ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે ..છેલ્લા તબક્કાની ચૂંટણી પૂરી થયા એટલે દુનિયા આખી ત્રેવીસમીની રાહ જોતી થઇ જશે..
ખતરનાક ચૂંટણી પ્રચાર આ વખતે રહ્યો અને છેલ્લે છેલ્લે બંગાળ તો કુરુક્ષેત્ર બન્યું .. સાડા ચાર વર્ષ સંપૂર્ણ સેક્યુલર રહેલી નરેન્દ્ર મોદી સરકાર ચૂંટણી બંગાળ સુધી પોહચતા સુધીમાં તો `હિંદુવાદી` થઇ ગઈ..!!
અચરજની વાત છે..
ઈશારા ઈશારામાં પક્ષ પ્રમુખ રામ મંદિર માટે ૨૦૨૦ની રાજ્યસભાની બહુમતી દેખાડી દે ત્યારે અમારા જેવાને એમ થાય કે ચૂંટણીમાં ગળા ફાડી ફાડી ને કે પછી મંદિર મંદિર ભટકતા જનોઈધારીના મીમ્સ બનાવી ને ફેરવવા કરતા એકવાર રામમંદિર માટે લોકસભામાં બીલ પાસ કરી અને રાજ્યસભામાં મુક્યું હોત તો પ્રજા ને પણ કમળ ઉપર અંગુઠો દબાવતા વિચાર ના કરવો પડ્યો હોત ..!
કેટલી બધી એનર્જી નો વેસ્ટેજ થયો છે આ ચૂંટણીમાં ..!
ટીવી ઉપર ચાલતી ડીબેટમાં તો જે ત્રાસ ગુજરાયા છે ..ઓ બાપરે .. ચીસો પાડી પાડીને ડીબેટો થઇ અને ફળ શું ? તો કહે શૂન્ય ..!
પ્રજા ને જેને મત આપવાનો છે તેને જ આપશે..
માઈન્ડ ગેઈમ બહુ રમાઈ અને ભાજપ આ રમતમાં કોંગ્રેસ અને બીજા બધાય કરતા આગળ નીકળ્યું , દરેક તબક્કાના મતદાન વખતે મસ્ત નવી કુકરી રમતી મુકે વિપક્ષ એમાં ભરાય ..!!
હું માનું છું કે આ ચૂંટણીના પરિણામ ઉપર સૌથી વધારે અસર કોઈએ પાડી છે તો એ છે મુકેશ અંબાણી ..!
પૂછો કયું ..? પૂછો પૂછો ..?
ક્યોં કી રોજ નો એક જીબી મફત ડેટા એમણે આપ્યો અને પછી બીજી કંપનીઓ ને જખ મારીને આપવો પડ્યો..!!
થોડાક દિવસથી ગોવામાં હું રખડતો હતો ..પાંચ સિતારા હોટેલ હોય કે સાત સિતારા આપણને પથારીમાં બહુ પડ્યા રેહવું ના ગમે, એટલે એક તપતી બપોરે હું તો મોબોર બીચ ઉપર પોહચી ગયો ..
લગભગ બધા `સેગ` ખાલી હતા અને સેગમાં રહેલો સ્ટાફ કાનમાં ભૂંગળા (ઈયરફોન ) ઘાલીને ચૂંટણીની ડીબેટ જ જોતો હતો..!!
મને એમ હતું કે હું એક જ દુનિયામાં એવું પ્રાણી છું કે જે એનો ડેટા પ્લાન આવા “ફાલતુ” રાજકારણી માટે વાપરી રહ્યો છું પણ ત્યાં મને જ્ઞાન લાધ્યું ..
હે શૈશવ તું એકલી નવરી બજાર નથી ભારતભૂમિ ઉપર ..જેટલી બજાર નવરી પડે છે એ બધી ચૂંટણી ને લગતા વિડીયો ખોલીને જોઈ રહ્યા છે..!
સરકારી આંકડા કહે છે ત્રીસ કરોડ મોબાઈલ યુઝરસ `ડેટા` વાપરી રહ્યા છે ,અને એ ત્રીસે ત્રીસ કરોડ આ ટીવીની ગળાફાડ ડીબેટ જોઈ જોઈ ને પોતાનો ઓપિનિયન નક્કી કરી રહ્યો છે અને પોતાનો મત આપીને આવ્યો છે..!!
મારા મત પ્રમાણે તો આ ચૂંટણી મીડિયા અને સોશિઅલ મીડિયા ઉપર જ લડાઈ છે અને ભાજપ જોડે ઓરેટર ,નેરેટર, મોટીવેશનલ, એક્ટર ,કવિ , પ્રશાસક ..જેટલા વિશેષણ આપવા હોય એટલા આપી શકાય એવો એક જ હુકમ નો એક્કો છે ..!!
ચૂંટણી દરમ્યાન અચાનક ચોક્કસ ટાઈમલી અપાયેલા એક પછી એક ઈન્ટરવ્યું .. ભલે સ્ક્રીપટેડ હતા પણ હતા તો મજેદાર..!!
જયારે સામે પક્ષે નર્યા બફાટ જ બફાટ..!!
મીડિયા એમની રીતે સટ્ટા બજારના આંકડા ખોળી લાવે છે અને એમાં લગભગ એનડીએ ને ક્લીયર મેજોરીટી આવે છે એટલે પચ્ચીસમીની આજુબાજુમાં નરેન્દ્ર મોદીની તાજપોશી નક્કી છે ..
પણ મજા તો જેમ શાંત પાણીમાં પથરો પડ્યા પછી ઉઠતા વમળો જોવાની આવે તેમ પચ્ચીસમી પછીના વમળો જોવાની આવશે..!!
દુનિયા ત્રેવીસમી મે ની રાહ જોઈ રહી છે હું જુનની ત્રેવીસમીની રાહ જોઈ રહ્યો છું..!!
ઘણા બધાની રાજકીય સફરનો અંત આ ચૂંટણી આણી દેશે..!
છેલ્લે ગઈકાલની બે પ્રેસ કોન્ફરન્સ પણ થોડીક `અઘરી` હતી અને ગોડસે માટેના બયાન પછી એવું લાગતું હતું કે ઇન્કમટેક્ષ ચાર રસ્તે નવા ફ્લાયઓવર ની આજુબાજુમાં ક્યાંક “શ્રીમાન ગોડસે” ની પ્રતિમાનું અનાવરણ થતું જોવા મળશે પણ પ્રધાનમંત્રીશ્રીના બયાન પછી એમ લાગ્યું કે ૨૦૨૪ સુધી તો આવું નહિ થાય પણ ભવિષ્યની કોઈ ગેરેંટી નહિ..!!
આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીત મક્કમ ઈચ્છા શક્તિની જીત ગણાશે અને જીત મેળવવા માટેના પ્લાનિંગની જીત ગણાશે ..
નરેન્દ્ર મોદી ખુબ જ સફળ રહ્યા એવું દર્શાવવામાં કે હું એક જ છું ભારતમાં પ્રધાનમંત્રી થવાને લાયક બીજો કોઈ જ નહિ..!!
હવે વારો `પણ` નો ..
જો નરેન્દ્ર મોદી બહુમતી સુધી ના પોહ્ચ્યા તો ..?
ખીચડી સરકાર આવે એ નક્કી અને રાયસીના હિલ્સ થી સરકાર ચાલે એ પણ નક્કી ..!
એકાદ બે વર્ષમાં મધ્યસત્ર ચૂંટણી માથે આવે..
પણ એવું થાય તો લોકતંત્ર વધારે મજબુત થશે ,અને એવું ચોક્કસ તારણ નીકળે કે ગમે તેટલા મીમ્સ બનાવો કે સોશિઅલ મીડિયા ઉપર સાચા ખોટા વિડીઓ ફેરવો પણ પ્રજા એ પોતાની બુદ્ધિ વાપરીને જ મત આપ્યો છે ,અને આ તારણ પછી બે વર્ષ પછી આવનારી મધ્યસત્ર ચૂંટણી માટે શું કરવું એના માટે ફરી એકવાર ચિંતન બેઠકો કરવી પડે..!!
જો કે અઘરું થઇ જશે પછી તો આગળ વધવું કેમકે જે રીતે ઝેરના બીજ વાવ્યા છે બંને પક્ષે આ ચૂંટણીમાં એ જોતા ભવિષ્યમાં ઝેરના વન ના વન ઉગી નીકળશે અને એ વન નો વિનાશ દાવાનળ જ કરી શકે..!
યાદ રહે દાવાનળ માં કશું જ બચતું નથી..
ચૂંટણીની સાઈડ ઈફેક્ટમાં અત્યારે બજારો ગંદી રીતે તૂટી રહ્યા છે અને મંદી એના પગ પ્રસરાવી રહી છે , બેંકો લોન આપવા તૈયાર નથી અને લોકો લોન લેવા પણ તૈયાર નથી ..!
પેમેન્ટ ક્રાઈસીસ બજારોને અત્યારે રંજાડી રહી છે , બાળકોની સ્કુલના વેકેશનમાં પણ ઉત્તર ભારતની હિમાલયની હોટેલો ખાલી છે અને દખ્ખણના દરિયા કિનારા પણ ..!
આ સીઝન દરેક પર્યટન સ્થળની ચૂંટણી એ શહીદ કરી ,આવનારી સરકારે બહુ જ ઝડપથી બજારોમાં રૂપિયો નાખવો પડશે અને પેટ્રોલ ડીઝલના ભાવનું કૈક વિચારવું પડશે નહિ તો દેશના બઠ્ઠા બેસી જાય એવી પરિસ્થતિ છે ..
એક બહુ મોટા બિલ્ડરના શબ્દો “ અલ્યા બે કરોડ રોકડા લઈને આવે છે પેલો ,એ`ઈ ઓફીસ ઝટ હરખી કરો લ્યા, ચા ઠંડા લા`યી રાખો, આજ ના જમાનામાં બે કરોડ રોકડ કે ખાતામાં પડ્યા હોય એવો જણ મળે છે ક્યાં..? ”
મોબાઈલમાં માથા ઘલ્યે દિવસ જતો રહે છે પણ મોબાઈલ ખવાશે નહિ ..
ખાવા તો ધાન જ જોઇશે..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા