નોટબંધીની “વર્ષી” નજીક આવી રહી છે..આવતીકાલે એ ભયંકર દુ:સ્વપ્ન ને વર્ષ પૂરું થશે..!
ગઈ આઠમી નવેમ્બરે રાત્રે આઠ વાગ્યે “ખેલ” કર્યો ત્યારે અમે જીમમાં હતા અને ત્યાં જ ઓનલાઈન મોબાઈલમાં “મિત્રો” સાંભળ્યું હતું..પેહલા તો એવું લાગ્યું હતું કે કોઈક કોંગ્રેસનું જોરદાર કૌભાંડ બહાર આવ્યું હશે અને સોનિયા ગાંધીથી લઈને બધા બીજા બે ચારને “અંદર” ઘાલી દેશે,કેમ કે પેહલા એવા સમાચાર આવ્યા કે ત્રણે સેનાના અધ્યક્ષ જોડે મીટીંગ કરી હતી સાહેબે..પછી બીજો વિચાર એવો આવ્યો કે કદાચ ઈમરજન્સી જાહેર થશે..!
પણ નીકળ્યું બીજું જ કૈક.. નોટબંધી જાહેર થઇ..!
શરૂઆતમાં આઠમી તારીખે તો એમ લાગ્યું કે દસમીએ બેંકમાં જઈને રૂપિયા ભરી દઈશું અને અગિયારમીએ ઉપાડી લઈશું એટલે પત્યું આપડી જોડે તો જેટલા છે એ બધા “એન્ટ્રી” સાથે ના જ છે એટલે કોઈ મગજમારી નહિ થાય..
બીજી કશી જ ક્લેરિટી હતી નહિ, એટલે આવી ભ્રમણા અમને બંધાઈ ગઈ અને ભ્રમણામાં જ આપણે તો ગઈ આઠમી નવેમ્બરે આપણે તો વેહણમાં તણાઈને ઓવારણા લીધા હતા..
સરકારને જેમ આશા હતી કે અડધોઅડધ નોટો પાછી જ નહિ આવે એમ અમને પણ એવું જ હતું કે અડધોઅડધ નોટો પછી નહિ આવે અને સો સ્માર્ટસીટી બનાવવાનો ખર્ચો સરકાર કાઢી લેશે..!
પણ થયું તદ્દન ઊંધું, કરવા ગયા કંસારને થઇ ગયું થુલું..!!
જે મોદી સાહેબના ઓવારણા લીધા હતા એ જ મોદી સાહેબના છાજીયા લેવા પડે એવો ઘાટ થયો..!!
પ્રજાએ ભેગા થઈને એમના વહાલા સાહેબને ઉંધે કાંધ પાડ્યા..ખુબ જાહેરમાં રડાવ્યા અને કગરાવ્યા ,ત્રીસ ત્રીસ વર્ષ પછી સંપૂર્ણ બહુમતીના મેન્ડેટ સાથે દિલ્લીની ગાદીએ બેઠેલા સાહેબને “ભાઈબાપા” કરવાના વારા પ્રજાએ લાવી દીધા, લગભગ બળવો ફાટી નીકળે એવી અવસ્થાએ દેશ આવી ગયો હતો, અને હજી પણ લોકોન હૈયે ભાર ઓછો થતો નથી,એક બીક અને ધાસ્તી જતી નથી એટલે એમ માની લઈએ કે “સ્ટીમ” રીલીઝ થઇ ગઈ તો એ ખોટું છે આ નોટબંધીની “સ્ટીમ” ક્યારે અને ક્યાં રીલીઝ થશે એ સમય કેહશે..!
મારી જેમ સરકારે પણ ધાર્યું હતું કે “કાળા-વાળા” “એન્ટ્રી” નહિ લાવી શકે પણ “એન્ટ્રી” આવી ગઈ, અને એટલી બધી “એન્ટ્રી” આખા દેશે ઉભી કરી કે એટલી નોટો પણ છાપી નોહતી..!
