શાહરૂખ ખાનનો છોકરો પકડાયો…!
પંચાતની પેટીઓ ખુલી ગઈ,વીસ વર્ષ જુનો ઈન્ટરવ્યું કોઈક ખોળી લાવ્યું અને લોકનજરમાંથી ઉતરી ગયા બાપબેટા બંને..!!
મને જે મળ્યું નથી એ મારા દિકરા ને ચોક્કસ આપીશ ..!!
એને જે કરવું હશે તે હું કરવા દઈશ ..!!
મ્હારો છોકરો છે ..!! (`મ` ઉપર જબરજસ્ત વજન આપી ને બોલાય )
પુત્ર રતન માટે બોલતા શબ્દો ..!!!
આપડે તો આપડા છોકરા ને આપડી સામે બેસાડી ને જ પેહલી વાર દારુ સિગારેટ પીવડાવી છે ..!!
આજે તો મારા છોકરા ને મળવા એની ફ્રેન્ડ છેક ઘર સુધી આવી ગઈ હતી , પછી આંખોમાં મસ્તી લાવી ને બોલે.. સાલ્લો બે કલાક એના રૂમમાં લઈને પડી રહ્યો હતો..!! મેં તો એની માં ને કીધું ચલ ચલ આપણે ઘરની બાહર નીકળી જઈએ..!! જોર જલસા કર્યા હરામીએ..(ગાળ ,ગાળ ,ગાળ )
તીનપત્તી તો રમે કઈ ,આજ સુધી નો રેકોર્ડ છે બાવન પત્તા હોય કે કેસીનો હંમેશા પ્લસમાં જ હોય..!! મ્હારો છોકરો છે ..!!
બીજી બાજુ હવે ..!!
મારો બાપો તો સખ્ખત કો-ઓપરેટીવ.. બાટલીમાં ત્રણ પેગ રાખી જ મુકે એને ખબર જ હોય કે રાત્રે હું ઉઠી ને મારી જ લેવાનો ..!
અરે યાર ગોળી (ડ્રગ્સ) એકવાર મમ્મીએ પકડી લીધી હતી બાપો કહે મારી છે એમ કરી ને બચાવી લીધો ..!!
સ્કુલમાં હતો ત્યારથી જ બાપો અડધી સિગારેટ પી ને ફેંકી દે આપડા માટે , ઠુંઠા પીવાની મોજ આવતી..!!
એકવાર તો બાપા જોડે બોમ્બે ગયો હતો ત્યાં એમની કોઈ ક્લ્યાયંટ જોડે એની ભત્રીજી આવી હતી .. મારી વર્જિનીટી લઇ ગઈ ..! પછી તો બાપા જોડે વર્ષે બે ત્રણ વાર એ જ્યાં જાય ત્યાં જવાનું ..!!
ચલ ચલ પાર્ટી કરીએ ગોવા જઈને બાપાએ ત્રણ પેટી આપી છે ઉડાડવા..!!
xxx (ડ્રગ્સ નો એક પ્રકાર )ટ્રાય કરીએ ,બાપો કેહતો હતો કે yyy (ડ્રગ્સ નો બીજો પ્રકાર ) તો આજકાલ છોકરીઓ લે છે મર્દ બન ..!!
અરે પેલી ttt ને લઈને ઘેર ગયો હતો ,બાપો તો જોર ઉછળ્યો સરખી ક્વોલીટીની લઈને તો ફર ..!! આવી કચરાપટ્ટીમાં શું મોઢા મારે છે , તારાથી ના મેળ પડતો હોય તો મને કહે હું લાવી દઉં..!!
સાંભળ્યા છે આવા સંવાદો ?
નથી સાંભળ્યા ? તો તમે બિલકુલ મધ્યમ વર્ગની ઘંટી માં પીસાતા માણસ છો..!!
સાંભળ્યા છે ?
ઓહો કેહવું પડે સ્ટાર લોકો ને તમે તો ઓળખો છો , બહુ સફળ લોકો ની જોડે તમારી ઉઠક બેઠક છે..!!
એકે એક વાક્ય વાયા-મીડિયા કે સગ્ગા કાને નગરી અમદાવાદના “નરબહાદુરો” ને મોઢે સાંભળેલું છે, બ્લોગ વાંચી ને કોઈને યાદ આવી જાય કે આવું તો હું શૈશવ ની સામે બોલ્યો હતો તો શરમાશો કે ગભરાશો નહિ ,આઇડેન્ટિટી રીવીલ નહિ જ કરું તમારી..!!
પુત્રરત્નના જન્મની સાથે જ આ સંસારમાં ઘણી બધી વાર ધ્રુતરાષ્ટ્ર નો જન્મ પણ થઇ જતો હોય છે , પુત્ર મોહ જાગે …!
દુનિયામાં ચારેય બાજુ ઘણા બધા પેલી કલીપવાળા શાહરૂખખાન જ રખડે છે..!! મોટે ભાગે પોતે અધુરપ ની જિંદગી જીવી હોય એટલે પુત્રમાં “એ બધું” પૂરું કરવાની તમન્નાઓ જાગે..!!
હું તો જબરજસ્ત એનાલીસીસ કર્યા કરું જયારે જયારે સમય મળે ત્યારે અને મારી ઉંમરે તો બહુ જ મજા આવે કેમકે મેં બાપ ને પણ જોયો હોય અને દિકરાને પણ જોઉં..!! બાપ ની “અધુરપ” પણ જોઈ હોય અને દિકરા ના “ખેલ” પણ જોઉં ..! ટોટલ નાલાયકીઓ , હલકાઈઓ .. નર્યો દંભ ..!!
