બે ચાર દિવસોથી ગજ્જબ નો ઝઘડો પડ્યો છે, લોકો ફેસબુક ઉપર કાદવની હોળી રમી રહ્યા છે ,જૂની નવી બધીય કોઠીઓ ઉલેચી ઉલેચી ને કાદવ બાહર આવી રહ્યો છે અને સામસામે ફેંકાઈ રહ્યો છે..
અમારા જેવા વેપારી માણસને એમ થાય કે આ માર્કેટ એવું તે કેવડું કે એના માટે આટલા મોટા જંગ લડાઈ જાય ..?
બહુ મોટ્ટું માર્કેટ ભાઈ ..!!
થોડાક દિવસોથી એક ઓળખીતા ત્રીજી પેઢીના મિત્રનો ફેસબુક ડીપી જોઉં છું અને મને મારી જાત ઉપર દયા આવે છે ..!!
મારો બેટો પોતાના પ્રાઈવેટ જેટની બારીએ બેઠો છે અને હાથમાં વાઈન નો ગ્લાસ છે.. થોડા સમય પેહલા એ જ હીરો નો પ્રાઈવેટ યોટ માંથી એક ફોટો અપલોડ હતો..! ફોટા પણ એવા એન્ગલથી પાછા લેવાયા હોય કે અમારા જેવા કાગડાઓ ને જ ખબર પડે કે પાર્ટી ક્યાં બેઠી છે..! ચકલા કબુતરા ને ના સમજાય ..
સોશિઅલ મીડિયાના આ `દખ`..
બહુ પીડા થાય અમને તો, અને પેહલો વિચાર આવે કે આના બાપા એવો તે કેવો ધંધો કરે છે કે આને ઘેર પ્રાઈવેટ જેટ છે અને યોટમાં રખડે છે ..!!
પણ જયારે એના બાપના અને દાદાના “એમ્પાયર” અને સતત પચાસ પચાસ વર્ષની બબ્બે પેઢીની અથાગ મેહનત અને એના દાદા અને બાપનું ભણતર ,મેનેજમેન્ટ સ્કીલ અને બીજા ઘણા બધા ગુણો ને જોઈએ ત્યારે એમ થાય કે ડિઝર્વ કરે છે લાલો ..!
પણ પછી બીજા કોઈને ડાયરેક્ટ “ઉપરવાળા” ની એજન્સી લીધેલા ને પ્રાઈવેટ જેટમાં ફરતા જોઈએ ત્યારે..?
જીવન ઉપર ધિક્કાર જન્મે અને આપણે આપણી જાત ને ગાળો આપીએ ..
બોલો ધરમથી કેહજો કે ડોક્ટર સિવાન જોડે પ્રાઈવેટ જેટ હોવું જોઈએ કે નહિ ? ચાલો કદાચ ના હોય તો પણ એમણે ગમે તેના પ્રાઈવેટ જેટમાં જ ફરવું જોઈએ કે નહિ ? એમની પાસે કે તાબામાં ઓછામાં ઓછી અમુક તમુક હજાર કરોડની મિલકત હોવી જોઈએ કે નહિ ? એ જ્યાં જ્યાંથી જાય ત્યાં લોકોએ ફૂલડાં વેરવા જોઈએ કે નહિ ? ભારતના બધા નાગરીકો ને એમને પગે લાગવું જોઈએ કે નહિ ?
પણ એની બદલે આપણે શું કરીએ છીએ ?
કોને પ્રાઈવેટ જેટમાં અને યોટમાં ફરવા ના મોકા આપીએ છીએ ?
ક્યારેક તો એમ થાય કે આ મર્યા પછીની જિંદગી એ તો જેટલા જીવાડ્યા એના કરતા માર્યા વધારે છે, સત્ય-અસત્ય કે ધર્મ-અધર્મ ની લડાઈઓમાં જેટલા ને જીવવાનું બળ મળ્યું એના કરતા મર્યા વધારે આટલી સદીઓમાં..
ભારતવર્ષની કમબખ્તી રહી છે રામ પણ હિંદુ હતો અને રાવણ પણ હિંદુ હતો ,કૃષ્ણ પણ હિંદુ હતો અને કંસ પણ હિંદુ હતો..!!
ભગવા ઓઠે શોષિત કિશોર કે કિશોરી પણ હિંદુ છે અને શોષણ કરનારો પણ હિંદુ છે..વિધર્મી આક્રમણ થયા ત્યારે પણ એક બાજુ થી જય સોમનાથની અહાલેક થતી તો બીજી બાજુથી જય ભવાની ની આહલેક વાગતી…અંદર અંદર લડવામાંથી પ્રજા ઉંચી જ ના આવી..!!
ઈતિહાસ પાસેથી કશું જ શીખી નથી પ્રજા, અને હજી પણ એકબીજાને અંદર અંદર “વટલાવી” ખાવાની વાત છે..
કૈક આપી ને છૂટીને સ્વર્ગ મેળવાની કામના કે મોક્ષ કે પછી પ્લાનિંગ સાથે કરેલા પાપ કે પ્લાનીગ વિનાના પાપમાંથી છૂટવા માટે , કે ઘણી બધીવાર અથાક મેહનત બુદ્ધિ બધુય વાપર્યા પછી પણ જે મળ્યું છે ભાગ્યથી મળ્યું છે, અને હવે એક ઉંમરે મારે આટલું બધું નથી જોઈતું ,માટે કોઈક સારા માણસ ને અર્પણ કરી દેવું છે આવા મેનોપોઝલ વૈરાગ્યમાં આવી ને “સારી એજન્સી” ને બધું આપી દેવાય છે ..
અને એજન્સી “સત્કર્મ” માં બધું વાપરે છે..!!
મને રોજ મંદિર જવાની ટેવ છે, હું જે મંદિર જાઉં છું ત્યાં ટ્રસ્ટીઓ ને ટ્રસ્ટી હોવા કરતા માલિકી ભાવ થોડો વધારે હોય એવું ઘણીવાર લાગે , અને મારી સાથે એક બનાવ બન્યો, મંદિરના સ્થાપિત શિવલિંગના ગર્ભગૃહમાં સવારે સાડા છ પછી કોઈને અભિષેક કરવા દેવામાં નથી આવતો કારણ એટલું કે ગર્ભગૃહમાં ઘણી ભીડ અને ગંદકી થાય છે એટલે અભિષેક કરવા માટે પાછળની બાજુ એક સ્ફટિકનું શિવલિંગ છે ..
હવે બન્યું એવું કે સ્થાપિત શિવલિંગવાળા ગર્ભગૃહમાં સવારે દસ વાગ્યે એક કાકા ઘુસ્યા એટલે હું પણ પાછળ પાછળ ઘુસ્યો.. તો કાકા કહે તમારે ના અવાય ..એટલે મેં કાકા ને ઝાલ્યા તો મારે ના અવાય તો તમારે કેમ જવાય ..? આ તો કાલ નો દેવતા છે અહિયાં તો તમારા શરીરની હોય કે મારા શરીરની હોય ગમે તેની ભસ્મ ચડે ,મહાકાલ ઉપર ચડતી ભસ્મ તો ગમે તેની હોય..કાકા તો પણ ના સમજ્યા અને બોલ્યા અમે પ્રાણપ્રતિષ્ઠાવાળા છીએ આ શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠામાં હું પણ બેઠો હતો .. આપણી ફૂલ છટકી અને કાકા લીધા …તો તો કાકા તમને હોસ્પિટલમાં વેન્ટીલેટર ઉપર જ લઇ જવા પડશે તમે પત્થરમાં ઈશ્વરના પ્રાણ પૂર્યા છે તો પછી હોસ્પિટલમાં જ ચાલો ત્યાં તો તમારે બહુ સેહલું કામ કરવાનું છે,જે છે પ્રાણ ને પકડી રાખવાનો..પૂરવાનો નથી ચાલો હોસ્પિટલ , તમારી ત્યાં જ બહુ જરૂર છે એમ કરી ને વિનમ્રતા પૂર્વક પણ મક્કમતા સાથે એ કાકાનો હાથ ઝાલ્યો અને કાકા સમજી ગયા મને કહે બહુ ભણેલા લાગો છો ..મેં કીધું ના કાકા બહુ તો નહિ પણ અભણ તો નથી જ… ચાલો તમે પણ મારી જોડે બહારથી દર્શન કરો અને અભિષેક કરવો હોય તો પાછળ ..
નિયમ એટલે નિયમ.. પછી તો બહુ દિવસો કાકા રોજ મને મળતા ,પણ નીચું જોઈ જતા મને જોઇને .. એ જોઈ ને મને `ગીલ્ટ` આવ્યો કે એક ઉમ્મરલાયક વ્યક્તિ આપણી સામે નજર નીચી કરી જાય એ ખોટું ..
