મોહમ્મદઅલી ઝીણાના દીકરી દીના વાડિયાનું ૯૮ વર્ષે અવસાન થયું..!
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે..!
૯૮ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું છે એટલે કોઈને કઈ બહુ દુઃખની ઘડી નહિ આવે,પણ એક વાત ખરી કે કદાચ આઝાદી પેહલાની અને આઝાદી લડતના કદાચ એમના જેવા કોઈ બીજા સાક્ષી હવે આ ધરતી ઉપર બચ્યા નહિ..!
ભારતીય ઉપમહાદ્વીપના ભાગ્યનિર્માતા કહી શકાય એવા ચાર જણ..
એમ કે ગાંધી, જવાહરલાલ નેહરુ ,સરદાર પટેલ અને મોહમદઅલી ઝીણા..
અને આ ચારેયમાંથી ત્રણ ગુજરાતી અને એક કાશ્મીરી (ઝીણા ગુજરાતી હતા અને ઠક્કર હતા સ્વીકારવું તો પડે જેમ રાવણ અને દુર્યોધનને હિંદુ તરીકે સ્વીકાર્યા છે તેમ)..અને મજાની વાત એ છે કે એમ કે ને દીકરી નોહતી પણ પાછળથી એમણે એક દલિતની દીકરીને દતક લીધી હતી, જયારે બાકીના ત્રણે ને દીકરીઓ હતી અને એમાં નેહરુ અને સરદાર પોતાની દીકરી સાથે ખુબ જ જોડાયેલા હતા જ્યારે ઝીણાને પણ એમની દીકરી માટે અનહદ પ્રેમ હતો પણ ઇસ્લામને વધારે પડતો પ્રેમ કરવાને કારણે દીકરી એમનાથી દુર થઇ ગઈ..!
જો કે બીજી એક ગજબ સમાનતા એ હતી કે નેહરુ,સરદાર અને ઝીણા ત્રણેય ની દીકરીઓ એ પ્રેમ કર્યો છે અને ત્રણેય એ બાપાની વિરોધમાં જઈને પ્રેમ કર્યો..!
ઇન્દિરાજી અને ફિરોઝ ગાંધીની લવ સ્ટોરીમાં નેહરુ વિલન નોહતા, પણ એમને જરા પણ ફિરોઝ ગાંધી પસંદ નોહતા, ફિરોઝ ગાંધીનું પારસી હોવું અને નેહરુના ઘોર વિરોધી હોવું, આ બંને વાતનું નેહરુને મૃત્યુપર્યંત ખટક્યું અને થોડુક સુખી અને એકદમ ટૂંકું દાંપત્યજીવન ભોગવી અને બંને છુટા પડ્યા આગળ જતા ઇન્દિરાજીએ નેહરુનો વારસો જાળવ્યો અને ફિરોઝને પ્રેક્ટીકલી રઝળતા મુક્યા..
ઝીણા અને દીના આ કેસમાં પણ ઝીણાને હરગીઝ પસંદ નોહતું કે દીના એક પારસીને પરણે,પણ દીના એની માં રુટેન પેટીટ જેવી મક્કમ હતી અને ૧૯૩૮માં નેવિલ વાડિયા જોડે પરણી ગયા..
ઝીણાએ ઘણા પ્રયત્ન કર્યા કે દીના કોઈ મુસ્લિમને પરણે અને એના માટે એમણે દીનાને પ્રલોભન અને ધમકી બધું જ આપી જોયું પણ દીના એક ના બે નાં થયા અને બાપને મોઢામોઢ સંભળાવી પણ દીધું કે તમને પણ પણ એકથી ચડે એક એવી મુસ્લિમ યુવતીઓ પરણવા તૈયાર હતી તો તમે શું કામ પારસીને પરણ્યા ..?
બાપ નું દિલ તોડીને દીના નેવિલ વાડિયા થઇ ગયા..
ઝીણાના મૃત્યુ વખતે દીના પાકિસ્તાન ગયા પછી ફરીવાર ખાલી ૨૦૦૪માં એ પાકિસ્તાન ગયા એ સિવાય એ પાકિસ્તાન ક્યારેય ગયા નોહતા..
ઝીણાના જીવનનો મોટો સમય ઝીણાએ એમની બેહન ફાતિમા ઝીણા જોડે વિતાવ્યો અને દીના લગભગ પિતાને જીવનભર નફરત કરતા રહ્યા..મોહમ્મદ અલી ઝીણાના બેહન ફાતિમા ઝીણાએ રૂટેન પેટીટ, જે ઝીણાની બીજી પત્ની અને દીના વાડિયાના મમ્મી ને ઇસ્લામ કબુલ કરવા માટે જે અઢળક કારસા કર્યા અને રૂટેન એ તમામ નો જબરજસ્ત વિરોધ કર્યો હતો અને એની સામે એક મક્કમ લાંબી લડાઈ પણ રૂટેન પેટીટ લડ્યા હતા..
દીના વાડિયાના મમ્મી રૂટેન પેટીટ ઉર્ફે રતનબાઈ સાથે લગ્ન કરવા માટે પણ ઝીણા પોતાના સ્વભાવ અનુસાર છળ કરી ગયા હતા, રૂટેન પેટીટના બાપ દિન્શો પેટીટ ઝીણાના મિત્ર હતા અને જયારે રૂટેન પેટીટના બાપ દિન્શો ને ખબર પડી કે ઝીણા અને રૂટેન પ્રેમમાં છે, ત્યારે રૂટેન પેટીટના બાપના શબ્દો હતા “ ઝીણા રૂટેન ને તમે તમારા ખોળામાં રમાડીને મોટી કરી છે છતાં પણ તમે એની સાથે લગ્ન કરવાનું કેવી રીતે વિચારી શકો ?” અને ત્યારે ઝીણા એ બહુ જ ઠંડકથી જવાબ વાળ્યો હતો કે હું દિલથી મજબુર છું, ત્યારે રૂટેન પેટીટના પિતા દિન્શો એ ઝીણા જોડે વચન લીધું હતું કે ઝીણા રૂટેન ને જીવનભર ઇસ્લામ કબુલ કરવા માટે ક્યારેય મજબુર નહિ કરે અને દબાણ નહિ કરે અને સ્વતંત્ર અન મુક્ત વિચારસણી વાળા વાતવરણમાં જીવવા દેશે..!!
પણ ઝીણા જેનું નામ..શરૂઆત કરી ફાતિમા ઝીણાએ અને પછી એમાં ઝીણા જોડાઈ ગયા,અને અંતે ઝીણાનું ધાર્યું થયું, ઇસ્લામ કબુલાવ્યો પણ પછી રૂટેન બહુ જીવ્યા નહિ અને રૂટેનના મૃત્યુ પછી દીના પણ લગભગ એમના પિતાથી અલગ થઇ ગયા..અને માતાના મૃત્યુના દસ વર્ષ બાદ નેવિલ વાડિયાને પરણી ગયા..
હવે ત્રીજા મહાનાયકના પુત્રીની વાત કરીએ તો સરદાર પુત્રી મણીબેન સરદારના અંતિમ ક્ષણ સુધી સાથે રહ્યા,પણ પ્રેમ કરી અને પોતે હારી ગયા અને પિતાના દબાણને “વશ” થઇ ગયા..
આ વાતને કોઈ આધિકારિક કે બીજી પુષ્ટિ નથી મળી પણ અમદાવાદના એ જમાનાના આઝાદી પેહલાના દિવસોમાં કોંગ્રેસ અને અમદાવાદના ભદ્ર વર્ગમાં મણીબેન અને ઇન્દુલાલ યાગ્નિકનું પ્રેમપ્રકરણ ઘણું ચર્ચાયું હતું અને સરદારની ધરાર ઈચ્છા નોહતી કે એ સબંધ આગળ વધે અને પરિણામ સ્વરૂપ બંને કુંવારા રહ્યા..!
મણીબેનને વર્ષ મેં રોજ સાંજે ચારથી સાડા ચારની વચ્ચે રીક્ષામાં બેસી અને કોંગ્રસ હાઉસ જતા જોયા છે અને ક્યારેક ટેકો કરીને બેસાડ્યા છે પણ ખરા..
અને ત્યારે પણ મને વિચાર આવતો કે ક્યાં નેહરુ ની દીકરી અને ક્યાં સરદારના દીકરી કેમ જમીન આસમાન ના અંતર ?
એ વખતે અમારી સોસાયટીના એકદમ ઘરડા “બા” ઓ જોડે હું ઘણી પટલાઈ પણ કરી લેતો, અને એ બધી પટલાઈ અહી લખાય તેમ નથી પણ એટલું તો નક્કી કે એ જમાનાના સમર્થ બાપની દીકરીઓ જરાય ગાંજી જાય તેમ નોહતી..
ત્રણેય દીકરીઓ એ ત્રણેય બાપની સામે થવામાં કઈ જ બાકી નોહતું રાખ્યું પણ એમાં સૌથી વધારે મક્કમ દીના વાડિયા નીકળ્યા..!
મણીબેન પેહલા જ પિતાની ઈચ્છા ને વશ થયા, ઈન્દિરાજી પાછળથી વશ થયા અને તીનમૂર્તિ ભવન પાછા આવી ગયા, પણ દીના વાડિયા બિલકુલ ઝીણાની ઈચ્છા લાગણી કે દબાણને વશ થયા નહિ અને ક્યારેય એમણે બાપ ની સામું સુધ્ધા જોયું પણ નહિ અને પ્રેમ નિભાવી જાણ્યો..!
કદાચ એટલે જ આજે ઈન્ટરનેટ ઉપર દીના વાડિયા સર્ચ કરીએ છીએ તો “ફિયરલેસ દીના વાડિયા” લખાઈને આવે છે..
દીના વાડિયા એ ધાર્યું હોત તો કદાચ ઝીણાનો વારસો અંકે કરવાની કોશિશ કરી હોત,પણ વારસો તો બાજુ પર ગયો એમણે પાકિસ્તાનની તરફ ક્યારેય વળીને નજર સુધ્ધા ના નાખી, અને ત્યાં સુધી કે જયારે તેઓ ૨૦૦૪માં ઝીણાની મઝાર પર એમના દીકરા અને પૌત્રોને લઈને ગયા ત્યારે એમણે પાકિસ્તાનની સરકારને સોય ઝાટકીને કહી દીધું હતું કે મારી આ મુલાકાત બિલકુલ પ્રાઈવેટ છે એકપણ મીડિયા મારી પાસે ફરકવું ના જોઈએ..!
બહુ અઘરું છે આ દુનિયામાં આવી રીતે જીવવું ..જયારે માણસ જોડે હામ અને દામ હોય ત્યારે “નામ” ની ભૂખ વળગે છે, અને આ તો એવી વ્યક્તિ કે જેનો બાપ એક દેશનો રાષ્ટ્રપિતા છે અને એના આટલા મોટા વારસાની સામે નજર સુધ્ધા ના નાખવી એટલે..
ગ્રેટ ..!
દીના નેવિલ વાડિયાને શ્રધ્ધાસુમન
શુભ રાત્રી
શૈશવ વોરા
P.S. :- ઝીણા અને રૂટેન ના પ્રકરણ નો સોર્સ રાજમોહન ભટનાગરની ચોપડી “કાયદે આઝમ” છે,ઇન્દિરા- ફિરોઝ આખું ગામ અને છાપા છે,અને મણીબેન અને ઇન્દુલાલ યાજ્ઞિકની ખની નો સોર્સ એશીના દાયકામાં ચાલતી ન્યુ બ્રહ્મક્ષત્રીય સોસાયટીની ડોશીઓની પંચાતો છે..