ટ્રાફિકના વધારેલા દંડના મુદ્દે સરકાર સીધી જ સમાજના તમામ વર્ગ સાથે ઘર્ષણમાં આવી પડી હોય એવું પ્રતીત થઇ રહ્યું છે..
આજે લગભગ ચોથો દિવસ છે પણ જે રીતે સોશિઅલ મીડિયા ઉપર મેસેજીસ અને ઠઠ્ઠા ની હેલી ચડી છે એ જોતા તો જનતા જનાર્દન સરકાર કરતા વધારે આકરા પાણીએ ચડી હોય એમ ભાસે છે..!!
આપણો તો સ`પષ્ટ મત છે “ટકાની ડોશી ઉપર ઢબુના મુંડામણ” ના હોય…!!
પેહલા ડોશીની કિંમત “વધારો” પછી ઢબુ ના મુંડામણ કરાય ..!!
એક અમેરિકા વસેલા મિત્રએ વોટ્સએપ ગ્રુપમાં આંખો પોહળી કરી ને પૂછ્યું કે અલ્યા તમને ઇન્ડિયાવાળા ને થઇ શું ગયું છે ? કેમ ટ્રાફિકના નિયમો અને દંડ માટે આટલો મોટો હોબાળો તમે લોકો એ મચાવ્યો છે ..? કેટલા મેસેજીસ તમે લોકો ફેરવો છો ..!!? કાયદો તોડો તો `જ`દંડ થાય, ટ્રાફિકના નિયમ નું પાલન કરશો તો તમને દંડ નથી થવાનો, કાયદાનું પાલન કરવું એ તો દરેક નાગરિકની ફરજ છે..
હજી એ મિત્ર એ ગ્રુપમાં આવો મેસેજ નાખ્યો અને ત્યાં જ બીજો એક દેસી લાલ ના બાદશાહ એ મેસેજ નાખ્યો .. “સરકારશ્રી ને વિનંતી કે લાયસન્સ આપવાવાળા આરટીઓના ટ્રેક ઉપર બે-ચાર ઢોર પણ રાખે..!!”
તરત જ અમેરિકાવાળાની સીટ્ટીપીટ્ટી બંધ..!!
વોટ્સએપ પીપુડી વાગતી બંધ થઇ ગઈ..! અને સીધ્ધો ફોન રણક્યો..!!
હલો …શૈશવ …અલ્યા હા`રું એ ય ખરું તમારા રોડ રસ્તા ક્યાં અમારા જેવા ..? તમારે તો જ્યાં ને ત્યાં ઢોર આવે ,રસ્તે જતો ગમે ત્યાંથી રોડ ક્રોસ કરે, દર પચાસ મીટરે રોડ ડીવાઈડરમાં `બાખું` આવે ,હાથલારી આવે ,બળદ ગાડા આવે ,રીક્ષાવાળા ગમે ત્યાં નીકળે , ચારેય બાજુ જ્યાં ને ત્યાં પાર્કિંગ થયા હોય ,સ્પીડ તો નામે પણ ના મળે ,અને દે ધનાધન રોડ ઉપર નવા વેહીકલો તો આવ્યા જ કરે છે ,ત્રીસ ત્રીસ વર્ષ જુના વેહીકલ્સ રગશિયા ગાડા તમારા હાઈવે ઉપર ફરે ..અમદાવાદ વડોદરા એક્સપ્રેસ સિવાય ક્યાંય તમે સીધા સડસડાટ ના જઈ શકો..અને ખાડા તો બાપ રે ,અમારે ત્યાં ડીઝનીની રાઈડમાં પણ આવા ઝાટકા ના આવે ,આખે આખા ફૂટપાથ ઉપર ફેરીયા ને બેસાડી ને ફૂટપાથ ભરી મુક્યા છે , અને પેલું હમણાં નવું ચાલુ થયું છે દર ચાર રસ્તે પેલા ફેરિયા અને ભીખારા હેંડ્યા આવે છે અને ભીખારો પણ કેવો ? હું ત્યાં આ`યો તો ત્યારે ભ`ઈ ગાડી ચલાવતો હતો અને હું ગાડીમાં ઊંઘતો હતો તો એક ભીખારો પાંચ રૂપિયા સિક્કા કાચ ઉપર એવા પછાડે કે મને એમ જ થયું કે આ કાચ હમણાં ફૂટી જશે..
બાપ તમારે ત્યાં તો બહુ બધું ત્રાસ છે આવો .. એક જ શ્વાસે પાર્ટી એ ભારતવર્ષના ગુણગાન કરી મુક્યા..!!!
મારે તો કઈ બોલવા જેવું રહ્યું જ નહિ …!!
આવા ભારે દંડ ક્યારે કરાય કે જ્યારે આપણે ઉત્તમ પ્રકારની સર્વિસ પૂરી પાડતા હોઈએ..!
ફક્ત ઝીબ્રા ક્રોસિંગથી રોડ ક્રોસ કરવાનો હોય છે એવી કેટલા રાહદારીને ખબર છે ?
અને ખબર છે તો એ કેટલા લોકો `પાળે` છે ?
