પરમદિવસે રાત્રે ધડબડાટી બોલી ગઈ પ્રયાગરાજમાં..
બીજા દિવસે સવારના છાપાએ પોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી દીધી,
પણ જનસાધારણમાં ફિલ્મી ઢબે બોલાવાયેલી ધડબડાટી બહુ મોટા વર્ગને પ્રિય લાગી, અને એક વર્ગ એવો પણ ખરો કે જ્યાં અપ્રિય પણ લાગી આ ઘટના ..!
જો માનો તો ભારતના શિથિલ ન્યાયતંત્રના ભેજામાં ઉતારી દેવાયેલી આ ગોળીઓ છે, ઢીટ થઇ ગયેલી કાયદો અને વ્યવસ્થા જાળવતી પ્રણાલી ત્વરિત ન્યાય આપવામાં નિષ્ફળ નીવડી છે એવું માનવું જ રહ્યું..!
તારીખ પે તારીખ, ઉસ પે ભી તારીખ, અને છેવટે બધું તવારિખ ..
ન્યાય માંગતી વ્યક્તિઓ કે સંસ્થા ઈતિહાસમાં પરિવર્તિત થઇ જાય ત્યાં સુધી પડતી મુદતો એ ન્યાયતંત્ર ઉપરનો વિશ્વાસ ડગાવી દેવા માટે પુરતું છે..!! મોડો મળે છે પણ ન્યાય મળે છે આવો સંતોષ માનવો મને જરાક અયોગ્ય લાગે છે , મોડો મળેલો ન્યાય બીજા ઘણા બધાને અન્યાય કરે છે..
લોકતંત્રની ચિંતા કરતા ઘણા બુદ્ધિજીવીઓને પણ આ ધડબડાટી પસંદ નથી આવી છતાંય એમાં પણ એક વર્ગ એવો છે કે જે “સીલેક્ટીવ” મૌન ધારણ કરીને બેઠો છે ..!
બંધુક ખુલ્લેઆમ પડી હોય છતાં પણ તેનો કોઈ ઉપયોગ ન કરે , ખુલ્લેઆમ રૂપિયાની નોટો ભરેલું પાકીટ પડ્યું હોય છતાં પણ કોઈ તેને હાથ ના લગાડે, દારુ ખુલ્લે આમ મળતો હોય પણ પીનારા કોઈ ના હોય ..
કાયદાના પાલન કરવા કરવાની ચિંતામાં ભીરુ થઇ ગયેલા તમે અને હું આવી બધી ઘણી આદર્શ પરિસ્થતિઓને ઝંખીએ છીએ, પણ તેનું નિર્માણ ત્યારે જ થાય કે જયારે દેશનો દરેક નાગરિક પોતપોતાના ઈશ્વરથી ડરતો હોય અને કાયદાને માન આપતો હોય ..!
પરંતુ એવું કશું થતું નથી અને જેની લાઠી એની ભેંસ આવું સદીઓથી ચાલતું આવ્યું છે અને હજી પણ ખૂણેખાંચરે ચાલી રહ્યું છે એટલે છેવટે આવી ધડબડાટી બોલે ત્યારે લોકો હાશકારો અનુભવે છે..!
લોકતંત્ર નિષ્ફળ ગયું એવી બુમરાણ થાય ..!!
ન્યાય પ્રણાલી નિષ્ફળ ગઈ ત્વરિત ન્યાય આપવામાં ..! આવી પણ બુમરાણ થાય છે..
આઝાદ થયા ત્યારથી સરકાર અને ન્યાયિક પ્રણાલી એકબીજાની સામે શિંગડા ભરાવતી આવી છે અને ખો નીકળે છે પ્રજાનો.. ડરી ડરીને ચાલતો જનસાધારણ દરેક નવા કાયદાનો `તોડ` શોધી અને “તોડ” કરીને છૂટી પડે છે..
પછી ગીતો લખાય છે .. ચોરબાઝાર હૈ ..યે સંસાર હૈ..
