આજે ફરી એકવાર જન્મદિવસ આવ્યો..!!
મોટેભાગે આપણા દરેકનો જન્મદિવસ એક વર્ષમાં બે વાર ઉજવાય રાણી એલીઝાબેથની જેમ..
વિક્રમ સંવતની તિથી પ્રમાણે ઘરના વડીલો કૈક ધાર્મિક કામ કરાવીને ઉજવે અને પછી તારીખ પ્રમાણે આવે એટલે પછી તો પૂછવાનું જ ના હોય ..!!
ભાઈબંધો અને બેહનપણા..!!!
બાળપણમાં આખું ઘર, સ્કુલ અને સોસાયટી માથે લેતા અને મોટા થયા પછી કોલેજ અને હવે સોશિઅલ મીડિયા ..!
મેસેજીસના ઢગલા અને ફોન..બહુ મજા આવી જાય,
ઉંમર ભલેને ગમે તેટલી હોય પણ કોઈ હરખનો હેપી બર્થડેનો ફોન કરે એટલે ચોક્કસ ગમે ..!
જરાક `આમ` સ્પેશિઅલ ફિલ થાય ..!!
ગઈકાલે રાત્રે બાર વાગ્યાથી જે `હેપી બર્થ ડે` ચાલુ થયું છે એ આજે રાત્રે બાર વાગ્યે પૂરું થશે, નવરાત્રીમાં જન્મદિવસ આવે એનો આ ફાયદો બે રાત એક્સાઈટમેન્ટમાં જાય ..!
વોટ્સએપ ગ્રુપ્સ ,ફેસબુક ,ઈન્સ્ટાગ્રામ વત્તા ફોન કોલ્સ બધું મળીને હજાર ઉપર આંકડો જાય એટલે મારા જેવો ફુલણજી કાગડો ફુલાઈને ફરરર ફર્રર્ર ફરે..!
બહુ જ સુંદર સુંદર શુભેચ્છાઓ મળી છે ને દરેકના અંતરના આશીર્વાદ ખોબલે ખોબલે મળ્યા, કોઈ એ દિલથી ગીત ગાઈ ને, તો કોઈ કે વગાડીને શુભેચ્છાઓ મોકલી છે, સખખ્ત નસીબદાર હોઉં એવું મને ફિલ થાય છે..,
જુદા જુદા ક્ષેત્રોના લોકો મને પોતાનો સમજી અને વિશ કરે ત્યારે એમ થાય કે ઉપરવાળા જોડે રોજે રોજ માંગવા હેન્ડ્યો જતો હોતને તો આટલું ના મળતે,
બસ ખાલી ,
કેમ છે અલ્યા શંકરલાલ તમારે ? મા`ડી મજામાંને ? અલ્યા કાળિયા કેમનું તારે ? આવું કરીને મંદિરેથી નીકળી જવાનું ,
મજા આવે..!!
ગઈકાલે રાત્રે દોઢેક વગ્યે મા`ડી યાદ આવી એટલે ગાડી હંકારી સીધી માં ભદ્દરકાળીના ચોકે ..!!
અરરરર …..
જે સન્નાટો ..!!!!
મારા તો કાળજડાં બળી બળી ગ્યા..!!
મંદિર પણ બંધ , અને ગરબા જે નામના લેવાતા એ પણ બંધ .. જય હો ..!
માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે ..!!
જાણું છું કે ભૂતકાળ ક્યારેય વર્તમાન નથી શકવાનો અને થતો પણ નથી,
છતાંય ઈચ્છા તો રહે જ કે પેહલાની જેમ બધું થાય ..!!
હશે ત્યારે…નવરાત્રીની વાત કરું તો નગરી અમદાવાદની નવરાત્રી જબરજસ્ત રીતે જામી ગઈ છે,નગરી અમદાવાદે સાંજે પીક અવર્સ નો ટ્રાફિક ચડે એ છેક વેહલી પરોઢે ઉતરે છે..!
બાદ`શો આ વખતે મિજાસ થોડો ઓછો દેખાડી રહ્યો છે, એટલે રૂપલે મઢેલી રાતને માણવાની ખરેખર મજા આવી રહી છે ..પોલીસ જરાક નરમાઈથી વર્તી રહી છે અથવા તો મોદી સાહેબની સિક્યુરીટીમાં લાગી છે એટલે જથ્થો ઓછો પડી રહ્યો લાગે છે..!
નવરાત્રીની જોડે જોડે શરદ ઋતુ પણ સોળે કળાએ ખીલી છે..!!
રાતના દોઢ-બે પછીની ભાંગતી રાતે અમદાવાદમાં નહિ પણ મહાકવિ કાલિદાસની અલકા નગરીમાં ફરતા હોઈએ એવું લાગે છે..!!
અલકા નગરીમાં રત્નોના દિવા થતા, અહિયાં એલઈડીના દિવા થયા છે,
એમાં પણ ખેલ મહોત્સવને લીધે ઘણું બધું અમદાવાદ શણગાર્યું છે તે મજા આવી જાય છે નીરખવાની..!
પણ હા જો નવરાત્રી માટે શણગાર્યું છે તો પછી બાદશાહ સલામતને મહારાજાધિરાજ કેહવું પડશે હોં ..!!
મને એમ થાય કે પેલા ચીન દેશથી શી ઝીંગ પીંગ આવ્યા હતા તે દિવસના લઈને આજ નો દિવસ ..
આટલી બધી વાર આ અમદાવાદી નગરીને શણગારવા જે રૂપિયાના આંધણ કર્યા એ ભાવમાં તો આ બધા શણગાર કાયમના થઇ ગયા હોત …!!
અમદાવાદી ભાષામાં કહું તો…બહુ લાંબી ના ચલાવીએ, પણ સેહજ અમથી ચલાવીએ તો પણ ખબર પડે કે …અલ્યા વરસમાં તઈણ વાર બધું શણગારવાનું અને પાછું ઉતારી લેવાનું એવા ખર્ચા કરવા એના કરતા ભલે ત્યાં લાગેલું પડ્યું ,
અને હવે તો એવું થશે કે પેલો ફરાસખાનાવાળો ખીલ્લી ક્યાં મારવી એની જગ્યા શોધતો હશે..સીરીઝો લટકાડી લટકાડીને અને લટકાડવા ખીલીઓ મારી મારીને માણેક બુરજને `ચાઈણી` કરી મેલ્યો હશે,`તાં નવી સીદી સૈયદની જાળી તૈયાર થઇ ગઈ હશે ..!
ત્યારે શું વળી ..!!
ખરેખર જે રીતે લાઈટો વાર તેહવારે લગાડવામાં આવે છે અને પછી ઉતારી લેવામાં આવે છે એના કરતા તો પરમેનેન્ટ સેટ અપ કરીએ તો શું ખોટું છે ?
એકવાર નો ખર્ચો પછી ખાલી મેન્ટેન્સ જ રહે …
શું બોલ્યો ? શું બોલ્યો ચમન ..ફરી બોલ ..બોલ તો ચમન ..ગભરાયે નહી લ્યા બોલ બોલ ..ધીમે બોલ ,હેંડ મારા કાનમાં બોલ ચલ..
ચમન એકદમ ધીમેથી બોલી રહ્યો છે સાંભળી ના લેતા હોં તમે ..બોલ બોલ ચમન ..
“આ લાઈટો ઉતારીને ફરી ચડવવામાં આવે તો પછી કોન્ટ્રકટ `સ ..`ન.. દર વખતે નવાં આલવા પડે, અને નવું થાય તો જ વચ્ચેથી `મળઅ` …કાયમનું લગાડી મે`લો તો એક વાર જ `મલઅ`..ઈ`મને`મ ચઈ થોડું બધું લાઈટો ઉતારે ન ચડાવે ..!!!”
ચમન પણ ભારે હોશિયાર ..
આ શૈશવ બાવન પૂરા કરીને ત્રેપ્પ્નનો થયો પણ હાવ હાબ્ડભોથા જેવો રહ્યો..!!!
જીવનમાં શાંઘાઈ નામના શેહરમાં થોડી ઘણીવાર જવાનો મોકો મળ્યો છે, જબ્બર લાઈટીંગ ચારેકોર , અમદાવાદને એવી શાંઘાઈ જેવી સ્કાય લાઈન આપીએ કે નહિ પણ એવું કશું કરીએ કે ચારેકોર ઝાકમઝોળ હોય તો…?
માં તારો ગરબો ઝાકમઝોળ , ઉડે રંગછોળ ,અમદાવાદની પોળમાં રે લોલ ..!!
એ ..એ ..એ ..એ. ભૂલ થઇ ગઈ પોળો તો વેચી ખાધી ..
હવે અમદવાદની પોળમાં ના ઝાકમઝોળ ,કે નહિ રંગછોળ..!!
હશે ત્યારે .. સુધારી લ્યો ..!
માં તારો ગરબો ઝાકમઝોળ ,ઉડે રંગછોળ, પાવાગઢની પોળમાં રે લોલ..!!
જાત માટે જીવતા શીખી રહ્યો છું .. સાપેક્ષ જીવાતી જિંદગીથી છૂટવાની કોશિશ ચાલુ છે અને જો આવું જો થાય તો જિંદગી તમને ઈર્ષ્યા ભાવથી પર રાખે, સાચા કે ખોટા વખાણ કરતા શીખવાની કોશિશ ચાલુ છે ,પોઝીટીવ પોઝીટીવ રેહવાની વાતો કરું છું કોશિશ કરું છું ,સમસ્યા કરતા સમાધાનમાં રસ વધારે પડી રહ્યો છે ,વાત કરતા વિચાર વધારે વહાલો લાગે છે,પંચાત એકદમ હાઈ લેવલની હોય તો ગમે છે ,બાકી નથી ગમતી..!
કદાચ ઉંમર નો તકાજો ..પણ ઓવર ઓલ સારી ગઈ અને જઈ રહી છે ..!
સૌનો ખૂબ ખૂબ આભાર ,આશીર્વાદ અને પ્રેમ માટે ,
બસ આમ જ વરસાવતા રેહજો..!!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*