જનતા કર્ફ્યુંથી ગણીએ તો જોત જોતામાં ૧૩ દિવસ નીકળી ગયા..અમરેલી મામા ના ઘરે રેહવા ગયા હોઈએ એવી મને ફીલિંગ આવે છે, ખાટલેથી પાટલે અને પાટલે થી ખાટલે..!
પાંત્રીસ વર્ષ પેહલા અમરેલી જતા ત્યારે નાના ગામમાં ફરતા પણ ,બે મિનીટમાં ગામ પૂરું થઇ જાય , છેવટે ઘરમાં..!!
રોજ ચાલતા વિડીઓ કોલ અને ફોન કોલ્સ મજા કરાવી રહ્યા છે ,પણ છેલ્લા બે ચાર દિવસથી સવાલો પુછાવાના ચાલુ થયા છે કે આફ્ટર કોરોના દુનિયા કેવી ?
ત્રણેક દિવસ પેહલા ત્રણ મોટા ગજાના માણસો જોડે ચર્ચા થઇ હતી..લગભગ એકાદ કલાકથી વધારે ચર્ચા ચાલી હતી..એ બધા જ લોકો પ્રેક્ટીકલી ગ્લોબલ સીટીઝન છે એમના પાસપોર્ટ ૩૬ પત્તા ના છે અને દર વર્ષે નવો માંગવો પડે છે એમને વિદેશ મંત્રાલય પાસે, એમની વાતો સાંભળવાની મજા આવી.. પણ આફ્ટર કોરોના ઓવરઓલ સીન ડિપ્રેસીંગ થશે એવી આગાહી થઇ..
કદાચ આપણે એમ માની લીધું છે કે ૨૧ દિવસ પછી હરાયા ઢોરની જેમ પેહલા રખડતા હતા તેમ રખડીશું .. તદ્દન ખોટી ધારણા છે અશક્ય વાત છે, અત્યારે ઘરમાં ભરાઈ ને જેટલા પ્રીકોશન લીધા છે એ બધ્ધા જ લોકડાઉન ખુલે પછી પણ લેવા જ પડશે..!
ધંધા ૨૧ દિવસ પછી ધમધમશે ..ના ચોક્કસ નહિ એમ સરકાર હોટેલો કે બીજી ભીડભાડ થાય એવી જગ્યા ખોલવાની પરમીશન આપી જ ના શકે..
૨૧ દિવસ પછી રેલ્વે અને એસટી બસો દોડવા લાગશે.. ના એમ ના દોડાવાય એકાદો કેરિયર છૂટી ગયો હોય તો લેવા ના દેવા થાય..
૨૧ દિવસ પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હવાઈ સફર ચાલુ થઇ જશે .. બિલકુલ નહિ અને કરે તો મુર્ખામી કેહવાય આટલી બધી ઘો ઘરમાં ઘાલી એ ઓછી પડી ? બાહરથી આવેલા જ કોરોના લાવ્યા છે અને આ દિવસ જોવા નો આવ્યો છે..
૨૧ દિવસ પછી કમ સે કમ આબુ તો જવું જ છે.. કેમ સાસુ ત્યાં તારા વિના સો`રાય છે ?
જે લોકો એકવીસ દિવસ પછી ના સપના સુહાના લઈને બેઠા છે એ બધાએ માનસિક રીતે સંઘર્ષ કરવા તૈયાર થઇ જવું પડશે,
આ કોગળિયું ફાટી નીકળ્યું છે એમ નહિ જાય..!
કોરોના એમ દેશ અને દુનિયામાંથી ઝટ વિદાય નહિ લ્યે એને પકડી અને મારી ને વિદાય આપવી પડશે અને એના માટેનો રસ્તો એક જ છે એની રસી..
ભારત દેશનું ૨૧ દિવસનું લોકડાઉન અત્યારે તો મહદ્ અંશે સફળ થતું દેખાઈ રહ્યું છે પણ અમુક તત્વો જે ખેલ કરી રહ્યા છે એની ઉપર “સેક્યુલર” થવા ગયા તો બરબાદી નક્કી છે..
ભારત દેશે હવે વેક્સીન ઉર્ફે રસી ની જોડે નવા કાયદા ઘડવા નો સમય પણ આવી ગયો છે .. જાણી કરી ને કોઈ રોગચાળો ફેલાવવા ની કોશિશ કરે તો એને રાજદ્રોહ ગણી અને દેહાંત દંડ સુધી ની સજા મુકમ્મલ થવી જોઈએ..
દુનિયા ની ચર્ચા તો દુનિયા કરશે કે કોવિડ-૧૯ એક બાયોલોજીકલ વેપન છે કે નહિ પણ ભારતમાં તો હવે નક્કી કરવા નો સમય આવ્યો કે કોવિડ -૧૯ હથિયાર તરીકે વાપરવાની કોશિશ થઇ કે નહિ ?
આઝાદી પછી બંધારણમાં અગણિત સુધારા કર્યા છે અને છતાં બધા જ કાયદા પાંગળા છે, નિર્ભયાના ગુન્હેગારો ને ફાંસી આપતા નેવા ના પાણી મોભે ચડ્યા તો પણ એક ગુન્હેગાર જીવતો છે..!!
ભવિષ્યની સુફિયાણી વાતો કરતા રાજકારણીઓ ને પૂછવાનું મન થાય કે શું આવું ભવિષ્ય આપવાનું છે આવનારી પેઢી ને કે અબજો રૂપિયાના પાણી કર્યા પછી પણ ઘણા બધા વૃદ્ધ ને બચાવી ના શક્યા અને બે પાંચ હજાર લોકો ને લીધે લાખ્ખો પોતાના લોકો ને મરવા દીધા ?
અમેરિકન પ્રમુખ ને માથે તો કલંક લાગી ચુક્યું છે, એ લોકો માનસિક રીતે એક લાખથી અઢી લાખ લોકો મૃત્યુ પામે તો સારું કેહવાય એમ માનવા તૈયાર થઇ ચુક્યા છે તો ભારત દેશમાં કોરોના “ફેલાવવા” માં આવે તો કેટલા લોકો મૃત્યુ પામે તો સારું કેહવાય એવો કોઈ આંકડો બહાર પાડી દયો ..!
આજે બે જ વિકલ્પ ભારત વર્ષની સામે છે ખુબ મોટો નિર્દોષ માનવો નો સંહાર કે પછી રોગચાળો જાણી કરી ને ફેલાવવાની કોશિશ કરનાર ને સજા ..!
ભારતીય ન્યાય પ્રણાલી એમ કહે છે કે સો ગુન્હેગાર છૂટી જાય તો ચાલશે પણ એક નિર્દોષ ને સજા ના થવી જોઈએ ..પણ આજે ન્યાય પ્રણાલી એ બદલાવું પડશે કેમકે હથિયાર બદલાયું છે ,જૈવિક હથિયાર છે એકપણ ગુન્હેગાર છૂટ્યો કે છટક્યો તો એ હજ્જારો અને લાખ્ખો ને લઇ ને જાય એમ છે..!!
કાયદા બદલવા રહ્યા રેહમ નજરવાળી અદાલતો હવે નહિ ચાલે..
એ દિવસો દુનિયામાંથી કોરોનાની સાથે વિદાય થયા..!
મને લાગે છે કે જૈવિક હથિયારો ના વપરાશ માટે ના કાયદા બનાવવાનો સમય પાકી ગયો છે કાયદા શાખા, તબીબ અને આંતરિક સુરક્ષા ના નિષ્ણાતો તેમ જ ત્રણેય સેનાના વરિષ્ઠો ને સાથે રાખી ને કાયદા નો મુસદ્દો તાત્કાલિક ઘડવો રહ્યો..અને એક બેઠકે દેશની સંસદે પાસ કરવો રહ્યો..
થોડાક હજાર લોકો ની ગંદી માનસિકતા ને કારણે ૧૩૦ કરોડ ને માથે તલવાર ના લટકાવી દેવાય..!!
આજે ધનકુબેર બીલ ગેટ્સ નો ઈન્ટરવ્યું જોઈ રહ્યો હતો, વર્ષો પેહલા એમણે આવું કૈક થશે એવી આગાહી કરી મૂકી હતી અને સવાલ પૂછનારે પોઈન્ટ બ્લેન્ક સવાલ નાખ્યો કે તમે સાચા ઠરો એવું પુરવાર કરવા માટે તો તમે આવું નથી કરાવ્યું ને ? અને તમને આવી આગાહી કરવાનું મન કેમનું થયું ?
જો કે જવાબ બહુ સરસ હતો કે પેહલા ઝીકા ,સાર્સ ,માર્સ એ બધા આવ્યા એની ઉપરથી જ મેં આગાહી કરી હતી..પણ મારું કોઈએ સાંભળ્યું નહી..!
અમદાવાદના ગુજરાતી છાપાના એક બહુ મોટા તંત્રી જોડે એકવાર ભૂલમાં ચા પીવા બેઠો હતો અને મારી જીભ થોડી આડી થઇ ગઈ મેં કીધું આજ ના એક તમારા સમાચાર છે ને એની ઉપર મેં બ્લોગ ગયા અઠવાડિયે લખ્યો હતો ..પછી તો જે પાર્ટી ખારી થઇ હતી મારી ઉપર..
આ તો એટલે યાદ કરાવ્યું કે બીલ ગેટ્સ નો ઈન્ટરવ્યું બહુ સરસ હતો એની ઉપર વિચાર વિસ્તાર સારો થાય તેમ છે એટલે બહુ મોડું ના કરતા..! 😉
બીલ ગેટ્સના કેહવા પ્રમાણે કોરોના ની વેક્સીન તો ઝડપથી શોધવાના દુનિયા ભરપુર પ્રયત્ન કરી રહી છે પણ અત્યારે તાત્કાલિક રસી બનાવવા માટે ના કારખાના ઉભા કરી દેવા જોઈએ ,જેથી રસી બની જાય તો એનું માસ પ્રોડક્શન લઈને દુનિયા ને જલ્દી નોર્મલ કરી શકાય ..!
જો અત્યારથી કારખાના ઉભા નહિ કરીએ તો રસી શોધાયા પછી કારખાના ઉભા કરીશું તો બીજા ત્રણ ચાર મહિના જતા રેહશે..છસ્સો કરોડ લોકો ને આપવાની છે રસી..!
કેવું આગોતરું વિચારે છે નહિ ?
ભાઈ ત્યારે તો એ બીલ ગેટ્સ છે ..!!
અરે હા પત્નીજી એ ગરમ ગરમ સુખડી બનાવી છે આજે..પપ્પા ની ફેવરીટ હતી સુખડી , મોઢામાં એક બટકું મુકતા આંખમાં પાણી આવી ગયા,
આ પાંચમી તારીખે એ ત્રણ મહિના થશે..!!
મોદી સાહેબ ઘરડા તો જોઈએ જ ઘરમાં, ઘર નું છાપરું છે આ વડીલો તો
એમ કોરોના ના કોગળિયા ના ખપ્પરમાં એમને ના હોમી દેવાય..!
માં અંબા ભવાની હીરાબા ને સવાસો વર્ષ ના કરે..ને મારી માં ને સો વર્ષની..!
દીવડા કરજો..!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)