ગેમિંગ ..
રાજકોટના અગ્નિકાંડના ભોગ બનેલા હુતાત્માતાઓને શ્રદ્ધાંજલિ.. આ કેસમાં તંત્રનો વાંક સો ટકા છે જ ,સીધી વાત કરું તો રૂપિયા કોઈ અધિકારી કે રાજકારણીના લાગેલા હોય તો નવાઈ નહિ , કેમકે આવા એકદમ ઉભા કરવા હોય ગેમઝોન કે બીજું કશ્શું પણ જોઈએ કે ના જોઈએ પણ ધોધમાર રૂપિયા જોઈએ જ ,
અને એવા સાંબેલાધાર આ બે જ જગ્યાએથી મળી શકે ,
બેંકો તો લોન આપતા પેહલા સાત ગળણે ગળી અને રૂપિયા આપે વત્તા દુનિયાભરના કાગળિયાં અને છેલ્લે તમને ટર્મ ઇન્સ્યોરન્સ પણ પકડાવે કે તું લોન લઇને ગુજરી જાય તો તારા ઇન્સ્યોરન્સના રૂપિયે અમારી લોન ભરાઈ જાય..
ફાયર એનઓસીવાળા બિલ્ડીંગમાં આગ લાગે છે ત્યારે હોનારત ઉપર ઝટ કાબુ મેળવાય છે ,સગ્ગી આંખે જોયું છે, અનુભવ્યું છે..પણ મોટેભાગે કાયદા પાછળથી યાદ આવે છે પેહલા કોઈને યાદ નથી આવતા..
હવે આવા ગેમઝોનમાં એનઓસી આપતા પેહલા સળગી શકે એવી તમામ વસ્તુઓ હટાવી લેવી પડે અને જે કોઈ મટીરીયલ વપરાય એ બધ્ધું નોન ફલેમેબલ ,ફાયરપ્રૂફ હોવું જોઈએ .. અહીં તો ટાયરોના ઢગલા દેખાય છે પછી ચિતાઓ જ ખડકાય કે બીજું શું ?
અત્યંત કરુણ ઘટના છે .. શું લેવા ગયા હતા અને શું મળ્યું ???????
હવે તમારા મારા જેવા મધ્યમવર્ગના આધેડોને વિચારવાનું કે આ છે શું ? અને આમાં એવું શું છે કે જુવાનીયા આંધળી દોટ મુકે છે ?
તો પેહલો જવાબ વધારે ડીટેઈલમાં જતા સાદી ભાષામાં આપું કે..
આ છે રૂપિયા કમાવી આપનારું મશીન ..ગેમિંગ ઝોન બનાવવાવાળા માટે..
લગભગ એક વર્ષમાં નાખેલા તમામ રૂપિયા ઘેર પાછા ,
અને બીજા સવાલનો જવાબ છે જુવાનીયાના શરીરમાં દોડતા હોર્મોન્સ ..
જે માહોલ ઉભો કરવમાં આવ્યો હોય છે ત્યાં અને એ માહોલમાં જુવાની ભળે પછી શું
બાકી રહે ?
રમઝટ .. ખીસ્સ્સા ખાલી ના થાય ત્યાં સુધી રમઝટ ચાલે ..
હવે આવી કેટલી જગ્યાઓ ?
અનહદ .. દુનિયાભરમાં ફેલાયેલા કેસીનોથી લઈને એમ્યુઝમેન્ટ પાર્ક ..વત્તા મોબાઈલ લેપટોપ અને કોમ્પ્યુટરમાં રમાતી રમતો..
ચિત્ર વિચિત્ર અવાજો(સાઉન્ડ),ઝગારા મારતી ,ક્યારેક અંધારા રેલાવે એવા ,લાઈટીંગ અને પછી તમને ગેમ રમવાના નામે “કર્તા” બનાવાનો મોકો મળે ..
ખલ્લ્લાસ..
લાગે ચસ્કો .. આજે ગયા હોઉં તો દિવસો છોડો વર્ષો સુધી નશો ના ઉતરે એટલી જબરજસ્ત પ્રિન્ટ મગજમાં લઈને જાય માણસ ..
કશું ખોટું છે ત્યાં ?
જો કોઈને ચસ્કો લગાડવો એ ખોટી બાબત છે તો બધું જ ખોટું છે ,ને ચસ્કો લગાડવો એ ખોટું નથી તો કશું જ ખોટું નથી ત્યાં ..
નક્કી આપણે કરવાનું કે શૈશવની જેમ મંદિર જવાનો ચસ્કો લગાડવો પણ જીવતા ગુરુઓથી દૂર રેહવું એવો ચસ્કો લગાડવો છે કે પછી સાવ ફકીરી ..
ચસકા જીવનમાં ઘણા બધા છે અને રૂપિયા ..???
જાડ્ડા રૂપિયા કામવાની જગ્યા પણ ..આ ચસકા
અમારા એક મિત્રને એક મોટીવેશનલ બેનનો ચસ્કો લાગી ગયો હતો, મને કહે તું તો ઓળખતો જ હોઈશ મને લઇ જા એની પાસે .. એની તડપ જોઈને મને બીક લાગી કે આ પેલા મોટીવેશનલ બેનને મળે ત્યારે બચકું ના ભરી લ્યી ..
જો કે હું એ બેનને પર્સનલી નથી જ ઓળખતો ,પણ પેલા ના વાણી અને વર્તન ઉપરથી લાગ્યું કે આ મીડ લાઈફ ક્રાઈસીસમાં ભરાયો છે અને હવે કંઈક નવું શોધે છે .. એમાં આ ચસકે ચડી ગયો..!
આ ચસકા માટે આગળ લખતા પેહલા રાજકોટ કે દુનિયાભરમાં ચાલી રહેલા ગેમિંગ ઝોનમાં ફાયર સેફટી અને બીજી સેહજ વાત કરી લઉં ,
દુનિયાભરમાંથી ધિક્કાર છુટશે પણ એક પણ માણસ બે પાંચ હજાર ખર્ચી અને પોતાના ઘરમાં કે કારખાનામાં ફાયર એક્સ્ટીંગવિશર નહિ નખાવે , પેહલા પણ કીધું છે હજી પણ કહું છું દરેક દુકાન અને હોટેલોમાં ફાયર એક્સ્ટીંગવિશર હોવા જ જોઈએ .. ક્યાંય પણ આગ લાગે તો કોઈના પણ ફાયર એક્સ્ટીંગવિશર કામ લાગે ..એ આપણા માટે નથી બીજા માટે છે..
પૂરું કરતા પેહલા એક બિલકુલ આંખ સામે બનેલી સત્ય ઘટના ..
દોઢ દસકા પેહલા મારા એક મિત્રએ સાયબર કાફે જેવું કૈક ખોલ્યું હતું અગિયાર બાર કોમ્પ્યુટર અને એમાં એ સમયે કાઉન્ટર સ્ટ્રાઈક કરીને એક ગેઈમ આવી બજારમાં ,
બધું ઓનલાઈન ટીમો બને ,રમે ..સામસામે બંધુકોથી એકબીજાને મારી નાખવાના , ગ્રાફિક્સ એવા અદ્દભુત કે તમને એમ લાગે કે તમે જ કમાન્ડો કાનમાં હેડફોન નાખો એટલે તમે રણભૂમિમાં સાક્ષાત ..
હવે થતું એવું કે લગભગ દસમાં બારમાં ધોરણમાં ભણતા છોકરાઓ આવે રમવા અને ટીમો બનાવે ને સામસામે રમે મોઢામાંથી ધાણીફૂટ ગાળો બોલાય ..
જે ટીમ હારે કે જીતે બંને ભેગી થઇને રમત પૂરી થાય અને બાહર જઈને ધુમાડા કાઢે અને ફરી પાછા આવીને બેસી જાય રમવા ..
લત લાગે એવો માહોલ ..
બે ચાર વાર શૈશવે પણ હાથ અજમાવ્યો પણ ઉંમરની અસરને કારણે સમજાઈ ગયું કે આમાં ના પડાય ,
જે મિત્ર માલિકી ધરાવતો એની સાથે ખુલ્લા મનથી વાત કરવાનો સબંધ ..
વાત વાતમાં એમ વાત થઇ .. શૈશાવ્યા સાલું મારે આ બંધ કરવું છે ..
મેં કીધું કેમ ?
તો કહે આ બધ્ધા છોકરા ઘરમાંથી રૂપિયા ચોરી કરીને લાવે છે અને એમની કેરિયર પીક ઉપર છે અત્યારે આ છોકરા આ બધું કરશે તો ફ્યુચરમાં ક્રિમીનલ જ થશે..
મેં કીધું યાર તું આ ધંધો બંધ કરીશ તો બીજે ક્યાંક જઈને કરશે , બીજે જઈને રમશે..
પેલા મિત્રએ કીધું ના પણ મને તો છાતીએ ભાર નહિ રહે ને ..
હવે બન્યું એવું કે બિલકુલ આ ચર્ચા ચાલતી એવે સમયે એક સ્કુટી ઉપર એકદમ શ્યામલા કૃશકાય બેન આવ્યા અને સીધા મારા મિત્ર પાસે આવીને ઉભા રહ્યા અને અચાનક જ એ બેન રડવા લાગ્યા .. ભાઈ મારો છોકરો બારમાં ધોરણમાં છે, કેટલું સમજાવું છું પણ સમજતો નથી ,રોજ સવાર પડ્યે કલાસીસને બદલે અહિયાં જ આવે છે અને તમને નથી ખબર અમે કેવી પરિસ્થતિમાં જીવીએ છીએ ..
મારે તો એ બેનનું ઓબ્ઝરવેશન સિવાય કશું કરવાનું જ નોહતું , મને લાગ્યું કે એકદમ મધ્યમવર્ગીય બાઈ છે અને ખરી દુ:ખાયારી છે .. એ બેહનએ હાથ જોડ્યા ..
મારા મિત્રએ કશું જ બોલ્યા વિના દુકાનની ઈએલસીબી પાડી દીધી અને અંદર બેઠેલા છોકરાઓ ને કહી દીધું ઘેર જાવ .. દુકાનનું શટર મારી સામે જ પાડી દીધું ..
પેલા બેન જોતા રહ્યા, પેલો મિત્ર મારી પાસે આવીને બોલ્યો આ બેનની જગ્યાએ તારી કે મારી બૈરી હોય અને આપણા છોકરા હોય તો ??? શૈશાવ્યા હું ક્યાંક નોકરી કરી લઈશ પણ મારે આવો “હાય” નો રૂપિયો નથી લેવો..
છેવટે નક્કી તો આપણે જ કરવાનું હોય છે કે કયો રૂપિયો ઘરમાં લાવવો છે..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*