દિવાળી આવી અને ગઈ,
મોબાઈલ જોડે ચીપકી ગયેલી અત્યારની જિંદગીમાં હવે તો મોટેભાગે એવું જ લાગે છે કે આપણી સાથે દુનિયા આખીએ પણ વોટ્સ એપ અને ફેસબુકમાં જ દિવાળી ઉજવી છે ..
લગભગ અગિયારસથી લઈને ભાઈબીજ સુધી જ્ઞાન અને શુભેચ્છાઓનો વરસાદ તૂટી પડ્યો હતો,મેસેજની અનરાધાર હેલી ચડી હતી, શ્રાવણ ભાદરવો બધું વરસ્યું અને દરેક વ્યક્તિએ એમાં યથાશક્તિ ફાળો નોંધાવ્યો..
જો કે ફાળો નોધાવવામાં અને સ્વીકારવામાં અમે થોડા કમભાગી નીકળ્યા, નેટવર્ક વિનાની જગ્યાએ ગુજરાતના એક ખૂણામાં અમે “ભરાઈ” ગયા હતા..એટલે જયારે જયારે અમને અલપઝલપ નેટવર્ક પકડાય ત્યારે એક સામટા સો બસ્સો મેસેજીસ દેખાય અને આત્માને ઠંડક થાય, હાશ હું જીવું છું અને દુનિયાએ મારા અસ્તિત્વની નોંધ રાખી છે..!
દિવાળીની રાતથી અમદાવાદ લગભગ ખાલી થઇ ગયું હોય એમ લાગતું હતું અને બેસતા વર્ષના દિવસે વેહલી સવારે અમે પણ કચ્છ ભણી પ્રયાણ આદરી દીધું..
લાગલગાટ ત્રણ દિવસ સુધી કચ્છમાં ધોરડો મુકામે સફેદ રણમધ્યે અમે વસવાટ કર્યો,અને એ પણ અલપઝલપ નેટવર્ક સાથે..આ નેટવર્ક વિના અમે જીવી ગયા, એવું રહી રહીને પણ મને બહુ યાદ આવે છે, કેમ કે કેટલા વર્ષે બે દિવસ મોબાઈલ વિનાના અમે “ટકી” ગયા..!. અહો આશ્ચર્યમ..!
ના ફેસબુક,ના વોટ્સએપ,ના ઇન્સ્ટાગ્રામ..બસ દુનિયાથી હું કપાઈ ગયો,મારાથી સેહવાતું નોહતું, અને રેહવાતુ નોહતુ દુનિયાને જણવ્યા વિના કે હું ક્યાં છું.!
બસ ક્યારે નેટવર્ક આવે અને હું દુનિયાને જણાવું કે હું કચ્છ પોહચી ગયો..!
મન મારું એકદમ તલપાપડ થતું કે ક્યારે નેટવર્ક આવે અને એકાદો ફોટો તો અપલોડ કરું..એક રાત તો લગભગ એવી ચિત્ર વિચિત્ર “ફીલિંગ” અને ચટપટી થઇ ગઈ હતી કે હવે તો એકાદી “બાધા” રાખી લઉં, નેટવર્ક પકડાય એના માટે..!
જાણે મોબાઈલ,નેટવર્ક અને ફોટોગ્રાફ અપલોડ કર્યા વિના તો હું ક્યારેય દુનિયા ફર્યો જ નથી..!
મારા જીવનની આ છેંતાલીસમી દિવાળી અને છેંતાલીસમી ને ટ્રીપ પૂરી કરીને હું મારી ધરતીના છેડે પાછો ફરી રહ્યો છું,
છેલ્લા ઘણા વર્ષોથી ફરવા જવું અને ત્યાં ફોટોગ્રાફી કરાવી એ કદાચ અમારો શોખ રહ્યો છે..પણ ફોટોગ્રાફી એટલે પેલી ચકલા કબુતરાવાળી કે થ્રી ઇડીયટ આવ્યા પછી પેદા થયેલા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરની જમાતવાળી ફોટોગ્રાફી કે પછી બે પાંચ લાખના એસએલઆર લઇ ને મોટા ભૂંગળા તાણી અને કલાકો સુધી એક ફોટોગ્રાફ લેવા માટે બેઠા રે`વાનું એવી ફોટોગ્રાફી બિલકુલ નહિ,
અમને અમારા પોતાના કુટુંબના બાળકો અને વડીલોના ફોટા પાડવા, એ પપ્પાને ખુબ ગમે, અને મને પણ ગમે..
પચાસેક વર્ષથી મારા પપ્પાનો એક વણલખ્યો નિયમ રહ્યો છે કે દર દિવાળી કે બેસતા વર્ષે અમદાવાદ છોડી દેવાનું અને ક્યાંક બહારગામ ફરવા જવું, અને પાંચ સાત દિવસ એ એમાં પેશન્ટો વિના ત્યારે એ જીવી લે અને અમે પણ એમની સાથે એ પાંચસાત દિવસ મજા કરી લઈએ..!
