એક પછી એક દિવાળી આવતી જાય છે અને જતી જાય છે , સમય એનું કામ સુપેરે કરતો રહ્યો છે, થોડાક વર્ષોથી દિવાળીએ બાહર ફરવા જવાની વાતને કોરાણે મૂકી દીધી છે , લગભગ દરેક હરવાફરવાના સ્થળો ફાટી પડ્યા છે, પબ્લિકે કશું જ બાકી નથી મૂક્યું ,
હવે હું ધરતીના પેટાળમાં લાવા જોવા જવાની ટ્રિપ જાહેર થાય એની રાહ જોઈ રહ્યો છે .. કદાચ એટલું જ બાકી છે ..!!
એક સો ફૂટ ડાયમીટરનું ભૂંગળું ધરતીમાં ઉતારીને એમાં લિફ્ટ ફેરવવાની બાકી રાખી છે..!!
કોવિડ પછી ચાલુ થયેલા ટુરિઝમને રિવેન્જ ટુરિઝમ નામ આપ્યું ..લોકડાઉનમાં રહેલી પ્રજા ઘરની બાહર નીકળવા તરસી ગઈ હતી તો બદલો લેવા તૂટી પડી એવું માન્યું ,પણ હવે શું છે ?
નથી ખબર આ કયું ટુરિઝમ છે .. અને એમાં પણ ધાર્મિક જગ્યાઓએ તો દાટ વાળ્યો છે , લાખ બે લાખ માણસ …!!!
ભારતભરમાં એકપણ મંદિર આટલી ભીડ સહન કરી શકે એના માટે ડિઝાઇન નથી થયેલું પણ હવે સુધરેલા રોડ રસ્તા અને એર, રેલ કનેક્ટિવિટી એ દરેક ધાર્મિક જગાએ બેફામ ભીડ ઉભી કરી છે …
હિલસ્ટેશન નકરા માણસ જ માણસ અને દરિયા ઉપર જુવો તો દારૂ બિયરની બાટલીઓ , પહાડોમાં પણ ચારેય બાજુ આ જ હાલત..!
અણસમજુ પ્રજા ને હાથમાં છરી આપી દીધી છે , પ્લાસ્ટિકના પડીકા ચારેય બાજુ અને દારૂ બિયરની બાટલીઓ ..!!
જે પ્રજાને પર્યાવરણ શું છે એનું ભાન નથી એને કુદરત સોંપી દીધી , લો મોજ કરો..!!
અજંતા ઈલોરાની ગુફાઓ , મહાબલીપુરમ, કન્યાકુમારીનો એ દરિયો જ્યાં ત્રણ બાજુથી ત્રણ દરિયા મા ના પગ પખાળે..!!
હમણા એક સજ્જન એક વર્ષમાં આઠ ફોરેન ટ્રિપ વર્ષમાં કરીને આવ્યા..
મારા માટે આઘાતની વાત હતી .. આઠ ફોરેન ટ્રિપમાં તમે શું જોયું અને શું માણ્યુ? જે જગ્યાએ ગયા ત્યાંનો ઇતિહાસ, ભૂગોળ ,સમાજ રચના , બીજી ઘણીબધી વાતો જેને ખાસિયત કેહવાય એને જોવા જાણવા અને સમજવા માટે અને પછી પચાવવા માટે સમય જોઈએ..
મારે તો ગયા વર્ષે લોસ એન્જલિસમાં એક દિવસ યુનિવર્સલ સ્ટુડિયો ગયા અને બીજા દિવસે ડિઝનીલેન્ડ તો મારે કેહવુ પડ્યું કે મને એક સાથે આટલી બધી રાઇડ યાદ નથી રહી એટલે હવે મારે બધી રાઇડ ને મેમરાઇઝ કરવી છે હું જ્યાં સુધી શાંતિથી કલાક બે કલાક બેસી અને વાગોળીશ નહીં તો હું એને યાદ નહીં રાખી શકું..
મને કોઈપણ ટ્રિપ ગામને કહેવા કરતા યાદ રાખવા અને જે તે જગ્યાએ અચરજ શું હતું એમાં વધારે રસ છે.. અરે નાથદ્વારામાં જઈએ તો પેહલા આજે ઠાકોરજી કયા વસ્ત્ર ,શણગાર કરશે ,કેમ કરશે એ પણ જાણી લઉં.. એમ દરેક જગ્યા વિશે આગોતરી જાણકારી મેળવી પછી જ જવાનું …
હવે તો ગૂગલ અને એ આઈ જોઈએ તેટલી માહિતી આપે છે પણ મેં જોયું છે કે પબ્લિક ભટકવા જ જાય છે ,
મને જ્યાં ને ત્યાં મૂતરતા કૂતરા જ લાગે..!!
ઉદયપુરમાં ગાઇડ એક બોલે કે યે મહેલ તીન સો સાલમેં બાઈસ પેઢી ને મિલ કે બનાયા હૈ એટલે સામો સવાલ ચોક્કસ થાય કે અલ્યા ત્રણસો વર્ષમાં સો વર્ષની ચાર પેઢી અને ત્રણસો વર્ષની ચાર તરી ને બાર .. આ બાવીસ પેઢી ક્યાંથી થાય..??
જો કે ગાઇડ એ એમ કીધું કે અહીંના મહારાણાઓ યુદ્ધમાં માર્યા જતા એટલે તરત જ કોઈ એડલ્ટને દત્તક લઈ લેવાતા અને યુધ્ધ આગળ વધતું ..અને હું કહું મેઇક સેન્સ.. મેવાડ રાજા ઘરાનાનો સંઘર્ષ જગ જાણીતો છે , સન્માનીય છે..!
તો પણ હું કહું મધ્યપ્રદેશ વણ ખેડ્યું છે , ઉજ્જૈન મહાકાલ સિવાય પ્રજા બહુ દેખાતી નથી , ઉપર બુંદેલખંડ માં તો ઘણી ઓછી વસ્તી રખડવા જાય છે , સાવ આબુ ઉદયપુર જેવું નહીં ..
એની વે અમદાવાદ શહેરનું રોડ રસ્તા ઉપરનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પૂરું થયેલ છે , ના સમજાયું ? જેમ કોઈપણ ઓટીટી માં જાહેરાત વગર તમારે જોવું હોય તો થોડાક રૂપિયા લાગે એમ અમદાવાદના રોડ રતનુપર ટ્રાફિક વિના જવું હોય તો તમારે દિવાળી પછી પાંચ દિવસ મળે..
આ પાંચ દિવસમાં એટલી ખબર પડી કે ટ્રાફિક ઊભી કરેલી અણઘડ માણસોના હાથમાં આપેલી સિસ્ટમની દેન છે.. કેમ કે રોડ રસ્તા તો ઘણા મોટા છે પણ એની ઉપરના દબાણોએ દાટ વાળ્યો છે દરેકને કંઈક વધારે જોઈએ છે..દુકાનની બહાર પેહલા પાટિયું પછી ટેબલ અને પછી ગલ્લો અને પછી હોટલ ..રોડ ગાયબ ..!!
દબાણો દૂર નહીં થાય તો દેશ તૂટી પડશે , આ દેશને બહારનો કોઈ ક્યારેય તોડી નથી શક્યો , અંદરની ઉધઈ એ જ દરવાજાની ચાવી નહીં આખો દરવાજો જ ખોલી આપ્યો છે ..!
ચાર રસ્તે left open આપ્યો પણ સીધા જવાના રોડ નાના થઈ ગયા , ટ્રાફિક જામ ..!!
સીધા જવાના રોડ નાના ના કરાય ,ચાર રસ્તાના કોર્નર કાપીને મોટા કરાય જેથી left open ટ્રાફિક પણ શાંતિથી જાય અને સીધો ટ્રાફિક પણ અડચણ વિના જાય.. !!
પણ આપણે તો ચાર રસ્તાના ખૂણા એટલે હોટલો , પાનના ગલ્લા , અને મોબાઈલની દુકાનો ..!
રામ કી ચિડિયા રામ કા ખેત ..!!
હશે ત્યારે ગરીબનું કીધું ભિખારી થોડો માને ..!!
દેવ ઊઠી અગિયારસ આવી , લગ્નોની ધૂમ મચશે , જોકે દેવગુરુ બૃહસ્પતિ સિંહસ્થ છે એટલે લગ્નોના મુહૂર્ત ઘણા ઓછા છે, પણ ગુરુ મહારાજ અતિચારી છે ત્યારે એટલે તેર મહિનાની બદલે ધમાધમ રાશિઓ બદલે છે , એમને પણ બધા જ્યોતિર્લીંગ, બધી શક્તિ પીઠ ,બધા તીર્થ સ્થાનો , બધા ધામ , બધી પુરી ની જાત્રા કરી લેવી હોય એમ બે મહિના ત્રણ મહિના થયા નથી કે રાશી બદલી નથી , ઘડીકમાં વક્રી અને ઘડીકમાં સીધી ચાલ ..થોડાક દિવસ પેહલા બુધ શુક્ર પણ વક્રી હતા ..!!
એટલે કોઈ જૂનો “હિસાબ” પાછો આવ્યો હોય તો .. ધ્યાન રાખવું ..!!
ચાલો કામધંધે લાગો ..
પથ્થરનો ભગવાન ગણો કે ભગવાનો પથ્થર , માણસોએ ભગવાનને બનાવ્યો કે ભગવાને માણસને બનાવે છે ..! આ જ લીટીમાં “બનાવ્યો” અને “બનાવે” શબ્દ ઉપર ઈન્વર્ટેડ કોમા કરી દયો..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*