જીવનમાં કયારેક એવું લાગે કે ઘણું બધું ક્ષણભંગુર છે ..!
બે દાયકા પેહલા એક મલ્ટી લેવલ માર્કેટિંગના સેમીનારમાં ગયો હતો, એમનું કામ જ તમને એમની સાથે યેન કેન પ્રકારેણ જોડી દેવાનું હોય છે .. કદાચ જોતરી દેવાનું હોય છે એવો શબ્દપ્રયોગ વધારે ઉચિત રેહશે ..!
મને એ સમયે એવું કેહવામાં આવ્યું કે તમારા ઘરમાં મધરાત્રે જયારે તમારો આખો પરિવાર ઘસઘસાટ ઊંઘતો હોય ત્યારે તમે સેહજ કલ્પના કરી લેજો કે તમે હવે આ જગતમાં નથી તો પછી એવે સમયે તમારો પરિવાર શું કરતો હશે ? શું તેઓ આટલી જ શાંતિથી ઊંઘી શકશે ?
બહુ ભયંકર સિચ્યુએશન મારી સામે પેદા કરીને મુકવામાં આવી હતી અને ત્યારે મને મેહતા નરસિંહ સ્ફૂર્યા હતા .. “હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે ..!!”
એ સમયે તો બહુ જ કોન્ફિડન્સથી અને બિન્દાસ્ત કહી દીધું હતું કે ઉપરવાળો સહુ નો છે રસ્તા ઉપર સૂતેલા ભિખારી પણ કોને ભરોસે સૂતા છે ? હું કોઈનો તારણહાર નથી , ના મારો ખુદનો કે ના મારા પરિવાર કે મિત્રોનો .. પરાપૂર્વથી ચાલી આવતી વ્યવસ્થાનો એક ભાગ છું અને મારી હસ્તી પાણી ભરેલી ડોલમાં બોળી રાખેલી આંગળી જેટલી જ છે દોસ્ત , મને ખબર છે કે આંગળી નીકળી ગઈ કે છે પાણીને એની કોઈ જ પડી નથી .. આ ડોલ ભરીને પાણી એટલે સંસાર ..!
કહી તો દીધેલું પણ પછી એ ઘટના જીવન ને ચોક્કસ દિશા આપવામાં બહુ જ મદદરૂપ થઇ , હું મારા સહીત આખા જગતમાં કોઈ પણ ના હોય તો જીવન કેવી રીતે જીવવાનું એનો પ્લાન બી બનાવતો થઇ ગયો હતો ..
જીવન મૃત્યુની એટલી નજીક પોહચી ગયું હતું કે મને કોઈના પણ મૃત્યુની કલ્પના ધ્રુજાવી નોહતી શકતી, લાગણીઓ રહી પણ પ્રેક્ટીકાલીટી હાવી થઇ ગઈ જીવન ઉપર ..!
લગભગ એક દસકો આખો નવરો પડું તો પ્લાન બી બનાવું મગજમાં પણ પછી એક દિવસ ફરી એક ઘટના બની ..!
એક મિત્રની સાથે એક સાંજે એસજી હાઈવે ઉપરના કોફી બાર ઉપર જમાવટ કરી હતી , ત્યાં એનું એક કબુતર આવ્યું ( પટાવાળા જેવો માણસ જે દોડાધક્કા કર્યા કરે અને કાગળિયાં પોહચાડ્યા કરે એટલે અમે એને કબુતર કહીએ )
કબુતર માતાજીનું ભગત નીકળ્યું .. નાન્યતર જાતિ .. ચેનચાળા અને નખરા..
મેં પેલા મિત્રને કીધું અલ્યા કોઈના મળ્યું તને ?
મિત્રએ જવાબ વાળ્યો .. બધા આવું કરશે તો આમને રોજી કોણ આપશે ? અને ચાર રસ્તે ઉભા રહીને માંગશે તો તમને લોકો ને જ નહિ ગમે તો પછી કમાઈને પેટ ભરે છે તો શું ખોટું છે ?
મેં કાન પકડી લીધા અને સોરી ફટાક કરતુ કહી દીધું ..
કબુતર અમારા ટેબલ પાસે આવીને ઉભું ..
મેં કીધું કોફી કે ચા શું લઈશ .. સેહજ લટકો કરીને કબુતર બોલ્યું જોડે બેસાડીને પીવડાવો તો પીઉ નહિ તો ચાલશે ..
મારો મિત્ર એના વાણી વર્તનથી ટેવાયેલો હતો હતો એટલે એણે ઈશારો કર્યો કે બેસ અને એના માટે એણે કોલ્ડકોફીનો ઓર્ડર કર્યો ..
કબુતર ખુરશી ઉપર બેસી ગયું અને કબૂતરે મારી સામે જોઇને ડચકારો બોલાવ્યો ..! અને બોલ્યો .. ડચ્ચ .. ના ચાલે ..આવો મન નો મેલો ના ચાલે ..! આટલું કરીને મારાથી મોઢું ફેરવી લીધું એણે..
એના લેહકાથી હું ખડખડાટ હસી પડ્યો અને મેં કીધું અલ્યા ભાઈ આને શું થયું હવે ?
મિત્ર બોલ્યો એને ગમ્મે ત્યારે માતા આવે છે ..અને આવું ચિત્ર વિચિત્ર બોલ્યા કરે છે બહુ ધ્યાન નહિ આપવાનું ..
મારે તો નકરો ટાઈમપાસ કરવાનો હતો એટલે મેં કબુતરને કીધું .. તો શું ચાલે એ બોલ હેન્ડ ત્યારે..!
કબુતરને સવાલ કર્યો એટલે કબુતર ફુલ્લ ફોર્મમાં આવી ગયું અને લેહકો કરીને બોલ્યો ..આટલો હારો માણસ છો તમે તો આવું મનમાં મેલું કેમ વિચારો છો ?
મેં કીધું શું મેલું વિચારું છે એ તો બોલ ..
કબુતર તાબોટો પાડવા ગયું .. પેલા મિત્રએ સેહજ જોરથી ગુસ્સામાં કીધું એઈ તાળી નહિ હો અહિયાં , નહિ તો આપણને ત્રણેયને કાઢી મુકશે અહીંથી ..
મેં જરાક અણગમાથી મિત્રની સામે જોયું , મિત્રએ મને ઈશારો કર્યો આંખથી કે કઈ એવું નહિ કરે ચિંતા ના કર ..!
મને લાગ્યું કે હવે આને વધારે વતાવવામાં સાર નથી .. પણ કોણ જાણે શું થયું તો કબુતર આંખો બંધ કરીને બેસી ગયું અને અચાનક મારો જમણો હાથ એના જમણા હાથમાં ઝાલી અને એનો ડાબો હાથ મારા હાથ ઉપર ફેરવી અને બબડવા લાગ્યું ..
મેં પેલા મિત્રની સામે જોયું .. મિત્રએ મને શાંતિ રાખવા ઈશારો કર્યો ફરી ..
કબૂતરે આંખ ખોલી અને મારી સામે જોઈને બોલ્યો .. માતા કે છે બધા મરી જાય એવું વિચારવાનું છોડી દે જયારે જે થવાનું છે તે જ થશે, બાકી તારો વાળ પણ કોઈ ઉખાડી નહિ લે ..!!
એટલામાં એની કોફી આવી એટલે મેં કીધું ચલ પી લે અને ઉડી જા હેંડ ..!!
નાની પાંચ સાત મિનીટની ઘટના પણ વિચારતા કરી મુકે..મને થોડું અજુગતું લાગ્યું અને એવો ભાવ પણ મેં મારા મોઢા ઉપર લાવી દીધો ..એટલે પેલા મિત્રએ એ કબુતર કોફી પી લીધી પછી એને એના કામે ઉડાડી મુક્યું પછી બોલ્યો .. શૈશવ યાર એ ક્યારેક આવું વર્તન કરી લ્યે છે ,પણ ઈમાનદાર છે , લાખ્ખો રૂપિયામાં એક રૂપિયો પણ ક્યારેય આઘોપાછો નથી કરતો , અને એના માંબાપને સાચવે છે , એટલે મેં રાખ્યો છે ..
મેં કીધું ઠીક છે હવે ચલ્યા કરે મને કોઈ ફર્ક નથી પડતો હાથ પકડે અને છોડી દે અને ત્યાંથી અટકી જાય તો..!!
અમે ખડખડાટ હસ્યા અને છુટા પડ્યા પણ પછી એ રાત્રે જાગવું પડ્યું ..
શું કરવા વિચારવું ? શેના પ્લાન બી અને સી ?
ક્ષણભંગુરતા છે તો છે ..પ્લાન બી તો છોડો છેક ઝેડ સુધી બનાવો અને કામ લાગે આલ્ફા કે ઝીટા તો શું કરી લઈએ છીએ ? તો પછી મુકોને પંચાત..!!
આજ નો લાહવો લીજીએ રે કાલ કોણે દીઠી ..?
માણસ છું .. જીજીવિષા પ્રબળ છે .. હવે બંને બાજુ વિચારી લઉં છું છે અને નથી ..!
આજે એક બેસણું છે ..!
દાદા એકદમ લીલી છમ્મ વાડી મૂકીને સો પુરા કરીને ગયા છે..તો જરાય ભાર નથી મન ઉપર બેસણાનો ..ઉપરથી ઘણા દિવસે બધા મિત્રો મળશે એની ખુશી છે ..
ગ્રુપમાં ઓલરેડી આવી ગયું કે બેસણું પતાવીને બટાકાપૌંવા ખાઈને છુટા પડશું ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*