કોઇપણ કાયદાનો કડક અમલ અને ત્વરિત ન્યાય એ સમાજ વ્યવસ્થાને આદર્શ પરિસ્થતિ તરફ લઇ જવાને સક્ષમ છે, અને એના દ્વારા જ જીવનધોરણ અને માનવતા બંનેના ઉચ્ચતમ મુલ્યો હાંસલ કરી શકાય છે,
પણ એ મુલ્યો હાંસલ કરવાની ઝંખના છેવાડાના નાગરિકને પણ હોવી જરૂરી છે ..
પણ અહિયાં તો હોતી હૈ ચલતી હૈ, ઘીસ બે લાલિયા બાપ કા ચંદન ..!! ગંગામાં હાથ ધોવા છે ..!!
સીસ્ટમ ઉપર કાવિજ થયેલા બહુ જૂજ લોકો એવા છે કે જેમણે સીસ્ટમનો લાભ ના લીધો હોય ..
તલાટીથી લઈને ક્લાર્કની ભરતીમાં લાખ્ખો લોકો દોડી જાય છે, મોટીવેશનલો કહી કહીને થાકી જાય છે ,એમની જીભ ના કુચ્ચા વળી ગયા કે કોઈ શોર્ટક્ટ નથી સફળતાનો..પણ ખોટી વાત છે ..!
દેખાઈ ગયો છે… અને પુરવાર પણ થઇ ચુક્યો છે સફળતાનો શોર્ટકટ ..!!
સરકારી અધિકારી તરીકેની નોકરી કે પછી હોદ્દો ,પદ ..!!!
હવે તો હજ્જારો લાખ્ખો કરોડ રૂપિયાની વાતો સંભળાય, બોલાય અને વંચાય છે ત્યારે મારા તમારા જેવા `જેઠાલાલો` (તારક મેહતાના ઓરીજીનલ ગંજી ફરાક વેચતા ) ને એમ થાય કે શું આટલા બધા રૂપિયાનું ખરેખર અસ્તિત્વ હોઈ શકે ખરું ? અને એ પણ કોઈ એક વ્યક્તિ કે પરિવાર પાસે ?
અને હોય તો એટલા બધા રૂપિયાનું કરવાનું શું ?
પણ દોસ્ત `જેઠા` છે એટલા બધા રૂપિયાનું શું કરવાનું એનો “વહીવટ” કરી આપનારા પણ આજ સંસારમાં અને આ જ ધરતી ઉપર વસી રહ્યા છે..!!
સોશિઅલ મીડિયા બે રાતથી ભરાઈ ચુક્યું છે અને પોતપોતાની રીતે જેમણે લખનૌ નકશામાં પણ માંડ જોયું છે એવા એવા લોકો જ્ઞાન પીરસી રહ્યા છે, હજી તો જુવો શું થાય છે .. એમ કરી કરીને ..!
હક્ક છે દરેકનો જ્ઞાન પીરસવું એ..
તકલીફ એક જ થાય છે એમાં કે મારા જેવા જ્ઞાન પીરસીએ ત્યારે મોંઘામાઇલી મીઠાઈ સમજીને પીરસતા પીરસી તો દઈએ છીએ પણ સામેવાળાને જો `ખાધાની ખબર પડતી` હોય તો તરત કહી દે આ સુખડી તો છોડ થુલું પણ નથી ..!!
મોરલા કળા કરે અને તાનમાં આવીને ગોળ ગોળ ફરવા લાગે પછી નાગા દેખાય પાછળથી ..!!
મારા જેવાને બે દિવસ પેહલાની ધડબડાટી વિશે પૂછે તો એટલું ચોક્કસ કહી શકે કે પટકથાનો લેખક ખરેખર મહાન છે ..!!! , કલાકારો ઉત્તમોત્તમ , અને કેમેરા વર્ક અદ્વિતીય..!!
બીજું પણ ઘણું ઝીણું કાંત્યું હશે અને હજી અંત ના પણ આવ્યો હોય વાર્તાનો એવું પણ બને..
કેમ કે આપણે કહીએ છીએ કે ટ્રુથ ઈઝ ઓલ્વેઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન .. સત્ય કલ્પના કરતા વધારે ભયાનક હોય છે..!
ગંગા ,જમનાના મેદાની ઇલાકા હોય કે ચંબલની ઘાટીઓ .. ગુજરાતીઓ માટે કોયડો જ રહી છે અને કોઈ વિદ્વાનને એવું કેહતા સાંભળ્યા હતા કે પાકિસ્તાનને ક્યારેય ભારતમાં વિલય કરવાનું સપનું ભારતીયોએ જોવા જેવું નથી ..!!
એટલી બધી ગંદકી છે ત્યાં (માનસિક) કે તમે એમને સુધારી શકો તેમ છો જ નહિ , તમારા મેદાની ઇલાકાને જો તમે કન્ટ્રોલ કરી જશો તો પણ ત્યાની વસ્તીને કન્ટ્રોલ કરવામાં તમારી ત્રણ ચાર પેઢી આખ્ખી બરબાદ થઇ જશે ..!! માટે અખંડ ભારતનું સપનું હમણાં જોવાનું રેહવા દો .. હજી અમેરિકાને બીજી બે-ત્રણ વખત ખત્તા ખાવા દો અને એમને સાફસફાયો સરખો કરી લેવા ડો પછી તમે વિચારજો અખંડ ભારત ..!!
બે દિવસ પેહલાની ધડબડાટી જોયા પછી તો લાગે છે કે વાત સાચી છે ..
મુઆ ત્યાં પાકિસ્તાનમાં હજી પચાસ સો વર્ષ માંહેમાંહે ભલે લડી મરતા પછી જોયું જશે ..!
મૃત્યુ પછીની જિંદગી બહુ આકર્ષક કે ભયાવહ ..?
લગભગ દરેક ધર્મો એ પોતાની રીતે મૃત્યુ પછીની જિંદગી ચીતરી છે અને જો થોડાક ઓછા મીઠા વાળો હોય તો વર્તમાનને ઝેર કરી મુકે .. આપણે તો આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા ..!!
એટલે આ ત્રણ કલાકનું પિક્ચર પૂરું થયું એવું નહિ માનતા to be continued ..વેબ સીરીઝની માફક અને સાફસફાઈ ચાલુ રહે એવી આશા ..!!
પછી અખંડ ભારત થાય પચીસ ત્રીસ વર્ષે તો અનુભવ કામે પણ લાગેને ..!!
અખંડ ભારતનું સપનું મારું પણ છે , ધીમે ધીમે ડુંગળીના પડ ખુલતા જાય છે અને પાકિસ્તાન કનેક્શન પણ ખુલી રહ્યું છે ..
જોઈએ આગળ શું થાય છે પણ એટલું ચોક્કસ છે કે આ ધડબડાટી અંત નથી અને અંત નો આરંભ છે કે નહિ એની ખબર નથી પડતી ..!!
કોઈક વિદ્વાનને જ્ઞાન લાધે અને ન્યાયપાલિકામાં પડતા વેકેશન હવે બંધ કરાવે તો સારું ..!!
અંગ્રેજ ચાલે ગયે ..આઝાદી ની બદલે “આજાદી” ભલે બોલો પણ હવે આ ન્યાયતંત્રને વેકેશનમાંથી “આજાદ” કરાવો બાપલીયા..
નિસાળ પૂરી થાય ને એટલે અમારા સામાન્ય માણસની જિંદગીમાં વેકેશન ના આવે જજ સાહેબ..
વૈતરાં જ લખ્યા હોય જીવનમાં લાકડે જ વેકેશન મળે ..!!
ઠોકે રાખો જ્ઞાન ..તમે પણ
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*