છપ્પનના ભાવમાં ગયા..!!
કેટલીવાર જીવનમાં આવું સાંભળ્યું છે..? મેં તો અનેક વાર..!
પણ આ છપ્પન નો ભાવ કોને કેહવાય એની કદાચ હવે ખબર પડી રહી છે..!!
છપ્પન એટલે લાખ રૂપિયાના છપ્પન હજાર આવતા હશે એવું ?
મેં સામાન્ય સંજોગોમાં અત્યાર સુધી એમ જ વિચાર્યું છે આજ સુધી કે લાખ ના છપ્પન આવ્યા હશે , પણ હવે આ છપ્પન ને બીજી કોઈ જગ્યાએ જોડવાની ઈચ્છા થઇ છે..!
છપનાકાળ જોડે..!
છપનોકાળ પડ્યો હશે અને એ જમાનામાં મિલકતોના ભાવ પડ્યા હશે કે વસ્તુઓના એ ભાવ ક્યા અને કેવા હશે એના અંદાજ ધીમે ધીમે આવી રહ્યા છે ..!
આ કોગળિયું છપનાકાળ ને સારો ના કેહવડાવે તો સારું..!
લોકડાઉન ખુલ્યું ત્યારથી ઉઘરાણી ની ઘંટી-ઘાણી ફેરવવા માટે મારા જેવા બળદયા
હડીયાપાટા રોજ બજારમાં કરતા દેખાય છે ને બે ચાર બળદયા
મોટી ઘંટી-ઘાણીએ ભેગા થઇ જાય ત્યારે વાત સંભાળવા જેવી હોય છે..!!
અચ્છી અચ્છી મોટી દૈત
ઘંટી-ઘાણી ઘાંચમાં ફસાઈ હોય ને એનો ઓરીજીનલ રોજ નો એ દૈત ઘાણી ફેરવતો બળદયો
ઉભો થઇ ગયો હોય એટલે અમારા જેવા બાહરના બે ચાર બળદયા
ભેગા થાય ,અલ્યા આનું તો બળદયુ
તો ઉભું રહી ગયું હલવાડુ
થયું આ તો..આ ઘંટુ-ઘાણું ઉભું થયું તો તો પછી પત્યું..!
છપ્પનના ભાવની વ્યાખ્યા તો ત્યારે મળે કે જયારે મોટી ઘંટી-ઘાણી નો માલિક જાતે બળદયા
ની જોડે જોતરાયો હોય અને છતાંય ઘાંચમાં પડેલું ઘાણું સેહજ પણ ચસકે નહિ ને છેવટે માલિક માથે હાથ દઈને બેસે લઇ જાવ આ બળદયા
મારી ઉઘરાણી પેટે..!!
બોલો..રામ બોલો ભઇ રામ …રામ નામ સત્ય હૈ..!!
પોતાની ઉઘરાણીની ઘંટી-ઘાણી ફેરવતો બળદયો
શું કરે..?
ટુંકાણમાં બજારો બાર્ટર સીસ્ટમ ઉપર ચડી રહ્યા છે..!!
રેતી નો સપ્લાય બિલ્ડરને ત્યાં ગોઠવવો હોય તો બકા “માલ” સામે લેવાની તૈયારી જોઇશે..!!
કાગળિયાં ચોખ્ખા છે એની ઉપર લોન લેવી હશે તો પણ તરત જ મળી જશે પણ પેમેન્ટ ભૂલી જાવ ..!
રેતી વેચનારો કોન્ટ્રકટર શું કરે ? એને સામે ચુકવણું ઉભું હોય..!
માલ લઇ લે..બેંતાલીસ નો ફ્લેટ સીધો પેહલી બેઠકમાં સાડત્રીસ ,લેનારો ગરજ ભાળે બત્રીસ અને તો પણ લેનારો રોકડા પછાડે બાવીસ નેટ બોલ ખર્ચો મારો..!
અરરરર… માડી રે ..!! કોઠી પડી આડી ..!! અને ક્યાં તો પછી ફ્લેટ કે દુકાનને બેંકમાં ગીરવે મુકે અને રોકડની સગવડ કરે ..! જેને શનિ-રવિ કે હોળી દિવાળીની રજાના હોય બસ દોડ્યા જ કરતો હોય એવા વ્યાજ ના ઘોડા ઉપર સવાર થઇ જાય..!! કોઈક જગ્યાએ “વધારાના” મશીનો વેચાવા આવ્યા છે ઉઘરાણીની સામે..! બજારોમાં પાઘડી વળ છોડતી જાય છે ધીમે ધીમે ..!! હા એક બજાર એવું પણ ખરું કે એના વળ કોણ ચડાવે છે અને કોણ છોડે છે એ અચંબો ખરો..!! શેરબજાર..! બે ચાર દિવસ પેહલા સીએનબીસી ઉપર એક રીપોર્ટ આવતો હતો.. નોન બેન્કિંગ ફાયનાન્સ સેક્ટરનો મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે..!! ઘંટ સાંભળવો કોને છે તે ચિંતા..? વિશ્વની પાંચમાં નંબરની ઈકોનોમી ભારત દેશની છે.. પણ ખાટલે મોટી ખોડ કે વિશ્વની એક થી સો નંબરની બેંકો નું લીસ્ટ કાઢીએ તો ભારત ની એક માત્ર બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આવે અને એ પણ પંચાવનમાં નંબરે ..!! કેટલા ના ભવાં ચડી ગયા? હેં ...સ્ટેટ બેંક ? લાંબી લાંબી સરકારી ચલણ ભરવા આવેલા લોકો ની લાઈનો યાદ આવી ગઈ ને ..? હવે બીજી વાત, એવું કેહવાય છે કે
ગ્રેટ કન્ટ્રીઝ આર બિલ્ટ ઓન ધ બેક ઓફ ગ્રેટ કંપનીઝ..! વીસમી સદી પછીની આ કેહવત છે, જો કે આમ જોવા જાવ તો સલ્તનતે બર્તાનીયા નો પાયો પણ ઇસ્ટ ઇન્ડિયા કંપની નાખી ને ગઈ હતી..!! અને દુનિયાભરમાં યુનિયન જેક એની પીઠ ઉપર ચડી ને ફરક્યો..! એટલે અઢારમી સદીથી આ કેહવત સાચી પડી રહી છે.. ઔદ્યોગિક ક્રાંતિ પછી મોટી મોટી કંપનીઓ ના ટેકા વિના એકપણ દેશ આગળ આવ્યો નથી... એટલે સો વાત ની એક વાત કે ફાંકા ફોજદારી નો મતલબ નથી ,જો ભારત દેશ ને મહાન બનાવવો હોય તો મોટા મોટા જાયન્ટ ના નિર્માણ કરવા જ રહ્યા અને એ પણ પ્રાઈવેટ..!! સરકારી કે અર્ધ સરકારી નહિ..!! જાતે જોતરાઈ જતો હોય એવા
બળદયાની માલિકીની કંપનીઓ જોઇશે.. ભારત દેશ ને મહાન બનાવવાની પ્રક્રિયામાં મહાન કંપનીઓ તો જોઈએ જ, અને મહાન કંપનીઓ ઉભી કરવા માટે મૂડી જોઈએ.. કેપિટલ જોઈએ , એ પણ આપણી
પોત્તાનીનહિ કે
બહારથી લાવેલી..! એફડીઆઈ નામની જે કોઈ ચીજ આવી રહી છે તે અહિયાં નુકસાન કરવા હરગીઝ નથી આવતી , નફો કરવા અને નફો ગાંઠે બાંધી ને પોતના દેશ ભેગો કરવા જ આવે છે એફડીઆઈ , માટે પારકી મૂડી એ દેશ મહાન બનશે એ વાત ને ભૂલી ને આગળ વધવું પડશે , હા
ટાઈમ બીઈંગઠીક છે પણ કાયમ તો નહિ જ ..! ભૂતપૂર્વ આરબીઆઈ ના ગવર્નર એ ચિંતા જાહેર કરી છે કે આરબીઆઈ ક્યાં સુધી સરકાર ને રૂપિયા આપ આપ કરશે..? ઓવર ઓલ સિનારિયો જોઈએ તો થોડીક ગભરામણ ચોક્કસ થાય તેવો છે.. અત્યારે આપણે આપણા દેશમાં જેને જાયન્ટ તરીકે ઓળખીએ છીએ એવી કંપનીઓ ને જે દેશ ખરેખર ગ્રેટ થઇ ચુક્યા છે એમની કંપનીઓ ની સામે સરખામણી કરીએ તો ચણા પણ નાં આવે એવી હાલત છે, પેહલી પાંચ સાત ને બાદ કરતા..!! ભારત દેશની મોટામાં મોટી કંપની એટલે રિલાયન્સ..! જોરદાર ઉછાળો માર્યો છે બે હજાર ને પાર કરી ગયો છે રિલાયંસ સરબજારમાં અને માર્કેટ કેપ પણ જબરજસ્ત મોટું થઇ ગયું છે, ક્યાંક વાંચ્યું કે મુકેશ અંબાણી દુનિયાના ધનિકોમાં પાંચમાં નંબરે આવી ગયા છે..! પણ ખાલી આટલી વાત થી સંતોષ માન્યો તો થઇ રહ્યું ..! આ એ જ રિલાયન્સ છે કે જેને પરપોટો કેહતા એક જમાનામાં અમદાવાદ ના માણેકચોકમાં ચાલતા સરબજારમાં .!! ઓછામાં ઓછી દસ રિલાયન્સ જોઈએ ભારત દેશ ને અને દસ મુકેશ અંબાણી ત્યારે ભારત મહાન થાય..! દસ રિલાયન્સ ઉભી કરવા કેટલી કેપિટલ જોઈએ ? કઈ બેંક આપે ? કે કયું બજાર આપે ? પ્રાઈમરી માર્કેટ ની હાલત કેવી ? ત્યાંથી મૂડી ઉભી કરવા જાય તો ? સવાલો જ સવાલો અને બીજી બાજુ રૂપિયો ઘસાઈ રહ્યો છે, સોનું ચાંદી ચડ્યા છે, સર બજાર એ પોતાની કિંમત સોના ચાંદીના ભાવ સામે
સરખીકરી લીધી પણ રૂપિયો ઘસાઈ રહ્યો છે , વ્યાજના દર ઘટી ને તળિયે છે એટલે રૂપિયા ના ખેલા રૂપિયાથી કરતા લોકો ને છપ્પનના ભાવની બીક લાગે ..! ઓવર ઓલ
નાનાને
મોટો` કરવો પડશે,
મોટામાંથી મોટું નહિ થવાય નાને થી મોટું થવાશે..!!
નોટો છાપવી જ પડે, ફુગાવો વધારવો જ પડે અને કેપિટલ ઉભી કરવી જ પડે ,
નહિ તો છપ્પન નો ભાવ..!! બેતાલીસના રોકડા ..દુંટી ઉપર છરી મૂકી હોય એવા રોકડા બોલ ..બાવીસ… દેવું છે.. ? નહિ તો.. થા હાલતી નો…!
જય હો
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)