મારી નજર સામે દિકરા ને દારુ ,બીયર કે પછી આડકતરી રીતે નગરવધુ તરફ ધકેલતા બાપ ને જોયા છે, સત્તર અઢાર વર્ષ નો છોકરો એટલે મિત્ર એમ ગણી ને આ ધંધા થાય અને પછી ના ખેલ જોવા જેવા હોય ..!!
ફક્ત ત્રણ થી ચાર જ વર્ષમાં જે દોરી છુટ્ટી મૂકી હોય એનો છેડો પણ હાથમાં નાં આવે , અને એવા એવા કાંડ કરી ને વસ્તી પાછી આવે કે અમારા જેવાની સામે મોઢામાંથી અવાજ પણ ના નીકળે..!!
રાત રાત ના ઉજાગરા બાપ ના માથે આવે..!! કર્યા ભોગવવા તો પડે જ ને ..!
લગામ ખેંચવાના સમયે છુટ્ટી મુકે એટલે છેવટે લગામ એના પગમાં જ ભરાય અને નાં જોવાના દિવસો આવે..!!
એકવીસમી ઉર્ફે એક વસમી સદી ચાલી રહી છે, જે શબ્દો બાપા દિકરા માટે બોલે છે અને દિકરો બાપા માટે બોલે છે આ જ શબ્દો આ વસમી સદીમાં દીકરીઓ માટે અને દીકરીઓના મોઢે પણ ક્યાંક ક્યાંક સાંભળવા મળ્યા છે..
પરી બેટા પાર્ટીમાં જાય છે ? સેહજ ઓછું ડ્રીંક લેજે..!!
છોકરી છે તો શું થઇ ગયું એણે એન્જોય નહિ કરવાનું ? બેટા જે મન થાય તે કરો પણ ઝડપાઈ ના જતા..!
દીકરી ગમ્મે તે કરી ને આવે તારે જરાક પણ ચિંતા નહિ કરવાની તારો બાપ બેઠો છે..!!
આજકાલ કટાક્ષમાં આવી ફાટી ને ધુમાડે ગયેલી માટે “પાપા કી પરી” એવા ત્રણ શબ્દ વપરાય છે અને એની સામે ધુમાડા ના ગોટા ઓકતા માટે “માં કા મગ્ગર” એવા ત્રણ શબ્દ વપરાય છે..!
સેહજ નજર કરજો ઉપ્પર.. મળી આવશે તમને પણ “પાપા કી પરી” અને “માં કા મગ્ગર”..!!
કોને શું કેહવું એ જ ખબર નથી પડતી.. સંયમ ,સુખ ,સંતોષ , જે મળ્યું એ ઈશ્વર નો આભાર, બહુ ઓછું થતું જાય છે , ભોગવી જ લેવું છે ,માણી જ લેવું છે ..!!
રવિવારે સવારે યુનીવર્સીટી કીટલી ઉપર ઉભો હતો, કાળી ભમ્મર દાઢીવાળા ચાર પાંચ નાના નાના અઢાર ઓગણીસ વર્ષના છોકરા આવ્યા ,બે એ સિગારેટ લીધી ,મારા મોઢામાંથી નીકળી ગયું કેવી “મસ્ત” લાઈફ છે કોઈ જ ટેન્શન નહિ બાપો કમાય અને આ લોકો ને ધુમાડા કાઢવાના ..
કીટલીવાળો છોકરો બોલ્યો દર વર્ષે નવા નવા આવે છે, સૌ પેહલા વર્ષમાં બે ચાર પીતા હોય અને છેલ્લા વર્ષમાં બેચાર બાકી રહ્યા હોય ,જોડે રહેલો મિત્ર બોલ્યો હાચ્ચી વાત છે હવે તો છોકરીઓ પણ બાકાત નથી રહી..!!
મેં સેહજ ટીખળ કરી કીટલીવાળા છોકરા ને.. એકલી સિગારેટ કે પછી ગોળી(ડ્રગ્સ ) ભરાવે અંદર?
કીટલીવાળા એ સરસ જવાબ આપ્યો.. સાહેબ બાપા ના ખિસ્સામાંથી જે જેટલા કાઢી લાવે એ એટલા વાપરે..!!!
મધયમવર્ગીય મૂલ્યો ને છોડવા જેવા નથી , સફળતા પચાવવી દરેક ના `બસ` ની વાત પણ નથી , ભોગવી લેવું માણી લેવું એ વૃતિ સેહજ સાચવી ને વાપરવી પડે તેમ છે, જૂની પેઢી ના “હાયકારા” ને યાદ રાખીએ તો કદાચ બચી જવાય અને બચાવી શકાય તેમ છે ..!! ( હાયકારો એટલે હાય હાય દારુ પીવે છે ? લે હાય હાય શું વાત કરે છે લફરું કર્યું ? )
ઠીક મારા ભ`ઈ ,કરૂ હવે ,મારી જિંદગી છે, મારે જેમ જીવવી હોય તેમ જીવું, મારા બાપ ના રૂપિયા છે..!!
તો પછી “પાપા કી પરી” અને “માં કા મગ્ગર” જ થાય…!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*