હું જન્મ્યો ત્યારથી આજે છેંતાલીસ વર્ષ સુધીમાં દિવાળી અને ઉનાળાના વેકેશન દરમ્યાન થયેલી ટ્રીપોમાં મારા પડેલા ફોટોગ્રાફ્સનું ટોટલ મારું તો નહિ નહિ તોય મારા એકલાના લગભગ ત્રણ ચાર હજાર ફોટા તો ચોક્કસ પડ્યા હશે, અને જયારે જયારે સમય મળે છે ત્યારે એ વર્ષો જુના ફોટોગ્રાફ્સ જોઈને અમે સહકુટુંબ સાથે બેસીને અમે અમારી મેમેરી ને તાજી કરી લઈએ છીએ..
અને પપ્પાનો એ ધારો મેં પણ પકડી રાખ્યો છે અને હું પણ હવે મારા સંતાનોના એટલી જ હોંશથી દરેક ટ્રીપમાં ફોટા પાડું છું, પડાવું છું અને મારા ઘડપણનું ભાથું તૈયાર કરું છું..
હા દરેક ફોટા લેતી વખતે સુરુચિ જળવાય એનું ખાસ ધ્યાન રાખું છું ,અને એમાંથી થોડા ઘણા ફોટોગ્રાફ્સ કે આલ્બમ ફેસબુક કે ઇન્સ્ટાગ્રમ પર અપલોડ કરી લઉં છું, હવે વારો “પણ” નો
પણ સાલુ છેલ્લા ત્રણેક વર્ષથી ફેસબુક અને બીજા સોશયલ મીડિયા પર ના અમુક અમુક એવા “ખતરનાક” ફોટોગ્રાફ્સ આવે છે..ઓ માડી રે સાલું અજબ ગજબના પોઝ લોકો આપે છે,
પોઝ આપીને મોબાઈલથી ફોટા પડાવવામાં જે “ખેલ” થાય છે એનો એક મજેદાર કિસ્સો કચ્છનો..
નેટવર્ક વિનાની મારી એક સવાર, અને સવાર સવારમાં સફેદ રણમાં અમારા અસ્થાયી નિવાસ એવા ભૂંગાની બહારથી મેં દૂર દૂરથી દસ બાર ચકલીઓ જોડે બે ચાર કન્યાઓનો કલરવ સાંભળ્યો એટલે અમે અમારા ભૂંગામાં રહેલી નાનકડી બારી ધીમેકથી ખોલી..સુરજ દેવતા હજી હમણાં જ પ્રગટ થયા હતા એવી વેળા હતી..અને રણની મસ્ત ઠંડી અને ચમકતો સૂર્ય પ્રકાશ..
અવાજ ક્યાંથી આવે છે એવું જોવા થોડે દૂર નજર નાખી તો..બે કન્યાઓ ઊંચી હિલ્સ અને ટૂંકા ટૂંકા ફરાક પે`રી ને જાત જાતના પોઝ આપીને ફોટા એકબીજા ના પાડતી હતી..ટૂંકા એટલે સાવ ટૂંકા ફરાક હો, ઘૂંટણથી લગભગ અડધો પોણો ફૂટ ઉપર..!
હવે ઉપર આકાશને નીચે ધરતી એવા ખુલ્લા રણની વચ્ચે આવેલા એ નિર્જન રિસોર્ટમાં એક બહુ મોટી ઘાસની ભારી પડેલી, અચાનક બેમાંથી એક કન્યાએ ધબાંગ કરતો ભુસ્કો મારો એ ઘાસના ભારામાં .. રાધે રાધે ..ફરાક રૂપી છત્રી કાગડો થઇ ગઈ..
પણ એમને એનાથી જરાક પણ ફર્ક પડ્યો નહિ, અને બીજી કન્યાએ એનું કાર્ય ચાલુ રાખ્યું, તરત જ એ કન્યા ઘાસમાંથી ઉભી થઇ ગઈ અને પછી એ બોલી હું એક બે અને ત્રણ કહું એટલે તું ફોટો પાડજે ..એ કન્યા એક બે અને ત્રણ બોલીને હવામાં કુદી અને બીજી કન્યાએ એનો હવામાં ઉછાળતો ફોટો પાડ્યો ,દસેક રીટેક થયા હતા અને છત્રી કાગડો થતી રહી,
છેવટે દૂર ઉભેલા ભૂંગાની નાનકડી બારીમાંથી નિહાળતા આપણે “દુર” થી માન્યું કે ભાઈ નાની નાની કન્યાઓ છે, એટલે જુવાનીના જોશમાં કુદકા મારે એટલે આપણે ભૂંગાની બારી બંધ કરી અને નિત્યક્રમમાં વળગ્યા..
