અમદાવાદના એકે એક ચાર રસ્તાની આજે આ હાલત છે,ચારે બાજુ ટ્રાફિક જામ છે અને લોકો ગમે ત્યાંથી બહાર નીકળવાના રસ્તા શોધે છે,ચારે બાજુ બ્યુટીફીકેશન ના નામે રોડ નાના કરી અને ફૂટપાથ ખાઈ ગયા, એકદમ પોહળા સીજી રોડને સાંકડો કર્યો , બાકી વધ્યું એમાં BRTS ઘાલી,શું કરવું છે આ લોકોને એ જ સમજાતું નથી ..!
આજે કોઈને એક રીસેપ્શનમાં જવાનું છે અને કોઈને બે કે ત્રણ ,વેલે પાર્કિંગમાં આપેલી ગાડીને પણ પાછી આવતા વીસ મિનીટ થાય છે,અને સાંજ સાત વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં બે ત્રણ જુદા જુદા એરિયામાં જો બે ત્રણ લગ્નો એટેન્ડ કરવાના આવ્યા તો વાટ લાગી જાય..!
હેલીકોપ્ટર વસાવવું પડે એવું થઇ ગયું છે,આ તો ખાલી વાત છે હો ભાઈ, બાકી રમકડાનું હેલીકોપ્ટર મળતું હતું બારસો રૂપિયામાં અને મસ્ત દસ માળ સુધી ઉડતું હતું , એની ઉપર પણ અમદાવાદ પોલીસ કમિશનરે પ્રતિબંધ મૂકી દીધો એટલે એ રમકડાનું હેલીકોપ્ટર પણ આપડા માટે સપનું થઇ ગયું ..
પણ આજે સવારથી ટ્રાફિકમાં હું અટવાયા કરું છું અને એક જ સવાલ મનમાં ફરે છે દિલ્લી કેટલું દુર ..?અમદાવાદનું ટ્રાફિકને લીધે થતું એર પોલ્યુશન કેટલું..?
અને જવાબ પણ એક જ આવે છે .. જરાય નહિ , વાહનો ટ્રાફિક અને પ્રદુષણના મામલામાં અમદાવાદ લગભગ દિલ્લીની લગોલગ આવીને ઉભું છે..!
આજે સવારે શ્યામલ ચાર રસ્તા ,જીવરાજપાર્ક ,APMC ,વિશાલા ,નારોલ ઇસનપુર ,ઘોડાસર ,જશોદા,સીટીએમ ..આ બધા ચાર રસ્તે પ્રેક્ટીકલી પંદર પંદર મિનીટ ના ટ્રાફિક જામ હતા અને સાંજ પડ્યે તો હદ થઈ ગઈ શિવરંજની બ્રીજ છેક આસોપાલવથી જામ તે શ્યામલ ચાર રસ્તા સુધી ..લગભગ આખો દિવસ મારો ગાડીમાં ટ્રાફિકમાં ગયો છે..!
ડ્રાઈવરનો મહિનાનો પગાર એક દિવસમાં વસુલ થઇ ગયો..!
એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડને પણ ટ્રાફિકની બહાર નીકળતા દમ નીકળી ગયો હતો.કાન ફાડી નાખે એવી ચીસો નાખતી હતી એમ્બ્યુલન્સ પણ આગળ કે પાછળ એક ફૂટ પણ જગ્યા નોહતી..!
થોડુ ભૂતકાળમાં જઈએ તો અમદાવાદમાં પેહલા જે કેરોસીનીયા દોડતા હતા એને બંધ કરીને રીક્ષામાં સીએનજી કીટ ફીટ કરીને પ્રદુષણ સારું એવું ઘટાડ્યું હતું પણ હવે જે ઝડપથી એર પોલ્યુશન વધી રહ્યું છે,કોઈ જ રસ્તો દેખાતો નથી..!
દિલ્લીમાં RSPM ખુબ વધી ગયા છે દિલ્લીમાં રેહતા માણસ રોજની ત્રીસ સિગરેટ પીવે એટલું પોલ્યુશન એના ફેફસામાં રેડે છે ,આ હું નથી કેહતો ડોકટર ત્રેહાન કહે છે,અને સાચી વાત છે,
હવે જો દિલ્લીવાળો રોજની ત્રીસ સિગરેટ પીતો હોય તો અમદાવાદી પંદર સિગરેટનું પોલ્યુશન તો એના ફેફસામાં ચોક્કસ પધરાવે છે ..!
હવે કોઈ પૂછે કે RSPM શું તો એ TSPM નો એક ભાગ છે જેને ટોટલ સસ્પેન્ડેડ પાર્ટીકલ મેટર તરીકે ઓળખાય છે , સાદી ભાષામાં એને હવામાં તરતા કણ તરીકે ઓળખી શકીએ ,અત્યારે શિયાળામાં આછા તડાકામાં આપણે બહુ ક્લીયરલી આવા સસ્પેન્ડેડ પાર્ટીકલસને નારી આંખે જોઈ શકીએ છીએ..
કોઈ ને ઊંડું ઉતરવું હોય તો સસ્પેન્ડેડ પાર્ટીકલ એટલે શું..? કેમીકલી જોવા જઈએ તો સસ્પેન્ડેડ અવસ્થા એ એક એવી અવસ્થા જેને તમે અધરમાં લટકેલું છે એમ કહી શકો , પાણીમાં જે સસ્પેન્ડેડ પાર્ટીકલ હોય તે અડધા ઓગળેલા હોય અને અડધા એમના એમ સોલીડ હોય ..!
આજ રીતે હવામાંના સસ્પેન્ડેડ પાર્ટીકલ માટે ડીઝલ ગાડીનું ઉદાહરણ આપું જયારે આપણે ડીઝલ ગાડી ચાલુ કરીએ ત્યારે જે ધુમાડો દેખાય છે ,એમાં અમુક પાર્ટીકલ CO2 ગેસમાં પૂરે પુરા કન્વર્ટ ના થાય એટલે કે એકદમ ગેસ ફોર્મમાં કન્વર્ટ માં થાય અને અડધાપડધા કાર્બન સ્વરૂપમાં હવામાં રહી જાય છે ,અને કાળો કાળો ધુમાડો જે નીકળે..!
બસ આ કાળો ધુમાડો એટલે સસ્પેન્ડેડ પાર્ટીકલ, અડધો બળ્યા વિના રહી ગયેલો કાર્બન,હવે એમ ના પૂછતાં ડીઝલમાં કાર્બન ક્યાંથી આવ્યો ?
આ અડધો બળેલો કાર્બન હવામાંથી સીધા મારા અને તમારા ફેફસામાં જાય અને મારા તમારા જેવા જેણે જીંદગીમાં સિગારેટ પીધી નથી એ બિચારો પણ આ ધુમાડા ને વાંકે જાય કેન્સરમાં ..!
આજ રીતે કાર્બનની જેમ સલ્ફર,ફોસ્ફરસ,અને બીજા ઘણા બધા તત્વોના સસ્પેન્ડેડ પાર્ટીકલ હવામાં ફરે છે અને એ આપણને સ્વર્ગે મોકલવા માટે સક્ષમ છે..!
હજી પણ મોડું નથી થયું ,અત્યારે જો હજી પણ જો અમદાવાદના શાસકો અને ગાંધીનગરના માલિકોને થોડી બુદ્ધિ આવે અને જે BRTS નામનું તુત અમદાવાદના માથે માર્યું છે એને હવે કોઈપણ ભોગે સકસેસ(સફળ) કરવી જ રહી, આ એક જ રસ્તો છે હજી આ બધા ટ્રાફિકમાંથી છૂટવા ..!
BRTSના બાકીના ફેઇઝ જે છે એને ઝડપથી પુરા કરો અને BRTSના પેરેલલ રૂટ પર ચલતી AMTSને બંધ કરી અને વધેલી બસોને BRTS ની ફીડર બસ તરીકે મુકો ..
ફીડર બસ એટલે નાના નાના રોડ પરથી જનતાને ભેગી કરીને BRTS સુધી પોહચાડવી ..
પણ આપડે તો વિકાસ વિકાસ અને વિકાસ ..હજી BRTSના ઠેકાણા પડતા નથી અને મેટ્રોના ધખારા ચડ્યા છે, અમદાવાદ મુંબઈ વચ્ચે ત્રીજો રેલવે ટ્રેક નાખી શકતા નથી અને બુલેટ ટ્રેનના સહી સિક્કા કરી મુક્યા ..!
પબ્લિક ટ્રાન્સપોર્ટ જો નહિ સુધારો તો અમદાવાદના દિલ્લી જેવા હાલ થશે એ નક્કી છે અને દિલ્લીની જેમ એકી બેકી રમવા ગયા તો બકા આ અમદાવાદ છે , બે ગાડીઓ રાખશે એકને બદલે લે આવી જા ..!
એક એકી નંબર વાળી અને એક બેકી નબર વાળી ..! જા થાય તે તોડી લે ..!
અને અમદાવાદની પોલીસ બિચારી પચાસ રૂપિયામાં માની જાય છે, થોડી સસ્તી છે કેમ ખબર છે ..?
એવું કેહવાય છે કે પેલા જે શટલિયા ચાલે છે ને આખા અમદાવાદમાં એ મોટાભાગના પોલીસવાળા ચલાવે છે,
હું અમદાવાદનો રીક્ષાવાળો ..માલિક મારો પોલીસવાળો ..
આવું છે ભાઈ બધે ગાંધી વૈદ નું સહિયારું છે ..!
શુભ રાત્રી
શૈશવ વોરા