ધીં ધા ધા , તીન ના કત્તા..
તાલ હીંચ, ખેમટો કે પછી દાદરા ,છ માત્રાના આ તાલે છેલ્લા નવ દિવસથી ગુજરાત આખાને ઘેલું કરી નાખ્યું,
મનની મોજ બહાર લાવી અને આખે આખું ગુજરાત આ નોરતામાં ઝૂમ્યું, એકેય જગ્યાએ એવી નહોતી કે જ્યાં ભીડ ન હોય, તમામ ગરબા ગ્રાઉન્ડ ધક્કામૂક્કીથી ભરપૂર હતા..
હવે એવું કહેવું કદાચ અતિશયોક્તિ ભર્યું નહીં લાગે કે હવે નવરાત્રી હોય અને ગુજરાતી માણસની બાજુમાં ટ્રેક્ટર ચાલુ કરી દો તો પણ ગુજરાતી માણસ ગરબા ગાવા લાગશે,
પંજાબીઓ માટે તો આ બહુ જાણીતી ઉક્તિ છે કે એકવાર નાચવાનું ચાલુ કરે પછી ઢોલ બંધ થઈ જાય અને ટ્રેક્ટર ચાલુ કરી દો તો ટ્રેક્ટરનો જે ઘર ઘર અવાજ આવે છે એની ઉપર એ ભાંગડા કરી લે છે ,
ગુજરાતી માટે પણ આવું હવે કદાચ કહી શકાય એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે..
આ વર્ષે નગરી અમદાવાદે ઉત્તર ગુજરાતના ગરબાની બોલબાલા રહી, એક સમય હતો કે ગરબા ઉપર નાગરોનું પ્રભુત્વ રહેતું પણ આ વર્ષે ઉત્તર ગુજરાતના ગરબા ઘણા ગવાયા વાગ્યા..
પણ દરેક ગરબામાં તાલ એનો એ જ ..હીંચ ..ખાલી ને ખાલી ઠેકો બદલાઈ જાય એટલે બે ને ત્રણ તાલી બસ આટલો જ ફરક આવે..
પણ જામી રમઝટ ..ગામ ગામ ના ઢોલીડા આવ્યા અને મંડ્યા …
દશેરાના ફાફડા કેટલા વેચાય એ આવતીકાલની હેડલાઈન ચોક્કસ હશે, કદાચ બધા લખશે કે 100 કરોડના કે 200 કરોડના ફાફડા જલેબી અમદાવાદ ખાઈ ગયું ,
પણ એક રિસર્ચ કરવાનો વિષય એ પણ છે કે અમદાવાદી એ કેટલા કરોડના પાસ ખરીદ્યા ગરબા ગાવા માટે..
અમુક અમુક જગ્યાના પાસ ……
પેહલા સહેજ હૃદય ઉપર હાથ મૂકી રાખજો ……
5,000 ના અને 10000 રૂપિયા સુધી બ્લેક માર્કેટમાં વેચાયા છે ..એક દિવસના,
જી હા એક દિવસના પાસના..સીઝન પાસ નહિ ..!!
અને આવી જગ્યાએ પાછું 200 , 500 જણનું ક્રાઉડ નહીં બબ્બે અને પાંચ-પાંચ હજાર માણસો અમે ત્યાં ગરબા રમતા જોયા..
ગુજરાતીની સ્પેન્ડિંગ કેપેસિટી હવે બહુ વધી ગઈ છે..!!!!
આ વર્ષે બીજું પણ એક જોવા મળ્યું, મોટાભાગના ગરબા ગ્રાઉન્ડની અંદર વડોદરાની જેમ એક સર્કલમાં અમદાવાદી ગરબા રમતા થઈ ગયા છે ..
પેલા અકબરના જમાનાની વાર્તા આવતી ‘તી ને કે કોઈ હિન્દુ રાજા ની સામે લડવા માટે મુઘલ સેના ગઈ હતી અને સામેની તરફ રાત્રે મુઘલ સેનાપતિએ બહુ બધા તાપણા થતા જોયા, એટલે એણે એને સેનાપતિને પૂછ્યું કે આટલા બધા તાપણા કેમ છે ?
તો સેનાપતિએ જવાબ વાળ્યો કે દરેક સૈનિક પોતપોતાની નાતજાત પ્રમાણે ભેગા થઈ અને અલગ અલગ જમવાનું બનાવી રહ્યા છે , અને આ વાત જાણી અને મુઘલ સેનાપતિ એકદમ જ ખુશ ખુશ થઈ ગયો હતો કે હવે વાંધો નહીં આવે જે લોકો એક રસોડા જમી નથી શકતા એ એક થઈને લડી કેવી રીતે શકવાના છે..
બસ બિલકુલ આમ જ અમદાવાદીને દરેકને પોતાની સ્ટાઇલમાં ગરબે રમવું હતું , ચપ્પલ વચ્ચે મૂકીને પોતાનું ચકરડું બનાવતો ..
એ સ્ટાઇલ આ વર્ષે ઓછી થઈ ગઈ છે ,એક જ મોટા ચકરડામાં અમદાવાદી રમતો થઈ ગયો છે ,છતાંય ક્યાંક ક્યાંક હજી જુદા જુદા રસોડે જુદા જુદા લોકો ગોળ ગોળ ફરતા હતા પણ એ ગરબા ક્લાસીસ ની અસર હતી …
એટલે હવે સમય પાક્યો છે કે સ્ટેજનો ગરબો જેને કહેતા એ સ્ટેજના ગરબાને ફરી સ્ટેજ ઉપર લઈ જવાય, રિવરફ્રન્ટ ઉપર બહુ બધા એમ્ફી થિયેટર બનાવ્યા છે , જેનો હજી સુધી ઉપયોગ થયો દેખાતો નથી , ઘણા બધા બીજા પણ આપણી પાસે એવા ગ્રાઉન્ડ ખુલ્લા પડ્યા છે કે જ્યાં આ પ્રકારે સ્ટેજના ગરબા યોજી શકાય , આખો આસો મહિનો છે એ દરમ્યાન યોજી શકાય છે , અને પાછળ ચૈત્રીનો નવરાત્રી પણ આવતી જ હોય છે ..
પેલી સાબરમતીની આરતી કરવા ગયા હતા એનો ફિયાસ્કો થઈ ગયો પણ દરેક પૂનમે સ્ટેજ ગરબા રિવરફ્રન્ટના એમ્ફિથિયેટરમાં ગોઠવો .. સાથે બેચાર કવિને પણ બોલાવજો …પાક્કું જનતા આવશે..નહિ ફાલુદો થાય ..!!!
કવિઓ, નવજુના પણ બે પાંદડે થશે..
ત્યાં એમ્ફિથીયેટરમાં સ્ટેજના ગરબાનું આયોજન કરી ગરબાને પ્રોત્સાહન અપાય તો જરાક ગરબો આગળ વધશે ,
આ વર્ષે જેમ ગરબા ક્લાસીસવાળા છોકરાઓએ ગરબાની અંદર ઘણી બધી વેરાઈટી ઉમેરી દીધી છે અને વેરીએશન્સ પણ ઘણા આવી ગયા છે એમ વેરાઈટી અને વેરીએશન્સ આગળ વધતા રહેશે ને કલાનું સંવર્ધન થશે…
હવે વાત કરું કપડાની,
તો બધું જ બે હિસાબ જતું હતું પાટણના પટોળા પહેરીને અમદાવાદની નાર ગરબે ઘૂમી છે , હવે પાટણના પટોળા ડબલ ઇકતના લાખ બે લાખમાં પણ મળતા થઈ ગયા છે, પણ સારા ક્વોલિટીના રૂડા મુરલિયા ચીતરેલા લેવા જવા હોય તો 12-15 લાખ ઉપરના પણ પાટણના પટોળા મળતા થઈ ગયા છે ,
એવા રૂડા મુરાલિયા ચીતરેલા પટોળા પહેરી ને ગુર્જરનાર ગરબે ઘૂમી છે, કપડાની રેન્જ પણ બહુ જ મોટી થઈ ગઈ લો ગાર્ડન કે રાણીના હજીરા થી લીધેલા કાપડા થી લઈને પાટણના પટોળા..
બીજી તરફ ઇકોનોમીનો વિચાર કરો તો આજ સુધી કોઈ છાપાવાળાએ હજી સુધી છાપ્યું જ નથી કે નવરાત્રીનો બિઝનેસ કેટલા કરોડનો છે..
હું માનું છું કે કમ સે કમ બે હજાર કરોડ કે એનાથી આગળ જાય પણ પાછળ નહીં , એટલો મોટો ધંધો આ નવરાત્રીમાં ગુજરાત ખેલી લે છે ..!!
એન આર આઈ ગુજરાતીની તો વાત થાય એમ નથી , એની ઇકોનોમીને પણ જો આ નવરાત્રિના મહોત્સવ સાથે જોડવામાં આવે તો ગરબા એક ભયંકર મોટું ઇકોનોમિક ફેક્ટર ઊભું થાય એવું છે આર્થિક જગતને પરાણે નોંધ લેવી પડે તેવું ..
અરે હા ખાણીપીણીને પણ જરાક એમાં જોડજો હો રસિયા…
ગમે તેટલો કકળાટ કરો પણ પ્રજા ઝેર જ ખાવાની , ઘેર તો ખાવાની જ નહીં..! ખાધેલું જોડે આવશે બાકી બધું અહીંયા મૂકીને જવાનું. આવું ગળથૂથીમાં ગુજરાતી માણસને પીવડાવી દેવામાં આવે છે, પછી કેમનું છૂટે?
રીતસરનો હડકવા ઉપડે લારી ગલ્લા જોઈને ગુજરાતી માણસને ખાઈ જ લેવું હોય, પરસેવે રેબઝેબ થઈ જાય પણ ભાજીપાવમાં પેલી લસણની ચટણી ના રેડે ત્યાં સુધી સાલાને ધરાવ ના થાય..
બીજા દિવસે સવારે જ્યાં બળવું હોય ત્યાં બળે પણ હું તો ખાઈશ..
નવરાત્રીનો આકડો માંડવાની વાત એટલા માટે કરું છું કે જો ઓલમ્પિક માટે આપણે બીડ કરતા હોઈએ અને એની પાછળનો આશય દેશની ઇકોનોમીને ફાયદો કરવાનો હોય તો નવરાત્રીનું ગ્લોબલ માર્કેટિંગ કરી અને એક ઇવેન્ટ તરીકે પ્રમોટ કરવામાં આવે તો ગુજરાતને ઘણો ફાયદો મળી શકે એવું દેખાય છે..
આ નવરાત્રી એ લગભગ ભારતભરની અંદર દરેક જગ્યાએ શુક્ર, શનિ અને રવિ “દાંડિયા નાઈટ” ગોઠવાઈ છે , ગરબા એ લગભગ ભારતભરના દરેક રાજ્યમાં પગ પેસારો કરી લીધો છે અને સારી એવી પેઠ બનાવી લીધી છે , તો હવે એનો પણ થોડોક વધારે ઉપયોગ થાય અને એ પેઠને આગળ વધારીએ તો નવરાત્રીના નવ દિવસ હું માનું છું કે અમદાવાદ ,સુરત, રાજકોટ ,વડોદરા હોય કે ભુજ હોય લોકો સ્પેશિયલ નવરાત્રીની બે ત્રણ રાત અહીંયા ગરબા રમવા માટે ભારતભરમાંથી આવી જાય …
અને આવનારો આવે તો કંઈક આપી નથી જતો હોય છે..!!
નવરાત્રીમાં કદાચ છેવાડાનો માણસ ગણો અને જે કમાતો હોય તો એ છે ઢોલી અને હોટલનો વેઈટર આ બંનેના વર્ષભરના દાણાપાણી ભરાઈ જાય એટલું એ લોકો પામતા હોય છે,
ઉપરના લોકોની વાત થાય એમ નથી ..
અમેરિકા ,કેનેડા, ઓસ્ટ્રેલિયા ,બ્રિટન આ બધી જગ્યાએ અમુક અમુક કલાકારોએ એક એક વખત ગાવાના 25,000 ડોલર ચાર્જ કર્યા છે , આવી વાતો પણ સંભળાઈ રહી છે ..
જો કે મને એનો આનંદ છે , આપણે રહ્યા મૂડીવાદી ..લાખ ડોલરે પણ પહોંચશે તો એ રૂપિયા લઈને તો ઘેર જ આવવાના છે , અને ફાયદો ભારત દેશની ઇકોનોમી નથી થવાનો છે ..
હેઇ તમ તમારા રંગલો જમાવો , પછી એ કાલંગરીનો ઘાટ હોય કે પછી થેમ્સનો ઘાટ હોય..
અરે હા આંકડો માંડવો કીધું એટલે જીએસટીની , ઇન્કમટેક્સની રેડો લઈ અને બિચારા કલાકારો ઉપર તૂટી ના પડતા..
ગામ બસા નહિ લુટેરે પહેલે આ ગયે..
તાજી માજી થાય પછી ડોશીને ખાવા દોડજો ,
જરાક લાખ ડોલર એક રાતના લેતા થવા દો આટલી હિમ્મત ખુલી છે તો થોડીક વધારે ખોલવા દો , માંગવા દો રૂપિયા, પછી તડી બોલાવજો ..
ગુજરાતી કલાકારો હમેશા બિચારાને બાપડા થઈને જ રહ્યા હોય છે , સાઉથ જેવી ધીકતી કમાણી ગુજરાતી ફિલ્મી ઇન્ડસ્ત્ટ્રીને ક્યારે નથી મળી, કે નથી ગુજરાતી સંગીતવાળા પામ્યા..
એટલે જરાક કમાવવા દો સો-બસ્સો ,પાંચસો હજાર કરોડ
હિંમત ખોલવા દો એમને માંગવાની , પછી ધડબડાટી બોલાવજો હો ..
ધીં ધા ધા , તીન ના કત્તા..
ચાલો સૌને જય અંબે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે. ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*