કીન બૈરન કાન ભરે… મોર પિયા મો`સે બોલત નાહી..
મારી ગમતી ચીજ, પંડિત અભિજિત પોહનકરે ગાયેલા વર્ઝનને ફ્યુઝન કહી શકાય, જેને લાઉન્જ વર્ઝન પણ કહે છે..જોકે અમદાવાદી માટે આ લાઉન્જ શબ્દ થોડો અજાણ્યો પડે..આપડે રહ્યા ગુજરાતી માણસ કઈ જગ્યાએ શું સારું ખાવાનું મળે એ જાણીએ અને એકવાર ખાઈ પાડીએ એટલે બહુ થયુ વળી આ લાઉન્જ બાઉંજ વળી શું છે..?રીલેક્સ થવાનું એ શું..?આપડે તો વળી ચોવીસે કલાક રીલેક્સ જ હોઈએ છીએને..!
આપણે તો અત્યારે દેશને દિશા દેખાડીએ છીએ જુવો દારૂબંધી, હુક્કાબંધી, લાઉન્જબંધી અને હવે આ જમ્મુ કાશ્મીરવાળા અમારાથી આગળ વધ્યા મોંઘા લગ્નો ઉપર એમણે પ્રતિબંધ મુક્યો અને પેલા ઝી ન્યુઝવાળાએ કહી દીધું કે દરેક રાજ્યો એ આનો અમલ કરવો જોઈએ..એટલે હવે અમે પણ એવું તરત જ કરીશું, ઇવેન્ટ મેનેજરો તમારે લોકો એ ખાલી અને ખાલી સરકારી ઇવેન્ટો જ કરવાની, ખર્ચા કરવાનો હક્ક ખાલી અમને સરકારમાં બેઠેલા ને જ છે..!તમે પ્રજા તરીકે તો નાલાયક છો,ચોર છો, ઠગ છો..!
તમારે લગ્નો કેવી રીતે કરવા એ અમારે નક્કી કરવાનું છે,એટલે જેમ ખાતામાંથી કેટલા રૂપિયા ઉપાડવાના એ અમે નક્કી કર્યું એમ તમારે લગનમાં કેટલો ખર્ચો કરવો એ અમે નક્કી કરીશું નાલાયક ચોરો..!
અને હા બીએમસીમાં અને મહારાષ્ટ્રમાં અમે જીત્યા એટલે અમે જે કહીએ એ સાચું જ હોય..!
શિવરાત્રીના અસંખ્ય મેસેજ આવ્યા કેટલાક ભાંગ રીલેટેડ હતા,કેટલાક ગાંજા અને કેટલાક જુના રીપીટેડ ગઈ સાલના હતા..!
ક્યાંક એવા સંદેશા આવ્યા કે શિવને નશા સાથે ના જોડશો..તો શિવ ને કોની સાથે જોડવા..?
મહાકવિ કાલીદાસ હિંદુ નોહતા, એમણે શિવના સુતર કર્મના વર્ણન કરીને શિવને વગોવી માર્યા છે, શિવને કઈ તમારી જેમ સંભોગથી સંતતિ નોહતી પેદા કરવાની એ તો નિયોગથી સંતાન પેદા કરતા..! કાર્તિકેય ના જન્મની આખી વાર્તા કુમારસંભવ એ મહાકવિ કાલિદાસના “ગંદા” દિમાગની પેદાશ છે,”વિકૃત” હતા મહાકવિ કાલીદાસ..
બાબાજી એવું જ કેહવાયને ..?
મને ઘણીવાર એમ થાય કે આ કીન બૈરન કાન ભરે..આવી બધી ચીજોની તો હવે જગ્યા જ ના રહીને, લગભગ આદર્શ રામરાજ્ય જ સ્થપાઈ ગયું છે,આનંદપ્રમોદ કરવાની જગ્યામાં ફક્ત રીવરફ્રન્ટ અને કાંકરિયા તળાવ જ બચ્યું છે,બાકી રોડ પર ઉભા રહીને લુખ્ખી લાટો સિગારેટના ધુમાડા ઉડાડ્યા કરે એમ તમારે પણ શંભુ કે ડેની ના કોફી બાર, થોડા વધારે ખર્ચો અને સીસીડી પર જવાનું અને એનાથી થોડા વધો તો મેરીયટ કે હયાતમાં પછી શું ..? કોઈ બીજી લાઉન્જ કે એવું ખરું ..?
તો કહે ના, હુક્કાબાર હતા એને તાળા માર્યા કેમકે એનું ત્રેતાયુગમાં અસ્તિત્વ નોહતુ..એરપોર્ટ પણ જલ્દીથી બંધ કરવાના છે મંત્ર શક્તિથી હવાઈ જહાજ ઉડશે..એરપોર્ટ જેવી જગ્યા દ્વાપરયુગમાં પણ નોહતી,અને આ નરેન્દ્રભાઈ ખોટા ફાંકા મારે છે ૧૦૪ સેટેલાઈટ અંતરીક્ષમાં ગયા જ નથી, અંતરીક્ષમાં કઈ જઈ જ ના શકે આવું બધું ખોટું છે..શસ્ત્રોમાં ક્યાય લખ્યું નથી..
હે બાબાજી ક્યાય લખ્યું છે આવું..?
તો ભાઈ એક બીજી વાત, શિવજી બીજી એક વાતમાં પણ વખણાય છે.. આ રામરાજ્યમાં પણ આદર્શ દાંપત્યજીવન તો રાજા રામચન્દ્રજીનું નોહતું..આદર્શ દાંપત્યજીવન ઉમાશંકરનું હતુ ..!
શૈશવભાઈ ના હોય કૈક ભૂલ થતી લાગે છે..! શિવજીના દાંપત્યજીવનને આદર્શ કીધું એમ..? સોરી યાર અમને તો રામ સિવાય કઈ જ ખબર જ નથી, તો હવે તમે કહો કે અમારે શું કરવાનું ..? અમારે તો કોઈ કહે એમ જ ચાલવાનું હોય છે રામનું નામ તો હવે લઈએ જ છીએ જોડે શિવનું પણ લઇ લઈશુ..! બાબાજી લેવાય ને કોઈ પ્રોબ્લેમ તો નહિને ..?
શું ચાલી રહ્યું છે ગુજરાત નામની લેબોરેટરીમાં કયો પ્રયોગ થઇ રહ્યો છે..? અને કેટલા પ્રયોગો હજી કરવાના છે..? લક્ષ્ય શું છે ?અને કોણે નક્કી કર્યુ છે આ લક્ષ્ય..?
દુનિયાભરમાંથી તમામ જગ્યાએ એક પછી એક “વાદ” ખતમ થઇ રહ્યા છે, ફક્ત અને ફક્ત કટ્ટરતા વધી રહી છે,અને અમેરિકા જેવા દેશે પણ કટ્ટરતાનો જવાબ કટ્ટરતાથી આપ્યો છે તો શું આપણે પણ ફરી એકવાર કટ્ટરતાના રસ્તે ચાલીશું..?
અને આપણી કટ્ટરતા એટલે કેવી કટ્ટરતા..? બીજાના માટે તો આપણે ક્યારેય ક્રૂર કે કટ્ટર થઇ શકતા જ નથી,અને ત્યાંથી થાકી હારી અને “સ્વપીડન” પર ઉતરી આવીએ છીએ..!
સતીપ્રથા એ સ્વપીડનની પરાકાષ્ઠા હતી..આજે એક પછી એક નિર્ણય એવા લેવાય છે કે જે સીધા યુવાનો ને સ્પર્શતા હોય અને એમની સ્વતન્ત્રતા દેખાય ત્યાં તરાપ મારવામાં આવે છે,. જુવાન છોકરીઓએ કેવા વસ્ત્રો પરિધાન કરવા અને કોલેજમાં આવવું એ સરકારો નક્કી કરે છે..!
યુવાનો એ શું કરવુ , ક્યાં જવું , કેમ પરણવું એ બધું જ સરકાર નક્કી કરવા જઈ રહી છે.. સામાજિક સુધારણા શું કાયદાના જોરે જ થઇ શકે..? ગુજરાતમાં કેટલાય એવા સમજુ સમાજના સમજુ વડીલો છે કે જેમણે પોતાની આખી જ્ઞાતિની આર્થિક પરિસ્થિતિને અનુલક્ષીને જ્ઞાતિમાં સમૂહ લગ્નો ફરજિયાત કરી નાખ્યા છે ,લગ્ન સમૂહમાં પછી રીશેપ્શન તમારે જેમ કરવું હોય તેમ કરો..!
જમ્મુ કાશ્મીરનો કાળો કાયદો ગુજરાતમાં આવે એવા ભણકારા વાગી રહ્યા છે, ચુંટણી જવરથી પીડાઈ રહેલી સરકાર આવુ કોઈ ઘાતકી પગલુ ના લઈ લે તો સારુ..!
નશો કોઈપણ ચીજનો ખરાબ છે એ દારૂ ,તમાકુ ,પરસ્ત્રીગમન કે પછી ધરમનો..!
ભારતીય જનતા પાર્ટીને મળતા મતો હિંદુ કટ્ટરવાદ ને આગળ વધારવા નથી મળતા, પણ બીજા કટ્ટરતાવાદી તત્વોને ખતમ કરવા માટે મળે છે,પણ જો આપણે જ આપણામાં કટ્ટરતાને આગળ વધવા દઈશું તો આપણામાં રહેલી સ્વપીડનવૃત્તિ ને ફરી એકવાર જગાડી દઈશુ..!
અને ફરી એકવાર અંધયુગ તરફ જતા રહીશુ..તમામ નશાને રીસ્ટ્રીક્ટ (મર્યાદિત) કરો નાબૂદ નહિ..કેમકે નશા વિના સર્જનાત્મકતા શક્ય નથી અને સર્જનાત્મકતા સમાજમાંથી બહાર જાય છે ત્યારે સમાજ પશુ થઇ જાય છે..!
રાજ્યસત્તા કે સરકાર એ સમાજને સુચારુ રૂપથી ચલાવવા માટેની એક વ્યવસ્થા છે, પણ રાજ્યસત્તા પર હાવી થયેલા લોકો જયારે એમ માની લે કે સમાજ એ રાજ્યસત્તાથી જ જીવે છે ત્યારે એમનું પતન નિશ્ચિતપણે થાય છે,અને જે સમાજ પણ પોતે એમ સમજી લે કે રાજ્યસત્તા વિના અમે પાંગળા છીએ એ સમાજનું પતન(વિઘટન)પણ બહુ જલ્દી થાય છે..
દરેક સમાજમાં હમેશા એટલી તાકાત તો હોવી જ જોઈએ કે એ રાજ્યસત્તાને ઉથલાવી શકે, રાજ્યસત્તા તરફથી સમાજને સીધો અસર કરતો કોઇપણ કાયદો જો અનુકુળ ના હોય તો એનો વિરોધ કરી અને હટાવવાની સમાજમાં તાકાત હોવી જ જોઈએ, વિરોધ કરાવી અને પોતાનું ધાર્યું ના કરાવી શકે તો પછી એ સમાજ બહુ જલ્દી પરાધીન થાય છે..! સ્વતંત્રતા ગુમાવે છે..!
ક્યારેક એવું પણ બને કે સમાજના બે વર્ગ આમને સામને આવી જાય ત્યારે સરકારની ભૂમિકા આવે અને એ પણ સારા ખોટાના નિર્ણય બે ચાર આગેવાન ને સાથે લઈને કરી અને પરિસ્થિતિ થાળે પાડી દેવી પડે..
મહારાષ્ટ્રનો ચુકાદો હિંદુ કટ્ટરતાને જાકારો છે..એટલે જવાબદારી વધી જાય છે આપણી અંદર પણ એવા તત્વો છે કે જેમને કટ્ટરતાના નામે પોતનો ઉલ્લુ સીધો કરવો છે..
ગુજરાતમાં સતત બાવીસ વર્ષથી સત્તા ભોગવી રહ્યા છીએ ઘણા બધા ઘટકોમાં ફક્ત અને ફક્ત પોતાના સ્વાર્થ માટે લોકો ઘુસી ગયા છે, અને દુહાઈ આપે છે સમાજસેવાની અને પોતાના બાપાના સંસ્કારની કે સોમથી શનિ ધંધો કરો છો તો રવિવારે સમાજને ઉપયોગી કામ કરો..
આવું કેહનારો એક જવેલર છે અને મારા મોઢે એટલું જ આવી ગયું કે રવિવારે પણ ધંધો કરજે પણ આજથી પાણી મુક કે એક પણ રૂપિયાનો રોકડાનો ધંધો નહિ કરું જે કરીશ તે ચેકથી કરીશ અને બધા ટેક્ષ ભરીશ..!
હે હે હે કરી ને હસતો રહ્યો ઠગ..!
બહારની સફાઈ ઘણી થઇ હવે વારો છે અંદરની સફાઈનો નવા ૧૮૨ નક્કી કરવાના છે..રીઝનેબલ અને મોડરેટ અને ભણેલા આવશે તો ગૃહમાં પણ જંગલિયત ઓછી થશે..!
ચાલો ચાલો બધા પ્રાણાયામ કરો, કપાળભાતી કરો બીજું બધું ખોટું..
બાબજી કહે અને કરે તે સાચું..!
એક ક્ષેત્રનો સફળ દરેક ક્ષેત્રમાં સફળ કેવી રીતે થઇ શકે..?
કટ્ટરતાનો ત્યાગ અને નવાનો સ્વીકાર..
હું તો કાલે બોડી બિલ્ડીંગ કોમ્પિટિશન જોવા જવાનો..
મારા છોકરા છે ત્યાં..એક એક તમારા દસને તો..
લાકડા રમાડે અને લઢાવે (લડાવે) ચરિત્ર નિર્માણ ના થાય..!
કીન બૈરન કાન ભરે… મોર પિયા મો`સે બોલત નાહી..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા
www.shaishavvora.com