આજે જીઆઇડીસીમાં ફરતો હતો, અને ત્યાં અચાનક એક નાનકડો ટ્રાફિક જામ હતો ત્યાં ફસાયો, સાત આઠ ટ્રક એક ટર્નિગ પર અટવાઈ ગઈ હતી એક મોટી ટર્બો ટેન્કર બરાબર વચ્ચોવચ ખોટકાઈ હતી..
બધી ટ્રક અને ટેન્કરના ડ્રાઈવરો એમના વાહન શાંતિથી બંધ કરીને બેસી ગયા હતા, અને નાની ગાડીઓ નીકળી જાય એટલી જગ્યા હતી એટલે નાની નાની ગાડીઓ અને ટેમ્પા આઘાપાછા થતા હતા અને નીકળી જતા હતા..
મારી ગાડી પણ નીકળી ગઈ, સામેથી આવતી બધી ટ્રક ટેન્કર પર નજર મારતો હતો અને એ બધાની વચ્ચે શાંતિથી એક ઊંટ લારી પણ લાઈનમાં ઉભી હતી..!
આઠ દસ ટ્રક ટેન્કર એમાં મલ્ટીએક્સેલ પણ ખરી અને એની વચ્ચે એકદમ ઠંડક થી ઉભેલી ઊંટલારી,લગભગ બે એક ટન જેટલી લોખંડની પ્લેટસ ઊંટલારીમાં લોડ કરેલી હતી..
એક ટ્રકવાળો ટ્રક ચાલુ રાખીને ડીઝલના ધુમાડા કાઢતો હતો..થોડો જીવને કચવાટ થયો કે આ નકામું નકામું ડીઝલ બાળે છે, ખોટું ફોસિલ ફ્યુઅલ બાળવાની ક્યાં જરૂર છે..? અને એની એકઝેટ પેહલા ૧૦૦ ટકા ઓર્ગેનિક ફ્યુઅલ વાપરતું ઊંટગાડુ ઉભું હતું..!
અનાયાસે સરખામણી થઇ ગઈ કેટલું બધું ઇકોફ્રેન્ડલી ઊંટલારી એટલે..!!
એકે એક પાર્ટ બાયો ડીગ્રેડેબલ (કુદરતી રીતે વિઘટન થવું) અને નાના ટેમ્પા કરતા વધારે વજન ખેંચે..!
ઊંટલારીનું એન્જીન એનું ફ્યુઅલ અને એનું એમીશન બધ્ધે બધ્ધું જ રીસાયકલેબલ અને ઓર્ગેનિક ઇકોફ્રેન્ડલી..! અને ચેસીસ પણ..!
બાપદાદા એ કેવી મસ્ત સીસ્ટમ ગોઠવી હતી ૧૦૦ ટકા કુદરત ને જોડે રાખીને અને સેહજ પણ કુદરતને નુકસાન ના થાય એની તકેદારી રાખી ને તમામ સીસ્ટમ સેટ થઇ હતી અને ડેવલપ કરી હતી..!
પણ છેલ્લા ચારસો પાંચસો વર્ષથી કુદરતનો “ખો” વાળવાનો ચાલુ કર્યો છે માણસજાતએ, એક પછી એક નવા સંશોધન થાય છે અને કુદરતનો સોથ વળત્તો જાય છે,અને એક પછી એક પ્રાણીઓ ધરતી પરથી નામશેષ થતા જાય છે..!
ઘરેલું પ્રાણી,જેને અંગ્રેજી માધ્યમવાળા “ડોમેસ્ટિક એનિમલ” કહે છે એ બધામાંથી આપણી પાસે રસ્તે રખડતા કુતરા અને ગાયો રહી અને ક્યારેક બકરી દેખાઈ જાય..!
બળદ ,ઊંટ ,હાથી, ઘોડા ,ગધેડા ,ભેંસ દુર દુરના અંતરિયાળ ગામડામાં માંડ માંડ દેખાય અને એ પણ બહુ જ ઓછા..!
બિચારા આ પ્રાણીઓનો વાંક શું ? કેમ પતાવી દીધા આપણે એને ?
એક જ જવાબ આવે એમણે માણસને “કમાવડાવ્યા” નહિ એટલે, એમની વાયેબીલીટી રહી નહિ, અને ગયા બિચારા કસાઈવાડે, અને બાકી હતું તો માણસે એની વસ્તી એટલી વધારી કે ગામના ગોચરમાં પણ ખેતી કરવી પડી અને ધાન ઉગાડવા પડ્યા..!
ટૂંકમાં એમના ભાગની જમીનો પણ આપડે ખાઈ ગયા.. અને હવે જે બચ્યા છે એમણે માણસને “કમાઈ”ને આપવું પડે ગમે તે રીતે..!
ગાય “માતા” ખરી પણ દૂધ અને બચ્ચા આપે ત્યાં સુધી જ..એને પાડો જન્મે તો અઠવાડિયું માંડ ધાવવા દેવાનો, સાત દિવસના પાડાને ચારો ખાવા આપે અને સાત દિવસના બચ્ચાને ધાવણ ના આપીએ એટલે એની રોગ પ્રતિકારક શક્તિ બિલકુલ ઝીરો થઇ જાય , ઠંડા કલેજે મારી નાખવાની આ સેહલી રીત, રોગપ્રતિકારક શક્તિ ના રહે એટલે બે ચાર મહિનામાં પાડું જ્યાંથી આવ્યું હતું ત્યાં પાછુ પોહચી જાય ..!
પાડી જન્મી હોય તો થોડા લાલન પાલન પામે અને એની માં ને ધાવવા મળે અને જીવવા પણ મળે, પણ એના નસીબના મોટી થાય એટલે “ઇન્જીશન” લખ્યા છે, દૂધ વધારે આપે એના ઈન્જેકશન(નામ નથી લખતો) રોજે રોજ ગળામાં ખાવાનું અને જાત નીચોવી અને દૂધ આપવાનું, અને “કમાણી” કરાવી આપવાની નહિ તો જવું પડે સીધા પાંજરાપોળ..!
અને સુત્રો રોડ પર લખાય “વસુકી ગયેલી ગાયની સેવા મોક્ષદાયિની છે”
મોતની નજીક પોહચેલો કે નજીકથી જોઈ ગયેલો મોક્ષ લેવા દોડે એમાં પેલી વધુ રિબાય અને ચાર દિવસ વધારે જીવે..!
પણ મૂળમુદ્દે “કમાણી” કરી આપવી પડે..ગાય હોય ઘોડો કે ગધેડો કે પછી ઊંટ તો જ માણસજાત એમને સાચવે, અને જીવવાનો હક્ક આપે અને હા ઠંડે કલેજે ભૂખ્યા મારી નાખીને પ્રાણીને મારી નાખવા માટે IPCની એક પણ દફામાં સજાનું પ્રાવધાન નથી..!
લગભગ રસ્તે રખડતા અને માણસોની જોડે રેહતા પ્રાણીઓ નામશેષ થતા જાય છે, ક્યારેક ક્યાંક મેં લખ્યું હતું કે પ્રાણી અને માણસના સહજીવનનો યુગ સમાપ્ત થઇ ગયો છે, આપણે કદાચ છેલ્લી પેઢી હોઈશુ અને ભગવાને જો એવરેજ ઉમર કરતા વધારે આયુષ્ય આપ્યું તો નજરની સામે આ બધા પ્રાણીઓને નામશેષ થતા જોઈશુ.! અને કશું કરી પણ નહિ શકીએ કેમકે કલિ આગળ વધતો જાય છે, કમાઈ ને કે મિલકત ના મૂકી જાય એવો બાપ પણ કોઈને નથી ગમતો, તો પછી આ તો રહ્યા ઢોરઢાંખર..!
ક્યાંક “બળદ વીજળી” શબ્દનો પણ મેં પ્રયોગ કર્યો હતો..બળદગાડું ૭૦૦થી એક ટન સુધીનું વજન ખેંચે છે .. ઊંટ,બળદઅને ગધેડા આ બધાને ક્યાંક જોતરીને વીજળી પેદા કરવાના નાના નાના ટર્બાઈન બનાવો, ઘાંચીની ઘાણીની ડીઝાઈન પર નાના નાના ટર્બાઈન બને તો કમસે કમ ગૌવંશ તો બચે.!
સોલાર સોલાર કરીને પાવર પેદા કરવા જબરજસ્ત સબસીડીની ઘોષણા થાય છે પણ આખો ફેઈલ પ્રોજેકટ છે,આ યુરોપમાં સોલારના ધખારા ચાલે આ દેશમાં નહી, કારણ એક જ છે યુરોપ ડસ્ટ ફ્રી છે ત્યાં આપડા જેટલી ધૂળમાટી નથી ઉડતી આપણે ત્યાં તો ધૂળ માટી એટલી ઉડે છે કે સવારથી સાંજ સુધીમાં સોલાર પેનલો પર ધૂળની ચાદર બિછાવાઈ જાય છે અને એ માટીની ચાદરને લીધે ઇલેક્ટ્રિક જનરેશન પચાસ ટકા થાય છે ..રોજ સવાર પડ્યે પેનલો પરથી પાણી મારી અને ધૂળ કાઢવી પડે એમ છે ત્યારે ધાર્યું પ્રોડક્શન નીકળે..!
એટલે સોલારના રૂપિયા જો નાના નાના ગામડામાં બળદથી ફેરવવા માટેના ટર્બાઈન માટે વપરાય તો હજી કમ સે કમ ગૌવંશ તો બચી જાય ..!
બાકી તો હળાહળ કળજુગમાં કમાવી આપે એને જ જીવતા રેહવાનો અધિકાર છે, માનવતા,દયા,માયા,કરુણા આ બધા શબ્દો પોથીના રીંગણ છે..!
મંદિરનો હાથી પણ પૂળા ખાવા તો જ પામે કે જયારે આખો દિવસ એણે દસ પંદર બાવા જોડે રહીને ભિક્ષા માંગી હોય, અને પેલા બાવાઓનું પેટ ભરાય એટલું “રળી” આપ્યું હોય બાકી બાવાઓનું પેટ પેહલું પછી હાથીનો વારો ,મંદિરનો હાથી છે તો શું થઇ ગયું ? કમાવું તો પડે જ ભગવાન થોડી છે ? અને ભગવાન પણ કમાવીના આપે તો એની પૂજા કોઈ મંદિરમાં ના થાય હો..! રોકડા તો દાનપેટીમાં પડવા જ જોઈએ..!
માણસો ગાયોને થોડું અફીણ ખવડાવી અને ગાયના મોઢામાંથી ફીણ કાઢવી અને ડોક્ટર પાસેથી સર્ટીફીકેટ લઇ ફોટા પાડી અને ગાયો ભેંસોના ઇન્સ્યુરન્સ પણ બીજા માણસો પાસેથી પકવી લેવાય છે, લાલચનો અંત નથી..!
સો વાતની એક વાત ઢોરો એ પણ “સમજી” લેવી પડશે “ચેરીટી” ઉપર નહિ જીવાય, કમાઈને આપવું જ પડશે,તમારી કિંમત તમારે જ કરાવવી પડશે નહિ તો નહિ બચો..!
એ જમાના ગયા જયારે તમે જ્યાં ત્યા ચરતા અને બીજના ઠળિયા તમારા પેટમાં ભેગા કરીને પોદળામાં બહાર કાઢતા, અને એ પોદળાના ખાતરથી ઠળિયાના બીજમાંથી વૃક્ષ ઉગતા, આવા બધા કામ કરીને તમે કુદરતના આપેલા ખાવાના ના ઋણ ઉતરતા એ બધું નહિ ચાલે, હવે આવા ટ્રેડીશનલ કામો તમારે “છોડવા” પડશે…!
“સમજાવી” દેજો તમારી આજુબાજુના ઢોરોને કદાચ સમજી જાય અને “કમાતા” થઇ જાય તો જીંદગી મળી જાય એમને બિચારાને.!
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા
www.shaishavvora.com