ઉપરનો મેસેજ આજે લગભગ દરેક વોટ્સ એપ ગ્રુપમાંથી આવ્યો..? પણ કેમ આવ્યો..?
આ એક વાઈરસ છે અને એની ઉપર ક્લિક કરો એટલે તરત જ આ મેસેજ તમારા વગર મોક્લ્યે તમામ ગ્રુપમાં શેર થઇ જાય..!
મફત ટીશર્ટ લેવાની લાલચે ક્લિક કરે છે જનતા..? કે પછી કૈક પોર્ન જોવા મળશે એવી લાલચ ? કે પછી મફત બેલેન્સ થઇ જાય એટલે માટે..?
આપણી આ મફતિયાની વૃત્તિએ દાટ વાળ્યો છે,દર બે દીવસે કોઈને કોઈ આવો વાયરસ વોટ્સ એપ બજારમાં રમતો થાય છે અને આપણી મફતિયા લઇને લુંટી લેવાની વૃત્તિ પેલા વાયરસ બનાવનારાને કમાવાડાવે..!
લીંક ઉપર ક્લિક કરો અને કૈક આડુંઅવળું ખુલે અને એમાં પડેલી નાગડી પુગડી, કે જુગારની જાહેરાત બહાર આપણા સ્ક્રીન પર આવે, અને એના થકી પેલો વાઈરસ બનાવતો અને વેબસાઈટવાળો કમાય.!
અને આપણા મોબાઈલમાં કૈક અજાણ્યો કચરો ઘાલતો જાય એ નફાનુ..
ગયા વિકમાં એન્દ્રોઈડ એ ફટાફટ અપડેટ આપવી પડી, રાઈટ સ્વાઇપ કરીને ફોન થતો હતો અને લેફ્ટ સ્વાઇપથી એસએમએસ, એ ફીચર એકદમ બંધ થયું અને છેવટે ઓ.એસ.(ઓપરેટીંગ સીસ્ટમ) અપડેટ થઇ ત્યારે એ ગડબડ દુર થઇ..!
આ હેકરીયા અને વાઈરસ બનાવનારી જમાત એટલી બધી મોટી અને ખતરનાક છે અને ઉપરથી બિલકુલ સંતાયેલી રહે છે ,દુનિયાના ક્યા ખૂણેથી મારા બેટા ઓપરેટ કરતા હોય એનો સેહજ પણ અંદાજ ના આવે..
લગભગ બધી જ એપમાં હવે પેહલા જાહેરાત આવે છે,પેલી ગુજરાતી ફોન્ટ ટાઈપની એક એપ છે “ગુજરાતી પ્રાઈડ એડિટર”,પણ હમણા હમણા એમાંથી પણ એક અડધી નાગડીપુગડી છોડી બહાર આવે છે અને આપડે બેકનું બટન દબાવીએ પછી એ છોડી અંતર્ધ્યાન થાય અને આપણને ટાઈપ કરવા દે..
તાનપુરાની એપમાં પણ એવું થાય છે..હવે સવાલ એ આવે છે કે જો તમારે આવી જાહેરાત ના જોવી હોય તો એપ ના રૂપિયા ખર્ચો..એનું પ્રો વર્ઝન ખરીદો..!
પચાસ હજારનો મોબાઈલ એનું ઓરીજીનલ કવર ત્રણ હજારનું, એનું અંદરનું મેમેરી કાર્ડ બીજા ત્રણ હજારનું ,એટલે ટોટલ થાય લગભગ સાહીઠ હજાર અને હવે બધી એપ ના ફ્રી વર્ઝન ની બદલે પ્રો વર્ઝન લ્યો એટલે ઓછામાં ઓછા બીજા વીસ-ત્રીસ હજાર થાય,
હવે જો મોબાઈલ પેલો વીસ પચીસ હજારનો હોય અને ઉપરથી આ બધી એપના રૂપિયા આપવાના થાય તો તો પછી “ટકાની ડોશી અને ઢબુનું મુંડામણ થાય“
અને પચાસ હજારવાળો મોબાઈલ હોય તો રૂપિયા ખર્ચીને એપ લેવી ના પોસાય..
પણ હવે આદતો જ એવી પડી ગઈ કે એના વિના ચાલે જ નહિ.. મારે તો કોણ જાણે શું થયું છે તો વોટ્સએપ પણ ચાલુ કરીને બંધ કરું છું તો પણ પાછળ કોઈ જાહેરાતની પોપ અપ વિન્ડો ખુલી જાય છે અને એને પ્રોર્પલી શટ ડાઉન કરવી પડે છે..!
અને આજના જમાનામાં ઓનલાઈન ના રહીએ તો જીવતા હોવાનો પુરાવો મટી જાય,બે દિવસમાં તો ત્રણ ફોન આવે કે…છે કે ?પોહચી ગયો બનારસમા ગંગા માં ને બુલા લિયા..?
આખા ભારત દેશને આ ચસ્કો પડી ગયો છે, હોટલમાં આખું ઘર જમવા જાય તો પણ ટેબલ પર બેઠેલા બધા જ લોકો મોબાઈલ મંતરતા હોય..મને પણ એવી ટેવ પડી ગઈ છે,પણ મારી પાસેથી તો છોકરાઓ મોબાઈલ ખૂંચવી જ લે છે, “નહિ મળે બહાર જઈને જો જો આ શું માંડ્યું છે એડિકશન થઇ ગયું છે તમને તો ડેડી..”
ક્યાં તો ફોટા પાડીને ફેસબુક પર ચડાવવાના ફેમીલી ટાઈમ.. અલ્યા જપ ને હવે બહુ થયો તારો ફેમીલી ટાઈમ..! અમારા બૈરા છોકરા પછી એ હોટલે અમને તાણી જાય છે..!
એક સર્વે કરવા જેવો છે કે આખા દેશમાં વપરાતા કોમ્યુટરમાં વિન્ડોઝ ઓપરેટીંગ સીસ્ટમ લેપટોપ સિવાયના ડેસ્કટોપમાં કેટલા લોકો પેઈડ વાપરે છે ?અને કેટલા પાયરેટેડ વાપરે છે..? કદાચ નેવું ટકા ડેસ્કટોપમાં વપરાતી ઓએસ પાયરેટેડ છે અને જે લિનક્સ મફત છે એ લોકોને ફાવતી નથી..!
લેપટોપમાં તો પેઈડ વર્ઝન જ હોય છે એટલે જખ મારીને લોકો ઓરીજીનલ ઓએસ વાપરે છે બાકી એમાં પણ ઓપ્શન આપો તો પચાસ હજારનું લેપટોપ લે અને એમાં લાખો રૂપિયાના ડેટા હોય તો પણ ઓપરેટીંગ સીસ્ટમ પાયરેટેડ રાખે..
બીજું મોસ્ટ ફેવરીટ પાયરેટેડ ચીજ હોય તો એ છે ટેલી(Tally) નું એકાઉન્ટીંગ સોફ્ટવેર..! હિન્દુસ્તાનની ધંધો કરતી અડધી દુનિયા ટેલી પાયરેટેડ વાપરે છે અને એ પણ ખાલી અને ખાલી એકાઉન્ટ પર્પઝ વાપરે અને એમાં પાછો ગડબડ કરવા ઇન્વેનટરી મેન્યુઅલ રાખે..!
આજકાલ તો ઈઆરપી ના જમાનાના છે, અને પાર્ટીને ટેલીના સોફ્ટવેરમાંથી સીધા એસએમએસ થઇ જાય અને પાર્ટીને એનો ઓર્ડર ક્યાં સુધી પોહચ્યો એ બધું જ ઈઆરપીમાં આવી જાય છે અને આપડી સીસ્ટમ સ્મુધલી વર્ક કરે છતાં પણ એના રૂપિયા નથી જ ચુકવવા..!
નકરા દાંડ વેડા બીજું કઈ જ નહિ..!
મફત મળે છે તો ઝેર પણ લઇ લેવું એકવાર.. ઉધઈ મારવા કામ લાગશે ક્યાં આપણે પીવું છે ..!
બંને બાજુના પ્રોબ્લેમ છે, સોફ્ટવેર કે એપ બનાવનારાની ઈચ્છા હોય છે કે ખુબ લોકો એની પ્રોડક્ટ વાપરે અને હું એના ધૂમ રૂપિયા કમાઉ અને સામે પ્રોડક્ટ વાપરનારાની ઈચ્છા એવી હોય છે કે હું સોફ્ટવેર કે એપ વાપરુ પણ મફત..!
ડીમાન્ડ અને સપ્લાઈ .. કસ્ટમર અને સપ્લાયર
કોઈ રસ્તો જ નથી ..ચારે બાજુ લોભિયા અને ધુતારા છે
આ બંનેમાં હોડ લાગી છે કોણ કોની ચડ્ડી ખેંચી લે અને એમાં વચલા રસ્તા તરીકે કપડા ઉતારેલી છોડી સ્ક્રીન પર છવાઈ જાય છે..!
છાપું વાંચવા કરતા કુપનમાં રસ વધારે છે, અને જરૂર છે અને કશું ખરીદવું એના કરતા સેલમાં જઈને કચરા ભેગા કરવામાં રસ વધારે છે..
૩૨ જીબી અને ૬૪ જીબીના મેમેરી કાર્ડ કે ૧ ટેરાબાઈટની હાર્ડડિસ્ક બધું ભરી ભરીને સારો કે ખોટો ડેટાનો ઢગલો ભરેલો પડ્યો હોય, દુનિયાભરના મુવી ડાઉનલોડ કરીને કે ફ્રેન્ડસ પાસેથી લાવીને ભેગા કર્યા હોય અને સોન્ગ્સની તો વાત જ નહિ કરવાની ..
પણ જોયા કેટલા ? સાંભળ્યા કેટલા ?
તો કહે ઘરના બાથરૂમમાં નખાવેલા બાથટબમાં જેટલી વાર નાહ્યો હોય એટલીવાર..!
પાઈની પેદાશ નહિ ને ઘડી ની નવરાશ નહિ…
એનું બીજું નામ ઓનલાઈન રેહવું અને મફતિયું શોધવુ..!
ચાલો મારો આજનો જીવતા હોવા નો પુરાવો લેજો..
શુભ રાત્રી
શૈશવ વોરા