ઘંટી ,ઘાણી ને ઉઘરાણી ફરતી રાખવી પડે ..!!
આ ત્રણેય એક જગ્યાએ અટકી તો કીડા પડે અને પછી તો ઘંટી હોય કે ઘાણી આખ્ખી ખોલીને સાફ કરવાના વારા આવે, ને ઉઘરાણા ફરી ગોઠવાના આવે..!
ટૂંકમાં `ઘાલખાધ` વાળું ખાતુ મોટું થાય..!!
છેલ્લા અઠવાડિયાથી ભારત ભ્રમણ ચાલી રહ્યું છે..જે લોકો એ છેલ્લા દસકામાં માપમાં રહીને ધંધા કર્યા છે એમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આલિયા ની ટોપી માલિયા ને પેહરાવીને ધંધા કર્યા છે એ બધા ને અત્યારે દિવસ રાત જોયા વિના સતત દોડતો વ્યાજ નો ઘોડો એની જોડે ઘસડી રહ્યો છે ને એમાંથી બચવા સન્ડ્રી ક્રેડીટર્સ ને `રખડાવી` રહ્યા છે..!!
સરકાર એક પછી એક પેકેજ જાહેર કરી રહી છે પણ પ્રજા મૂડમાં નથી આવી રહી.. આજે ક્યાંક વાંચ્યું કે નોન બેન્કિંગ ફાયનાન્સ સેક્ટર માં સિત્તેર ટકા ઘાલખાધ છે..!!
ઓ માડી રે .. જો ખરેખર એવું હોય તો તો પછી `ઉઠમણા` જ થાય .. `બેસણા` તો રખાય એવી પરિસ્થિતિ જ નથી..!
મોટ્ટા ભાગની કંપનીઓને ઓવર પ્રોડક્શન મારી ગયું છે, છેલ્લા બે દસકાની દે ધનાધન ચાલેલી તેજીમાં દરેક ને નવી ઊંચાઈ પર જવું હતું અને પ્રોડક્શન વધારીને મુક્યા અને એની સામે ઈમ્પોર્ટ પણ એટલા થયા..
આજે એવી હાલત છે કે દરેકના ઘરમાં દરેક વસ્તુ છે, નવું શું લેવું એની પણ મૂંઝવણ છે, મોટાભાગના ઘરો તમામ પ્રકારના સમાનથી લથબથ ભરેલા છે, અને આપણી જૂની ટેવ પ્રમાણે કશું જ ફેંકવાની આપણને આદત નથી .. સંઘરેલો `સાપ` કામમાં લાગે એમ માનીને દરેકના ઘરના માળીયા અને સ્ટોર રૂમ નર્યા `સાપ` થી ભરેલા છે..!
કોઈ મોટીવેશનલ સ્પીકર ગમે તે કહે કે તમે મેહમાન આવે ત્યારે જ કેમ નવા કપ રકાબીમાં ચા પીવો છો ? તમારી જાત માટે તમે નવી ક્રોકરી કાઢીને વાપરો ને..
સાચ્ચું બોલજો થાય એવું ?
બળ્યો આ મધ્યમવર્ગ નો જીવ .. બિલકુલ ના ચાલે..!
પરમદિવસે રાત્રે અમદાવાદ વિમાન પતન સ્થળ ઉપર અમે હવાઈ જહાજમાંથી ઉતર્યા અને ત્યાં બાજુમાં જ રિલાયન્સનું જહાજ ઉતર્યું..
હા દૂરથી તો એવું જ લાગ્યું કે મુકેશભાઈ આવ્યા હતા અને બીજા જહાજમાં અમિતભાઈ પણ પાછળ જ આવ્યા હતા ..!!
એક મિનીટ માટે તો જાત ઉપર નફરત થઇ ગઈ, રખડી ખાધું છે શૈશવ્યા તે જીવનભર અને પડારા કર્યા કર્યા છે ..
આમ જો` , કે`વા ટબુકડા ટબુકડા જહાજ અમદાવાદ વિમાન પતન સ્થળ પર ઉભેલા છે અને તમે ..? ઓલા, ઉબેર શોધો છો..,અને એમાં ય શૈશવ તારો અમદાવાદી જીવ સાલો, તમારા `કેટલક્લાસ` થી ખચાખચ ભરેલા આખા જહાજ ના કેટલ ઉર્ફે પેસેન્જર ઉપર નજર ફેરવો છો..ક્યાંક એકાદો ઓળખીતો મળી જાય તો એની ગાડીમાં ચડી બેસાય અને ઘરભેગા થઇ જઈએ ..ખર્ચો બચ્યો..!!
ભીખ્સ..!!
હવે અમે જ આવું કરીએ ત્યાં મંદી ના આવતી હોય તો પણ આવે..!
મંદી ની બીકમાં ને બીક માં જનતા બાહર ખાવાનું ખાતી બંધ થઇ ગઈ હોય એવું લાગે છે, ગયા રવિવારે પર્યુષણ પેહલા નો રવિવાર હતો તો પણ લગભગ સાડા આઠ નવ વાગ્યા સુધી એક પણ હોટેલમાં વેઈટીંગ નહિ ..અરે પેલા સ્ટારબક્સ માં પણ લાઈનો પૂરી થઇ ગઈ ..!!!
બળ્યું આના કરતા તો કેવેન્ટર્સ વધારે સમય ચાલ્યું હતું ..!!
હવે ભલે કાગડા ઉડે..!!
જો કે આપણે “જબરા” તો ખરા જ અમદાવાદી લોકો ..
મારા જેવો એક સીનીયર જીમર બે દિવસ પેહલા એક ટેણીયા ને પૂછે સ્ટારબક્સમાં જઈ આવ્યો ?
પેલો જાણે લંડનના સ્ટારબક્સમાં જઈ આવ્યો હોય એવા ઉત્સાહ થી આંખો પોહળી કરીને કહે..હા..!!
સીનીયરે પૂછ્યું ..કોની `આરતી` ઉતારી ..?
ટેણી બોલી ..એ આપડા રૂપિયે ગયો હતો..
સીનીયર ટપલી મારતા બોલ્યો ..ગધેડા પોતાના રૂપિયે તો `xxx`ઓ જાય ,આપણે તે કઈ હા`ડા ત્રણસો રૂપિયાના `કોફા` પીવાય ? `કીટલા` બંધ થઇ ગયા છે ડોબા ? આપણે તો કોઈ લઇ જતો હોય `આરતી` ઉતારી લેવાય, બાકી એક `કોફા`ના સાડા ત્રણસો થોડા ખર્ચાય..!!
બોલો આ ઓરીજીનલ સાબરમતીના પાણી પીધેલાને કોણ પોહચે..?
મંદી જ આવે ને ..!!
ખિસ્સામાં આવેલો રૂપિયો બહાર જ નથી નીકળતો..કોઈ નો ..!!
મુકેશભાઈ એ રીફાઈનરીમાંથી પોતાનો ભાગ ઓછો કરી નાખ્યો છે, અને રૂપિયા હવે બીજી બાજુ નખાઇ રહ્યા છે, અને અમિતભાઈએ ઇલેક્ટ્રિક બસો ને લીલી ઝંડી દેખાડી..
ઈશારો કાફી છે , આવનારા સમયમાં એકલા ઈવી જ રોડ ઉપર ફરવાના છે, ફોસિલ ફ્યુઅલ ઉપર ની ડીપેન્ડન્સી બંધ કરવાની છે અને એ જગત આખા ને કરવી છે એટલે ઓટો સેક્ટર હવે ઊંચું આવે એ વાતમાં માલ નહિ..
કદાચ એવું પણ બને ને બીએસ ફોરવાળી ગાડીઓના સેલ નીકળે માર્ચ મહિનામાં ..!
તેજીની આશામાં જીવતા લોકો માટે જીવન કપરું રેહવાનું , કેમકે ભારતના ઈતિહાસની મોટાભાગની તેજી પછી કોઈને કોઈ કૌભાંડ બાહર આવ્યા છે પછી એ હર્ષદ મેહતા હોય કે કેતન પારેખ , એટલે સાદો નિયમ તારવવો હોય તો એવું કહી શકાય કે કૌભાંડ વિના તેજી આવતી નથી..!
અને હવે કૌભાંડ થાય એવી શક્યતા બહુ રહી નથી..
બાકી તો પ્રજા ઇન્કમટેક્ષ ના રીટર્ન સમયસર ભરી રહી છે પણ જીએસટી ના ૧૭-૧૮ના રીટર્ન પણ હજી ભરતી નથી પોર્ટલ વાર તેહવારે કોઈ કારણ વિનાના મેસેજીસ મોકલી અને ભય ફેલાવે છે અને તપાસ કરીએ તો ખબર પડે છે કે એવું કઈ છે જ નહિ એનો મતલબ જ છે જીએસટી પોર્ટલ હજી પણ ડખામાં જ છે ..
ઓવર ઓલ નાનો વેપારી રીટર્નસ ભરવામાંથી અને ખાતા મેળવવામાંથી જ ઉંચો નથી આવી રહ્યો ,ધંધો કરે કે રીટર્નસ ભરે..?
જીએસટીના ઊંચા દરો પણ થોડાક તકલીફ આપનારા છે, પેહલા એવું કેહવાતું કે કોઈ એક પ્રોડક્ટ છ હાથમાં થઇ ને ગ્રાહક પાસે પોહચે છે ,અને એ વાત માની લઈએ તો અઢાર ટકાના સ્લેબવાળી પ્રોડક્ટ ઉપર `અસ્સલ` કરતા `કર` વધી જાય છે..
ફૂલ ઉપરથી મધમાખી મધ ચૂસે તેમ કર લેવો જોઈએ આવી બધી વાતો ભુલાતી જાય છે અને સરકાર એક સાથે મોટા મોટા અનેક પ્રોજેક્ટ લઈને બેઠી છે..વિકાસ ચોક્કસ થઇ જશે, પણ એનું ફળ એવું પણ નીકળે કે મધ્યમવર્ગ ગાયબ થઇ જાય ગરીબ અને અને અમીર બે જ વર્ગ રહે ..જે વિકસિત દેશોમાં આજે જોવા મળી રહ્યું છે..!
પણ છેલ્લા પચ્ચીસ વર્ષથી જે દિશા પકડી છે ત્યાંથી મોરો ઘુમાવી શકાય તેમ નથી એટલે બુલેટ ટ્રેઈન તો લાવવી જ રહી ..
ગજ્જબ મેહનત અને એ પણ અક્કલ વાપરીને કરવાનો સમય છે, સેહજ પણ ઢીલું મુક્યું તો છપ્પનનો ભાવ આવે ..
દરેક વસ્તુ ની શેલ્ફ લાઈફ હોય છે ,પણ આપણે માનતા નથી, આવનારા વર્ષોમાં આવનારી સરકારો પકડી પકડીને જુના ઘરો અને જૂની ગાડીઓ વેચાવડાવશે..
માલ ની મો`બત ના ખપે..
છોડવો જ રહ્યો..!!
અને તો જ ઘંટી ,ઘાણી ને ઉઘરાણી ફરતી રહે..!
આપણી નહિ તો કોઈકની ..મોટા માણસો બાપાએ ઉભી કરેલી રીફાઈનરીમાં પણ જો ભાગ ઓછો કરી નાખતા હોય તો પછી આપણે પણ વિચારવું રહ્યું ..!!
આજે ઝાઝામાં થોડું કીધું છે..!
આપનો દિન શુભ રહે..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*