
આજે પેહલી મે..
ગુજરાત સ્થાપના દિવસ..
પેલો મેસેજ બધાને આવી ગયો હશે, આજે “પીવા” વાળા અને “ચા પીવા” વાળા છુટા પડ્યા..!
મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર બંને છુટા પડ્યા,
મુંબઈ ગયું મહારાષ્ટ્ર પાસે અને ગુજરાતે બનાવ્યુ ગાંધીનગર..!
આમ જોવો તો આજે સપરમા નો દિવસ કેહવાય અને આવે દા`ડે સારી સારી વાતો જ કરવી જોઈએ એટલે ગાંધીનગરની અને મુંબઈની સરખામણી કરવાનો કોઈ મતલબ નથી..
પણ જયારે દેશનો જન્મદિવસ હોય કે રાજ્યનો ત્યારે થોડું પાછળ વળીને જોવું ઘટે અને કો`ક એ તો સાચુ કેહવુ પડશે એટલે શરૂઆત હું કરુ છુ..
છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીનગરના પાછલા ભાગે ગીફ્ટ સીટીનું મંથર ગતિએ બાંધકામ થઇ રહ્યુ છે,એકમાત્ર ટીસીએસ આવી છે ગાંધીનગરમાં,અને બીજી કંપનીઓ પાઈપ લાઈનમાં છે..ક્યારે બહાર આવશે એ તો ઝુપડીમાં બેઠેલા રામલલ્લા જાણે..!
એક જમાનામાં જયારે સમાચાર આવ્યા કે જે ચાયનીઝ કંપનીએ શાંઘાઈ અને બેંગકોક બનાવ્યું છે એ જ કંપનીને ગીફ્ટ સીટી બાંધવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે ત્યારે તો હૈયે હરખ હરખ થઇ ગયો હતો કે હાશ મારી જિંદગીમાં જ મને ગીફ્ટ સીટી પૂરું થયેલુ જોવા મળશે..!
પણ હાય રે કિસ્મત…! હંમેશા બે ડગલા આગળ જ દોડી જાય છે તું…
એ કંપની ભાગી ગઈ એમ કહીને કે આખો પ્રોજેક્ટ વાયેબલ જ નથી..અને અત્યારે ધીમું ધીમું કામ ચાલી રહ્યું છે..
ગાંધીનગર આજે પણ મોહેંજો દડો ના જમાનાનું એક મૃત અવસ્થામાં જીવતુ શેહર હોય એવું લાગે છે, અહિયાં હજી પણ લોકો નવા નક્કોર લ્યુના છોડાવે છે અને રોડ પર લઈને ફરે છે..!
સાલુ ચાર ચાર લેનના રસ્તા અને એ પણ બમ્પ વિનાના હેમામાલીનીના ગાલ જેવા રોડ તો પણ ત્યાંના રોડ ઉપર લ્યુના ટીએફઆર ચાલે..આવું શેહર ગાંધીનગર માનસિક અને આર્થિક ખ્લલાસ હોવાની આનાથી વધુ બીજી કઈ સાબિતી હોઈ શકે..? અને ગાંધીનગરના બીજા છેડે રાત પડ્યે ૧૨૦૦ સીસીના સુપર બાઈક્સની રેસ લાગે છે..!
અમદાવાદને અડીને ગાંધીનગર વસાવ્યું એમા ના અમદાવાદ મુંબઈ થયું કે ના ગાંધીનગર..! કઈ બુદ્ધિ હતી એ સમજાતું નથી, ચંડીગઢની બેઠ્ઠી નકલ મારીને ગાંધીનગર બનાવ્યું પણ ગાંધીનગરથી તો મેહસાણા આગળ ગયુ..!
આજે ત્રીસ લાખની ઉપરની સેકન્ડ હેન્ડ ગાડી જોઈએ તો જાવ ચંડીગઢ CH પાસીંગની કેટલી ગાડીઓ છેક અમદાવાદ સુધી આવી જાય છે..! સમૃદ્ધિની છોળો ઉડે છે ત્યાં અને અહિયાં ડોહાની પોતડી..
ઘ-૫ સર્કલ ઉપર ઉભા રાખેલા રવિશંકર મહારાજને ગાંધીનગરમાં વસતા કેટલા લોકો ઓળખે છે ? “પેલા ડોહા નું પુતળું સ ને ત્ન્યો આવ..”
ના કલ્ચર આવ્યું કે ના રૂપિયા..
પેલી ઇલેક્ટ્રોનિક જીઆઈડીસીની વાત કરું તો અરે રે હું શું વાત કરુ..
ત્યાના બધાએ ભેગા થઈને મને તો એમનો સરદાર બનાવ્યો છે..! ઈલેક્ટ્રોનિક જીઆઈડીસીમાં એક રિસોર્ટ છે, હોસ્પિટલોના કપડા ધોતા ધોબીઓ છે, લોખંડના લઠ્ઠા સાચવવાના મોટા મોટા ખુલ્લા ગોડાઉન છે અને ઇલેક્ટ્રોનીક્સ જોડે નાહવા નિચોવાનો સબંધ ના હોય એવા એવા લોકો એમાં પડ્યા છે..!
ટાઉન પ્લાનિંગ શું જોઈ વિચારીને કર્યું એ જ સમજાતું નથી, આ “મરેલુ” નગર બનવવા જે ખર્ચો કર્યો છે કદાચ આટલા રૂપિયા જો અમદાવાદમાં નાખી અને અમદાવાદને સરખી રીતે વિસ્તાર્યું હોત તો કદાચ અમદાવાદ મુંબઈની લગોલગ આવીને ઉભું રહી ગયું હોત..!
પણ ગુજરાતીને હંમેશા બાવાના બેય બગડતા હોય છે..!
“નર્મદાપુત્ર” પળભરમાં “ગંગાપુત્ર” થઇ જાય છે..!
ઇન્ફોસીટીમાં “ઇન્ફો” સિવાયનું બધું જ મળે..!અલ્યા જીવનમાં ક્યારેય બેંગ્લોર ગયા છો..? ઇન્ફોસીટી કોને કેહવાય એનું ભાન છે ?
અહી તો ગધેડાની ઉપર “ઘોડો” લખી નાખ્યું એટલે ગધેડાને “ઘોડો” જ કેહવાનુ..
મારા ભાઈ લખીને “ઘોડો” કરવો હતો તો પછી “હાથી“ જ લખવું હતું ને ગધેડે, ઘોડો લખવાની ક્યાં જરૂર હતી..?
મોટી ભૂલ થઇ ગુજરાતની કે સીલીકોન વેલીમાં હજારો ગુજરાતી છોકરા હતા પણ “માલ” અને “મલાઈ” ખાઈ ગયા બેંગ્લોર અને હૈદરાબાદ,આજે અફસોસ એ વાતનો છે કે ગુજરાતી નેતાઓ હંમેશા ગુજરાત માટે ઘાતક સાબિત થયા,એક પણ એવી મોટી ઇન્ડસ્ટ્રી ના ખેંચી શક્યા કે જે ગુજરાતને ખરો “માલ” ખવડાવે..!
મહાત્મા મંદિર નામનું એક્ઝીબીશન સેન્ટર બનાવ્યું પ્લાસ્ટ ઇન્ડીયા સિવાય કોઈ જ મોટી બીજી ઇવેન્ટ હજુ સુધી આવી નથી..! દારૂબંધી એટલી બધી કનડે છે એમાં કે ના પૂછોને વાત, દુનિયાભરમાં તમામ એક્ઝીબીશન સેન્ટરની માં કે બાપ ગણો તો મ્યુનિક (જર્મની) આવે અને પછી સાન ડિયાગો અને ચાઈના,તાઈવાન હવે એ બધાની સામે મહાત્મા મંદિર..
શું કેહવુ..? ફક્ત બે સારી કહી શકાય એવી હોટેલો ગાંધીનગરની એમાં એક તો કૌભાંડ કરીને બંધ થવા ઉપર..!
અમદાવાદના યુનિવર્સીટી હોલને પણ બેસણા માટે ભાડે આપવા પડે છે..ખાલી મુંબઈથી ૫૦૦ કિલોમીટર દુર અને મુંબઈથી ચોથા ભાગના ખર્ચે એક્ઝીબીશન થાય તો પણ અમદાવાદ ગાંધીનગર કોઈ ફરકતું નથી..!
અહી તો બધુ “માપ”માં કરવું પડે અને “ચા પીવી” પડે તો કોણ એક્ઝીબીશન કરવા આવે ?
એક શેરબજાર આપણી જોડે હતું તો એ પણ અમદાવાદનું શેરબજાર પતી ગયું અને આખા દેશનો કારભારો BSE જીજીભોયમાં બેસીને કરે, ગીફ્ટ સીટીમાં પેલું ચોવીસ કલાક ચાલે એવું બજાર ખોલ્યું પણ કઈ શક્કરવાર દેખાતો નથી..
પ્રાઈવેટ સેક્ટરમાં એક રિલાયન્સ અને બીજુ અદાણી બે જ અત્યારે ગુજરાતને ખેંચે છે, બાકી તો મોટા ઉપાડે આવેલી તાતા ની નેનો અત્યારે “વેન્ટીલેટર” પર છે અને હાલોલનો જનરલ મોટર્સના પ્લાન્ટને તાળા વાગી ગયા..!
મારુતિ આવી અને બીજા ગયા..! એક સાંધે ત્યાં તેર તૂટે..
કચ્છ અને કાઠીયાવાડના દરિયા ઊંડા અને મુંબઈની જેએનપીટી ઉપર પુષ્કળ લોડ રહે છે એટલે કંડલા ડેવલોપ થયું પણ જકાતના નામે ગુજરાત પાસે કઈ બહુ વધ્યું નહિ..! મુન્દ્રા ઉભું કર્યું પણ ટોટલ પ્રાઇવેટ..
કેટ કેટલી તકો ગુમાવી ..!
એક જમાનાનું માન્ચેસ્ટર અમદાવાદ અત્યારે લોકો પૂછે છે કે અમદાવાદ ટકેલું શેના પર છે ? મિલો ની પાછળ આવેલા ધંધા આજે બરબાદ છે..
એક એક ફ્લાયઓવર બનતા બબ્બે વર્ષ નીકળે છે, બાવીસ ભાજપ અને એ પેહલા કોંગ્રેસ.. નખ્ખોદ વાળ્યું..!
ત્રણ ત્રણ પ્રધાનમંત્રી ગુજરાતે આપ્યા એમાં એક ગુલઝારીલાલ નંદાને જો છોડી દઈએ તો બાકીના બે તો પૂર્ણકાલીન પ્રધાનમંત્રી..
નરેન્દ્ર મોદીએ એક જ ઉપકાર કર્યો છે પ્રધાનમંત્રી થઇને નર્મદા યોજનાને પૂરી કરાવી દીધી…
બીજા કોઈ ઉપકાર હજી ખાનગીમાં કરતા હોય તો આપણને ખબર નથી..!
જોકે ખાનગીમાં કઈ કરવું એ એમની પ્રકૃતિની વિરુદ્ધ છે, “જાન” જોડાઈના હોય ત્યાં તો “અઘરણી” ના સમાચાર આપી દે એમ છે (કેજી બેસીન નો અઢળક ગેસ મળ્યાની જાહેરાત)
હાઈવે ગુજરાતના પેહલાથી જ સારા હતા એ ત્યારે મોટા ચોક્કસ થયા છે..
વિકાસના નામે ગુલબાંગો ચાલી રહી છે..!
રાજ્ય પોતે પોતાનો આગવો ધંધો કરે અને નામ કાઢે આવું બધું થવાનું હજી બાકી છે, હા બેસ્ટ હજી આવવાનું બાકી છે…
થોડા ઘણા સરકારી કાગળીયા એવું ચીતરે ખરા કે ફલાણા વિના આમ અને ઢીંકણા તો ગુજરાતનું ખમીર..
ભૂતકાળમાં જીવવાનું બંધ કરીને સીલીકોન વેલી જોડે સીધા દોરડા જોડવાની જરૂર છે,ફાર્મામાં બેન્ડ વાગેલી છે છતાં પણ ગુજરાતી ફાર્મા કંપની હૈદરાબાદ જોડે ટક્કર ઝીલે છે, હીરા બજાર પંચરત્નમાંથી બીકેસીમાં શિફ્ટ થયું અને ઉદ્ઘાટન કરવા ગયા એના કરતા ગાંધીનગરમાં ખોલી આપવા જેવું હતુ..
ગુજરાતીના હાથમાં છે એવા ધંધા તો ગુજરાત ખેંચી લાવો સાહેબ, હવે નહિ તો લાવો તો ગાંધીનગરની ગાદીનું ઋણ નહિ ચૂકવાય..
ગીફ્ટ સીટી ધડાધડ ઉભું કરો,માગી ભીખી અને ઇન્વેસ્ટર લાવીને ઉભું કરી દો એકવાર પણ કરો આમને આમ તો દિવસો જશે, અને તમે ફલાણાની સો મી જયંતી અને ઢીંકણાની દોઢસોમી જયંતિ એવું બધું દેખાડ્યા કરશો અને એમાં જન્મારો પૂરો થશે..
સ્વર્ણિમ સ્વર્ણિમ કરતા હવે હીરક આવી જશે, અને ઘ-૫ ઉપર ઉભેલા ત્યાના ત્યાં રે`શે અને ઘ-૧ ,૨ ,૩ વગેરે વગેરે ચકરડે તમારા પણ પુતળા આવી જશે..
કાળ કોઈને છોડતો નથી અમ્મર પટ્ટો નથી તમારી જોડે, નથી અમારી જોડે, એટલે જે કોઈ “સેવક” કે “સાહેબ” જેને જરાક પણ હૈયે રામ હોય એ કૈક કરે અને સંજીવની મહામૃત્યુંજય કરવો તો ભગવાન વાસણીયા મહાદેવ કૃપા કરે અને ગાંધીનગરમાં પ્રાણ આવે..!
નર્યા ભૂતકાળમાં જીવે પ્રજા, ઉત્તરમાં અંબા બિરાજે દખ્ખણમાં કાળી..અલ્યા બસ હવે હિગળાજ માતાને(બલુચિસ્તાન) ભેળવો ભારતમાં,
પણ અમે તો ગુજરાતી માણસ ,૨૬ જણા “બેમોત” માર્યા ગયા એની ચર્ચા બાજુ પર મૂકીને “ફૂંકી માર્યા” એવું કેમ લખ્યું એની ચર્ચા કરીએ અને વોટ્સ એપ ફેરવીએ..!
જીમમાં જઈને બૈરા ઉપાડે એવા નાના નાના પાંચ પાંચ પાઉન્ડના ડમ્બેલ્સથી ચેસ્ટ પ્રેસ મારીએ અને છ્પન્નની છાતીની વાર્તા થાય..
બાપુ કહી ગયા સત્ય અહિંસા ચોરીના કરીએ..
અલ્યા એ પણ ગુજરાતી હતો જાગો જાગો..
ધરા ગુર્જરના નારી-નર..
સારું સારું સૌ એ કહ્યું આપણે તો..
ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ભૂંડા ભૂતળમાં..
ઊંટના અઢાર વાંકા જાણવા હોય તો વાંચતા રે`જો
“વંદે ગુજરાત”
વંદા અને ગુજરાતનું કોમ્બીનેશન હોય એવું લાગે છે એટલે આપડે તો ..
જય જય ગરવી ગુજરાત
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા