નવરાત્રી રાત્રે બાર પછી નહિ જ..
આગળ ચલાવુ એ પેહલા નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના..! પાર્ટી ડાયરેક્ટ માંગવી, મને તો મારી બર્થ ડે ની પાર્ટી પણ પોસાતી નથી એવા ઘાટ છે..! આખું બજેટ કાયમ નોરતામાં જ પૂરું થાય છે..!
થોડા સમય પેહલા ક્યાંક સમાચાર વાંચ્યા હતા કે શોપિંગ મોલ અને હોટેલો આખી રાત ખુલ્લા રાખી શકાશે..યાદ કરો યાદ કરો..!
તો પછી નવરાત્રીની સામે વાંધો શું..? કેટલાક રસિક અરસિક જીવડાઓએ જવાબ આપ્યો અલ્યા ગરબાની બદલે દુનિયાભરના પંજાબી ગીતો વાગે છે..! અને માથા પાકી જાય છે..!
પોઈન્ટ હો કાકા..લાયા બાકી…એ વાત તો ચોક્કસ સાચી,
હવે પેલું ઉડતા પંજાબનું શકીરા વે.. કે પછી “ટકીલા” વે..(જે હોય તે) ઉડતા પંજાબ..હા..ઉડતા પંજાબ..કરતો કરતો, માથામાં ઝીણી ઝીણી ચોટલીઓ અને આખા શરીરે ટાટુ (છુંદણા કેહવાય એને ગુજરાતીમાં) કરેલો અને ગંજી ફરાક પેહરેલો પેલો ડીજે, જયારે આ ઉડતા પંજાબમાં “સોંગ”માં(“ગીત” લખવું હતું પણ “સોંગ” થોડું મોર્ડન લાગે) ગરબાની બીટ્સ રેડે ત્યારે મગજ પર હથોડા તો પડે હો ભઈ..કબુલ
ગરબો ક્યાંથી ક્યાં પોહચી ગયો..!
એક જમાનો હતો કે અમદાવાદી લોકો દિવાળીબેન ભીલને એમ કેહતા કે અલ્યા એઈ આ સુ ગાય છે..? ત્યારે બધા “ભગતો” ગરબા ગવડાવવા પોળમાં આવતા, પછી લોકગાયકોનો વારો આવ્યો, પછી પાર્ટીનો વારો આવ્યો અને પાર્ટીમાં ડ્રમ સેટ આવ્યા,માઈક એક બે ની બદલે આઠ દસ વધ્યા સ્ટેજ ઉપર, અને પછી ઘોંઘાટ ચાલુ થયો..!
થોડું ડીટેલીંગ કરું આમાં આપણો સબ્જેક્ટ છે..!!
ગુજરાત અને ગરબો બે અભિન્ન વાત..
ઉત્તર ગુજરાતમાં ઘેર સારો પ્રસંગ હોય તો આનંદનો ગરબો લેવાય,મધ્ય અને દક્ષીણ ગુજરાતમાં ગરબો કોરાયો કેહવાય અને અમારું વિરમગામ મુકો એટલે રાંદલ તેડ્યા છે અથવા ગરબો લીધો છે એમ કેહવાય..
પણ લગભગ રીત રીવાજ આખા ગુજરાતમાં સરખા, કાણાવાળા માટલામાં અખંડ દીવો લેવાનો રોજ નીવેદ્ય અને આરતી અને પછી પાંચ ગરબા ગાવા ફરજીયાત.. વધારે ગાવ તો પણ વાંધો નથી, પણ પાંચ ગરબા તો કમ્પલસરી..!
હવે એક જમાનામાં ગરબા મોઢેથી ગવાતા અને ઢોલના તાલે ફરીને લેવાતા..
મોટેભાગે લોકગીતો પ્રકારના ગરબા જેમકે..ઘોર અંધારી રે રાતલડીના નીસર્યા ચાર અસવાર, હાં હાં રે ઘડુંલીયો ચડાવ રે ગીર્ર્ધારી ..હવે આ ઘડુંલીયો ચડાવ ની બદલે ઘડુંલીયો સડાવ રે .. એમ ગાવાની પણ ગરબે ઘૂમતી બેહનો મજા લેતી..!
શબ્દોના ઝાઝા બંધનો નહિ. અને એક મોટા અવાજ,હલક અને જેને સારો ઢાળ બેઠેલો હોય ગળામાં એવી બેહન ગરબો ગાય, અને બાકીની ગરબે ઘૂમતી ગુજરાતણો ગરબો ઝીલે..
અડધા કલાક, એકાદ કલાક જેવો એક ગરબો ચાલે અને એમાં એક પાછી એક ગરબા અને ગીતો ગવાતા જાય.. કાનજી તારી માં કેશે રે અમે કાનુડો કેહ્શું..અને એમાં કોઈ મોટી ઉંમરલાયક એવા કાકી કે મામી, બધી થાકતી જુવાનડીઓ ને ધક્કે ચડાવે..અલીઓ હેંડો હેંડો હજી તો તમે બધીઓ ઉગીને ઉભી થાવ છો એમ શેની થાકો..અને મસ્તી મજાક થતા જાય અને પચાસ,પચ્ચીસ કે સો બેહનોના ગરબા ચાલતા રેહતા..
પછી એન્ટ્રી થતી ઢોલીડા અને ભુન્ગળીયાઓની..અને ગરબાનું સર્કલ મોટું થાય પુરુષો જોડાય અને લગભગ અતિશય વૃદ્ધ સિવાય આખું ગામ શેરી કે પછી શેહરોમાં પોળ આખી ગરબે ઘૂમે..!
કોઈક વરણાગી કાકો વચ્ચે વચ્ચે કોઈ નાટક કરીને મનોરંજન પૂરું પાડે..!
માતાજી પણ “આવતા” એ જમાનામાં..!
પછી વારો આવ્યો “ભગત” ગાયકોનો રાજા ભરથરીની વાર્તાથી લઈને.. આખ્યાનો થતા અને એ આખ્યાનના ગીતો
પેલા પેલા જુગમાં રે અમે રે પોપટ રાજા રામના રે ..દલડાં સાંભળો ખમ્મા પુરવ જનમ ના સેહવાસના..એવા ગીતો પણ ગરબામાં ચાલી જતા અને પછી એન્ટ્રી થઇ લોક ગાયિકાઓની
દિવાળીબેન ભીલ..
મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે .. મારા ઝીવતા જાનવર ઝાલ્યા મોર ક્યાં બોલે હે મોર બોલે..અને એવા અસંખ્ય ગીતો ગરબામાં આવ્યા..
મારા સંગીત ગુરુ શ્રીમતી સરોજબેન ગુંદાણી ના અસંખ્ય ગીતો..અને ગરબા..
ગરબો આગળ વધ્યો શ્રી અવિનાશભાઈ વ્યાસ, આરાસુરી માં અંબાએ પ્રેરણા કરી અને ગીત આવ્યું .. (તાલ રૂપક) માડી તારું કંકુ ખર્યુંને સુરજ ઉગ્યો..
ગરબા અનેકો અનેક અવિનાશભાઈના અને એ પણ લતા મંગેશકર, આશા ભોસલે..જેવા મોટા ગજાના ગાયકો, તમે નામ લ્યો એ ગાયક જોડે ગુજરાતી ગીત અને ગરબા ગવડાવ્યા અવિનાશભાઈએ
અને દરેક શેરી પોળમાં એ જ ગરબા ગુંજતા થઇ ગયા..
એટલા સમયમાં લગભગ સાલ ૧૯૫૦ની આજુબાજુમાં ગાંધીરોડ જેને રીચીરોડ કેહતા ત્યાં ભૂંગળા(માઈક એમ્પ્લીફાયર અને સ્પીકર્સ) આસાનીથી મળતા થઈ ગયા.. અને સુરીલા બેસુરા બધા જ પછી મંડળી ખોલીને મંડી પડતા..
૧૯૭૦ પછીનો જમાનો આવ્યો પાર્ટીઓનો બે અવાજમાં ગાતા હીરોનો..અલ્યા જો તો આ તો જેન્ટ્સ અને “લેડીસ” બંનેના અવાજમાં “ગાય” છે..!
અત્યારે પણ રેકોર્ડિગ સાંભળીએ તો …ઓ બાપા રે..! એ લોકોએ “ખરો ત્રાસ” નવરાત્રીમાં ગુજારવાનો શરુ કર્યો..!
ગાતા આવડે કે ના આવડે માઈક હાથમાં આવ્યું એટલે હું રાજ્જ્જા અને તું રાણી..!
હાર્મોનિયમ અને વાયોલીનની બદલે જગ્યા લીધી કીબોર્ડ(કેશિયો) ડ્રમ સેટ તો જોડે હતો જ..!
હવે જેને તમે ગરબાનો ઘોંઘાટ કહો છો એ પ્રવેશ્યો અહીંથી..પેહલા સ્ટેજ પર ગાયક હાર્મોનિયમ (પેટી), તબલા ,વાયોલીન, શરણાઈ અને થોડી સાઈડ રીધમ અને ઢોલ રેહતા..
પણ જ્યારથી કીબોર્ડ આવ્યું અને જોડે પેલો ડ્રમ સેટ, ટીમ્બાની અને બોંગો ઘુસ્યા ત્યારેથી કમબખ્તી થઇ…
પેલો લેડીસ(ઉત્તર ગુજરાત:- લેડીજ ,કાઠીયાવાડ:-બાઈ ના અવાજમાં ગાય સે, સુરત:-એની બેન ને ગાળ ,ગાળ,વડોદરા :- ગજબ છે અલા આ`તો ,) અને જેન્ટ્સ એમ બે અવાજમાં ગાતો થાકે, એટલે ચાલુ ગરબે એ ગાયક “કલાકાર” ખો આપે એ કીબોર્ડવાળાને અને એને એટલું જ જોઈતું હોય કીબોર્ડવાળાને બસ..અને એનો ભેરુ પેલો ડ્રમર..
કીબોર્ડ પ્લેઅર અને ડ્રમર બંને જન્મ્યા ત્યારથી હિન્દી ફિલ્મીના ગીતો વગાડી વગાડીને મોટા થયા હોય,બાપડાને ગરબો,ગીત,ગઝલ આવું કઈ ખબરના હોય એટલે આવડે એ વગાડે, અને ત્યાંથી ચાલુ થયું આ “ઘોંઘાટ” નામ નું ત્તત્વ નવરાત્રીમાં..
ગરબાની મીઠાશમાં હિન્દી ફિલ્મોનો મસાલો ભળ્યો અને ગરબો “દાંડિયા” માં ફેરવાઈ ગયો..
તમે કોઈ મેહસાણા કે કાઠીયાવાડમાં જન્મીને મોટા થયેલાને અંગ્રેજી બોલતો સાંભળ્યો છે..? નરેન્દ્ર મોદી સાહેબ સિવાયની વાત કરજો..!
કેવું ખતરનાક બોલે ..
એવી જ હાલત અત્યારે ગરબાની કરી મૂકી છે..!
એક ગરબામાં આવે છે..બંગલા કેસા બનાયા,બંગલા કે
સા બનાયા..!
ટોપા..રૂપિયા જેસા હતા એવા બંગલા બનાયા.. એમાં વળી બંગલા કે
સા, હે બંગલા કે`સા બનાયા એ વળી શું..?
વધુ આવતીકાલે
પણ હા બાર વાગ્યાનો પ્રતિબંધ તો હટાવવો જ જોઈએ..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા