આજે સવાર સવારમાં એક ફોન આવ્યો અને આખો દિવસ `એન્કઝાટી`માં ગયો..
આમ તો ગઈકાલ રાતથી એવા વિચારો આવતા હતા કે કેવી જિંદગી થઇ ગઈ છે..? વેકેશન વિનાની અને આખો દિવસ કામ કામ અને કામ જ..
આજ નું શિડયુલ સખ્ખત ટાઈટ હતું ,સવારના નવથી તે રાતના નવ સુધીનું ..
પણ સવારના એક ફોન એ મન પ્રફુલ્લિત કરી મુક્યું હતું..
એ ફોન હતો દુરદર્શનમાંથી..
શૈશવભાઈ આજે સાંજે સાડા સાત વાગ્યે લાઈવ આવવાનું છે .. તમારે..!!
આટલું સાંભળતાં જ રોમાંચની લેહરખી શરીરમાંથી દોડી ગઈ..!!
દુરદર્શનમાંથી ફોન હતો એટલે નાં પાડવાની તો જગ્યા જ નોહતી, થોડુક ટોપિક જાણવાની કોશિશ કરી તો એમ કેહવામાં આવ્યું કે પોલીટીકલ છે અને પ્રોગ્રામનું નામ “જનાદેશ ૨૦૧૯” છે..
આટલું મારા માટે ઘણું હતું ,પછી તો કામ નો લોડ મીકેનીકલી ઉકેલતો ગયો અને દિવસ આખો થયેલી રાજકીય હલચલ ઉપર નજર રાખતો ગયો..!!
ભાજપ નો ચૂંટણી ઢંઢેરો આજે આવ્યો ..પચાસ પચાસ પત્તા ભરી ભરીને, અને છેક ૨૦૪૭ ની સાલ સુધી ખેંચી કાઢ્યું છે..કોંગ્રેસે પણ પચાસેક પત્તા નો ઢંઢેરો બાહર પાડ્યો છે..
પણ મને તો ભાજપના ઢંઢેરામાં ૩૭૦ કલમ અને ૩૫-એ વાળી વાત આવી એટલે બધું આપણા માટે આવી ગયું ..!!
એટલો મોટો દેશ છે , એટલે દરેકને માટે સાંતાક્લોઝની જેમ કઈ ને કઈ લાવવું પડે એટલે બાકી નું બધું જે કઈ છે એ ઠીક મારા ભાઈ ચાલે..
દિવસ આખો કાનમાં દુરદર્શન નું શરૂઆતનું મ્યુઝીક વાગતું રહ્યું અને જૂની યાદોમાં મન ફરતું રહ્યું ..
સિત્તેરનાં દાયકાના અંતિમ વર્ષોમાં ઘરે ટીવી આવી ચુક્યું હતું અને આમદાવાદ દુરદર્શનના પીજ કેન્દ્ર ના પ્રસારણ અમે જોતા..
કેવા ટોળે વળી ને જોતા ..?? બાપ રે અત્યારે યાદ કરીએ કે આટલી નાની જગ્યામાં કેટલા લોકો ભરાઈ જતા ..?
અને પ્રોગ્રામ પણ ખેતીલક્ષી અને ઢોરઢાંખર કેમ ઉછેરવા અને રસીકરણ ને એવું કેટલું બધું કૈક કૈક આવતું ..અને તો પણ એ સમયે ટીવી ઉપર આવનારી વ્યક્તિ માટે એટલું જબરજસ્ત આકર્ષણ રેહતું કે નાં પૂછો ને વાત ..!!!
એકાદ બે ન્યુઝ રીડર પપ્પા ના પેશન્ટ હતા અને એ જયારે પપ્પા ના દવાખાને દવા લેવા આવે ત્યારે અમિતાભ બચ્ચન સાક્ષાત મારે ઘેર આવ્યા હોય એવી ફીલિંગ મને આવતી..એ લોકો પ્રત્યે અત્યંત અહોભાવ હતો અને બહુ મોટું સ્ટારડમ મને એ લોકોમાં દેખાતું..!!
પછી ધીમે ધીમે દુરદર્શનનો વ્યાપ અને સમય વધતો ચાલ્યો અને અમે પણ મોટા થતા ગયા..
એ સમયની બીજી એક ઘટના પણ યાદ આવે છે.. મારા સંગીત ગુરુ અને પ્રખ્યાત ગાયિકા શ્રીમતી સરોજબેન ગુંદાણી ત્યારે દુરદર્શન પર આવતા ,અને એ હમેશાં મોઢામાં પાન રાખી ને ગાતા..
અને વર્ષો પછી જ્યારે મેં એમની પાસે સંગીત શીખવાનું ચાલુ કર્યું અને પછી તો અમે માં દીકરાના સબંધે બંધાઈ ગયા , પણ આજે પણ એટલું ચોક્કસ છે કે એમને જીવનમાં મેં પેહલીવાર તો દુરદર્શન ઉપર જ જોયા હતા..!!
મોટેભાગે રાજકીય ડીબેટમાં જવાથી હું થોડો અચકાઉ છું , કેમકે રાજકીય ડીબેટમાં આજકાલ ડીબેટ ઓછી અને કકળાટ વધારે હોય છે, પણ દુરદર્શન છેલ્લા ઘણા સમયથી તટસ્થતા અને ડીબેટનું એક ચોક્કસ લેવલ જાળવવામાં સફળ રહ્યું છે..
બાકી તો બીજી ચેનલોમાં જોઈએ તો ..બાપ રે આપણા કાનના પડદા ફાડી નાખે એટલો કકળાટ ચાલતો હોય છે..!!!
