ગરબામાં ચાલુ થયેલા ભવાડા ..!
છેલ્લા થોડાક વર્ષોથી રસ્તા ઉપર ખેલ કરતા લોકો હોય છે એવા લોકો અમદાવાદના ગરબા ગ્રાઉન્ડ ઉપર ધસી આવે છે, મોઢામાં કેરોસીન ભરી અને સળગતી મશાલ ઉપર કોગળો કરે જેથી તમને એમ લાગે કે `ગર્દભ શિરોમણી` મોઢામાંથી આગ કાઢી રહ્યો છે , સાયકલના ટાયરની રીમ માથે ફેરવે..
એક સરખા કપડા પેહરીને આખું ચાલીસ પચાસનું ગ્રુપ આવે અને વચ્ચે એક થાંભલો ઉભો કરે જેની સાથે કપડા બાંધેલા હોય ,જેને લઈને ગોપ રાસ કરતા હોય એવો આભાસ ઉભો કરે પણ ખરેખર હોય નહિ ..
*જબરું `ડીંડક` ઉર્ફે `ડીંડવાણું` ઉભું કર્યું છે , અને એમાં થાય છે એમાં એવું કે અમારા જેવા સાદા ઝભ્ભા લેંઘા કે ચણીયા ચોળી કે જેમણે ડ્રેસ કોડ નથી કર્યો એ બધા જ લોકો ને આ વસ્તી રીતસરની પીસી રહી છે..!*
કોઇપણ ગરબા ગ્રાઉન્ડની કેપેસીટી જે હોય છે તેના કરતા દસ વીસ ટકા વધારે ખેલૈયાઓ જ ભરવામાં આવી રહ્યા છે ,પરંતુ પેલા ફક્ત પચાસ “ડીંડક” જે છે એ બધા વીસેક ટકા ગરબા ગ્રાઉન્ડની જગ્યા ઉપર કબજો જમાવે છે અને જ્યારે આવા ત્રીસ ચાલીસ હોય અને બે ચાર ગ્રુપ્સ હોય તો ગરબા ગ્રાઉન્ડની ટોટલ જગ્યા ઉપર કબજો જમાવી દે છે આ વસ્તી ..!
*સરવાળે બાકી બચેલા તમામ ખેલૈયાઓમાં ધક્કામુક્કી થાય ક્લબ મેનેજમેન્ટ અને ગરબા આયોજકો જો તાત્કાલિક આ “ડીંડક” બંધ નહિ કરાવે અથવા તો “ડીંડક” માટે જુદી જગ્યા નાં ફાળવે અથવા તો ફક્ત “ડીંડક” ગરબા અહિયાં બીજા ગરબા નહિ થાય આવું કૈંક વ્યવસ્થા જો ગોઠવાય નહિ તો પછી ક્યારેક ચિનગારી ભડકો થશે..સરકારને પણ ભોં ભારે પડી શકે કેમકે તમારા બાઉન્સરો કામ નહિ લાગે .. બંને બાજુ ગરમ ગરમ જુવાન ધગધગતું લોહી છે..!*
*માટે જ ધક્કામુક્કીનું કારણ અટકાવવું જ રહ્યું ..!!*
ઘણા કલબોવાળાને એમ થશે કે અટકાવવું કઈ રીતે ?
તો બહુ સાદો જવાબ છે કે મિસ્ટર“ડીંડક” અને મિસ “ડીંડકી” તમે જે ખેલ કરી રહ્યા છો તે ગરબાનો એક ભાગ ચોક્કસ છે ,
પણ તે ગરબા સ્ટેજ ઉપર થાય અથવા તો તેના માટે આગોતરો તમારે મોટ્ટી જગ્યા ભાડે રાખી અને વધારે રૂપિયા ચુકવવા પડે, અમે જે ગોઠવ્યા છે તે શેરી ગરબા છે અને શેરીમાં રમતા કે ખેલતા ગરબાના પ્રકારમાં આ “ડીંડક” પ્રકાર નાં આવે ..!!
ઘેર જાવ અથવા તો ભદ્દર કાળીએ આવેલો પ્રેમાભાઈ હોલ ભાડે રાખો , ટીકીટ શો રાખો જેમને આપશ્રીની કલા નિહાળવી હશે તે ટીકીટ ખર્ચીને પણ ત્યાં આવશે , *પરંતુ અહિયાં આવેલા ખેલૈયાઓની જગ્યા ઉપર દબાણ ,ભેલાણ કરી અને એમને પીસી નાખી અને મારામારીનો માહોલ ઉભો ના કરશો..!!!*
બિલકુલ મિસ્ટર “ડીંડક”અને મિસ “ડીંડકી”જે કરી રહી જે તે ગરબા જ છે પણ તે શેરી ગરબા નથી ..
હવે અહિયાં કોઈ જુનું ડોસુ ડગરું એમ કહે કે અમારી સોસાયટીમાં આવો ને જગ્યા જ જગ્યા છે ,તો જવાબ છે કે પોળમાં થતા હતા અને આખો શેહર વિસ્તાર ખાલી કરીને અહિયાં આવી ને પોહળા થવા ના પડારા નથી ઠોકવાના ..
પેલા ગીતમાં `ધાવણ કેરી ધારાએ પીધો કસુંબી નો રંગ` આવું ગાવું અને સાંભળવું સારું લાગે પણ ભદ્દરકાળી મંદિરે ફક્ત દર્શન કરવા જ જવાય છે એમ નહિ કે સરકારી નવરાત્રીને ત્યાં લઇ જઈએ અને મારી કાકી જોડે બે રાઉન્ડ લઇ લઇએ ..
જે જગ્યા તમે છોડી છે તે જગ્યાએ તમે પેહલા જાવ અને બે રાઉન્ડ ફરો પછી તમારી આગલી પેઢીને લઇ જાવ ..!
ઘેર બેઠા બેઠા ડોહા અને ડોહીઓ કાંય કાંય કરી ને કચકચ કરે એમાં કશો ગજ વાગે નહિ..!
હવે વાત આ “ડીંડક” ની અસરોની ..
અમદાવાદનો એલીટ ક્લાસ છે બહુ ઋજુ છે .. જ્યાં આવું બધું દેખાયને ત્યાંથી તરત જ અંતરધ્યાન થઇ જાય છે ..!
પાર્ટીપ્લોટ અને ક્લબોના ગરબામાંથી એ એલીટ ક્લાસ ગાયબ થઇ ગયો છે અને ધીમે ધીમે ઉચ્ચ મધ્યમવર્ગ પણ ખસતો જાય છે .. ગયો એમના ફાર્મ હાઉસ ઉપર ,પ્રાઈવેટ ગરબા ..! દરેક સારા કલાકારના લીસ્ટમાં આ વર્ષના દસ દિવસમાં ચાર દિવસ પ્રાઈવેટ ગરબા એવું લખાઈ ને આવી ગયું છે ..!!
આવનારા પાંચ વર્ષમાં ક્લબો અને પાર્ટી પ્લોટોના ગરબા આયોજકો જે પેલા સોસાયટી અને પોળોના ગરબાની જે હાલત થઇ એ તમારી થશે ..!
એલીટ ક્લાસ દૂર થાય એટલે એની પાછળ ઉચ્ચ મધ્યમ વર્ગ જાય જાયને જાય જ ..!!
અને પછી લાંબા પાછળ ટૂંકો ..!!
સરવાળે કલબો પણ ધીમે ધીમે ખાલી થતી જાય છે, મેમ્બર પાસના વેચાણ કરતા ગેસ્ટ પાસ વધારે જાય છે અને ભવાડા વધતા જઈ રહ્યા છે, જે ક્લબો ૩૫૬ દિવસ એલીટ ક્લાસથી ભરેલી હોય છે તે ક્લબો નવ દિવસ માટે “ડીંડક”ઓથી ઉભરાઈ જાય છે..!
પાર્ટી પ્લોટ અને કલબોના ગરબાના અંતનો આરંભ થઇ ચુક્યો છે .. ઇવેન્ટ મેનજમેન્ટવાળા છોકરાઓ હવે કલબોના મેનેજમેન્ટ કરતા વધારે મજબૂત નીકળ્યા છે, એમણે પોતાની રીતે પોતાના સર્કલોમાં ઓન્લી ફોર ઇન્વાઇટીઝ કરીને પાસીસ “વેચ્યા” નહિ પરંતુ “વેહચ્યા” છે..!!
સીધા કોર્પોરેટના સંપર્કો કરી અને પાસીસ આપ્યા છે અને રૂપિયા પણ કોર્પોરેટ પાસેથી ઠોકી લાવ્યા છે..ક્રીમ ખાઈ જશે અને કલબો અને પાર્ટી પ્લોટવાળા કચરાપટ્ટી અને “ડીંડક” વાળા પાસે આઈસ બચશે..!!
મફતના પાસીસ ફક્ત અને ફક્ત ભીડ ભેગી કરી આપે ..!!
ક્લબોના મેનેજમેન્ટની બકરી બરફ ખાઈ ગઈ છે, પાર્ટી પ્લોટ ઉપર ગરબા ઓર્ગેનાઈઝ કરતી ઘેટીઓ ભરાઈ છે માલ નીકળી ગયો છે અને તાલ બચ્યો છે ..!!
વગાડો તાલ હીંચ ,માત્ર છ..ધીન ધા ધા તીન ના ક્ત્તા..!!
બંધ કરો લ્યા નહિ તો છપ્પનના ભાવમાં ખોવાઈ જશો રમેશકાકા ,મહેશકાકા ,બાબુકાકા ,ડાહ્યાકાકા ,મનસુખકાકા ,ધનસુખકાકા વગેરે વગેરે કાકાઓની જેમ ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*