માણસની જાતને કોની વધારે જરૂર છે ? દોસ્ત ની કે દુશ્મન ની ?
મને લાગે છે બંનેની જરૂર છે,પણ આવો વિચાર કેમ આવ્યો ?
પાકિસ્તાનની જોડે મેચ જીત્યા અને ઓસ્ટ્રેલિયા સામે પણ મેચ જીત્યા પણ આનંદ શેમાં વધારે આવ્યો ? તો કહે પાકિસ્તાન સામે જીત્યા એમાં..
હે ઈ મજાનો આખો ભારત દેશ રોડ પર નીકળીને ઢોલ નગારા વગાડતો વગાડતો નાચ્યો અને આનંદ કર્યો ..!
હવે ભલે આગળ જતા હારી જઈએ, એ ચાલે પણ પાકિસ્તાનની સામે હારી જઈએ તો ,બિલકુલ ના ચાલે ..!!
અને એવું થતે તો આખે આખી ભારતની ટીમની માં,બેહન અને બેહનપણી બધા ગાળો ખાત..!! જેમ પાકિસ્તાનની ટીમએ ખાધી
આ પણ એક ગંદી હકીકત છે, આચાર્ય રજનીશનું એક ક્વોટ ક્યાંક વાંચ્યુ હતું કે કર્મ કરે પુરુષ અને ગાળો ખાય સ્ત્રી, ગમે બે પુરુષ લડે પણ ગાળો તો એકબીજાની માંબેન ને જ આપે આવું કેમ ? એના વિષે ફરી ક્યારેક..
વાત કરુ દોસ્ત અને દુશ્મનની..તો એવું છે કે યાર દોસ્ત તો લગભગ બધાને જોઈએ જ એના વિના લગભગ કોઈને ના ચાલે અને દુશ્મન ?
હું માનું છું કે દુશ્મન એ પણ એટલો જ જરૂરી છે ,મારા સંગીત ગુરૂ સ્વર્ગસ્થ શશીકાંતભાઈ ગુંદાણી હમેશા કેહતા કે સંગીત શીખતા હોઉં ત્યારે એક દુશ્મન ચોક્કસ જોઈએ,જે હંમેશા તમારી ખામીઓ જ જોવે ..
ખૂબી તો આખી દુનિયા જોશે અને વખાણશે પણ ખામીઓ તો દુશ્મન જ જોવે અને ટીકા કરે જેથી તમારી એ ખામી ભૂલ સુધારી જાય..!!
મને આ સિધ્ધાંત ગળે ઉતરી ગયો હતો, સાલુ વખાણ તો ઘણા બધા કરે એમાં પણ જેને તમારી પાસેથી કામ કઢાવવાનું હોય એ તો તમને છોડે જ નહી બસ વખાણ કર્યે જ જાય, ને એકાદ મિનીટ માટે તો આપણને એમ લાગે કે આપણે દુનિયાના સર્વશ્રેષ્ઠ માણસ છીએ..!!!
હવે થોડાક “પણ” વચ્ચે ઘાલુ…
પણ જો દુશ્મન પાળ્યો હોય તો તરત જ ખબર પડે કે પેલો વખાણ ખોટા કરી ગયો..જુઠ્ઠો છે..!!
નેક્સ્ટ પણ ..
પણ અત્યારે થયું છે એવું કે ચારેબાજુ પોઝીટીવીટીની વાતો થાય છે અને લોકોમાં પણ પોઝીટીવ રેહવાનો પ્રયત્ન ઘણા થાય છે, અને એવા સમયમાં દુશ્મન શોધવા થોડો અઘરો થઇ જાય છે..!!
હવેના જમાનામાં પેહલા હતી એવી દુશ્મની તો લગભગ ઓછી થઇ ગઈ છે ,
જુના જમાનામાં તો સૌથી પેહલો દુશ્મન એટલે પાડોશી ..!!
મોટેભાગે એક ઘર કે બે ત્રણ ઘર છોડીને દુશ્મન રેહતો હોય અને એવો મસ્ત મોટો ઝઘડો કરે વર્ષે દા`ડે , કે બાકી પછી આખું વર્ષ આલ્ફા,બીટા બ્લોકર ખાવી ના પડે.!
બ્લડ પ્રેશર ૧૨૦/૮૦ ..રહે ,પણ એના માટે એકવાર દુશ્મન જોડે “જી” ફાડકે લઢી લેવું પડે, પ્રેમથી એને માબેનની આપી દેવાની ,અને પછી છ આઠ મહિના ઝઘડાનું પોસ્ટમોર્ટમ ચાલે અને પછી ફરી નજરો લઢે અને નવા ઝઘડાની તૈયારી..!
પાડોશી ના હોય તો બીજો કોઈ ઓપ્શન ખરો ..?
હા ખરો ને કેમ નહિ ઘરવાળી કે ઘરવાળો ?
પછી આવે છોકરા,દીકરી ,જમાઈ ,વહુઓ અને સૌથી મોટો બીજો ઓપ્શન ભાઈ, બેહન,સાળો કે સાઢું લઢી જ લ્યો ..અને પછી વર્ષોના વર્ષો કુથલી અને નિંદા રસનો આનંદ લેવાનો ,અને દિલમાં ભરીને બેસી જ જવાનું કે પેલો ઝઘડો થયો ત્યારે તું આમ બોલ્યો બસ હવે જીંદગીમાં તારી જોડે વાત નહિ, તું મારો દુશ્મન .!!
આ થઇ સામાન્ય માણસની વાત, હવે બહુ હોશિયાર અને ભણેલા ,ગણેલા, ગમ ખાઈ જનાર,છોડી દેવાની વૃત્તિવાળા હોશિયાર લોકો ને દુશ્મન ક્યાંથી મળે ..?
ના મળે અને સાચી વાત એ કે આપણે ત્યાં બહુ હોશિયાર માણસને દુશ્મન નથી હોતા, એટલે હવે કરવુ શું ?
તો એવા કેસમાં મોટેભાગે એ હોશિયાર લોકો એના દોસ્તોમાં જ દુશ્મન શોધી લેતો હોય છે,.!
જો કે , એ પણ ખોટું તો નથી જ ,તમારા એકાદ બે મિત્રો જ એવા હોય કે તમારા દુશ્મનની ગરજ સારે ,મારા બેટા જ્યાં જુવો ત્યાં વાંક કાઢે ,ભૂલથી પણ વખાણ ના કરે, હા બીજા કોઈ આગળ તમારી નીચી ના પાડવા દે ,પણ મોઢે તો ગાળો જ બોલતો હોય..!!
અને હું આવા દુશ્મન મિત્રોને જીગરી દોસ્તની કેટેગરીમાં મુકુ છું..!!
બીજુ “દુશ્મન” કે “દુશ્મની” ઉભી કરવા માટે વટ હોવો જોઈએ ,ટણી હોવી જોઈએ ,કે કોઈ વાતનું અભિમાન હોવું જોઈએ..!!
કેવા અઘરા અઘરા શબ્દો છે નહિ ? ટણી ,વટ ,અભિમાન..!
બચ્ચનનુ પિક્ચર હતું એ તો..!!
સાલુ કેન્ડી ક્રશમાં જ એટલા બીઝી થઇ ગયા કે આવું બધું તો ક્યાય ખોવાયુ , ગુગલ મહારાજે એટલું બધું જ્ઞાન આપી દીધું કે બ્રિટાનિકા એન્સાયકલોપીડિયા વીકીપીડીયાની સામે ધૂંધળો થઇ ગયો..!!
એમાં ટણી શેની કરવી?વટ કયો રાખવો ?અને અભિમાન શેનું કરવું ?
દોસ્તી ફેસબુક અને વોટ્સ એપના ગ્રુપ પુરતી થઇ ગઈ ,સમય જ નથી યાર દોસ્તોને મળવાનો યાદ કરવાનો..!!
એક મિત્રને મેસેજ મુક્યો ભાઈ ફ્રી પડે ત્યારે ફોન કરજે વહાલા..
જવાબ આવ્યો ફ્રી તો નથી પડતો પણ ફોન જરૂર કરીશ..!!
દિલના ટુકડા ટુકડા થઇ ગયા ..!
આના કરતા તો નવાઝ શરીફ પાળ્યો હોત તો સારું થાત , જોગીદાસ ખુમાણની જેમ ખરખરે તો આવતે પછી ભલે સામે બહારવટુ ખેલતો..!!
અરે એના જન્મદિવસે એના ઘેર જઈને ચા પીને આવત તો પણ દુશ્મન ખુશ થાત ,પછી ભલે ને પઠાણકોટ થાય…!
સાલુ હજી નક્કી જ નથી થતુ કે દોસ્તમાં દુશ્મન પાળવો કે દુશ્મનમાં દોસ્ત, કે પછી બંનેને જુદા જ રાખવા,,
હા એટલું તો ચોક્કસ છે હજારો દોસ્ત ભલે રાખવા પણ દુશ્મન તો એક જરૂરથી હોવો જોઈએ ,
પણ એને માટે નસીબ હોવુ જોઈએ ,મારા અને નરેન્દ્ર મોદી જેવા અભાગિયાને બે ઘડીની દુશ્મનીમાં તો સાલો દુશ્મન દોસ્ત થઇ જાય છે..!
અને મનની વાતો કરવા લાગીએ, એટલે ચુંટણીમાં પેટ ભરીને ગાળો આપુ નીતીશકુમારને અને હવે એક જ સ્ટેજ ઉપર બેસીને સામસામે વખાણ કરીએ..!
ખરેખર હવે પેલો જેવો મને ફોન કરશે એટલે હું અડધો અડધો થઇ જઈશ અને હું જ એને કહીશ બહુ દિવસથી તારો અવાજ નોહતો સાંભળ્યો તું તારે તારું કામ પતાવ, નિરાંતે ગપ્પા પછી મારશુ ભઈલા ..!
કોણ પોહ્ચે “શૈશવ” તને ?
કોઈ નહિ ભાઈ ,હું તો એક અવસ્થા છુ ,મને તો તમારે ભોગવવી જ પડે..!!
છૂટકો જ નથી બકા..!
ચલ એન્ટ્રીઓ ફેરવી નાખજે બાકી રહી હોય તો ,નહિ તો રાત થોડીને વેશ ઝાઝા છે..
બેંકો રજાઓના ભારમાં પીડાય છે સ્ટાફ બુમો મારે છે, આના કરતા રજાઓ ના આપતા હોય તો સારું..
આજે કેશ ઉપાડી લેજે “બકલા” પાછળથી ખર્ચા નાખવા કામ લાગશે..!!
હેપી માર્ચ એન્ડીંગ
શૈશવ વોરા