બ્રેકફાસ્ટ કરવા ગયા ત્યાં ડાઈનીગરૂમમાં એ બે કન્યાઓ મળી, થોડી નજીકથી “જોઈ” તો લગભગ પાંત્રીસથી ચાલીસ વર્ષની હતી એ તો, અને એમની જોડે રહેલી એમની દીકરી કદાચ પંદર સત્તર વર્ષની હતી..!
હરે ક્રિષ્ણ હરે રામ રામ રામ હરે હરે..
અમને તરત જ અમારા એક ફેસબુક સ્ત્રી મિત્ર યાદ આવ્યા, એ પણ આવા જ હવામાં ઉલળી ઉલળીને ફોટા પડાવે છે અને પછી ફેસબુક પર મુકે છે,
હવે ચાલીસ વર્ષની ઉંમરે એવા હવામાં ઉલળી ઉલળી ને ફોટા પડાવે અથવા તો બીચ પર ના ત્રણ ચાર મહિનાની પ્રેગનેન્સી જેટલું પેટ હોય અને તો પણ સ્વીમીંગ કોશ્ચ્યુમમાં ફોટા પડાવે અને પાછા જોડે હોય એમના ભરથાર અને એમના ભરથારે પણ અંગે એકલી ટૂકી ચડ્ડી પેરી હોય,એમના ભરથારને પણ દારૂ પી પી ને ચાર પાંચ મહિનાની પ્રેગનેન્સી હોય એવું મોટું પેટ હોય અને સજોડે એમના આવા “અર્ધ નગ્ન” એવા “સુંદર” ફોટોગ્રાફ્સ ફેસબુક પર આવે..!
ક્યાં જાવું અને કોને કેહવું બાપલીયા..!
એક બીજા પણ ફેસબુક મિત્રના પત્ની, એમનું લગભગ પંચોતેર કિલો વજન હશે પણ એકદમ ટાઈટ સ્કર્ટ અને ટોપ પેહરી અને હવામાં ઉલળી ઉલળીને ફોટા પડાવે અને ફેસબુક પર મુકે અને જોડે દસ જણાને ટેગ કરે..
ફોટામાં જ ચોખ્ખું દેખાય કે એમના “તમામ” અંગ ઉપાંગો એમના સ્કર્ટ અને ટોપની બહાર આવવા માટેના એમનાથી બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યા છે..
અને આપણને સ્કર્ટ અને ટોપને સિવનારા ઉપર માન થઇ જાય કે આટલો મોટો ભાર આ બિચારો “પાતળો” દોરો ઝીલે છે..!
પણ બીજું શું કેહવું ? “ મારી મરજી ”
અને “પાઉટ”ની તો વાત જ જવા દો ત્રાસ ત્રાસ થાય છે..
ક્યા પોઝ અને વસ્ત્રોમાં ફોટા..? અને એ પણ સોશિઅલ મીડિયા પર..!!
સાલું ક્યાય કોઈ પ્રમાણ ભાન કે માપ રહ્યું જ નથી, બસ હવે ખાલી પેલી અંગત પળોના ફોટા ક્યારે આવે એ જ જોવાનું રહ્યું છે..!
જો કે આજકાલના ઘણા જુવાનીયા બહુ રસપૂર્વક એમની પ્રેમક્રીડા અને કામક્રીડાનું ફિલ્માંકન કરી અને એકબીજાને બતાડતા હોય છે, એટલે દુનિયા ઝડપથી એ દિશામાં આગળ વધી રહી છે એ નક્કી..!
પણ કોઈને “કેહનારા” આપણે કોણ હે.?
ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓને પક્ષીઓ..
હશે ત્યારે જેને જે ગમે તે કરો,
ફેસબુક કે બીજા સોશિઅલ મીડિયાની એ શાંતિ કે આપણને ના ગમે તો સ્ક્રીન પર આંગળી ફેરવી દેવાની અને આગળ વધી જવાનું..!
પણ આ તો એક વાત છે ભાઈ..
જોડે બીજી વાત પણ એવી છે કે સિવાય કે કોઈ “મહાત્મા” ફેસબુક પર પોતાનો ફોટો ચડાવનારો કે નારી, દરેકને એના ફોટાને માટે કેટલી લાઈક આવી એનું પણ એક ગજબનું ઓબ્સેશન છે..
અને હોય પણ ખરું, કેમકે તારાથી હું વધારે સારો કે સારી એ પ્રૂવ કરવાનું તો સદીઓથી ચાલતું આવ્યું છે, અને સોશિઅલ મીડિયાએ એમાં બરાબર ઘી રેડી રહ્યું છે..
તો પછી લો “મજ્જા”, અને કરો “પંચાત” અને પેટ ભરો
સૌ ને નવા વર્ષના રામ રામ
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા