જીડીપી ધબાય નમઃ થયો છે, વિરોધીઓ એ બરાબર માછલા ધોવાના ચાલુ કરી દીધા છે અને સમર્થકના મોઢા સિવાઈ ચુક્યા છે, છ વર્ષના શાસનમાં આર્થિક મોરચે સદંતર નિષ્ફળતા મળી હોય એવું ચિત્ર દેખાઈ રહ્યું છે ..
બજારો કેશક્રંચથી પીડાઈ રહ્યા છે અને માલ ઉભરાઈ રહ્યો છે..!
સરકાર કહે છે કે નોટબંધી કરતા વધારે કેશ અત્યારે બજારમાં સરકાર ફેંકી ચુકી છે,છતાં પણ કેશ ક્રંચ વર્તાઈ રહ્યો છે..
કાળાનાણા ને નોટબંધીથી નાથી શકાશે એવી અવધારણા સદંતર ખોટી પડી છે અને દરેક કેશ ટ્રાન્ઝેક્શન ને કાળું ગણવાની પણ ભૂલ ગણાશે..!
ઘણા પ્રયત્નો કેશલેસ ઈકોનોમી ના થયા ,પણ પ્રજા ને રોકડની ટેવ છે અને એ છૂટતા લગભગ એક આખી પેઢી જાય તો આ ટેવ છૂટે, એટલે ઓછામાં ઓછા બે દસકા થાય ..
આ પેઢી હવે નોટબંધી અને જીએસટી શીખી એ ઘણું છે ,બીજું વધારાનું કઈ માથે મારવાની કોશિશ થઇ તો વિરોધના વંટોળ ચડશે..!
ભારત કોઈપણ પ્રકારના બદલાવ ને જલ્દી સ્વીકારવા ટેવાયેલો દેશ નથી.! અને એ પણ જોરજબરજસ્તી તો બિલકુલ ના ચાલે..!
મધ થી મરી જાય ,પણ ઝેર પીવડાવો તો ગળા માં સંઘરે અને સમય આવ્યે પીવડાવનાર ને મોઢે થુંકે..પણ મરે તો નહિ જ ..!
આજે ૨૦૧૭-૧૮ ના જીએસટીના વાર્ષિક રીટર્ન હજી પણ પચીસ ટકાથી વધારે લોકો એ ભર્યા નથી તે એ વાતનું પ્રમાણ છે, અને સેહજ જોર જબરજસ્તીથી રીટર્ન ભર્યા અને પાછળથી સરકારી અમલદારો એ જો નોટીસોના ઢગલા મોકલ્યા તો એને અવેરતા ચૂંટાયેલી સરકારને દમ નીકળી જશે ,એટલે સરકાર પણ મુદતો વધારતી જ જાય છે..!
પાન કાર્ડ ને આધાર જોડે જોડ્યા, જીએસટી ને પણ પાનકાર્ડ જોડે ,બેંકોના ખાતા ને જોડ્યા વગેરે વગેરે બહુ બધું કર્યું ..છેલ્લા એક દસકામાં ઘણી કસરત પ્રજા કરી ચુકી છે અને હજી નવી કોઈ કસરત આવે તો શું કરવું એના વિચારમાં છે..
દુનિયાભરની દરેક સરકારો પોતાની આવક વધારવા માટે કોઈ ને કોઈ પ્રયત્નો કરતી જ રહે છે અને જુદી જુદી રીતે ટેક્ષ ઉઘરાવવાના પ્રયત્નો કરતી રહે છે ,પણ ભારતની પરિસ્થિતિ જુદી છે..
છેલ્લા ૧૪૦૦ વર્ષનું પરાધીન શાસન ભારતની પ્રજા ને ટેક્ષ “ના-ભરવો” એવું એના જીનેટીક્સમાં ઉતારતી ગઈ છે..
આજથી ફક્ત સિત્તેર વર્ષ પેહલા મારા તમારા દાદા કે નાના કોને ટેક્ષ આપતા હતા ? અને એના બદલામાં એમને શું મળ્યું ? ગુલામી ,ઝુલ્મ ..??
થોડાક પાછળ જઈએ બસ્સો વર્ષ પેહલા કોને ટેક્ષ આપતા હતા ? એમને શું મળ્યું ?
આપણા બાપદાદાઓ એ ચૂકવેલા તમામ ટેક્ષના રૂપિયા અને બીજા હજ્જારો વર્ષના બચાવેલા રૂપિયા કે જે સોના,ચાંદી ના ફોર્મમાં હતા એ બધું જ આજે પણ મહારાણી બર્તાનીયા ના ખજાનામાં કે પછી મુસ્લિમ આક્રમણખોરોના દેશમાં પડ્યું છે..!!
દરેક ભારતીયને જન્મજાત શીખવાડવામાં આવે છે કે રોકડ રૂપિયા કે સોનું ચાંદી તને “કાળી રાત્રે” કામ લાગશે..
હવે આ “કાળી રાત” કઈ ..?
છેલ્લી “કાળી રાત” ભારતે ક્યારે જોઈ ? ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ ,વિભાજન વખતે અને પછી કાશ્મીરી પંડિતો એ જોઈ ..
એ પછી ભારત ને માથે “કાળી રાત” આવી નથી ..
કેવી ભયાનક એ રાત હશે કે જયારે તમારે તમારા ઘરનું રાચરચીલું જ્યાંનું ત્યાં મૂકી અને પેહરેલા કપડે એક પોટલીમાં જે આવ્યું તે લઈને ભાગવું પડે ..!!
જે હાથ દાન આપવા ઉઠતા એ હાથ ભીખ માંગવા મજબુર થાય ..?
આ “કાળી રાત” ભારતીયોને આજે પણ સોના પ્રત્યે નો મોહ ઓછો થવા નથી દેતો , કોઈ ગમ્મે તેટલી સલાહ આપે ભરોસો આપે, પણ પ્રજા માનવા તૈયાર નથી થતી અને સોનું ઘરમાંથી કાઢી ને બજાર ને હવાલે નથી જ કરતી..
ઉપરથી ગમે તે ભાવ હોય સોનું ખરીદવા દોડે છે…અને રાષ્ટ્ર ઉપર સંકટ આવે ત્યારે આ જ પ્રજા પેહરેલા ઘરેણા સરકાર ને હવાલે કરી અને દેશ ને ઉભો પણ રાખે છે..!
નરેન્દ્ર મોદી સરકાર ઉપર વિશ્વાસ બહુ મોટો બેઠો છે અને એ જ કારણે ટેક્ષ કલેક્શન ના આંકડા વધી રહ્યા છે, મોટો એવો વર્ગ છે અત્યારે કે જે એમ કહે છે કે…ના ટેક્ષ ભરી દેવાનો, છતાં પણ એ જ વર્ગ પાસે જેટલા ટેક્ષ ભરેલા રૂપિયા છે એટલા જ કદાચ રોકડ ,સોનું ,ચાંદી પડ્યા છે..!!
અને એ રોકડ,સોનું ,ચાંદી “બાહર” લાવવા એ કોઇપણ સરકાર માટે લોઢાના ચણા ચાવવા સમાન છે ..!
છેલ્લા થોડાક વર્ષોમાં અમીરો ની સબસીડી ખતમ કરી અને ગરીબો ને અપાઈ રહી છે , એ પછી સબસીડી ગેસની હોય કે હાર્ટમાં નાખવાના સ્ટેન્ટ..
દુનિયામાં વીસ વર્ષ પેહલા વેચાતા ટેકનોલોજીવાળા સ્ટેન્ટ આજે ભારતમાં વેચાઈ રહ્યા છે ,અને બીજી નવી લેટેસ્ટ ટેકનોલોજીના મોંઘાભાવ ના સ્ટેન્ટ પરદેસી કંપની ભારતમાં લોન્ચ જ નથી કરી રહી .. કેમકે ભારતમાં સ્ટેન્ટના ભાવ સરકારે બાંધી દીધા..
ગરીબ ને ફાયદો થયો, પણ રૂપિયા ખર્ચનારા ને નવી અને લેટેસ્ટ ટેકનોલોજી થી વંચિત કરી મુક્યા..અમીર ને પોતાના રૂપિયા ખર્ચી ને મોંઘો સ્ટેન્ટ નખાવવો હોય તો પણ પરદેસી કંપનીઓ પાછી હટે છે ,ના ભાઈ ના અમારે ક્યાં તમારા કાયદામાં ફસાવું ..?
બોલો હવે ?
ખાવ ત્યારે ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા ..!!
કેપીટાલીઝમ થયું આ ..?
અમીરો ઉપર જબરજસ્ત ટેક્ષ નાખો અને ગરીબો ને વેહચો..
છેવાડાના માનવી સુધી પોહચો ..લો પોહચી ગયા હવે શું ?
છેવાડે રેહતી પ્રજા તો વચ્ચોવચ આવી ગઈ..એને તો ખાલી શેહરની ટીકીટ ભાડું જ જોઈતું હતું એવું થયું આ તો ..!! આજે ભારતની સાહીઠ ટકાથી વધુ વસ્તી શેહરોમાં રેહવા આવી ગઈ અને શેહરો તો ખેતી ઉપર નભતા નથી ત્યાં જોઈએ ઉદ્યોગો તો હવે શું કરવું ?
ગામડાં ભાંગી ને ભુક્કો થઇ ગયા ..!!
જમણેરી નીતિ ને વરેલી સરકાર એમ કહે છે કે વેલ્થ ક્રિયેટ કરનારનું સન્માન થવું જોઈએ પણ નથી સરકાર કરી રહી કે નથી સમાજ .. ઉપરથી એમ બોલે કે આવા દેખાડાનું શું કામ ? સોશિઅલ મીડિયા અને મીડિયામાં ચારેબાજુ સાદગી જ છવાયેલી છે અને કોઈ ની નજરે ના ચડી જવાય એની એક એક રૂપિયાવાળો અત્યારે ભરપુર તકેદારી રાખી રહ્યો છે..!
પોતાના છોકરા છોકરી ને તુર્કી કે થાઈલેન્ડ જઈ ને પરણાવી ને પાછો આવશે અને દરેક મેહમાન ને કડક સુચના આપે કે સોશિઅલ મીડિયા ઉપર એકપણ ફોટો મુકવાનો નથી, પણ અહિયાં ભારતમાં ધામધૂમથી નથી પરણાવતો ..હવે શું થાય ?
આજે અમદાવાદના મોટા મોટા શેઠિયા સાવ ફૂદ્દું જેવી ચાલીસ પચાસ લાખની ગાડીઓમાં ફરે અને આપણા જેવાને સલાહ આપે કે અહીં થી અહી જવાનું એમાં ચાર લાખની ગાડી હોય કે ચાલીસની શું ફેર પડે ..?
એટલે આપણા જેવો તો અઢીની ગાડી જ શોધે..શેઠથી આગળ થોડી જવાય ?
પર્વાધિરાજ પર્યુષણ નો છેલ્લો દિવસ છે અને કેપીટાલીઝમ શીખવું હોય તો જૈન સમાજ પાસેથી શીખવું પડે , મોટી હવેલી બાંધનાર શેઠ ની જય જાહેરમાં બોલાવતા એક પણ માણસ અચકાય નહિ , દેરાસરમાં મોટા રૂપિયા ખર્ચનાર ના નામના પાટિયા ચડે અને એ જોઈ ને બીજા ને પણ ચાનક ચડે અને પેલો પણ કમાવા માટે જોર મારે..!
સમય આવ્યે ભામાશા થઈને બધું રાજ ને ચરણે ધરે..
દેશાવર થી રૂપિયા રળી લાવે અને એના સમાજ સન્માન કરે.. આને કેપીટાલીઝમ કેહવાય ..
નહી કે એક્સપોર્ટરો ઉપર પણ ટેક્ષ ઠોકો ,ઈઓયુ ને પણ ટેક્ષમાં લાવો એસઈઝેડ ને પણ ટેક્ષ ભરવાનો..!! સીએસઆર પરાણે કરાવો , વધારે કમાતો કે હવેલી ઉભી કરતો દેખાયો તો પકડો ,છોકરા ના લગનમાં રૂપિયા વાપર્યા સાદા ડ્રેસમાં ઇન્કમટેક્ષવાળા ને મોકલો અને ફટકારો નોટીસ ..
સામ્યવાદીઓની જેમ ચારેબાજુ એક જ સવાલ રૂપિયા કોણે વાપર્યા ..?
પકડો પકડો પકડો..બધાએ સાદગી જ રાખવાની ..
અને એવું જ કરવું હોય તો જીડીપી ને મારો ગોળી અને ભૂતાનવાળા ની જેમ નેશનલ હેપીનેસ ઇન્ડેક્ષ બનાવો..!
અને પછી સુખની વ્યાખ્યાઓ કરતા રેહવાનું ..
આપણી પ્રજા તો ધરાઈને પાણી પીવે તો ય સુખી છે એવું કહી દે એમ છે એટલે નેશનલ હેપીનેસ ઇન્ડેક્ષ તો હજ્જારો ને લાખ્ખોમાં જશે એને ક્યાં જીડીપી ની જેમ પ્રોડક્ટ નું બંધન..!..??
જેમ વિશ્વાસ વધુ ,તેમ જવાબદારી વધારે ..અપેક્ષા વધારે ..
નોકર ,છોકરા ને પત્ની એ હમેશા માંગતા જ રહે એમને બજાર જોડે કોઈ લેવાદેવા નહિ..!!
નાજુક સમય છે મધ થી જ કામ લેવું રહ્યું…
પૈસો અને લોહી ફરતા રેહવા જોઈએ પણ શરીર ની અંદર ..!!
વાપરવા દો રૂપિયા લોકો ને , સાદગી ના પાઠ બે ચાર વર્ષ પછી ..!!
વૈભવ અને વિલાસિતા ને ફાટવા દેવા પડે..ધુમાડે જવા દેવા પડે ..
ફતનદિવાળીયા જ મોજ કરાવે અને કરે ,કંજૂસ ,સાદો ,સીધો તો પંડ રળે ને પેટ ખાય એટલું કમાય ને કમાવા દે ..!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*