશો કરવો પડે છે..!
બહુ જ દર્દનાક પ્રોસેસ છે આ, પોતાની જાતને પકડી અને એક મર્યાદાની વાડમાં પુરી દેવાની પ્રક્રિયા,કઈ કેટલા અરમાનો અને ઈચ્છાઓના ગળા ઘોંટી અને પોતાની મજબૂરીને નજર સામે રાખીને માણસ પોતાની જાતને મર્યાદા નામના વાડામાં પૂરી દેતો હોય છે,અને ઘણીવાર તો ઉપરથી એકદમ સજ્જડ તાળું પણ મારતો હોય છે કે, આમાંથી એકપણ ઈચ્છા કે મર્યાદા ભૂલથી પણ બહાર ના નીકળી જાય..!
મને ઘણા લોકો એમ કહે છે તું તો વગર પીધે જ “હાઈ” હોય છે, ટૂંકમાં એમના કેહવા પ્રમાણે મારે એમ માનવું જોઈએ કે હું વગર પીધે પીધેલો હોઉં એમ ફરું છુ..
જવાબ છે કદાચ હા
કેમકે મેં મારી જાત કે બીજા કોઈપણ માટે ક્યારેય કોઈ મર્યાદાના બંધનો નથી બાંધ્યા, ઈર્ષ્યાથી અને પ્રશંશાથી પર થવાના પ્રયત્નો ચાલુ છે,ઈચ્છાઓ લગભગ ઈશ્વરકૃપાએ પૂરી થઇ છે અને નવ કાણાના ગોલ્ફ કોર્સના માલિક થવાની મહેચ્છા મારામાં જન્મી નથી,
હા ક્યારેક ગરીબીનો એહસાસ થાય છે, હોંગકોંગના નાથ્થન રોડ ઉભા રહીને શોપિંગ કરવામાં એક લાખ HKDથી શરુ થતી રિસ્ટવોચ કે ટોકિયોમાં એક ફ્લેટના માલિકના હોવા માટે, કે પછી મકાઉના કેસીનોમાં, એમિરેટ્સના બીઝનેસ ક્લાસમાં ફ્લાય ના કરીને કેટલ ક્લાસમાં આવવા માટે, ફરફરાટ ફ્રેંચ બોલતા ધર્મપત્નીજી જોડે ફ્રાંસના દ્રાક્ષના ખેતરોમાં ઘુમવા નથી મળતુ ,દુબઈની અલ બુર્જ અરબમાં ૧૨ હજાર દીરહામનું બેન્ટલીમાં જઈને ડીનર નથી થતુ..! આવું બધું ખરું ..
પણ તકલીફ છે એક બીજી પણ,
મળ્યાની મસ્તી નથી ચડતી, અને છોડ્યાનો અણહાગારો નથી લાગતો,
મારી મસ્તી મેં મારામાં શોધી લીધી છે,
એક કામથી કંટાળો આવે તો કામ બદલી નાખું છું, લેપટોપ પર લખવાથી કંટાળો આવે તો સંગીત નહિ તો કોઈ ચોપડી નહિ તો કેમેસ્ટ્રી નહિ તો માર્કેટ છેલ્લે શંભુડો..પણ દરેક વ્યક્તિ મારા જેટલા બ્લેસ્ડ નથી હોતા, ક્યાંક કોઈકને કયારેક સહારાની જરૂર પણ હોય છે અને એ સહારો કોઈ નશાકારક વસ્તુ આપે તો કઈ ખોટું નથી..
ડીપ્રેશનમાં જઈ અને ડીપ્રેશનની ગોળી ગળવી એના કરતા બે પેગ મારી અને દુનિયા જોડે લડી લેવુ ચોક્કસ સારુ..
અને હા દારૂ પી ને ગાડી ચલવવા દેવી કે નહિ ?એ નક્કી કરવાનો હક્ક ચોક્કસ સરકારનો છે, કેમકે પીધા પછી “લાલો” એક્સિડન્ટ કરે અને પછી પંદર પંદર વર્ષ કેસ ચાલે અને છેક છેલ્લે “સાક્ષી ભઈ” લંડનથી આવે અને ફરી જાય અને પછી એવું ઠેરવી આપવું પડે કે જે લોકો મરી ગયા એ બધા ઉપર એક આકાશી રથ ફરી ગયો હતો અને રથ પાછો આકાશમાં ગાયબ થઇ ગયો..એટલે ફૂટપાથ પર સુતેલા માણસો મરી ગયા, બાકી આપણો “લાલો” તો એ ગાડીમાં હતો જ નહિ..
એ ઢીંકા ચીકા ઢીંકા ચીકા ઢીં..એ એ ઢીંકા ચીકા ઢીંકા ચીકા ઢીં..એ એ એ ..
એટલે ગાડી પીધા પછી ના ચલાવુ એ બરાબર,પણ દારૂ મારે પીવો કે નહિ એ સરકાર કેમ નક્કી કરે..?બહુ બહુ તો મારી બાયડી નક્કી કરે..! મારે દારૂ પીવો કે નહિ..
એક ખાનગી વાત કહુ, અમુક કેસમાં તો “બૈરા” (માનાર્થે બહુવચન છે) પણ સામેથી પાર્ટી કરવા મોકલે છે, કેમ?તો કહે પાર્ટી કરીને પાછો આવીને માટીડો બહુ “રોમેન્ટિક” થઇ જાય છે,આખી રાત મજા આવે છે..!
લે લેતો જા..ભારે બહુમતીની સરકાર તોડી લે હવે ગાજર ઝાડ પરથી..!
એ શૈશવ ગાજર જમીનમાં ઉગે ઝાડ પર નહિ, કેવી રીતે તોડાય..?
બોલો આ સરકારનું શું કરવું?એના માથાના વાળ ખેંચી કાઢવા પડે કે નહિ..? ગાજરની જોડે..!
એમપી,યુપીમાં કકળાટ ચાલુ છે,મહારાષ્ટ્ર એ રસ્તે આગળ જઈ રહ્યું છે બધે જ ગુજરાત મોડેલ લાગુ પાડવાની હોડ લાગી છે સુંઠને ગાંગડે ગાંધી થવું છે બધાને..!
સુંઠની ખબર પડી ગઈ છે, અને ગાંધીની દુકાન ખોલી નાખવી છે,પણ ગાંધીને તો સુંઠની જોડે કંકોડાનું પણ નોલેજ હોય,તમને ખરું..?
ગુજરાતનું પોતાનું આગવું કલ્ચર છે એક વિચારોની સાથે ચાલેલી પ્રજા છે અને આ પ્રજાની પ્રોડક્ટ દુનિયાભરમાં રીઝલ્ટ આપી રહી છે,ઠેર ઠેર દારૂબંધી કટ્ટર ધાર્મિકતાને જન્મ આપે છે,કાશ્મીરની કટ્ટરતા એની પ્રજા પાસે બીજો કોઈ જ નશો ના હોવાને કારણે છે, દરેક વ્યક્તિ સમાજ શેહર રાજ્ય અને રાષ્ટ્ર એક નશામાં જીવતો હોય છે ,
ધીગાણા પણ કહુંબા પાણી વિના નોહતા લઢાતા..ભાટ બારોટ અને ચારણ કેટકેટલા દુહા છંદનો નશો કરાવતા ત્યારે બાપુ રણે ચડતા..!
બિલકુલ નશા વિનાની પ્રજા નિર્માલ્ય થઇ જાય છે..
ચીન લગભગ સોળ સદી સુધી નશામાં રહ્યું ચારેબાજુ ગંજેરી જ ફરતા હતા,આજે પણ દુનિયામાં બીજા પ્રકારનો નો નશો કરેલા “ગંજેરી” હાથમાં બંદુકો લઈને બાધ ક્યાં તો બાધવા દે કરીને ફરી રહ્યા છે, અને ધરણી ધ્રુજાવી રહ્યા છે, દુનિયા આખી એમનાથી ઝૈડ જાય છે બધા મોઢા સંભાળીને જ બોલે છે..!
એમને કોઈએ નશો કરાવ્યો છે અને પોતે પણ નશો કર્યો છે ..
દારુ,ગાંજો અને તમાકુના નશાને કન્ટ્રોલ કરવાની ભરપુર કોશિશ થઇ રહી છે પણ ધરમ નામનો નશો આ બધુ બંધ કરાવીને સમાજ પર હાવી થઇ જશે ત્યારે શું કરશો..?
કેટલા ધર્મગુરુઓ એ ધર્મના નામે બળાત્કારો કર્યા છે?કોઈ ધરમ બાકી નથી આ “કુ” કાર્ય કરવામાં..થોડો આગળ જાઉં સ્ત્રીને “ના જોવાના” અને “ના અડવાના” નશા હેઠળ કેટલા કુમળા ૧૪થી ૧૭ વર્ષના કિશોરોની સાથે દુષ્કૃત્ય થયા છે..?
કોઈ જ ધર્મનો ઠેકેદાર આ કૃત્ય કરવામાં બાકી નથી, અતિધાર્મિક પરિવારના થોડાક સ્માર્ટ દેખાતા કિશોરને પ્રેમથી પૂછી જોજો કે તારો બાપ જેના પગમાં પડે છે એણે તારી ઉપર કેટલી વાર હાથ ફેરો કર્યો છે..?
આ બધા કરતા, દારુ સો ગણો સારો,એક રાતમાં ચઢેલો ઉતરી જાય અને બીજા દિવસે કામ પર લાગી જાય ..
બીજા બધા નશામાંથી તો જીવનભર જનતા બહાર નથી આવતી અને એ નશામાં આખે આખા સમાજને બરબાદ કરવામાં આવે છે..!
વધારે પડતું થઇ રહ્યું છે,કાયદાનો સહારો લઈને પર્સનલ લાઈફમાં માથું ના મારો તો સારું..
એક બીજા સમાચાર હતા કે નિરોધ (કોન્ડોમ) ખરીદવા આધાર કાર્ડ આપવું પડશે..!
શું સરકાર કરવા માંગે છે..?
ક્યાં અને કેટલે સુધી આગળ જવું છે સરકારે..? યુપી,એમપીમાં દારૂબંધીના ભણકારા વાગી રહ્યા છે અને હવે જો રાજસ્થાન આ રવાડે ચડયું તો..?
ગોવામાં રાતની પાર્ટીઓ બંધ કરી અને ૧૨ વાગ્યા સુધી જ બધું ચાલે..તો શું થાય ?
ભૂખે મરે,
એકે એક પેલેસ ખાલી થઇ જાય અને બધા બીચ ખાલી થઇ જાય,
નામે ટુરીસ્ટ ના ફરકે..!
એક ભયાનક કટ્ટર સમાજના નિર્માણના ફક્ત એક જ દસકામાં આવનારી અસરમાં પેહલી જ અસરમાં જોઈએ તો..
કટ્ટર સમાજ પેહલો ભોગ લે છે સ્ત્રીનો ,સમાજ જેમ જેમ કટ્ટરતા તરફ આગળ વધે તેમ તેમ સ્ત્રીની પીડા વધતી જાય, આજે દારુના ઠેકા તોડનારી સ્ત્રીને કટ્ટર પુરુષ ઢોલનગારા વગાડતો વગાડતો પતિની ચિતા પર કે કબરમાં દફન કરતો નહિ અચકાય..
ભારતવર્ષ એ સમયમાંથી પસાર થઈ ચુક્યું છે..
નશો મર્યાદામાં સારો, પણ બંધ તો બિલકુલ નહિ સારો..આધાર કાર્ડથી કોન્ડોમ આપવાની વાત કરો છો એના કરતા દારુને આધાર કાર્ડ વિના નહિ મળે એવુ કૈક ગોઠવો અને ડેટા ભેગા કરો..!
બિહારમાં દારૂબંધી કર્યા પછી સામાજિક પરિસ્થિતિ કેટલી સુધરી..? સેહજ અવલોકન જરૂરી છે..
શું બિહારમાં બળાત્કાર થતા બંધ થઇ ગયા?ગુજરાત અને કાશ્મીરમાં દારૂબંધી ને લીધે જ ક્રાઈમ રેટ નીચો છે ?ફાયનાન્શીઅલ ક્રાઈમ શા માટે ગુજરાતમાંથી વધારે થાય છે?
ક્રિમીનલ માઈન્ડ સેટને અને દારુને કનેક્શન ખરા ?
પીધા પછી ક્રિમીનલ માઈન્ડ સેટ “એગ્રીવેટ” થાય છે કે “ડિપ્રેસ” થાય છે ?
બહુ મોટી ચર્ચાનો વિષય છે, કોઈને સતત એમ કહીએ કે તું ક્રિમીનલ તું ક્રિમીનલ પછી તો એ ના હોય તો પણ એ તરફ જવા પ્રેરાય..!
દારૂબંધીની ચર્ચાને આરો કે ઓવારો નથી, હું હમેશા કહું છું કે બધું માપમાં સારું જીવન ૫૦-૫૦ % થી ચાલે સાવ હળવી નહિ, અને સાવ કડક પણ નહિ, બધું માપે માપ રહી ને ચાલે તો જીવનના રંગો માણવાની મજા છે..
બાકી એમ કહીએ કે સફેદ રંગમાં સાત રંગ આવી જાય છે, માટે દુનિયા સફેદ કરી નાખો તો પછી..
બેસણામાં અને લગ્નના રીશેપ્શનમાં કોઈ ફેર ના રહે..!
શુભ રાત્રી
શૈશવ વોરા