રસ્તે ચાલતો રાહદારી પણ ટ્રાફિકનો `એક ભાગ` જ છે,
ફક્ત `એક ભાગ` જ નહિ બહુ મોટ્ટો અને મહત્વનો ભાગ છે,
જ્યાં ફેરિયા ને જવાની મનાઈ છે એવા રોડ ઉપર વીસની નોટ લઈને ફેરિયા ફરવા દઈએ અને પછી ટ્રાફિકમાં અડચણ ઉભી થાય ત્યારે વાહનચાલક પોતાની રીતે પોતાનો રસ્તો શોધી લે તો એને દંડ કરો તો પછી લોચા પડી જાય..!
ઈ-મેમા મોકલ્યા તો વાહનચાલકો સમજી ગયા કે ધોળા પટ્ટાની આગળ નહિ જવાનું પણ હવે વારો રાહદારીનો છે, ઝીબ્રા ક્રોસિંગથી જ રોડ ક્રોસ કરાય એ શીખવાડવું પડે ..
ચાર રસ્તે ઉભા રેહતા ભિખારી નો વારો છે , ફેરિયા નો વારો છે ..પેહલા એ બધું સાફ કરો જોઉં તો…!
પબ્લિક એક સ્ટેપ સુધરી તો સરકારે અને એની મશીનરી એ સુધરવાનું કે નહિ ?
બંધ કરાવો તોડપાણી ..!
મેં ટીવીની ડીબેટમાં કહ્યું તેમ એક પણ ઘર તમને એવું નહિ મળે આખા ભારતવર્ષમાં કે જ્યાંથી ટ્રાફિક પોલીસને એક રૂપિયાનો ભ્રષ્ટાચાર ના ગયો હોય..!!
એકદમ “છેક” થી `નાં` પડાવો, બોલાવો એક એક ઉચ્ચ અધિકારીને અને કહો કે કોઈએ હવે ભ્રષ્ટાચાર નથી કરવા નો ..આપણે હવે આપણી છાપ સુધારવાની છે આવનારા પાંચ વર્ષમાં ભારતના દરેક ઘર એવા હોવા જોઈએ કે જ્યાંથી ટ્રાફિક પોલીસને એક પણ રૂપિયો ભ્રષ્ટાચાર રૂપે ના અપાયો હોય..!
પણ અત્યારે તો એવું છે ભાઈ કે જેટલો મોટો દંડ એટલો મોટો તોડ..!!!
વધારે પડતી સરકાર આ મુદ્દે અક્કડ રહી તો પછી ઘર્ષણ મોટું આવશે એવા એંધાણ સોશિઅલ મીડિયા આપી રહ્યું છે , અને આ કોઈ એવો મુદ્દો નથી કે ટ્રાફિકની મજાક ઉડાવતો મેસેજ મોકલ્યો તો તમારી ઉપર રાષ્ટ્રદ્રોહ નો ગુન્હો દાખલ થશે..!!
પ્રજા પણ સરકાર પાસેથી કોઈ અપેક્ષા રાખી રહી છે , સીટીઝન જર્નાલીઝમ જોર ઉપર છે ,એક કોન્સ્ટેબલનો હેલ્મેટ વિનાનો અને ચાલુ બાઈકે વાત કરતો વિડીઓ ઉતારીને પ્રજાએ પ્રેમથી વાઈરલ કરી ને પેલા કોન્સ્ટેબલ ને `ફેમસ` કરી મુક્યો ..
મજાની વાત તો ત્યાં થઇ કે પોલીસે એ કોન્સ્ટેબલનું ચલણ ફાડી અને દંડ વસુલ કર્યો અને એ ચલણને પણ પબ્લીકે જબરજસ્ત વાઈરલ કર્યો ..
સલામ છે આ સીટીઝન જર્નાલીઝમ ને..!!
પબ્લિક અત્યારે જાગી છે તો ભલે જાગેલી રહી ,હજી પણ સીટીઝન જર્નાલીઝમને થોડું આગળ વધારવાની જરૂર છે, અત્યારે તો પબ્લિક મોકા ઉપર ચોક્કો મારે છે પણ જો પ્રજા સેહજ કોઈ વિષય પકડી અને થોડી સમજણ સાથે સારો વિડીઓ બનાવે અને જેમ હેલ્મેટ વિનાનાના કોન્સ્ટેબલને ફેમસ કરી મુક્યો અને પોલીસ ખાતાને ચલણ ફાડવા માટે મજબુર કર્યું તેમ બીજા ઘણા ઘણા વિષયો ને પ્રજા ન્યાય અપાવી શકે તેમ છે…
અને આવું કૈક થાય તો લોકતંત્ર ની વસંત મોહરે ,
સોશિઅલ મીડિયા નો પરફેક્ટ ઉપયોગ થઇ રહ્યો છે.. લોકમત સરકારને તરત જ જાણવા મળી જાય છે અને એટલે જ ગુજરાત સરકારે તો આ મુદ્દે પારોઠના પગલા ભર્યા છે અત્યારે તો નવા દંડના નિયમો ને માળીયે મુક્યા છે ગુજરાત સરકારે, એવું મીડિયા કહે છે જોઈએ આગળ શું થાય છે..!!
લગે રહો.. કેમેરામાં ખાડા દેખાડો અને રોડ રસ્તા બનાવનારાના કાંઠલા ઝાલતા રહો..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*