ઘણા વખતથી કેટલા બધા લોકો એમ પૂછે છે કે તમે પોલિટિકલ કેમ નથી લખતા ? પણ શું લખી એ ? ચારે બાજુ કકળાટ જ છે પોલિટિકલ પોસ્ટના નામે , કોઈ કશું સાંભળવા તૈયાર જ નથી થતું ..
એક ‘જણ’ પ્રત્યે ઘણા બધાને પ્રેમ છે , બાકીના બીજા માટે હાડોહાડ નફરત ,જ્યારે બીજી તરફ પણ આજ સીન આવ્યો છે એક ‘ખાનદાન’ માટે બધાને પ્રેમ અને બીજા માટે હાડોહાડ નફરત,
આ સંજોગોમાં આપણે લખી ને શું કરવાનું ? આપણી વોલ ઉપર ખોટો કકળાટ જ ઊભો કરવાનો ને , એના કરતા ‘ના લખવા માં નવ ગુણ’ ..
છતાંય આજે ઈચ્છા થઈ ગઈ છે તો લખી પાડીએ..
જો કે આજકાલ ભલભલા પોલિટિકલ પંડિતો આડી અવળી પોસ્ટ મુકતા થઇ ગયા છે પોલિટિકલ પોસ્ટ ની બદલે,
કારણ દરેક ને ખબર છે, ભૂલ માં કઈ ખોટું આડું લખાઈ જાય અથવા સાચું લખાઈ જાય તો ભરાઈ જવાય એટલે દરેક ને ખોટી કોન્ટ્રોવર્સી માં સપડાવુ નથી માટે બધા “અમે તો બોયા ય નહીં અને ચાયા નહિ ” એવી પરિસ્થિતિમાં રહેવાનું પસંદ કરે છે..
લાલ કૃષ્ણ અડવાણીએ મસ્ત રીતે કોથળામાં રાખીને પાંચશેરી મારી … નાનકડું એવું સ્ટેટમેન્ટ આપી દીધું કે અમે અમારા રાજકીય વિરોધી ને ક્યારેય દેશદ્રોહી ગણ્યા નથી..
તેજી ને ટકોર હતી , જો સમજવું હોય તો , પણ સમજવું હોય તો આના ઘણા બધા મતલબ નીકળી શકાય..
દેશભરમાં અત્યારે ચૈતર વૈશાખના વાયરા વહી રહ્યા છે અને એની જોડાજોડ ચૂંટણીનો વાયરો વાઈ રહ્યો છે ..
આખો દારો-મદાર ઉત્તરપ્રદેશની ચૂંટણી પર બેઠેલો છે ઉત્તર પ્રદેશ જે પ્રકારે રિઝલ્ટ આપશે એ જ રીતે લોકસભા કેવી આવશે એ નક્કી થશે,
ગુજરાત ,રાજસ્થાન ,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપર એક ભયાનક પ્રેશર ઊભું થઈ રહ્યું છે અને આ બધામાં ગુજરાતની હાલત તો સૌથી વધારે ખરાબ છે , દર વખતે સોમાંથી સો માર્ક્સ લાવતા વિદ્યાર્થીને આ વખતે ફરી એકવાર સોમાંથી સો માર્ક્સ લાવવાના છે..
પણ એ કદાચ લાવી શકે એવી પરિસ્થિતિમાં નથી , જો કે કઈ કહી શકાય નહી ગુજરાતી માણસ છે ગમે ત્યારે ગમે તે કરે , શાઇનિંગ ઇન્ડિયા ને પછાડીને ફેંકી દે અને ગમે તે ને માથે બેસાડી અને ગરબા એ કરી લે.. પણ અઘરું છે સોમાંથી સો માર્ક્સ લાવવા ગુજરાતીને આ વખતે..
મધ્યપ્રદેશ ની બધી જ સીટ જાહેર થઈ ગઈ , પણ એક ઇન્દોર ની સીટ માટે વાંકુ પડ્યું એટલે ‘તાઇ’ સામેથી બહાર આવ્યા અને કહી દીધું મેં મારા ચૂંટણી નથી લડવી, 75 વર્ષ વાળી પેલી સીલીંગ દરેક જગ્યાએ લગભગ લાગુ પાડી છે અને તાઇ ને ૭૬ મુ વર્ષ બેસે છે એટલે ટેકનિકલી તો શ્રીમતી સુમિત્રા મહાજન ચૂંટણી લડી શકે એવી પરિસ્થિતિમાં નથી
હા જો જીતી જઈએ તો બીજો રસ્તો થાય… દેશભરના 26 કે 27 રાજ ભવનો છે ત્યાં તેમનો સમાવેશ થઇ જાય , અને નજરમાં વસી જાય તો ઉપરાષ્ટ્રપતિ જો રાષ્ટ્રપતિ થાય તો તાઇ ને ઉપલા ગૃહ નું સંચાલન કરવાનો મોકો પણ મળી શકે, પણ એ તો બધું જો અને તો ઉપરની વાત છે .
સતત આઠ ટર્મ થી ચૂંટાતા તાઈ માટે અત્યારે તો લોકસભાની સીટ છોડવી એ થોડુંક અઘરું છે પણ હવે છોડ્યા વિના છૂટકો નથી..
બંને પક્ષો અત્યારે તો ભરપૂર જોર લગાવી રહ્યા છે અમેઠી લગભગ હાથ થી ગયું છે ,એટલે વાયનારડ સુધી પહોંચી ગયા છે ,
પણ સામે પક્ષે પૂર્વ ઉત્તર પ્રદેશમાં ઘણી સીટો ઉપર નીચે થાય એવી હાલત છે અને બંગાળ મચક આપતુ નથી, એટલે મરીના બીચ ઉપર જઈ ને હારતોરા કરવા પડે, જો આંકડાની રમત માં કંઈક આઘુંપાછું થાય તો..
રાજકીય પત્રકારો દબાતા અવાજે “ટીમ ૨૨૦” નો ઉલ્લેખ કરે છે, આ “ટીમ 220” એટલે ભાજપની અંદર જ એવા લોકો છે કે જે ઇચ્છે છે કે ભાજપ ૧૮૦ થી 220થી વચ્ચે રહે ,
હવે આમાં કોનો કોનો સમાવેશ થાય છે એનો કોઈ ફોડ પાડીને ઉલ્લેખ કરતો નથી પણ સતત એકધારા કડક શાસનની વચ્ચે કંટાળેલા ઘણા લોકો આવું ચોક્કસ ઈચ્છે એવું માની શકાય..
આ બધાની વચ્ચે આ ચૂંટણીમાં એક બહુ મોટી વાત બની છે જેની ઉપર કોઈની નજર નથી ગઈ અને એ છે કોઈ પણ નેતા આ વખતે દિલ્હીની જામા મસ્જીદમાં જઈ અને શાહીમાં ને પગે લાગવા તેમનું સમર્થન લેવા ગયો નથી, નહી તો દર વખતે ત્યાં લાઈન લાગતી હોય છે કદાચ પહેલીવાર ખરા અર્થમાં ભારત સેક્યુલર થઈ રહ્યું છે..
ઘણા બધા whatsapp ગ્રુપમાં એવી ડરામણી ધમકીઓ પણ આવે છે અત્યારે કે તમે જો ભાજપને મત નહીં આપો તો હિન્દુઓનું સત્યનાશ વળી જશે ,
એક મિથક છે ..
હિન્દુ સદીઓથી આ ધરતી ઉપર રહ્યો છે અને રહેવાનો છે, જે પ્રજા કુદરતની સાથે તાદાત્મ્યતા કેળવી અને પોતાની જીવનશૈલી જીવતી હોય એનો ક્યારેય નાશ થતો નથી , અને વહેલા કે મોડા દરેક પ્રજાને તે પ્રકારની જીવનશૈલી નો સ્વીકાર કરવો જ પડતો હોય છે…
હા રામ મંદિર હોય કે કાશ્મીરના 370 હોય દરેક માટે ભાજપ સરકાર પાસેથી અપેક્ષા હતી, એ અપેક્ષા માં ભાજપ સરકાર ઉણી ઉતરી છે, પણ છેલ્લા ઇન્ટરવ્યૂમાં પક્ષપ્રમુખ એ 2020માં રાજ્યસભાની બહુમતી નું લક્શ્યાંક દેખાડી અને મભભમ માં ઘણું બધું કીધું છે , જોઈએ હવે બહુમતી આવ્યા પછી શું થાય છે..
હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે કે લગભગ મોદી સાહેબની આંધી ચાલી રહી છે, પણ યુપીનું મહાગઠબંધન કદાચ ખેલ બગાડી રહ્યું છે , કેમકે આંકડા જોઈએ એવા સપોર્ટ મા આવતા નથી , અને નાગપુરથી ઇન્ટરનલ કોમ્પિટિશન પણ આવી રહી છે…
ટૂંકમાં કહીએ તો ઈન્દ્રાસન હાલી ચૂક્યું છે અને ચારેબાજુથી એક જગ્યાએ હુમલો થઈ રહ્યો છે અને એ છે ઇન્દ્રાસન ઉપર ,
ઇન્દ્રદેવ પોતે પણ તનતોડ મહેનત કરી રહ્યા છે અને દેવ નસીબના બળિયા રહ્યા છે હંમેશા, એટલે મહેનતનું ફળ મળે તો 2024 દેખાઈ જાય..
