એક્ઝીટ પોલ.. કેટલી પોલંપોલ ..?
બહુ બધી “પોલ” એક્ઝીટ પોલમાં આટલા વર્ષોથી ચાલી રહી છે , ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ સાચા છે ..!
છેલ્લા વીસ વર્ષમાં એક્ઝીટ પોલ બિલકુલ ભરોસાપાત્ર રહ્યા નથી અને અ વખતે ચૂંટણી જે રીતે થઇ છે અને જે પ્રકારની રમતો રમવામાં આવી છે એ જોતા તો આ વખતના તમામ એક્ઝીટ પોલ ૨૩મી તારીખે પીટાઈ જવાના છે..!
આ ચૂંટણીમાં લગભગ ૬૭ કરોડ લોકો એ આંગળી ઉપર વાદળી સ્યાહી લગાવડાવી છે..!
એક બહુ મોટો રેકોર્ડ દુનિયાની સામે ભારત એ પ્રસ્થાપિત કર્યો છે .. દુનિયાના એકપણ દેશમાં એકપણ ચૂંટણીમાં સડસઠ કરોડ મત એક સમયે પડ્યા નથી અને એના માટે ભારત વર્ષની પ્રજા અભિનંદન ને અધિકારી છે..!
આટલા મોટી સંખ્યામાં જયારે મત પડ્યા હોય ત્યારે એક્ઝીટ પોલના લાખ બે લાખના સેમ્પલ સર્વે ને એક્ઝીટ પોલના નામ આપવા એ ખોટી વાત છે ,અને અમુક એક્ઝીટ પોલ ના સેમ્પલ તો ખાલી હજારોમાં જ છે, એટલે એવા એક્ઝીટ પોલ ઉપર ભરોસા રાખી અને શેરબજાર ૧૪૦૦ પોઈન્ટ ઉછળે તો અચરજ તો થાય..!
ગઈ ચૂંટણીમાં ભાજપ અને વિપક્ષ વચ્ચે મતો નું અંતર ફક્ત ૨ ટકા જેટલું જ હતું અને આ ૨ ટકાના અંતરમાં લોકસભાની આખી ટેલી ફરી ગઈ..!!
અત્યારે મોટેભાગે કોઈપણ સામાજિક મેળાવડો હોય કે પણ નો ગલ્લો કે પછી એકાદું બહુ જ વધારે પડતું એક્ટીવ હોય એવું વોટ્સ એપ ગ્રુપ હોય દરેક જગ્યાએ મોટાભાગના લોકો મોદી મોદી કરીને ચીસો પાડી રહ્યા છે અને એ ચીસોની બદલે એકાદ બે જણ સેહજ દબાતા સ્વરે વિરોધ પણ કરી રહ્યા છે..
આ બધી જગ્યાએ જેને જે મનમાં આવે એ આંકડા લોકો બોલી રહ્યા છે અને એમાંથી મોટાભાગના લોકોને ક્યા રાજ્યમાં કેટલી સીટ છે લોકસભાની એ પણ ખબર નથી હોતી પણ બસ લોલ `મ` લોલ અને હું સાચો..
એક વોટ્સ એપ મેસેજ યાદ આવી રહ્યો છે “ જો તમારે મિત્રો બનાવવા હોય તો સેક્સ ની વાત કરો અને દુશ્મન ઉભા કરવા હોય તો રાજકારણની “
આજે આ મેસેજ બરાબર બંધ બેસે છે, ગમે તેટલા સારા મિત્રો વર્ષોથી હોય પણ જો રાજકારણની વાત ચાલુ થાય એટલે સખ્ખત ગરમાગરમી થઇ જાય છે અને ગાળાગાળી સુધી વાત આવી જાય છે અને બધા મિત્રો ઝઘડીને છુટા પડી રહ્યા છે..
એક્ઝીટ પોલના આવ્યા પછી ગરમી નું પ્રમાણ વધી ચુક્યું છે અને ઝઘડાની તીવ્રતા પણ વધી ગઈ છે ..જેનો કોઈ જ મતલબ નથી..
આ બધાની વચ્ચે આજે એકઝીટ પોલના રીઝલ્ટ બાદ શેરબજારમાં અદાણીની દરેક કંપની લગભગ ૧૭ ટકા જેટલી ઉછળી છે .. સારી નિશાની કે ખરાબ ?
સો ટકા ખરાબ ..
એવું તે શું થઇ જશે એનડીએની સરકાર આવે તો અદાણીની કંપનીઓને ?
સ્વસ્થ બુદ્ધિએ વિચારીએ તો શંકા પેદા થાય..
ગુજરાતની વાત કરીએ તો અમરેલી અને આણંદ આ બે સીટ તો ભાજપ માટે બહુ જ જોખમી છે અને કોંગ્રેસની ચેલેન્જ સાચી છે કે અમિત શાહ ને ઉભા કરો તો જામે આ બે સીટ ઉપરથી ..
વિધાનસભાની લગભગ ત્રેવીસ સીટો ના હારજીતના માર્જીન વાળ જેટલા પતલા હતા અને ક્યાંક તો નોટા એ બાજી ફેરવી હતી એટલે ૨૬ માંથી ૨૬ ગુજરાતમાં આવે તો એટલીસ્ટ આણંદ અને અમરેલી અહિયાં તો માથાસાટેના જંગ ખેલાયા છે ..
પણ શક્યતા ઓછી છે એટલે ૨૬માંથી બે સીટ તો ખરી પડી એમ જ સમજવાનું થાય .. એ રીતે રાજસ્થાન મોદી તુઝ સે બૈર નહિ વસુંધરા તેરી ખૈર નહિ .. ૨૩મી એ ખબર પડે કે મોદી જોડે બૈર રાખ્યું કે નહિ બાકી વસુંધરાની ખૈર ચોક્કસ નથી રાખી..!
એક્ઝીટ પોલ રાજસ્થાનમાં ૨૫ માંથી ૨૫ આપે તો તો શંકા તો જાય..!
એમપી, યુપી , મહારાષ્ટ્ર દરેક જગ્યાએ એક્ઝીટ પોલ સ્પષ્ટ બહુમતી આપી રહ્યા છે પણ થોડુક શાંતિથી વિચારવું રહ્યું ..
શેરબજારની આજની તેજી કે પછી આવનારા બે ચાર દિવસની તેજી માલ જનતાને માથે મારી અને છુટા થવાની તો નથી ને ? એની તપાસ થવી જરૂરી છે ..
એનડીએની સરકાર છેલ્લા પાંચ વર્ષથી હતી પણ આટલો મોટો ઉછાળો એક દિવસમાં ક્યારેય નથી આવ્યો ..!! અને આવનારા પાંચ વર્ષમાં પણ માની લઈએ કે એનડીએની સરકાર આવવાની છે તો એવું તો શું તોડી લેશે એનડીએ ની સરકાર કે શેરબજારને આવો ઉછાળો મારવો પડ્યો ?
ભૂતકાળ એવું કહે છે કે આવા મોટા ઉછાળા જનસાધારણને ભરઉનાળે ઠંડા પાણીએ નહવડાવી દે છે..!
હવે રહી વાત એક્ઝીટ પોલ માટે મારા અનુમાન ..
હું પેહલા પણ સોશિઅલ મીડિયાની ભૂમિકાની ટીવી ઉપર ડીબેટ કરી ચુક્યો છું અને ચૂંટણીને લગતા દરેક બ્લોગમાં ક્યાંક ક્યાંક સોશિઅલ મીડિયાનો ઉલ્લેખ કરું છે..
શરૂઆતમાં જેમ કીધું તેમ આ ચૂંટણીની ચાવી સંપૂર્ણપણે યુથ ના હાથમાં છે ,સાડા છ કરોડ મતદાર એવા છે કે જેમણે ૨૦૧૪ ની ચૂંટણી પછી પેહલીવાર મતદાન કર્યું છે ,અને આ નવા નવા તાજા તાજા મતદારોના હાથમાંથી મોબાઈલ છૂટ્યો નથી ..
ટીવી ના માધાંતાઓ હજી પણ જાતપાત ઉપર સર્વે ની સ્ટોરી ચલાવી રહ્યા છે ,એ સ્ટોરી ૨૦૧૪ માં સાચી હતી પણ આજે ૨૦૧૯માં અપ્રસ્તુત છે કેમકે પેલા નવા નવા સાડા છ કરોડ મતદાર જે લગભગ દસ ટકા વોટ શેર છે એ જાતપાતથી ઉપર ઉઠી ને મત આપી ને આવ્યા છે એટલે દખ્ખણમાં મોદી સાહેબ કૈક જોરદાર ચમત્કાર દેખાડે તો નવાઈના પામશો ..
મને એકલું બીજેપી ૩૦૦ ઉપર જતું દેખાય છે અને એનડીએ બે તૃતીયાંશ બહુમતી તરફ..!!
ભાજપ અને કોંગ્રેસ નો જુનો વફાદાર મતદાર બહુ આઘોપાછો થયો જ નથી અને યુપીમાં મહાગઠબંધન સપા અને બસપાના વફાદાર મતદાર માટે બહુ જ કન્ફયુઝન પેદા કરી ગયા છે અને એનો ફાયદો કોંગ્રેસ લઇ જાય તો નવાઈ નહિ ..
પણ ઓવર ઓલ “આયેગા તો મોદી” અને “મોદી નહિ તો બીજો કોણ ?”
આ બે સુત્રો કામ કરી ગયા છે ..
હવે ગુફામાં ધ્યાન ધરી લીધા પછી ધ્યાનમાં લીધેલા ના શું હાલહવાલ થાય છે એ જોવાનું છે .. યોગી એ તો એમના એક મંત્રીને લાત મારી દીધી અને પછી વારો મધ્યપ્રદેશનો કે કર્નાટક ..??
આ બધાથી ઉપર નિયતિ અટલ છે ..
ન જાણ્યું જાનકી નાથે ..
એટલે કઈ મોટી ઉથલ પાથલ થાય તો સમર્થકો ગાળાગાળી ઉપર ઉતરી આવશે અને જીતશે તો પણ ..
એક ગ્રુપમાં અમદાવાદમાં કોટ વિસ્તારમાં શુક્રવારની નમાજ રોડ ઉપર પઢવામાં આવી અને ત્યારે એ ફોટા સાથે એવી કોમેન્ટ આવી કે હજી આપો કોંગ્રેસને ૭૭ સીટો ?
અલ્યા કોંગ્રેસ સત્તા ઉપર છે ?
છેલ્લા પચ્ચીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ છે કાયદો અને વ્યવસ્થાની સાચવવાની જવાબદારી ભાજપ સરકારની છે..!
પણ અંધત્વ કોને કીધું ?
કશું જ નહિ જોવાનું અને આક્ષેપ કરી દેવા નો..!
ચાલો ત્રેવીસમી સુધી સમતા રાખજો …ખોટા કોઈ મેસેજીસના ફેરવશો ..!શુભ રાત્રીશૈશવ વોરા