હું જયારે સંગીત શીખતો ત્યારે એક દિવસ અમે બધા મિત્રો અમારા ગુરુ શ્રીમતી સરોજબેન ના ઘરે પેહલા માળે એક રૂમમાં બેસી ને રીયાઝ કરતા હતા..અને એમાં એકવાર બેગમ પરવીન સુલતાનાજી ના ગળાની રેંજની વાત ચાલી ..!! અને મેં કીધું કે બેગમ પરવીન સુલતાનાજી સાડા ત્રણ સપ્તકમાં આસાનીથી ગઈ શકે છે એટલી મોટ્ટી એમની રેંજ છે..!!
અને પછી અમને સળી સુઝી .. મેં કીધું આપણે પણ ગવાય ચાલો ટ્રાય કરો ..એટલે કોગળા કરતા હોય એવા આવાજમાં મંદ્ર સપ્તક પૂરું કર્યું, અને પછી લગભગ ચીસ પાડીને અતિતાર ષડ્જ સુધી પોહચી ગયો ..
અને બરાબર ત્યારે નીચે ભોંયતળિયે એમના ઘરમાં બેઠેલા સરોજબેન ને કાને એ મારી ચીસમાંથી બનેલો અતિતાર ષડ્જ સંભળાઈ ગયો..એ દોડતા ઉપર આવ્યા અને સૌથી પેહલુ મને હાર્મોનિયમ નું પાટિયું બરડે પડ્યું ,પછી બે ગાળ…નાલાયક આટલી ચીસો પાડી ને ગવાય ? ગળાની કે મગજની નસ ફાટી ગઈ તો ? અને પછી બે ત્રણ બીજી પડી ..છેવટે એમણે મને માર્યો એના દુઃખમાં એમની આંખમાંથી પાણી ચાલુ થઇ ગયા, અને પ્રેમથી મારા બરડે હાથ ફેરવતા બોલે બેટા શું કામ આવું બધું કરે છે મારા દીકરા ?
છેવટે તો માં નું દિલ ને ..!!!
સાચ્ચું કહું અત્યારની ટીવી પર ચાલતી ચીસો રૂપી ડીબેટ જોઉં છું ને તો મને હાર્મોનિયમ નું પાટિયું નહીં લાકડી લઇ ને મારવાની ઈચ્છા થાય છે..!! અને એમ થાય કે આ લોકો ની ગળાની કે મગજની નસો ઝટ ફાટી જાય..!!
જો કે દુરદર્શન પર એવી ચીસોવાળી ડીબેટ નથી હોતી, અને એમાં પણ ડીડી લોકસભા અને ડીડી રાજ્યસભા ખરેખર ઉત્કૃષ્ટ વસ્તુઓ પીરસે છે ..અને એટલે જ આજે મેં પોલીટીકલ ડીબેટ માટે હોંશે હોંશે હા પાડી દીધી..!!
દુરદર્શન અમદાવાદના ગલીયારામાં ફરવાની મને ખરેખર મોજ પડી ગઈ અને એમાં પણ સ્ટુડિયો .. એ પેલા ક્રિકેટ મેચમાં હોય છે ને એવા મોટ્ટા તોપ જેવા કેમેરા હતા..!!
અને એવો મોટ્ટો એક તોપ જેવો કેમેરો મારી સામે તંકાયો ..!! અને બે તોપો ઉર્ફે કેમેરા એન્કર તરફ..!!
એક એક સેકન્ડ સેકન્ડની ગણતરી , અને એ જ જૂની પુરાણી જોરદાર યલો લાઈટ્સ નો ધોધ મારી ઉપર પડ્યો..!!
બોસ્સ સેલીબ્રીટી ફીલિંગ આવી ગઈ ..!!
જો કે ડીબેટ કરતા ઓપીનીયન જ આપવા જેવું વધારે રહ્યું , અને મારે ભાગે તો હાર્ડલી ચારેક મિનીટ જ આવી ..પણ ઠીક છે ,એક જુદા અનુભવ તરીકે ખરેખર મજા પડી ગઈ..!!
શો પતાવીને બાહર નીકળ્યો ત્યાં એક મિત્ર મળ્યો મને કહે યાર .. તમારે તો ઊંટ કે મુહમેં જીરા જેવું થયું .. !! (મને તો દરેક ડીબેટમાં મીનીટો ઓછી જ પડતી હોય છે અને આજની ડીબેટ માં તો મારે ભાગે ઘણી ઓછી મિનીટ હતી .,)
પણ મારો જવાબ સ્પષ્ટ હતો .. દરેક શો ના માલિક એના પ્રોડ્યુસર અને એન્કર જ હોય છે અને જ્યારે મેહમાન તરીકે આપણે જતા હોઈએ ત્યારે યજમાનનાં કમ્ફર્ટ લેવલ નું ધ્યાન રાખવું એ આપણી ફરજ બને છે.. અને દરેક ચેનલે પોતાના શો દરમ્યાન એક ફોરમેટ નક્કી કરેલું હોય છે અને મેહમાન તરીકે હું એ ફોર્મેટમાં બદલાવની અપેક્ષા ના રાખી શકું..!!
કોઈ ના ઘેર જમવા ગયા હોઈએ તો એમ નાં કેહવાય કે રત્નાગીરી હાફૂસનો જ રસ બનાવજો ..!!
પ્રેમથી પીરસેલી થાળીમાં જે હોય તે આરોગવું જ રહ્યું …અને આ તો એક લાઈફ ટાઈમ એક્સ્પીરીયન્સ હતો ..!!
એકંદરે દુરદર્શન અમદાવાદ આજે મને અત્યંત આનંદ આપી ગયું ..!!
કલીપ મુકું છું ..જો જો નવરાશે..
શુભ રાત્રી
શૈશવ વોરા