ફ્રેન્ડશીપ ડે
એક મેસેજ આવ્યો તમારા બ્લોગની રાહ જોઈ રહ્યો છું..!
અજાણ્યા દોસ્ત,
ખાલી તારી આ એક લાઈને મને લેપટોપ ખોલી અને લખવા બેસાડી દીધો..
હું માનું છું કે દોસ્તી આમ જોવા જાવ તો કશું જ નથી,ફક્ત અને ફક્ત બે વ્યક્તિ વચ્ચે નો “સંવાદ” જ છે, આજે સવારથી છેક દ્વાપરના સમયની કૃષ્ણ સુદામાની દોસ્તીની દુહાઈ અપાય છે,ક્યાંક કૃષ્ણ અને કૃષ્ણા (દ્રૌપદી) ની દોસ્તીની વાત થાય છે,
પણ થોડાક ઊંડા જઈએ અને “કલી”ની દ્રષ્ટીએ વિચારીએ તો કૃષ્ણ સુદામાની દોસ્તી પણ સ્કુલ પૂરી થઇ પછી “તૂટી” ગઈ હતી, બંને એકબીજાના “અંતર”માં ચોક્કસ હતા, છતાં ય “અંતર” હતું, અને સુદામાને એ “અંતર” ને દુર કરવામાં એક ભયાનક માનસિક પીડામાંથી પસાર થઇને બહાર આવવું પડયું હતું, સખ્ખત “ડાઈલેમા” (અવઢવ)માં સુદામા હતા..
કૃષ્ણને મળવા જાઉં કે નહિ ? એ શું વિચારશે ? એ રહ્યો કેટલો મોટો માણસ અને હું કોણ ? અને એને મળવા ગયા પછી પણ હું એની પાસે કઈ માંગી શકીશ કે નહિ ? આવા ઘણા સવાલો ને સુદામાને ક્રોસ કરીને બહાર આવવું પડ્યું હતું, સુદામા કદાચ આર્થિક રીતે “મજબુર” ના હોત તો એ પોતાની દોસ્તીને એના “અંતર”માં જ ધરબી અને ગૌલોક પોહચી ગયા હોત, પ્રેકટીકલી જોઈએ તો સુદામાને એમની આર્થિક મજબુરી એ જ પોરબંદરથી દ્વારિકા ધકેલ્યા હતા..!
અને પછી વારો આવ્યો “સંવાદ”નો..તને સાંભરે રે મને કેમ વિસરે રે..
વાર તેહવારે બે પાંચ વર્ષે એકાદ વાર સુદામા જો કૃષ્ણને મળતા રહ્યા હોત અને સંવાદ થતો રહ્યો તો કદાચ સુદામાને આટલા ખરાબ દિવસો જોવાના વારા ના આવ્યા હોત અને દ્વારિકા જતા પેહલા આટલું બધું મનોમંથન પણ ના કરવું પડતે..!
એ જ રીતે કૃષ્ણ અને કૃષ્ણાની વાત કરીએ તો એ દોસ્તીની,તો રીલેશન સંવાદથી ભરપુર હતો..બંને વચ્ચે જીવનના દરેક તબક્કે ખુલ્લા દિલથી ચર્ચા થતી અને ક્યારેય એકબીજાથી કશું જ છૂપું કે અજાણ્યું નથી રાખ્યું એટલે ભરી સભામાં એકલી પડેલી ક્રિશ્નાએ ખરા દિલથી ખાલી એક જ વાર કૃષ્ણા એ હે કૃષ્ણ.. કર્યું અને ચૌદે ભુવનનો નાથ ચીર પુરવા હાજર થઇ ગયો..!
હું માનું છું કે દોસ્તીમાં બહુ જ જરૂરી છે એ એક જ વાત છે “સંવાદ” ..
સંવાદ એ દોસ્તીનું ઓઈલીંગ છે, સંવાદ જયારે જ્યારે તુટ્યો કે ઓછો થતો જાય એટલે સમજી લેવાનું કે દોસ્તીને કાળ નો “કાટ” ચડશે, અને પછી જયારે કોઈ કામથી કે નવરા બેઠા પણ ક્યારેક એમ થાય કે લાવ ફોન કરું કે મળવા જાઉં તો પેલો “કાટ” સુદામાની કેમ હેરાન કરે હેરાન કરે ..!
એ “કાટ” તમને ફોન કરતા કે મળવા જતા રોકે અને છેવટે જવા દે ને યાર એણે પણ મને આટલા વર્ષોમાં ક્યાં યાદ કર્યો છે..? બસ અંત આવી ગયો..!
જો કે દ્વાપર અને કલીમાં બહુ ફરક છે..દ્વાપરમાં જરૂર પડ્યે દોસ્ત પાસે જતા આજે જરૂર પડશે તો એમ માનીને પણ દોસ્તી થાય છે..! ઘણીવાર જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ દોસ્તીમાં “ગણતરીઓ” વધતી જાય છે અને “વ્યહવાર” આવતા જાય છે,
પેહલા પણ લખી ચુક્યો છું કે સ્કુલ, કોલેજો અને બાળપણમાં થયેલી દોસ્તી લગભગ નિ:સ્વાર્થ દોસ્તી હોય છે પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે ઈચ્છાઓ અને જરૂરિયાતો વધતી જાય અને આકાંક્ષાઓ નો જન્મ થાય એમ એમ દોસ્તો દૂર થતા જાય છે.
એક જમાનાથી સ્કૂલોમાં સ્કુલ ડ્રેસ ફરજીયાત રાખવાનું કારણ પણ એ જ હતું કે તમે ગમે તેટલા મોટા કે નાના ઘરમાંથી આવતા હો પણ બધાએ એક જ સરખા કપડા પેહરીને આવવાનું, અને બધા સ્કુલમાં એક સરખા સમાન..
જો કે આજકાલ તો હવે એવું રહ્યું નથી દફતર થી લઈને દફતરમાં લઇ જવામાં આવતી દરેકે દરેક વસ્તુમાં માંબાપ પોતાની “ક્ષમતા” ભરી ભરી ને બાળકને સ્કુલે મોકલતા હોય છે, અને બાળક પણ એના ઘરે કેટલી ગાડી છે અને કઈ ગાડી છે એનું બેધડક વર્ણન કરતુ હોય છે..એટલે સ્કુલ ડ્રેસ પેહરેલા બધા બાળકો એક સમાન એવી વાતો “હવા” થઇ ગઈ છે..
સ્કુલ-કોલેજ પછી જીવનમાં તરત જ બે બહુ મોટા તબક્કા ચાલુ થતા હોય છે એક કેરિયર અને બીજું લગ્નજીવન, અને આ બંને ઘટનાઓમાં મિત્રોની પુષ્કળ જરૂર હોય છે, અને મિત્રો સાથે રેહતા પણ હોય છે,પણ સાથે સાથે ક્યાંક એક છુપી ઈર્ષ્યા પણ હોય છે,
પેલો જાણીતો મેસેજ કે “દોસ્ત ફેઈલ થાય તો દુઃખ થાય પણ જો સાલો પેહલા નંબરે આવે તો તો બહુ જ દુઃખ થાય” અને આ જે ભાવના છે એ જેમ જેમ સમય જાય એમ વધુ બળવત્તર થતી જાય છે અને એનો છેડો છેક ચાલીસીમાં આવો ત્યારે આવે..
બધું ખાઈ પી ધરાઈને ઉતર્યા હોય, તારા કરતા મારી બાયડી કે વર સારો અને હું આટલું કમાયો આ બધી “ચડસ” લગભગ ચાલીસી પૂરી થાય એની જોડે પૂરી થાય અને એકબીજાને ફરી એકવાર “સ્વીકારી” લ્યે પછી દોસ્તીનો એક મેચ્યોર તબક્કો ચાલુ થાય..
અને એ ખેંચાય એકાદ દસકો..પછી પાછી સંતાનો ની હોડ ચાલુ ..મારો છોકરો આમ અને મારી છોકરીને અહિયાં પરણાવી..!
અને છેલ્લે પેલી કેહવત લાગુ પડે “ જેના એ તેના અને ડોશી ફાંફા મારે એના..” ત્યારે પાછા મિત્રો બચ્યા હોય એ યાદ આવે..!
ગમે તેટલું કરો પણ દોસ્તીમાં સાવ કોઈ જ કારણ ના હોય અને ફક્ત અને ફક્ત નિખાલસતા,જે દોસ્તને જોઇને મનને હાશકારો થાય એવા મિત્રો જીવનમાં બહુ જ ઓછા હોય છે..!
આજકાલ સોશિઅલ મીડિયાના જમાનામાં સંવાદ નો એક નવો રસ્તો ખુલ્યો છે પણ એને પ્રોપર રીતે વાપરવાને બદલે ગુડ મોર્નીગ અને ગુડ નાઈટના મેસેજ ઠોકી અને વેડફી નાખવામાં આવી રહ્યા છે..
મને ઘણીવાર કોઈ મિત્ર કહે છે કે ચલ નેક્સ્ટ વિક મળીયે,અને હજી આજે સોમવાર જ થયો હોય ત્યારે બહુ દુઃખ લાગી જાય છે કે યાર આખું અઠવાડિયું આને મારા માટે ટાઈમ નથી ..? પણ પછી ફરીને હું અરીસામાં મોઢું જોઉં તો હું તો એના કરતા પણ વધારે નગુણો ભાસુ છું એ તો આવતા અઠવાડિયે બોલ્યો તું તો સીધી કોર્ટની જેમ મહિના બે ત્રણ મહિનાની મુદતો નાખે છે..!
પણ એક જ વાત છે જીવનમાં ભાઈ અને બેહન તો તમારે જન્મથી જ મળે છે પણ ભાઈ કે બેહન જેવા મિત્રો કે સખી તમારા નસીબથી જ મળે અને એ બાબતમાં હું બહુ જ નસીબવાળો રહ્યો છું..
કોલજ છોડ્યાને આજે પચ્ચીસ વર્ષ થયા અને આ પચ્ચીસ વર્ષમાં મારી એક મિત્ર નો ફ્રેન્ડશીપ ડેના દિવસે ફોન અચૂક આવે આવે અને આવે જ..આજે ડીનર લેતા અચાનક યાદ આવ્યું કે આજે HHH ફોન હજી કેમ નથી આવ્યો..? પત્નીજી એ તરત જ હુકમ છોડ્યો તો તું કર ને..અને મેં તરત જ ફોન કર્યો વીસેક મિનીટ વાતો થઇ, વર્ષના હિસાબની આપ લે થઇ સપરિવાર મળવાનું નક્કી કર્યું પણ ખાતરી છે કે હવે આવતા વર્ષે ફોનથી જ વાત થશે..!
પશ્ચિમ નો તેહવાર પણ ક્યારેક આવી ખાટીમીઠી દૂર થઇ ગયેલા ને યાદ કરી લઈએ તો ખોટું શું છે ?
દોસ્તી ઉંમર કે જેન્ડરની મોહતાજ નથી..અમે તો અઢારથી લઈને એશી વર્ષ સુધીના મિત્રોની વચ્ચે જીવીએ છીએ અને હા જેન્ડર તો ક્યારેય વચ્ચે નથી આવી, હાથમાંથી સરતી રેતીની જેમ સરી જતી જિંદગીમાંથી ક્યારેક દોસ્તોની વચ્ચે રહીને દોસ્તો જોડે વાત કરીને જીવનના ધબકારા સાંભળી લઈએ છીએ..
હજી પણ દિવસ વીતી નથી ગયો, કોઈ ને “કોઈક” મિત્રતા મારી રહી રહી ને જેમ યાદ આવે તો ફોન કરીને તને સાંભરે રે મને કેમ વિસરે રે કરી લ્યો..
સહુ ને હેપી ફ્રેન્ડશીપ ડે, વાત કરતા રેહજો..જોડાયેલા રેહજો..!
શુભ રાત્રી
શૈશવ વોરા