ફ્રેન્ડશીપ ડે માટે કેમ હજી સુધી બ્લોગ ના આવ્યો ?
દિવસ આખ્ખો પૃચ્છા ચાલી.. સેહજ એવું પણ થયું કે શું લખવું ? મારા જેવા સબંધે ઉજળા માણસને લખવા માટે ટોપિકની તો બહુ જરૂર ના પડે,મારો એક એક મિત્ર એક એક વાર્તા છે ..
એક દિવસ પત્નીજી ગણવા બેઠા હતા કે તારે મિત્રો કેટલા ? ૩૫ સુધી આવી અને અટક્યા પછી કહે જવા દે હું ગણતા થાકી ..
ખરેખર એવું ખરુ, પેલા તાળી મિત્ર અને જેમાં સુખ દુઃખ વામીએ સો લાખનમાં એક એવું બધું ખાસ નહિ, ફોન કરો એટલે હાજર વળી ,અને એનો ફોન આવે એટલે આપણે હાજર ..
એમાં તાલી ને ખાલી વળી શું ? એ તો બધું સંગીતમાં હોય..
ચાલો ફોનનો એક કિસ્સો શેર કરું ..
સાંજના આઠ સાડાનો સુમાર શૈશવની “જુવાની” જીમમાં સોળે કળાએ ખીલેલી , ચોપ્પન વર્ષનો સાંઢ શૈશવ શિંગડા કાપીને વાછરડું બની અને વાછરડાના ટોળામાં જીમમાં ફરે..
મારા ટ્રેઈનરના ખીસ્સામાં મારો ફોન ..
હું ક્યાંક જીમના ખૂણામાં વાછરડાઓ જોડે પંચાતો અને ઠીઠયારા ઠોકું ,
મારો ટ્રેઈનર દોડતો આવ્યો ભાઈ કોઈનો ફોન આવે છે છ-સાત મિસકોલ છે ..
મેં નામ વાંચ્યું આપણો જુનો એકડિયાનો મિત્ર ,તરત જ મેં ફોન લગાડો અને ચેન્જીંગ રૂમ તરફ દોડ્યો , કંઈક ઈમરજન્સીની મને આશંકા થઇ , મને દોડતો જોયો એટલે બીજા ચાર પાંચ મારા પાળેલા વાછરડા દોડતા ચેન્જીંગ રૂમમાં આવ્યા ..
સામે છેડેથી ફોન ઉપડ્યો ..એકદમ અચકાતા અચકાતા અને સખ્ખત કણસતા અવાજે જવાબ આવ્યો મ ….ને…. બહુ …જ દુઃખે .. છે ..
મેં ચીસ પાડી તું ક્યાં છે ? તો કહે ઘેર ..
મેં ફરી ચીસ પાડી ઘરમાં કોણ છે તારા ? સામેથી જવાબ કોઈ નહિ …
મારા હાંજા ગગડી ગયા .. મને થયું સાલાને હાર્ટએટેક આવ્યો લાગે છે અને ઘર છેક પાલડી , હું ઉડતો ઉડતો જાઉં તો પણ સેટેલાઈટથી પાલડી પોહચતા મને વીસ પચ્ચીસ મિનીટ થાય ..
મેં સ્વસ્થતા ધારણ કરી અને કીધું ઘરનું બારણું ખોલી અને સીધ્ધો સુઈ જ અને ઊંડા શ્વાસ લ્યે હું આવું છું …
હુકમો છોડ્યા હેંડો લ્યા બાઈકો ઉપાડો ,ઈમરજન્સી ..
હણહણતા તેજીને તોખાર એવા વીસ બાવીસ વર્ષના જુવાનીયાઓએ એમની બાઈકો પલાણી,ઘોડા વછૂટ્યા .. મેં કીધું સુવિધા સેન્ટર આગળ ભેગા થાવ ..
સામે છેડેથી ફોન કપાઈ ચુક્યો હતો મારું હ્રદય ધબકારો ચુકી ગયું ..
હે મહાદેવ રક્ષા કર ત્ર્મ્બક્મ યજા મહે ના જાપ ચાલુ કર્યા બાઈક પાછળ બેઠા બેઠા અને એ મિત્રના છોકરાને , ભાઈને ,એની પત્નીને, એના સાળાને આખા ખાનદાનને ફોન લગાડું પણ કમબખ્તી ,એકેય ફોન ના ઉપડે ..
અમંગળની આશંકાઓથી મન એવું ગભરાઈ ગયું કે ના પૂછોને વાત અને રસ્તો કેમેય ખૂટે નહિ ..
પેલા મિત્રને ફોન લગાડું સાલો ઉપાડે નહિ ..
પરસેવા નીતરી ગયા મને , જીમના છોકરાઓને બુમો પાડું સાઈડ રોંગ સાઈડ કઈ ના જોશો ,અને એકસો આઠ લગાડીને કહી દીધું કે લોકેશન ઉપર પોહચો એક્યુટ ઈમરજન્સી , હોસ્પિટલમાં બાઈક ઉપર બેઠા બેઠા ફોન કર્યા આઈસીયુનો બેડ તૈયાર કરો, અને કેથ લેબ તૈયાર કરો, એન્જીયોગ્રાફીની તૈયારી કરો, કાર્ડિયોલોજિસ્ટ સદ્દભાગ્યે હાજર હતા મને કહે તું પેશન્ટને હોસ્પિટલ પોહચાડ..
એટલીવારમાં જેને જેને ફોન કર્યા હતા અને ઉપડ્યા નોહતા એમના ફોન આવવાના ચાલુ થયા ,એટલે સેહજ સ્વસ્થતા રાખીને તમામને કીધું ઘેર પોહચો મેં બાકીની વ્યવસ્થા કરી રાખી છે ..
માંડ કરીને એનું ઘર આવ્યું ચાર માળના દાદરા હું અને મારી વાનરસેના ધબધબ ચડી ગઈ બાહર એકસો આઠની સાયરન સંભળાઈ ..
એટલે એકને એની પાસે દોડયો..
ઘરનું મેઈન બારણું ખુલ્લું મને હાશ થઇ કે બારણું તોડવાની મગજમારી નહિ એક કોઠો ભેદાયો ,ડ્રોઈંગરૂમ ખાલી ..
સીધો બેડરૂમમાં દોડ્યો આખો બેડરૂમ બામની વાસથી ગંધાય..
મને જોયો એટલે એના જીવમાં જીવ આયો, મેં એને મારી છાતી ઉપર લઇ લીધો ..
કઈ નહિ થાય હું આવી ગયો છું ને બધું પતી જશે ..
હવે પેલો અચકાતો અને દર્દમાં કણસતો બોલે ..પણ સાંભળ ..
મેં કીધું ચુપ રહે અમે એના શર્ટ બટન ખોલી નાખ્યા અને મેં પલ્સ પકડી ..
સાલું અજુબો ..
પલ્સ સાવ નોર્મલ ..
એકસો આઠનો સ્ટાફ ઝોળી લઈને ઉપર ,
એ લોકો એ બીપી માપ્યું બીપી નોર્મલ ,
મેં કીધું તારી ભૂલ થતી લાગે છે મને બીપી લેવા દે, આપણે પાછા પોણા ડોક્ટર તો ખરા જ ને .. સાલું બીપી એકસો ચાલીસ એંશી ..
પેલો મિત્ર મારા ખોળામાં મને કહે છાતીમાં નહિ લોઅર બેકની નસ ચડી ગઈ છે કુલા અને લોઅર બેક દુઃખે છે …
આખ્ખું કોળું શાકમાં …
હવે મારી જીમની વાનરસેનામાં એક ફીઝીયોથેરાપીસ્ટના છેલ્લા વર્ષમાં ભણતો છોકરો મને કહે શૈશવભાઈ તમે હટી જાવ.. એણે પેલા મિત્રનું પેન્ટ કાઢી અને ટુવાલ લપેટીને ઊંધો કરીને રસોડામાંથી વેલણ લઈને ફેરવવાનું ચાલુ કર્યું , થોડું સ્ટ્રેચિંગ કર્યું , અસહ્ય દુઃખાવો લગભગ ગાયબ ..
પણ ત્યાં સુધીમાં તો આખો ફ્લેટ ,સગાં વાહલા ,બધુંય ભેગું ત્યાં સુધી કે આખા ફ્લેટનું પાર્કિંગ ભરાય એટલું માણસ..
હવે ….???????
પેલો મિત્ર તો સાજો થઇ ગયો હતો..
પેલા ફીઝીયોથેરાપીસ્ટ છોકરાએ કીધું ઘરમાં પેઈન કિલર હોય તો આપી દો ..એની ઘરવાળી હાજર થઇ ગઈ હતી ,પેઈન કિલર આપી અમે દસ પંદર મિનીટ રાહ જોઈએ એકસો આઠને રવાના કરી, હોસ્પિટલને પણ રીલીવ કરી, કે બેક એક હતો અને પલ્સ બીપી નોર્મલ છે , ખાલી સેફટી માટે એક ઈસીજી લઇ લેશું એટલે માણસ મોકલો ..
પેલો મિત્ર સાજો થઇ ગયો હતો..બધાને રૂમની બહાર કાઢ્યા એણે ,
અને પછી તો પ્રકોપ નીકળ્યો એનો ગાળ , ગાળ ,ગાળ .. તારે આખું ગામ ભેગું કરવાની જરૂર ક્યાં હતી શૈશવયા ?
મારી સામે છટકી મેં પણ… ગાળ ,ગાળ ,ગાળ નો વરસાદ કર્યો કે દુઃખાવો થાય છે બહુ દુઃખે છે એકલું એવું કેમ બોલ્યો તું ? ચોખ્ખું બોલાય નહિ કમ્મર ઝલાઈ ગઈ છે ?
પાછી .. ગાળ.. ગાળ .. ગાળ .. દોઢ ડાહ્યો નહિ તેમાનો ..
અમારા બંને ના અવાજ ઊંચા ..હવે રૂમની બાહર ગાળો સંભળાય એટલે એનો ભાઈ અને સાળો બંને રૂમમાં આવ્યા સાળો કહે.. કુમાર તમે શાંત થાવ ,અને એનો ભાઈ મને કહે શૈશવભાઈ તમે શાંત થાવ ..
એનો સાળો કહે ..તમે બંને સાચા છો , કુમાર તમે અડધું બોલો તો શૈશવભાઈ શું કરે ? અને તમારા માટે એમને લાગણી છે માટે આટલું બધું સ્ટેન્ડ બાય ઉભું કર્યું ને ? અને કુમાર તમે મને કે મોટાભાઈને કેમ ફોન ના કર્યો ? અમે નજીકમાં તો હોઈએ છીએ ..
મિત્રનો ઓગણીસ વર્ષનો છોકરો નીચું જોઈને બોલ્યો .. પપ્પાનો ખુશીમાં કે મુસીબતમાં પેહલો ફોન શૈશવકાકાને જ જાય ..
છોકરાનો કાકો કહે સારું સારું ચલ હવે બધા માટે આઈસ્ક્રીમ લાય અને થોડો વધારે લાવજે રાતે ગામ આખામાં સમાચાર ગયા છે એટલે ખબર કાઢવાવાળાની લાઈનો લાગશે..
મારું ખુન્નસ હજી જતું નોહતું.. મેં કીધું મળ તું બાહર મને .. મિત્ર ફરી ગુર્રાયો બધા બાહર જાવ તો બધા ..
એના મમ્મીએ તરત જ બુમ મારી .. એ જરાક શરમાવ બબ્બે જુવાન છોકરાના બાપ છો ,હવે મારામારી નથી કરવાની ,બહુ મારા ઘરની ટ્યુબલાઈટો ફોડી છે , નાના છો હવે? સ્કુલ માં હતા તો ઠીક હતું ,હવે જે હાથમાં આવે એ એકબીજા ઉપર ફેંકો એ ના શોભે ,અને હવે મારાથી કામ નથી થતું એ તો માં હતી તે બધું સાફ કરતી આ તમારા બૈરા ના કરે , મેન્ટલમાં મોકલી દેશે આ છોકરા તમને બંને..
કાકીએ જુના દિવસો યાદ કરાવી દીધા ,છુટ્ટા હાથની મારામારી અને ચપ્પલો, ચોપડા દફતર ,જે હાથમાં આવે એ છુટું એકબીજાને મારવાનું અને એમાં ટ્યુબલાઈટ કે બલ્બ અચૂક ફૂટે , બિચારી મમ્મીઓ સાફ કરે અને અમે કલાકમાં ભેગા..!!!
આવી છે શૈશવની દોસ્તી અને દોસ્તો ..તમારા પણ આવા દોસ્તો હશે અને આવા બફાટ હશે યાદ કરજો મમળાવો અને મજા લેજો ..
ચાલો શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*