નોટબંધી ને દેશે એક “રાષ્ટ્રીય આફત” ગણી લીધી, અને આ દેશની ખૂબી છે કે ગમે તેટલો અંદર અંદર ઝઘડતો નાગરિક આફત સમયે એક થઇ જાય છે..!
કોમી રમખાણોમાં એક બીજાને ચપ્પા હુલાવી દેનારા જ્યારે વાડીલાલ સારાભાઇ હોસ્પિટલના ખાટલે પોહચે પછી બધું શાંત થઇ જાય..એક ખાટલે હિંદુ પડ્યો હોય અને બીજા ખાટલે મુસલમાન અને બેઉ ની માં સરખો જ કકળાટ કરતી હોય પેહલા એકાદ બે દિવસ થોડા દુર દુર રહે પછી એકબીજાની દવા લાવી આપે અને છેલ્લે એકબીજાના ટીફીન ખાતા થઇ જાય..!
હિન્દુસ્તાનના ઘણા રૂપ છે અને દરેક રૂપ બાબા રામદેવ જાણતા હોય એ અશક્ય છે, બાબાજીની બુદ્ધિએ નોટબંધી થઇ, બજારમાંથી લીકવીડીટી ગાયબ થઈ અને કાળો કેર મચ્યો..નાના નાના ગામમાં અને શેહરોમાં ઝૂપડપટ્ટીમાં વસતા લોકો જે પોતાની પાસે પાંચસોની કે હજારની નોટને પોતાના મેલાઘેલા કપડામાં ક્યાંક છુપાવી રાખતા હતા એ રૂપિયા માટી થઇ થઇ ગયા..!
બાબાજી યોગગુરુ છે કલિકાલસર્વજ્ઞ નથી મારા સધરા જેસંગ ..!
હિન્દુસ્તાનના રાજકીય ઈતિહાસને મોહમદ બિન તુઘલખ પછીનો બીજો શાસક મળ્યો કે જેણે કરન્સી જોડે રમત રમી..
આશય બંને નો સારો હતો,ઈતિહાસ એમ કહે છે કે મોહમદ બિન તુઘલક પણ સુધારાવાદી અને વિકાસ કરનારો હતો પણ એની બે ભૂલો એ એને બદનામ કરી અને મજાકનું પાત્ર બનાવી દીધો..
ઈતિહાસના એ પાઠમાંથી શીખી અને આજે જબરજસ્ત વોચ રાખવામાં આવી રહ્યો છે ક્યાંય ભૂલથી પણ મજાક ના થઇ જાય કે મજાકનું પાત્રના બની જવાય માટે કોઇપણ જગ્યાએ થતી મિમિક્રી ને પણ જાહેર મીડિયા પર પ્રસારિત થવા દેવામાં નથી આવતી..પણ કેટલા વર્ષ આ વાતને દબાવી શકાશે..?
એવું માનવું ભૂલ ભરેલું છે કે લોકોની યાદદાસ્ત ટૂંકી હોય છે..!!
આજની બોલચાલની ભાષામાં કહું તો..પ્રજા બહુ જ કુત્તી ચીજ છે..!
જેવો ઓપ્શન મળશે કે દેખાશે એટલે તરત જ કરેલી ભૂલ તો છોડો, નાં કરેલી ભૂલને પણ બહાર લાવીને તમારા ખીખીયાટા કરશે..!
આજે નેહરુ ગાંધી પરિવારના વારસની સોશિઅલ મીડયા પર જે ખીલ્લી ઉડાવાઈ રહી છે તો પછી આપડે તો મારી જેમ જ વંશ અને વારસ જે ગણો તે હું જ છું..!
નોટબંધીને “સફળ” ગણાવવાના “નિષ્ફળ” પ્રયત્નો હજી ચાલુ જ છે, જાહેર મંચ ઉપરથી એમ કહે છે કે એક એક એડ્રેસ ઉપરથી ચારસો કંપની ચાલતી હતી એ નોટબંધી માં હાથમાં આવી..
હે રામ…
તો શું આટલા વર્ષોથી આરઓસી (કંપનીનું ધ્યાન રાખનારું ડીપાર્ટમેન્ટ) ને એનેસ્થેસિયા આપેલો છે ..? તમારા કોમ્પ્યુટર શું કરે છે એમાં ખબરના પાડે કે આટલી બધી કંપનીના એડ્રેસ એક જ છે ? શું હજી હાથથી ચોપડા ચીતરાય છે આરઓસીમાં..? અરે ભાઈ ખાલી પોસ્ટઓફીસમાં જઈને તપાસ કરી હોતને તો જે તે એરિયાનો પોસ્ટમેન પણ તમને કહી દેત કે સાહેબ આ એડ્રેસ ઉપર તો આટલી કંપનીઓના કાગળીયા આવે છે..!
વાહિયાત કારણો નોટબંધીને સફળ ગણાવવા માટે અપાઈ રહ્યા છે,
નોટબંધીની વર્ષી એ સામે થઇને ફલાણા અને ઢીકણા દિવસો કરવા કરતા એકવાર ભૂલ થઇ ગઈ અને હવે ધ્યાન રાખશું એટલું કેહવામાં સાર છે..!
હજી પણ રાષ્ટ્રને કાર્યશૈલી ઉપર ક્યાંક વાંધો છે,પણ નીતિ અને નિયત ઉપર શંકા નથી,અને શંકા કરવાનું કોઈ કારણ પણ નથી માટે જાળવી જાય તો સારું..!!
નોટબંધીની પાછળ અણઘડ જીએસટી પછી હવેનું કોઈપણ પગલું ઘાતક નીવડે એમ છે,
મારા આઠસોથી હજાર શબ્દો લખવાની મર્યાદા પૂરી થવા જઈ રહી છે એટલે પૂરું કરતા પેહલા હિન્દુસ્તાનના તમામ લોકોના દિમાગમાં ઘુમરાતા એક સવાલ અને એનો જવાબ..
આ રાહુલ ગાંધી આટલા બધા ભાંગરા વાટે છે તો એને કેમ કોઈ ઉતારી નથી મૂકતું ..?
ભાઈ ડોબો રાજા તો બહુ જ સારો એ એના મનમાં ઉઠતા તરંગોમાં જીવ્યા કરે અને મંત્રીઓને લીલાલેહર રહે..!
આ જ સિધ્ધાંત બીજી બાજુ પણ એટલો જ લાગુ પડે છે..!
અતિશય બુદ્ધિશાળી અને હોશિયાર માણસ પણ પોતાના તરંગોની દુનિયામાં જ જીવતો હોય છે અને એવા રાજાને એના મંત્રીઓ એહસાસ કરાવે કે તમે બધું બહુ જ સારું કરી રહ્યા છો અને એ રાજાની ભ્રમણાની પાછળ મંત્રીઓ મોજ કરે..!!
ડોબો કામ નાં કરે એટલે પ્રજા પીસાય અને હોશિયાર ના કરવાના કામ કરે એટલે પ્રજા પીસાય..!
બોલો પીસાયને ..
બોલો પીસાય કે નહિ ..
બોલો પીસાયને …!!!
ભારત માતા કી
ભારત માતા કી
ભારત માતા કી
જય…સો વાર જય, લાખ વાર જય, પણ હવે બીજું કઈ નહિ હો..
“ ફે`ણ ફાટી જ્યાં સી હ`વ, આ સી`યાળે હો`ન્તીથી ઉઘ્વા દે`ઝો નવું પાસું ચઈ ક`ર ને લાઈનો માં ના ઉભા મેલશો ભઈ શા`બ હાથ ઝોડીયે તમને..”
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા