એક પછી એક નોરતા પસાર થતા જાય છે, એક નોરતું ઓછું છે આ વર્ષે ,પણ એક વાત કેહવી પડે .. જેવા રાતના બાર વાગે છે કે સન્નાટા રોડ રસ્તા ઉપર રાજ કરતા થઇ જાય છે ,
પાર્ટી પ્લોટોમાં ગરબા છે જ નહિ અને ફ્લેટોમાં મોટી (રૂપિયામાં મોટી ,દોઢ બે કરોડ ઉપરના ..) સ્કીમો કે બહુ નાની સ્કીમોમાં ગરબા થાય છે ,
જ્યાં નકરો “માસ” છે ત્યાં ગરબા દેખાતા નથી અને “ક્લાસ” એ એની વ્યવસ્થા કરી લીધી છે , “સુમડી” માં અઢી હજાર ના બે પાસ `વેચાય` છે, હવે અહિયાં જે ચંબુઓ ને `વેહચાય` અને `વેચાય` નો ફર્ક ના સમજાતો હોય એ આગળ વાંચે નહિ સ્ક્રોલ કરી જજો પ્રભુ ..!!
બે જણના અઢી હજાર એટલે મારા જેવાને સીધી ચાલીસ હજાર ની ચાકી ચડે..!!!
તો હવે ? કઈ નહિ જે મિત્રો સાથે ફરીએ છીએ એ જ મિત્રો સાથે ક્યાંકથી સ્પીકર ની વ્યવસ્થા અને રોજ નવા નવા કલાકારો ને “બોલાવવા” ના યુટ્યુબ ઉપરથી ..!
પેહલા દિવસે ઉસ્માન મીર અને ભૂમિ ત્રિવેદી ને “બોલાવી” લીધા , થોડા તળપદા ગરબા અને થોડા જુના ગરબા એમ બધું એમણે ગાયેલું અમે વગાડ્યું , પછી ગઈકાલે આસિત દેસાઈ ને “બોલાવ્યા” દોઢ એક કલાક એમણે પણ જમાવટ કરી આપી ,હવે જોઈએ આજે કોણ “આવવા” તૈયાર થાય છે ..!!!
છેલ્લા થોડાક વર્ષોથી નવરાત્રીમાં ભીડ ભીડ ના ભડાકા હોય છે , ગરબા કરતા હોય એના કરતા “જોવા”વાળા વધારે હોય છે,ગરબા ગ્રાઉન્ડ કરતા વધારે પબ્લિક રોડ રસ્તા ઉપર રખડી ખાતી હોય છે ,એ બધી થોડીક શાંતિ લાગે છે, ક્યારેક આવું પણ ગમે ..!!
જો કે રખડવું તો આપણને પણ બહુ ગમે, કેમ કે નવરાત્રી ની નવ રાતો જ એવી હોય કે બાપુજી નો ફોન ના આવે કે ક્યાં છો ? બાકી તો રણકે જ ..!
ખૈર આ વર્ષે તો એવો કોઈ ચાન્સ જ નથી ,
લાઈવ ગરબાની મજા કોઈ ઓર જ છે પણ હવે આપણા બજેટની બાહર છે એટલે હાજર સો હથિયાર, છે એનાથી ચલાવી લેવાનું ..!!
આ બધા ની વચ્ચે ગઈકાલે એક સુખદ આશ્ચર્ય સામે આવ્યું , એક એફ એમ રેડિયા ઉપર આરતી વાગતી હતી અને બાળકો એ રેડીયા ની ચેનલ બદલી કાઢી..!
“ળ” ની બદલે “ડ” બોલે છે અને “ણ” ની બદલે “ન” ગાય છે આ બેન તો ,
નક્કી કોઈ નોન ગુજરાતી પાસે આ ડફોળ રેડિયાવાળા એ આરતી ગવડાવી લાગે છે..!!
ભાષાની અશુદ્ધિ કાન ને કઠી ..! ઘણું થઇ ગયું ..!! ધન્ય ધન્ય ..!
મારે બાળકોની સાથે સહમતી નો સૂર પુરાવવો પડ્યો કેમકે બેન “ગૌરી” ની બદલે “ગોરી” ગાતા હતા..!! એટલે નક્કી નોન ગુજરાતી જ હોય ગાનારા તો જ આવા બધા “ભગા” વાગે..!!
ગુજરાતી શબ્દોમાં જયારે નોન ગુજરાતી પાસે ડબિંગ કે ગવડાવ્યું હોય ત્યાએ ઘણી બધી વાર જાતિમાં પણ ફેરફાર થઇ જાય છે નાન્યતર ને પુલ્લિંગ ક્યાં તો પછી સ્ત્રીલિંગ નું પુલ્લિંગ એવા કંઈક ખેલ થાય છે..! જો કે ગુજરાતીઓ પણ પાછળ નથી “ભગા” કરવામાં ..! `ળ` ના `ડ` બહુ પ્રેમથી કરે છે
અત્યારે લખું છું ત્યારે બાહર એક રીક્ષામાં ગરબો વાગી રહ્યો છે .. માં પાવા તે ગઢ થી ઉતર્યા માં કાળી રે ..વસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી રે..
અહિયાં `ળ` નો `ડ` થાય તો ? માં “કાડી” થઇ જાય..!
હા એક છૂટછાટ લઇ શકાય અને એ ઘણા ગાયકો બહુ પ્રેમથી લેતા પણ હોય છે અને ગરબા ને દિપાવી પણ દેતા હોય છે જેમકે
વસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી રે .. છે ત્યાં ..વસાવ્યું ચાંપા `તે` નેર પાવાગઢ વાળી રે..!
`તે` વચ્ચે ખોસી દેવાય તાલમાં રહી ને, વચ્ચે શબ્દો નાખી અને જુદી જુદી જગ્યા લેવાય તો ગરબો ખીલી જાય ..!
આજકાલના નવા નવા છોકરા છોકરીઓ જુના ગરબામાં હરકતો લે છે ક્યારેક તાન મારે ક્યારેક સરગમ ખોસે છે પણ ગરબામાં હરકત કે બીજી કલાકારી કરતા કરતા હલક વધારે મહત્વ રાખે છે, કેમ કે હરકત તો કેળવી શકાય પણ કંઠની હલક છે ને એ જન્મજાત જ મળે ..!
જૂની પેઢીના આપણા ગાયકો કંઠ ની હલક થી મેહરામણ જીતતા, નવી પેઢી કણ ,મુરકી કે હરકતથી જીતવા ની કોશિશ કરે છે .!!
કદાચ પેહલા લખી ગયો હોઈશ પણ ફરી એક નવી પેઢી નો ગાયક છે એણે રંગલો જામ્યો કાળંગરી માં કાલિન્દી ,કાલંદરી એવું બધું ઘણું વાપર્યું પણ પછી ઇન્ડીયા માર ખાઈ ગયું .. તને બરકે તારી જશોદા માત છોગાળા તારા .. એમાં કર્યું તને ભરખે તારી જશોદા માત છોગાળા તારા ..!!
અલ્યા પિત્તળ.. જશોદા માત છે રાક્ષસી નહિ કે ભરખે તને ..!!
આખો અર્થ નો અનર્થ ,`બરકે` એટલે બોલાવવું અને `ભરખે` એટલે ભરખી જવું , મોટેભાગે ડાકણ ભરખી ગઈ એવા શબ્દ સાથે ભરખે શબ્દ નો પ્રયોગ થાય..!
પણ ચાલે છે બધું ..!
જુના લોક ગરબા ના શબ્દોના અર્થ મારા જેવા ઘણા ને સમજાતા નથી , દિવાળી બા ના ગરબા અને ગીતો ના અર્થ સમજવા અઘરા પડે છે , કોઈ ભાષા શાસ્ત્રી ને જુના લોક ગરબામાં પીએચડી કરવું હોય તો દસ પીએચડી થાય એટલા ગરબા હજી જૂની પેઢીની છાતીમાં ધરબાયેલા પડ્યા છે ,
સમય રેહતા કાઢી લ્યો નહિ તો એમની ભેગું બધું લાકડે જશે..!
સાવ જુના તળપદા લોકગીતો અને ગરબા લગભગ વિસરાઈ રહ્યા છે , હાથથી છૂટી રહ્યા છે કામ કરવું જરૂરી છે..!
અરે હા કૈક અમદાવાદ કદાચ કર્ણાવતી થાય એવી વાતો થઇ રહી છે લોકમુખે..!
ગરબો બદલાવો પડશે..!!
આ કર્ણાવતી નગરી ..એને ફરતે કોટે કાંગરી ..! એ વહુ તમે ના જશો જોવા ને ત્યાં બાદ`શો ……??????????
“બાદ`શો” નું શું કરવું ? `મંત્રી` કરી ને એનું `મંત્રો` કરવું ? કે પછી `મેયર` નું `મેયરિયો` બડો મીજાસી કરવું ?
એકે લાલ દરવાજે તંબુ તોંણ્યા રે લોલ … !!
હેંડો તારે આજે હવાર હવારમાં ઘણી કુટી ઘાલી ,આપડા (આપણા ) તંબુ તોંણી મેલ્યા સ ઈને હરખા કરો ..માથે દિવાળી ગાજે સી પગારો કર્યા તે બોણીઓ ના કારભારા કુટી મેલવા પડશે અત્ત્તાર થી પસે કોઈ ફદિયું નહિ પરખાવે ..!
બળ્યું અમાર તો આ દર દિવાળીએ હોળીઓ જ હોય સી હાચુ કવ ..!
રમજો હોં અલ્યા .. આ ફેર તો માર ભાભી જોડે જ રમવું પડશી ક્યોંય આજુબાજુ ડાફોરીયા નઈ મારવા મલે..અને ચુપચાપ બાર વાગ્યે ઘરમોં..!!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*