થોડાક દિવસોથી સોશિઅલ મીડિયા ઉપર “ઘનુપ કલોટા”ના નામની ધૂમ મચી છે..
જે દિવસથી કાકાએ એમના નવા નક્કોર તાજા તાજા પ્રેમ નો જાહેરમાં એકરાર કર્યો છે પબ્લિકને બીજું કૈક જ સૂઝતું નથી ..
પણ મને એમ થાય કે આ તે કઈ આ કાકાનો ક્યાં પેહલી વારનો પ્રેમ હતો..?
સૌથી પેહલા જે “પ્રેમ” થયો, એ એમનો “પ્રેમ” એમના તબલચી જોડે ભાગી ગયો..
અમને તો એ “પ્રેમ” ના નામની ધમકીઓ અપાતી..!!
એમાં વાત જાણે એમ છે કે અમે જયારે નેવું ના દાયકામાં ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતની કંઠય સંગીતમાં વિશારદની પરીક્ષા આપવાના હતા ત્યારે અમને એક `કુટેવ` પડી હતી ,આલાપ ગાતા ગાતા અમે આંખો બંધ કરી દઈએ અને પછી અમને ટપલી પડે..
અલ્યા એ ઈ શૈશાવિયા, આમ ગાતા ગાતા આંખો બંધ કરી દઈશને તો પેલો એસી લાગી લગન મીરાં હો ગઈ મગન વાળો જેમ એસી લાગી..ઈ ઈ ઈ ઈ ઈ ઈ ઈ ઈ ઈ ઈ ઈ..કરીને આંખો બંધ રાખીને ખેંચેતો ને , ત્યારે એનો તબલચી એની બાયડી જોડે `નેન મટ્ટકા` કરતો હતો,અને એ આંખ બંધ કરીને ઈઈઈ.. કરવામાં એનો તબલચી એની બાયડી લઈને ભાગી ગયો, અને પાર્ટી પછી ઈઈઈઈઇ કરતી રહી ગઈ..
એટલે જો આંખો બંધ કરીને ગાઈશ ને તો તારી બાયડી આ જીગલો (તબલચી) લઇ જશે..!!
અને હમણાં જ મેં મારા એ તબલચી મિત્રનો ફોટો ઘ્નુપ જોડે જોયો,અને મને ફાળ પડી ગઈ, મેં તરત જ પરદેસ ફોન લગાડ્યો અલ્યા ભઈ તું તો સલામત ને..અહિયાં ૩૭૭ ગઈ ને તારે ત્યાં તો ક્યારની એ ગઈ છે ..!!
પણ સબસલામત છે…!
સાલું આ જમાનામાં તો કઈ અશક્ય નથી, અને મુઈ આયુર્વેદિક ઓસડીયાથી લઈને એલેપેથીની પેલી ભૂરી ગોળી માણહ ને મરવા તો છોડો, ઘરડો પણ નથી થવા દેતો..!!
હવે હમણાં જ બીબીસી એ એક સ્ટોરી કરી હતી આવા જ એક ઓસડીયાની ..
`યાર્સાઘુમ્બા` એનું નામ..
થોડું અઘરું નામ છે આ “યાર્સાઘુમ્બા” બોલવામાં,
પણ ભાવ શું છે..ખબર છે ..?
એક લાખ ડોલર એક કિલોના ..!! હા ભાઈ અમેરીક્ન ડોલર ,એટલે હવે એક કિલોના બોતેર લાખ રૂપિયા થાય..!!
બોતેર લાખ રૂપિયે કિલો વેચાય છે આ `યાર્સાઘુમ્બા..`
ઘેર પારણું ના બંધાતું હોય ,ગમે તેટલી ઉંમર થઇ હોય પણ આ `યાર્સાઘુમ્બા` નો “ઘુંબો” વાગે તો કામ થઇ જાય..
આ “યાર્સાઘુમ્બા” હિમાલયમાં નેપાળ, ભારત,તિબેટ અને ભૂતાનમાં મળે છે અને એ પણ ૩૦૦૦ થી ૫૦૦૦ મીટર ની ઊંચાઈ ઉપર,
આમ તો યાર્સાઘુમ્બા એક `કેટરપિલર` ની જાત છે,કેટરપિલરના પગ ખવાઈ જાય ઠંડીમાં અને પછી એની ઉપર એક ચોક્કસ પ્રકારની ફૂગ લાગી જાય છે ત્યારે આ યાર્સાઘુમ્બા તૈયાર થાય છે ..
એટલે ટેકનીકલી દુનિયાની સૌથી મોંઘી વેચાતી ફૂગ છે યાર્સાઘુમ્બા ..
જુન મહિનાની આજુબાજુમાં ૪૦૦૦ મીટર ઉપર અન્નપુર્ણા (હિમાલયના શિખરો કંચનજંઘા એવરેસ્ટ પછી નું એક ) ના બેઇઝ કેમ્પ ઉપર હજ્જારો નેપાળી આવી જાય છે અને યાર્સાઘુમ્બા ની શોધમાં લાગી પડે છે..
૪૦૦૦ મીટર ઉપર હિમાલયની કડકડતી ઠંડી ,વરસાદ અને એવલોંચ બધું ય આ નેપાળી પ્રજા સહન કરી અને આખો દિવસ યાર્સાઘુમ્બા શોધતી ફરે છે..
સૌથી મોટી યાર્સાઘુમ્બાની ડીમાંડ ચીનાઓ કરે છે, પછી વારો આવે થાઈલેન્ડ ,બર્મા ,ઇન્ડોનેશિયા સિંગાપોર અને બીજા બધાનો, લગભગ એક ગ્રામ ના સો ડોલર અને પછી જેવો ઘરાક અને એની જરૂરીયાત..!!
મારું બેટુ કેવું કેવું છે નહિ દુનિયામાં..!
અરે હા પછી આ યાર્સાઘુમ્બા ખાલી ઘેર પારણું બંધાવા જ વપરાય એવું નથી કેન્સરથી લઈને જેના ઇલાજ શક્ય નથી એ બધા રોગમાં પણ યાર્સાઘુમ્બા વપરાય છે..!!
ટૂંકમાં માર્કેટ મોટું અને સંતાઈને લેવા કરતા ખુલ્લે આમ પણ લેવાયા કે ભાઈ અમને તો ફલાણો રોગ છે એટલે યાર્સાઘુમ્બા લઈએ છીએ..
પણ પણ પણ … સાવધાન ઇન્ડીયા..!!
ભારતમાં યાર્સાઘુમ્બા ઉપર પ્રતિબંધ છે..!!
બોલ બકા કેટલા રૂપિયા બચ્ય્યા ?હાચ્ચું બોલી જ તો..?
એના કરતા ભજનના ક્લાસ ભરવા સસ્તા પડે ને ..!! હે..ને ..??
ત્યારે પછી,
અમદાવાદી જીવડો ભજનના ક્લાસના પણ રૂપિયા ના ખર્ચે, રોજ અડધો કલાક મંદિરના ઓટલે બેસી ને શીખતો આવે , પણ ભજન ના તે કઈ ક્લાસ ભરાતા હશે..!
આ ઘનુપમાં તો મારી ખરેખર લોકો એ બજાઈ.. અલ્યા શૈશાવ્યા તને તો કેટલા ભજન આવડે નહિ ..?
પેહલા તો આપણે બોલી ગયા હા હવે ચાલીસ પચાસ આવડે ..?
ક્યાં કયા ..?
મેં કીધું દસ બાર મીંરાના દસ બાર નરસિંહના ,દસ બાર પેલી સ્મરણાજ્લીકા ના અને થોડાક કબીર ને એવા છૂટપુટ ..
પત્યું ..
પેલું મીરાં મગન વાળું આવડે ..?
સાચું બોલ બે આ કલોટા ની જેમ ક્યાં xxx જાય છે..?
સાલું અત્યારે તો ભજન ગાતા આવડે એમ કેહવું જોખમ થઇ ગયું છે..એમાં ભૂલ ભૂલમાં ગાઈ ને ક્યાંક વિડીઓ અપલોડ કર્યો તો તો થઇ રહ્યું..
છૂટાછેડા નક્કી થઇ જાય..!!
મારું બેટું આ ઉંમરે ફરી પાછું તબલા શીખવા જવું પડે..!!
ગાતા શીખવાની સજા..!!
અરે રે ..પણ શું કેહવું હે ..
રાજાને ગમી તે રાણીને છાણા વીણતી આણી ..!
આપડે તો આવા કેટલાય દુનિયાના જોડા-કજોડા ઉપર લખી ચુક્યા છીએ..
છોડી હોશિયાર કે`વાય ,ગમે ત્યારે ડોહો જ પે`લો ઉક્લવાનો ..અને આંખો બંધ કરીને ગાતા ગાતા માલ હા`રો ભેગો કર્યો હશે ડો`હા એ ..
એટલે છોડીની પાછલી હારી જાય, અને એમાય પાછું છોડીનું નસીબ જોર કરે ને ડોહા વે`લા પાછા થાય તો તો ઓલી પ્રિયંકાની જેમ બાર પંદર વરહ નાનો ય મળે ..
અને પછી તો વગર યાર્સાઘુમ્બા એ મોજે મોજ..!!
બહુ યાર્સાઘુમ્બા યાર્સાઘુમ્બા થઇ ગયું નહિ મને પણ થઇ ગયું હતું પેહલી વાર વિડીઓ જોયો ને ત્યારે, લાખ ડોલરની કિલો એટલે શું કીધું યાર ..?
સો કિલો વેચો તો ય વર્ષ જોરદાર જાય ..!
વધારે લાલચ થઇ ગઈ નહિ..
સારું જવા દો ત્યારે દસ કિલો વેચીએ તો ..?
ના વેચાય, ભાઈ ના વેચાય, પ્રતિબંધ છે..
તો શું ભજન ના ક્લાસ ખોલવા ની ઈચ્છા ખરી..
એસી લાગી લગન મીરાં હો ગઈ મગન..એસી લાગી ઈઈઈઈઈઇ ..
આંખો બિલકુલ ખુલ્લી છે ભાઈ આપણી..!!
આપનો દિવસ શુભ રહે ..
શૈશવ વોરા