પૂરબહારમાં લગ્નસરા ની સીઝન ખીલી છે.. લગભગ દરેક ને ત્યાં કંકોત્રીઓ ના ઢગલા થઇ ને પડ્યા છે અને વ્યહવાર સાચવવા ચારેબાજુ દોડાદોડ કરવી પડે છે..
જે દિવસ નું લગનનું મુર્હુત હોય એ દિવસે સાંજના ચાર વાગતા જ વરઘોડા ચડે અને રોડ રસ્તે ટ્રાફિક કહે મારું કામ..
બાપરે .. છેક રાતના અગીયારે ટ્રાફિક ઉતરે ..
ચારેબાજુ પોલીસ હોય છે ,પણ પ્રજા જ એટલી બધી રોડ પર હોય કે પોલીસ બિચારી શું કરે ?
ત્રણ-ત્રણ , ચાર-ચાર સિગ્નલે વારો આવે અને ઘૂંટણ ની ક્લચ દબાવી દબાવીને બેન્ડ વાગી જાય છે ..!!
ગઈકાલે એક પાર્ટી પ્લોટની બાહર આખા ગુજરાતની પોલીસ નો ખડકલો થઇ ગયો હતો , અનહદ સરકારી ઈનોવા પડી હતી, લગભગ આખો પાર્ટી પ્લોટ પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયો હોય એવું લાગતું હતું ,
જીજે ૧૮ થી લઈને જીજે ૫ ,૬ એવી ઘણી બધી સફેદ ઈનોવા હતી ,અહિયાં અનહદ એટલે પચ્ચીસથી ત્રીસ સમજવી ..અને એ બધી ઈનોવાની જોડે એમના પોલીસ એસ્કોર્ટ ..!
પણ ,પણ ,એક સારી વાત જોવા મળી આટલી બધી મોટી સંખ્યામાં વીવીઆઈપી મુવમેન્ટ હતી છતાંય એકપણ ઈનોવા કે એસ્કોર્ટની પોલીસ જીપો એ ભરચક ટ્રાફિકમાં સાઈરન વગાડી નોહતી..!!
અહો આશ્ચર્યમ..!!!
ખુબ જ સંયમપૂર્વક બધી જ ગાડીઓ જનસાધારણની જેમ ભરપૂર ટ્રાફિકમાં આવી અને પાછી ગઈ..!!
બહુ જ મોટ્ટો ફેરફાર દેખાયો માનસિકતામાં..!
બીજો ફર્ક એ દેખાઈ રહ્યો છે પાર્ટી પ્લોટોમાં રીશેપ્શન પૂરું થાય પછી સમરાંગણમાં રણ ખેલાઈ ચુક્યું હોય એવો સીન હવે નથી હોતો..!!
હજી દસેક વર્ષ પેહલાના સીન જોવો તો એવું લાગતું હતું કે લગ્ન કે રીશેપ્શન શરુ થયાની ગણતરીની મીનીટોમાં તો આખો પાર્ટી પ્લોટ ટીસ્યુ પેપર અને એંઠી થાળીઓ , ચમચી , વાડકીઓ થી ભરાઈ જતો ને ઘણીબધી પ્રજા લોનમાં નીચે કુંડાળું વળી ને બેસીને જમતી જોવા મળે અને એમની ગંદકી ત્યાં જ મૂકી ને જતી પણ આ વર્ષે લગભગ ક્યાંય આવો સીન જોવા નથી મળ્યો ..!!
ઉપરથી પાણીની બોટલ હોય કે ટીસ્યુ પેપર લગભગ એકે એક જણ પ્રોપર જગ્યાએ ડીસ્પોઝ કરતો દેખાયો છે .. સ્વચ્છતા અભિયાનની કામયાબી..!!
ત્રીજો ફર્ક ..
મોટાભાગની થાળીઓમાં એંઠું ખુબ જ ઓછું મુકાયેલું જોવા મળી રહ્યું છે , સોશિઅલ મીડિયાની અસર ..
પ્રજા જોઈએ તેટલું લ્યે છે અને વાપરી ને પછી લગભગ પ્લેટો ચોખ્ખી કરી ને મૂકી રહી છે ,બગાડ સંસ્કૃતિનો ત્યાગ થઇ રહ્યો છે ..!!
જૈન થઇ રહી છે પ્રજા ..
મને ગમે જૈન થવું હો..!!!
અંતે તો ડોક્ટર માંબાપ નું સંતાન ને..!!
જીવાડવું અઘરું છે જીવનમાં, મારવું તો સાવ સેહલું..!!
જૈનો ને ત્યાં જમણવારમાં મેં જોયું છે એવા દસ બાર છોકરા હોય કે તમારી પ્લેટમાં એંઠું હોય તો એ તમારી સામે ખાઈ જાય પણ બગાડ ન થવા દે .. કેટલી શરમ આવે ..? આપણી પ્લેટમાંથી આપણું એંઠું મુકેલું કોઈ આપણી સામે જ ખાઈ જાય તો અને એ પણ આપણને એહસાસ કરાવવા કે તમે ખોટું કરી રહ્યો છો..!!
સો સો સલામ એ છોકારાઓ ને ..!!
ચોથો ફર્ક ..
નતનવા કાઉન્ટર ની સંખ્યા ઘટી રહી છે અને મેનુ નાનું થતું જાય છે..!!
ચારેબાજુ હવે દોઢસો બસ્સો આઈટમો પીરસવાવાળા ની ટીકા થઇ રહી છે , વીસ પચ્ચીસ આઈટમો તો બહુ થઇ, મને હજી એમાંથી પેલા સલાડ કાઉન્ટર ઓછા થાય તો વધારે સારું ..
આપણે ત્યાં ગુજરાતીઓમાં ઘરમાં પણ સલાડ ખાવા નો બહુ રીવાજ જ નથી એટલે નેવું ટકા લોકો તમે જો જો કે પ્લેટ લઈને સીધા મેઈન કોર્સ તરફ જશે અને નામનું સલાડ કે અથાણું મરચા હશે તો લેશે બાકી તો હરી હરી , સીધા મેઈન કોર્સ તરફ..!!
તો પછી સલાડ કાઉન્ટર પણ ઓછા થઇ જાય તો હજી પણ બગાડ અટકે..!!
કાલે એક જગ્યાએ ચોકલેટ ખારેક અને સ્ટ્રોબેરી ખારેક હતી , અલ્યા ખારેકમાં પણ ચોકલેટ ને સ્ટ્રોબેરી ..? એમ થાય કે બળ્યું આ ચોકલેટ ને સ્ટ્રોબેરી તો હવે ક્યાં જઈને અટકશે..? છેક કોન્ટ્રાસેપ્ટીવ સુધી તો પોહચી ગયા અને હવે ખારેક પણ ..?!!!
પાંચમો ફર્ક ..
ડ્રેસિંગ સેન્સ , કૈક વધારે પડતી આવી ગઈ છે પ્રજામાં અઘરા અઘરા કપડા દેખાઈ રહ્યા છે અને ઘરેણામાં બિલકુલ નકલી પેહરી પેહરી ને ફરી થઇ ગઈ છે પ્રજા અને એવા એવા લોકો શેરવાની પેહરી ને ફરતા હોય કે મારા જેવો વિચારે કે સાલી બે શેરવાની અને ચારપાંચ સુટ કબાટમાં લટકાડુ છું તો જગ્યા નથી બચતી તો આ પરજા ક્યાં ટીંગાડતી હશે ?
પણ સેહજ એમાં પણ નાક ખોસ્યું તો ખબર પડી કે બબ્બે અઢી હજારમાં ભાડે લાવે છે અને પછી પાછી આપવામાં આવે છે..!!
અને એનાથી ઉપર ની વાત મળી કે અહિયાં સીજી રોડ અને એસજી રોડ ઉપરના ખુલેલા શોરૂમોની ત્રીસ ચાલીસ હજારની શેરવાની વડોદરા ,આણંદ અને નડિયાદના કારીગરો સાત આઠ હજારમાં કરી આપે છે ..
એટલે અહીનો અમદાવાદ નો મધ્યમવર્ગ ખરીદી કરવા ત્યાં જઈ રહ્યો છે..!!
ગંગા કલકત્તા થી હરદ્વાર વેહવા લાગી છે..!!
જય હો ,જય ગિરધારી..!!
સસ્તું ,સારું ,નમતું ને ઉધાર લેવામાં અમદાવાદી ને કોઈ ના પો`ચે..!!
આવું નંગ ક્યાં ઝલાય ખબર છે ?
જૂતામાં ,
એ ભાડે નથી મળતા..!!
આ તો પુરુષોની વાત થઇ, પણ બૈરા ઝાલ્યા ઝલાતા નથી , સાલું મધ્યમવર્ગના બૈરા બોલતા થઇ ગયા છે કે શું કરવું ભઈ પ્રસંગે સારી સાડી તો પેહરવી ને..અને આ સારી સારી સાડી કેવી ? તો કહે ચાલીસ પચાસ હજારની ..
એની માં ને પેલા ભાડે લાવી ને શેરવાની પેહરનારા ને તમ્મર જ ચડે ને ..પણ ખરેખરા તમ્મર ચડાવે છે બૈરા , બિચારા પુરુષો ને , અમે તો સાડી ની દુકાનમાં બેઠેલા એક સામટા ત્રણ ત્રણ ગ્લાસ પાણી પી જતા ભાયડા જોયેલા છે..!!
બિચારો એવો લેવાઈ ગયો હોય .. ખિસ્સામાં મોટે ઉપાડે લાખ બે લાખ નાખી ને લાવ્યો હોય અને એ પણ ભેગા કરતા દમ નીકળતો હોય એવામાં પેલો સાડી નો સેલ્સમેન એક સ્ટુલ લાવે અને ભાડે શેરવાનીનાં બૈરા ને ઉભું કરે ,પછી એની ઉપર સાડી પેહરાવે પચ્ચીસનું બજેટ કીધું હોય એટલે પચાસે અટકાવે અને બાજુમાં પાછો કોક અભાગીયો લાખની સાડી જોતો હોય પત્યું પચાસની સાડી ધૂળધાણી થઇ જાય..!!
એંઠવાડમાં અટકી તો ગાભામાં રૂપિયા બગાડતી થઇ ગઈ છે પ્રજા ..!!
એક મિત્રના મમ્મી છે એમની પાસે ઓરીજીનલ એમના વડસાસુનું આપેલું પાટણનું પટોળું છે અને હીરાના દાગીના છે નહિ નહિ તો ય સો સવાસો વર્ષ જુના ..!!
પાટણ નું પટોળું અંગે નાખે તો ગળા ને કાનમાં એકમાત્ર કંઠી જ નાખવાની અને હીરાનું ઘરેણું પેહરવા નું હોય તો સાડી સાવ સાદી ..
માત્ર એક જ શણગાર કરવા નો ..!!
મારા લગ્ન નથી કે હું સોળે શણગાર કરું..લાકડે જાઉં ત્યારે શણગારજે હવે..!!
સાદગી ની શાલીનતા આંખે ઉડીને આવે ..!!
ઝાકમઝોળ તો ઘડી બે ઘડીની ..!!!
એક શણગાર આજ ની ગુજરાતી સ્ત્રીઓ ભૂલી ચુકી છે ,
ફૂલો નો શણગાર ..
દખ્ખણમાં હજી થાય છે ઘરેણાની બદલે ફૂલોનો શણગાર..
અદ્દભુત અને અદ્વિતીય હોય છે કોઈક એ તરફ પાછુ વળે તો ..!!
હજી ૨૯ મી સુધી ના ઢગલા પડ્યા છે કંકોત્રીના આજ ના ચાર છે અને બધ્દ્ધા સાંજના ચાર વાગ્યાથી રમણે ચડવાનું છે..!!
દૂધ ભાખરી ખાવી છે આજે તો ઘરની બસ ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)