બાકી તો તમારી અને મારી જિંદગીમાં કે બહુ લાંબો ફેર પડવાનો નથી, આધારકાર્ડ ને બીજી બે-ચાર વધારે જગ્યાએ તમારે લીંક કરવાના વારાઆવશે ,કદાચ ડ્રાઇવિંગ લાઇસન્સ જોડે ,ગાડીની આરટીઓ બુક જોડે ,તમારા પાસપોર્ટ જોડે ,વગેરે વગેરે …
આવી ઘણી બધી જગ્યાએ આધાર કાર્ડ લિંક કરવા તમારે ને મારે દોડા દોડી આવતા પાંચ વર્ષમાં કરતા જ રહેવાની છે સરકાર ગમે તે આવે..
પાનકાર્ડ આધાર લીંક ના કરી હોય તો ફરી એક વાર સમય વધારી આપવામાં આવ્યો છે ,મહેરબાની કરીને કરાવી આવજો નકામા ઇન્કમટેક્સના રિટર્ન છેલ્લી ઘડી અટકશે અને હા પાનકાર્ડ જોડે લિંક કરવા માટે આધારકાર્ડ જોડે મોબાઈલ લીંક કરેલો જરૂરી છે,
કેમ કે ઓટીપી આપે છે એટલે મોબાઈલ ને લિંક ના કર્યો આધારકાર્ડ જોડે, તો એ પણ કરાવી લેજો બાકી રહી વાત આધારકાર્ડની તો હવે તો સ્મશાનમાં પણ આધાર કાર્ડ માંગવામાં આવી રહ્યા છે ,
મૃતકનું આધારકાર્ડ લાવો પછી જ લાકડાનું સર્ટિફિકેટ મળે અને લાકડાનું સર્ટિફિકેટ મળે તો જ તમને મરણનો દાખલો મુનસીટાપલી આપે ,
જે આધાર કાર્ડ નો પેટ ભરીને વિરોધ થયો તો 2014માં , એ જ આધાર કાર્ડ આજે જીવાદોરી સાબિત થઈ રહ્યું છે u-turn સરકારના ઘણા છે ,પણ વાંધો નહીં ,ટ્રેક ઉપર ગાડી ચાલતી હોય તો u turn લીધા લીધા પણ સાપોલિયા ની જેમ ગાડી આગળ વધતી હોય તો વાંધો નથી…
બાકી તો સર્વિસમેન પાસે પોસ્ટલ બેલેટસ પહોંચવાના ચાલુ થઈ ગયા છે , અને એ લોકો એમના મતદાન કરી અને પોસ્ટલ બેલેટ પાછા મોકલવાના ચાલુ કરી દીધા છે, એટલે ઓફિશિયલ ચૂંટણીનો આગાઝ થઈ ગયો છે,
હવે વાત કોણ આવશે તો એ તો ઇવીએમ ખુલે ત્યારે ખબર પડે કે આપણી ઉપર રાજ કોણ કરવાનું છે અને આપણને તારાજ કોણ કરવાનું છે…
આજ સુધી એકપણ સેવક આપણને મળ્યા નથી , પ્રથમ થી લઇને પ્રધાન સુધી ..
આપણને હંમેશા શાસક જ મળ્યા છે , અને શાસકની જ આપણે ચૂંટણી કરવાની છે આટલું મન માં રાખીને જ વોટ આપવાનો , જેથી આવનારા પાંચ વર્ષમાં ખુલ્લે બરડે શાસક કોરડા મારે કોઈ તો દુઃખ ના થાય..
અને ભૂલમાં શાસક આપણને પંપાળી ને રમાડે તો આપણે ઘેલા ઘેલા થઈ જઈ ને કહી શકીએ કે મારા શાસક તો બહુ સારા દયાળુ અને માયાળુ પ્રેમમાં અને રૈયતના રંજાડ ના કરે તેવા છે એટલે ફરી એકવાર આપણે આપણા શાસકની ચૂંટણી કરીએ છીએ સેવકની નહીં ,
આપણે શાસક ચૂંટવાનો છે સેવક નહીં…
સૌને ચૈત્રી નવરાત્રી ના જય માતાજી …
ગુડી પડવો અને ઉગાદી ની શુભકામનાઓ..
શુભરાત્રી
શૈશવ વોરા