ગઈકાલે એક સરસ ફોટો વોટ્સ એપમાં આવ્યો,
એક સાંઢ ચોથે માળ ફ્લેટના ધાબે ચડી ગયો હતો અને કેપ્શન લખ્યું હતું કે શેરબજારની જોડે આને કોઈ લેવાદેવા નથી..!
મારા જેવા ને તો પેહલો જ વિચાર આવે કે આ આખલો ધાબે ચડ્યો કેમનો ? એ પણ ચોથા માળના ધાબે ? અને ચડ્યો તો ચડ્યો નીચે ઉતરશે કે એને નીચે ઉતારવો પડશે ત્યારે કેવો મોટો ખેલ કરવો પડશે ? કે પછી ખેલ પડશે ?
ધરાતલ ઉપર બજારો “ધરાશયી” છે..અને શેરબજાર ધાબે ચડી ગયું છે..!!
ખરેખર એવું લાગે કે ન જાણ્યું જાનકી નાથે..!
ત્યારે શું વળી ..!!
અનલોક પ્રક્રિયા દુનિયાભરમાં ચાલી રહી છે , દુનિયા આખી એ ચીન દેશ સામે મોરચો માંડ્યો છે, જબરજસ્ત ભીંસમાં ચીન દેશ ચાલી રહ્યો છે છતાંય ત્યાં ના શેરબજારો પણ એમ આઘાપાછા નથી થઇ રહ્યા..!
માળુ અચરજ તો ખરું હો …!
ભારત દેશના વેપાર ધંધા ઠપ છે , રોજીંદી જરૂર વિનાની વસ્તુઓની ખરીદી મધ્યમ વર્ગ ટાળી રહ્યો છે , મોટા મોટા શો રૂમ્સ ખુલ્યા છે પણ “ઘરાક” ગાયબ છે..!
મોલ રેડીઓ ઉપર જાહેરાત કરી રહ્યા છે ,અમે બધું ચોખ્ખું કરી નાખ્યું છે પધારો..પધારો.. પણ ફૂટ ફોલ નથી..!
છાપાના પત્તા ઓછા થઇ ચુક્યા છે, કલાકારો ઓનલાઈન પરફોર્મન્સ મફતિયા આપી રહ્યા છે, કન્સ્ટ્રકશનની સાઈટો જૈસે થે પડી છે, રોડ રસ્તા ઉપર ટ્રાફિક હજી જોઈએ તેવો ચડતો નથી , હોટેલો અને ટ્રાવેલ ઉદ્યોગની તો વાત થાય તેમ નથી , મંદિર મસ્જીદ સૂનકાર ને પકડી ને બેઠા છે , શેહરી જનજીવન ગામડા નું થઇ ને બેઠું છે ..!!
ઉધારીના ધંધા કરી ને બેઠેલા માથે હાથ દઈ ને બેઠા છે, માર્ચ પેહલાની ઉઘરાણી પણ હજી લોકો ચૂકતે કરી નથી રહ્યા ,ચારેબાજુથી બજાર રૂપિયા “ખેંચવા” માટે તરફડીયા મારી રહ્યા છે ..
સોનેરી સાંજ ધીમે ધીમે કાળમીંઢ રાત તરફ જતી હોય એવા સન્નાટા છે…!
જો કે નોકરીયાત અને એમાં પણ સરકારી નોકરીયાત ને આવું કશું નહિ લાગે , એમના માટે તો ચિત્ર ફૂલ ગુલાબી જ હોય કાયમ , મન ચંગા તો કથરોટ મેં ગંગા ..!
ખાલી મન
ને ચંગુ
રાખવાનું ..!!
દેશ નો ટેક્ષ પેયર ચાતક ની જેમ રાહ જોઇને બેઠો છે એકાદું ટીપું પડશે પણ ઠગારી આશા છે, આજ સુધી કોણ આપી ગયું છે કે હવે કોઈ આપે .. તું થોડો ખેડૂત છે..?
અક્કરમી ..!
આઝાદીના આટલા વર્ષોમાં એકપણ સરકારે નાના વેપારીને ક્યારેય નુકસાનની બેલેન્સશીટમાં ટેકો કર્યો હોય એવું જોયું છે..?
મારું હહારું લોન આપે..!!!
એટલે અત્તારે રૂપિયા આ
લું છું પણ પાછળથી તારે પાછા તો આલવાના
જ હો ..
ખેડૂત હોય તો ? લે ને લઇ જા ને દસ બાર રીંગણ ..!! અરે અરે વીસ ત્રીસ રાખ..!!
ઇન્કમટેક્ષ ભરતો માણસ અચાનક ટેક્ષ ઓછો ભરે કે ટેક્ષ ભરતો બંધ થઇ જાય તો દરેક સરકાર એમ સમજે કે નક્કી ચોરી કરી હશે ,
પણ એની બદલે એવું સમજે કે ક્યાંક ભરાયો ના હોય ,લાવ જરાક બોલાવી અને પૂછીએ ભઈલા ક્યાં ઉંધો પડ્યો ?
નફા ની બેલેન્સશીટ ને પુરેપુરી મંતરી ઘાલવાના સોફ્ટવેર છે પણ નુકસાન ક્યાં અને કેમ પડ્યા એના સાચા અને તટસ્થ એનાલીસીસ થશે એ દિવસે “અનુભવ” કામે લાગશે..!
ભૂલ નું બીજું નામ અનુભવ છે..!!
નુકસાન એ ભૂલોની હારમાળા છે..!! પણ અનુભવની ખાણ છે..!!
આ દેશની મોટી કમબખ્તી એ છે કે જેમણે જીએસટી પોર્ટલ ઉપર જિંદગીમાં પોતના આઈડી પાસવર્ડથી લોગ ઇન ના કર્યા હોય કે જિંદગીમાં એકપણ ઈ વે બીલ બનાવ્યા હોય એવ લોકો કવિ
લેખક
થઇ ને એના માટે અભિપ્રાય આપે ..!
જીએસટી ઉદાહરણ રૂપે ટાંક્યું છે..! શબ્દ ઝાલી ને ઝૂલે ના ઝૂલશો..!!
બીજા શબ્દોમાં કહું તો આર્થિક સલાહકારો વેપલો ક્યારેય ફૂટતા નથી હોતા ખાલી એમના જીભડા ચાલે ,કારખાના ક્યારેય જોયા જ ના હોય..!!
રડી રડી ને ઉઘરાણી ક્યારેય કઢાવી જ ના હોય , રૂપિયા કોઈ ઘાલી જાય એના દરદ એમને ખબર જ ના હોય, ખબર છે ગમે કે તેટલું બચ બચ કરી ને ધાવીશું પણ ભાયડા ની છાતીએથી બે ટીપા ધાવણ નહિ જ નીકળે, છતાંય રોજ સવાર પડ્યે ધાવવા બેસવાનું અને ક્યારેક બાર પંદર મહીને બે ચાર વાર ચાર ટીપા પડેલ હોય એટલે આશા અમ્મર રાખીને ગાલ છોલાઈ જાય ત્યાં સુધી બચ બચ કરવું પડે એની બિચારા લેખક કવિ ને ક્યાં ખબર પડે..!
ઘણા બધા ક્ષેત્ર એવા છે કે જ્યાં મોટા પગારદારોના પગાર કપાઈ ને હાથમાં આવી રહ્યા છે , મોટા મોટા પગાર તોડતા હાથીઓ ધીમા અવાજે બોલી રહ્યા છે ,મર-મરીંગ થઈ રહ્યું છે..!
એમને ખાધે ખૂટે એમ નથી પણ ઈએમઆઈ ના ટેન્શન મારે છે ,
આ બધાની વચ્ચે એક મોટા પગારવાળો હાથી રડવા આવી આવી ગયો હતો કારખાને..!
શૈશવભાઈ સાહેબ ..સાલું બચત નામે ઝીરો થઇ ગઈ..!!
મેં કીધું ભાઈ ટકવાનું વર્ષ છે, બચત ભૂલી જાવ કૈક લોકોના મૂડી ખાતા ઘસાઈ રહ્યા છે..!
ઓ સાહેબ અમારા તો મૂડી ખાતા છે જ નહિ ને ઉપ્પરથી શેઠિયાઓ ને ખબર પડી ગઈ કે ઓછા પગારે કામ કરશે એટલે હવે પગારો પાછા વધતા નહિ નહી તો પાંચ વર્ષ થશે લખી રાખો તમે..!
વાત વિચારવા જેવી કરી મોટ્ટા પગાર તોડતા હાથીએ..!
રોજ ના પચ્ચીસ પૂળા ઝાપટી જતો હાથી દસ પૂળા ખાતો થઇ જાય અને એટલામાં ચલાવતો થઇ જાય તો કોણ એને પચ્ચીસ પૂળા “નીરે” ..??
અને અત્યારે તો હાથી ને બદલે ગેંડો અને એ ના મળે તો તગડો બળદિયો પણ ગાડું ખેંચી જાય એમ છે ,ગાડામાં ભાર જ નથી તો પછી હાથીઓ ની જરૂર ક્યાં ..?
શેરબજારે એલઆઈસી ને બખ્ખાં કરાવ્યા ,
જો કે આખા ઇન્સ્યોરન્સ સેક્ટર ને જલો જલો
છે..
લોકડાઉનમાં કલેઈમ આવ્યા નહિ અને પ્રીમીયમ તો બાર મહિનાના ઠોકાર્યા , ક્યાંક વાંચ્યું હતું કે પરદેસની ઇન્સ્યોરન્સ કંપનીઓ ને ઘરાકો ને પ્રીમીયમમાં ફાયદો કરી આપ્યો છે..!!
આપણે એવી આશા ના રખાય હો..!!
પ્રીમીયમ ભરતા જ રેહવાના ,અને લોન હોય એટલા ટર્મ ઇન્સ્યોરન્સ પણ લેવા નહિ તો કોગળિયું ચાલે છે બાહર, ઉકલી ગયા તો બાયડી છોકરા રોડ ઉપર.. આવું પેલી એક જાહેરાતમાં બોલે છે કૈક..!!
ભય, ડર ના વેપલા છે..! ફૂટો તમ તારે..!!
અહી નું અહી જ છે.. બળેલો ઝળેલો આવું બોલે ,બાકી ખોટી વાત છે..!
હાથમાં એના બાથમાં છે …!
કોઈ કોઈ ને આપી ને જતું નથી ,લઇ ચોક્કસ જશે.. સ્વાર્થી થવું તો પડે ..!
આખલો ચોથે માળના ધાબેથી નીચે ભૂસકો મારી ને પડ્યો તો કેટલા છુંદાઈ જશે..??
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)