એનઆરઆઈ માંબાપ ની કથા..
સપ્ટેમ્બર લગભગ પૂરો થવા આવ્યો નવા નવા એડમીશન લીધેલા અને નવી નવાઈના જણેલા એક ના એક, કે ફક્ત બે જ હોય એવા `કાળજા કેરા કટકા`ને પરદેસ ભણવા મોકલી દીધા હશે મોકલનારાઓ એ..!
અને `અડધા` ડોસા-ડોસી થયેલા એમના લાલા કે લાલી ને ફોન અને ફેસટાઈમથી રોજ શું ખાધું શું પીધું એ બધા રીપોર્ટસ રોજ સવાર સાંજ લેતા હશે..
પણ જેણે વીસ વર્ષ પેહલા મોકલી દીધા છે અને અને અડધા ડોસા ડોસીમાંથી પુરા ડોસા ડોસી થઇ ગયા છે એ લોકો શું કરે છે ..?
છતે છોકરે વાંઝીયા હોવા નો અનુભવ કરી રહ્યા છે,અને બીકમાં જીવી રહ્યા છે તારી કાકી પેહલા ગઈ તો ..?અને કાકી વિચારે છે કે કાકા પેહલા ગયા તો ..?
ક્યાંક એમ વિચાર આવે છે કે ભગવાન એમને પેહલા લઇ લેજે હું તો મારું એકલી કુટી ખાઈશ એ એકલા નહિ રહી શકે , તો કોઈક એમ પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન એને પેહલી ઉપાડી લેજે હું તો ઘરડાઘરમાં જઈને પણ જીવી લઈશ પણ એ એકલી ક્યાં જશે..?
હવે આવામાં ભગવાને `ઉપાડી` લેવાની એક વોર્નિગ મોકલી ..
કાકાને ઝીણું ઝીણું છાતીમાં દુખવા આવ્યું ,કાકાએ જાતે હરડે લીધી, ગેસ હોય તેમ લાગે છે , ના મેળ પડ્યો દુખાવો વધ્યો.. કાકીને ઉઠાડ્યા મને જરાક છાતીમાં દુખે છે તું ભત્રીજા કે ભાણીયાને ફોન કર ..રાતના બે વાગ્યે પરદેસ જઈને સેટલ થવાની `મહામૂલી` “તક” છોડીને પોતાના માંબાપ જોડે રેહતા ભત્રીજા ને ત્યાં રીંગ વાગી તારા કાકાને છાતીમાં દુખે છે જલ્દી આવ..
ચાલીસ વર્ષે પોહ્ચેલો ભત્રીજો ચડ્ડી કાઢીને પેન્ટ પેહરીને ગાડી લઈને દોડ્યો ચાર કિલોમીટર દુર રહે એટલે સ્વાભાવિક વાર લાગે ..
આ બાજુ દુખાવો વધ્યો એટલે ફ્લેટના આડોશી પાડોશીને જગાડ્યા અને ૧૦૮ બોલાવી અને નજીકની હોસ્પિટલ ભેગા કર્યા કાકાને ..
તાત્કાલિક ટ્રીટમેન્ટ ચાલુ થઇ..ભત્રીજો બાપડો હોસ્પિટલ પોહ્ચ્યો.. એની આખી રાત “જધાઈ” ગઈ..
અમેરિકાથી ફોન ઉપર ફોન આવે પાપાને બેસ્ટ ટ્રીટમેન્ટ થવી જોઈએ,ખર્ચાની સામું જોવાનું નથી..
નાની હોસ્પિટલથી કાકાને આઈસીયુ વાળી એમ્બ્યુલન્સમાં મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ..ઘરથી વીસ કિલોમીટર દુર..! બેસ્ટ ટ્રીટમેન્ટ …
ડોક્ટરએ કીધું પેહલા સ્ટેબલ થાય પછી પેસમેકર કે સ્ટેન્ટ મુકવા એ વિચારીશું ..
કાકા ત્રણ દિવસ આઈસીયુમાં રહ્યા, બાહર પેહલા દિવસે ઘણા બધા આવ્યા અને કઈ કામકાજ હોય તો કેહજો ,કરીને બધા વિદાય થયા અમેરિકાથી સતત ફોન ચાલુ..પપ્પાને બેસ્ટ ટ્રીટમેન્ટ ..હું આવું જ છું..
ત્રણ દિવસ અને રાત ભત્રીજાના ગયા..ચાલીસ વર્ષે એ બિચારો નવરો બેકાર તો નાં જ હોય..!!
પેસમેકર મુકવાનું નક્કી થયું ..
લાલો અમેરિકાથી નીકળ્યો..ચોથે દિવસે પેસમેકર મુકાયું..`આઈસીયુ`માંથી કાકા ને `આસીસીયુ`માં રખાયા, કદાચ વેન્ટીલેટર ની જરૂર પડે તો..
લાલો પાંચમે દિવસે આવ્યો ,સખખ્ત થાકેલો અને જેટલેગ..પાપા ને આસીસીયુમાં મળી ને ઘેર..
સાતમે દિવસે કાકા રૂમમાં આવ્યા, લાલો હોસ્પિટલમાં કાકા ની જોડે રૂમમાં રહે, પણ અહિયાં હવે લાલા ને ઇન્ડીયામાં ગાડી ચલાવતા ફાવે નહિ,
અને “બેસ્ટ ટ્રીટમેન્ટ” માટે કાકા ને વીસ કિલોમીટર દુરની હોસ્પિટલમાં રાખ્યા હતા એટલે લાલા ને રોજ લેવા મુકવાની જવાબદારી ભત્રીજાની આવી..
લાલા ની “સેવા” ને લીધે કાકા બેઠા થઇ ગયા, અને દસ દિવસે ઘરે આવ્યા, લાલાની રજાઓ પૂરી થતી હતી ,લાલાની નોકરી જાય.. લાલો મારતી ફ્લાઈટ લઈને પાછો ઉડ્યો ડોલરિયા દેશમાં..
ભત્રીજા ની ભત્રીજાવહુ બાપડી મારાવાળી જેવી થોડી ગાલાવેલી..
કાકીને તકલીફ પડશે હું આટલા દિવસથી ટીફીન કરું છું તો બીજા પંદર દિવસ વધારે..અને તમે પણ રાત્રે રાત્રે કાકાના ઘરે જ સુવા જજો..કાકી એકલા મૂંઝાય..
ત્રણ મહિના પછી લાલો ફરી આવ્યો કાકાના દીકરા ભાઈ માટે બે ચાર શરટ-ટીશર્ટ ,ભાભી માટે પણ થોડાક ગાભા અને એક આઈફોન આવ્યો..
લાલો કાકા અને કાકીના તમામ બેંક એકાઉન્ટ ,ડીમેટ એકાઉન્ટ ફિક્સ ડીપોઝીટ અને બીજી બધી જગ્યાએ પોતાનું ત્રીજું નામ દાખલ કરાવી ને જતો રહ્યો ..
હા લાલાએ અને એની લાલીએ ભત્રીજાના અને એની વહુના મોફાટ વખાણ કર્યા, જે છો તે તમે જ છો એમના અમે તો આટલા દુર રહીએ..વગેરે વગેરે..
ભત્રીજો અને એનું મન જાણે ..
મનમાં દુખી થાય મને ક્યા કુતરા કરડયા હતા તે હું અહિયાં રહી પડ્યો.. બે કાકા, એક ફઇ, એક માસી અને એક મામા ..બધાય ના અહિયાં મૂકી મૂકીને જતા રહ્યા છે..મારે તો હોટલ કરતા હોસ્પિટલ અને લગન કરતા મસાણે વધારે જવાનું થશે ,
અને એમના બધા..લાલિયા લાલીઓ..?
તો કહે એમનું અમેરિકન ડ્રીમ પૂરું કરવા મચ્યા હશે..!!
એક કરુણ પણ સત્ય હકીકત છે,
આજે જે માંબાપ એ પોતાના દીકરા દીકરી વળાવ્યા છે, એમણે કઈ પણ કરી અને મન મક્કમ કરવાની જરૂર છે,અમને ત્યાં ના ફાવે એમ કરીને અહિયાં પડ્યા રેહવાને બદલે “ત્યાં” જઈ રહી અને એના ચાર “કામ” કરી અને એને “કામમાં” આવશો તો એ પણ તમારું ઘડપણ પાળશે..
અહી રેહતા ભત્રીજાને અને ભાણીયાને અમેરિકન ડ્રીમ નથી એચીવ કરવાનું, પણ એની પોતાની પણ જિંદગી છે ,અને ભત્રીજો કે ભાણિયો મિલકતની વેહચણી વખતે આંગળીનો નખ થઇ જાય છે, અને ફાંસ કાઢવાની હોય ત્યારે શરીરનો ભાગ..!!
અહી રેહતો ભત્રીજો પણ હોમ લોન લઈને બેઠો છે એને પણ જલસાની “સરકારી” નોકરી નથી..!અને સરકારી નોકરીમાં પણ જલસા નથી રહ્યા હવે તો ..
બહુ જ ખતરનાક એકલતાની દુનિયા છે, જેમણે પોતાના દીકરા દીકરીને પરદેસ વળાવી દીધા છે એમની, અને ખાસ કરીને જ્યારે હોસ્પિટલાઈઝેશન આવે ત્યારે..!!
જ્યાં સુધી પગમાં જોમ હોય ત્યાં સુધી તો હૈયે હામ રહે છે, પણ એક સમય એવો આવે છે કે શરીર જવાબ આપી જાય છે અને મન જીવતું હોય..
કુદરતની પણ બહુ મોટી કમબખ્તી છે, શરીરને પેહલા મારે છે અને છેક છેલ્લે મન ને મારે છે ..!
`કલી` આવી ગયો છે, એક કપલને માથે માબાપ અને સાસુ સસરા એમ ચારનો ભાર છે..
અહીંવાળા ભત્રીજા કે ભાણીયાને માથે ચાર નો ભાર છે..
સુફિયાણી વાતો કરવી અને ઘડપણ પાળવું એમાં બહુ ફેર છે,
સંતાનના ડાયપર બદલવા અને માંબાપ ના ડાયપર બદલવા એ બંને ઘટનામાં આસમાન જમીનનો ફેર છે..!!
જો કે “ઉપરવાળો” કદાચ ભારતમાં હજી જીવે છે,
લાલો મિલકત પોતાના નામે કરાવી જાય છે, પણ “પુણ્યાઈ” ની મિલકત તો પેલો ભત્રીજો કે ભાણિયો જ પામે છે ..!
ડોલરીયા દેશમાં રેહતા લોકોને જત જણાવવાનું કે ગગો મારો મુંબઈ ગામે…!!
આજે જે માંબાપ એ હજી હમણાં જ વળાવ્યા છે એમને પણ વિનંતી કે જો લાલા ભેગો તમારો પાસપોર્ટ બદલાતો હોય તો બદલી લેજો..હજી લાલો નવો નવો ગયો હશે ને તો એને પણ તમારું એટેચમેન્ટ હશે, પછી તો અન્ન જુદા એના મન પણ જુદા થઇ જશે, છ મહિના અહિયાં અને છ મહિના ત્યાં રેહજો જેથી “પુણ્યાઈ” પણ ભત્રીજો કે ભાણીયો ના લઇ જાય..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
તા.ક. :- સિક્કાની બીજી બાજુ પણ છે ..એ ફરી ક્યારેક