એટલે મેં પછી રોજ એ કાકા ને સામેથી જયશ્રી કૃષ્ણ કરવાનું ચાલુ કર્યું અને દિવાળી ગઈ પછી જયારે મળ્યા ત્યારે એ કાકા ને પ્રેમથી નમીને ચરણસ્પર્શ કર્યા .. કાકાએ વ્હાલથી આશીર્વાદ પણ આપ્યા અને ભેટી પડ્યા..!
જ્યાં ખોટું લાગે ત્યાં બોલો અને મક્કમતાથી પકડી રાખો..સામેવાળામાં સમજણ હશે તો મામલો સુલટી જશે..!
પણ જો બંને ખોટા હશે તો વાકયુદ્ધ જામશે..!!
મજાની વાત તો એ થઇ કે પેલા પ્રાઈવેટ જેટના ફોટાવાળો ગઈકાલે રાત્રે મળી ગયો અને બીજી ત્રીજી પેઢીના બધાય મિત્રો એક જગ્યાએ ભેગા થઇ ગયા બધાને મૂન લેન્ડર અટવાઈ પડ્યું એની વાતો ચાલતી હતી ,પણ ક્યા ભગવાન લાડવો ખાય અને ક્યા ના ખાય એની એમને ખબર નોહતી..!!
કેવું લાગે નહિ ? જયારે આપણી આજુબાજુ ફરતા મોટાભાગના તો આપણી જેમ ઓઢવ ભિક્ષુકગૃહે થી આવ્યા હોય એમ દર સાતમી તારીખે રૂપિયા શોધતા હોય, હપ્તા ભરવા માટે, પણ ક્યારેક કોઈક આવા પ્રાઈવેટ જેટ વાળા જોડે બેસવાના ચમકારા આવે તો મગજ હાલી જાય..!!
પણ એક સત્ય કે સાતમી તારીખે રૂપિયા શોધતા મારા જેવા લોકો પાસેથી તમને દુનિયાભરના લાડવા મળશે…!! મૂન લેન્ડર ની ટેક્નીકાલીટી નહિ સમજવા મળે..
દુનિયાનું પરમ સત્ય છે લક્ષ્મી દેખી મુનીવર ચળે ,બીજા ઉપર રાજ કરવાની ઈચ્છા લઈને દરેક માણસ જીવી રહ્યો છે,હું કહું તેમ બધા કરે ..
છતાં પણ સનાતન ધર્મ હજી પણ જીવે છે એટલે કે તેત્રીસ કરોડ દેવતાની કલ્પના છે તું તારો દેવતા જાત્તે ક્રિયેટ કર અને એની સાથે જે કરવું હોય તે કર પણ બીજાની વાતમાં માથું ના માર ..!
પણ ના ,
અમે બધું છોડી તો દીધું છે,આ વૈભવ પણ તમે આપો છો માટે અમે ભોગવીએ છીએ , અમારા શર્રીર ને મન ને કે આત્મા ને આ વૈભવ અડતો સુધ્ધા નથી અને અમારો આ વૈભવ એ તમારો જ વૈભવ છે ..!! માટે અમારું કીધું તમે કરો ..
જાત વગરની જાત્રા કરવાની વાત છે ભાઈ ..
હજી નક્કી જ નથી કરી શકતો કે મૂન લેન્ડર ખોવાઈ ગયું એ સત્ય કે લાડવા..?
યાર આપણને સખ્ખત ઈચ્છા હો ,પ્રાઈવેટ જેટમાં ઉડવાની આ `કેટલક્લાસ` માં બેસી બેસી ને થાક્યા, હવે શું કરવું નવું કારખાનું કરવું કે “એજન્સી” મળી ગઈ એવું જાહેર કરું?
અટકે તો સારું બધા ,નહિ તો છેલ્લે નુકસાન હિંદુ અને હિન્દુત્વ ને જ થવાનું છે ,અંદર અંદર ઝઘડતા રહ્યા તો બનેલા ધામો અને ગાદીઓ ઉજડતા વાર નહિ લાગે ,દિલ્લી નો કુત્તુબ મીનાર કેટલા દેરાસર અને મંદિર ને તોડીને બન્યો છે ..?
શીરો કે લાડવો જે ખાવું હોય તે ખાવ અને ખવડાવો , મહાકાલ એક દિવસ ચોક્કસ ભસ્મ કરશે બધા ને..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*