રામાયણનો સીતા સ્વયંવર જોયો..
મને મારો “સ્વયંવહુ” યાદ આવી ગયો..!!
મારી…મ..ર.ર.જજી .. સીતા નો સ્વયંવર હોય તો મારો સ્વયંવહુ..!!
સીરીયસલી..?
માંડીને વાર્તા કહું ચાલો..
સાલ ચાલે ૧૯૯૬ની..ભર વૈશાખ તાપ તપે, આખો દિવસ એકટીવા ઉપર વટવા અને ત્યાંથી છેક નરોડા જીઆઈડીસી રખડ્યો હતો ,
એ જમાનામાં મને પરણવાની ઉતાવળ નોહતી એટલી મારી આજુબાજુના મને પરણાવી દેવા ની ઉતાવળ હતી..કોઈનાથી મારું સુખ જોયું નોહતું જતું ,
હાથ પગ મોઢું ધોઈ ને મારી પાછળ આખી કાયનાત પડી હતી,
એકે એક જણ ના રોજના હથોડા આવે ,જો ભૂલમાં કોઈ બેહનપણી નો ફોન આવે એટલે ભાઈબંધોના સવાલો ચાલુ કોણ છે ? શું ચાલે છે ? હવે પરણી જા ને એની જોડે..
યાર ફ્રેન્ડસ જેવી કોઈ વાત જ નહિ…સમજવા જ તૈયાર નહિ ,
પણ આપણને બિલકુલ આંખમાં આંખ નાખી ને વાત કરતા ફાવે.. ફ્રેન્ડ છે હો લવારા જરાક પણ નહિ ..
પછી બે ચાર કમીનાઓ પોતે શહીદ
થઇ ગયા હોય એટલે આપણને પાડી દેવા માટે એમનાથી થાય એટલા બધા જ પ્રયત્નો કરે ..આપણા ફ્રેન્ડઝોનમાં રહેલી કોમન ફ્રેન્ડને પેહલા દાણા નાખે પછી પાણી..એના દિલમાં પ્રેમાંકુરો ઉગાડવા માટે..!
પણ હું રહ્યો દાકતર માંબાપ નો છોકરો પેહલા જ દિવસથી વ્યવસ્થિત વેક્સીનેશન કરેલું હોય અને મો ફાટ પણ ખરો , એટલે પેલાના દાણાપાણી બધું પૂરું થાય એટલે પેલી જ કહી દે જો બકા શૈશવ્યો એવી ચીજ છે ને કે એને ફીલિંગ્સ હશે ને તો ઢોલ નગારા વગાડી ને કેહશે એટલે તું છે ને ખોટી મેહનત કરી રહ્યો છે સમજ્યો.. ચલ આ સિવાય બીજું કામ હોય તો બોલ બાકી ફૂટ્ટાસ કી ગોલી..!!
કમીનાઓ ત્યાં ના ફાવે એટલે મમ્મી ને “ચાડી” કરે , કાકી ત્રણ ત્રણ ને લઈને જીમખાનાની ગલીમાં ઉભો રહે છે અને માં મારી કહે એક ને લઈને ઉભો રહે ત્યારે કેહજે ત્રણ ત્રણ હોય ત્યાં સુધી ટેન્શન ના લે ,એ બધી મારા ઘેર પણ આવે છે બેટા..
એટલે પેલાની ત્યાં પણ ટાંય ટાંય ફૂસ,..સસ..
પણ મમ્મી એટલે મમ્મી ..થોડુક લેકચર તો આવે જ .. કેમ આમ બહાર ઉભા રહો છો ? ઘરમાં તમને ના પાડીએ છીએ ? થોડુક સાંભળી અને પછી કેહવાનું બસ માતે આટલું ઘણું અને પછી મારવાની કિક અને પેલા કમીનાના વારો પાડવા નો રાત પડ્યે મ્યુનિસિપલ માર્કેટ ઉપર લઇ જઈ ને.. એ દિવસે વટવા અને નરોડા રખડીને હું ઘેર આવ્યો હતો સાંજના સાતેક નો સુમાર હતો સખ્ખત ગરમી હતી , મમ્મી પપ્પા તો દવાખાને ગયા હતા એટલે બાજુમાંથી ચાવી લઈને મેં ઘર ખોલ્યું ને ઓફીસ બેગ મૂકી ટુવાલ લઈને સીધ્ધો ગયો બાથરૂમમાં , દસ પંદર મિનીટના શાહી સ્નાન પછી ટૂંકી ચડ્ડી અને ગંજી પેહરી અને હું બાહર આવ્યો, દૂધ નાસ્તો કર્યા અને પછી ડ્રોઈંગ રૂમમાં ટીવી ચાલુ કરી ને જમીન ઉપર પડ્યો ,બે ટાંટીયા નાખ્યા સોફા સેટ ઉપર.. તદ્દન જંગલી અવસ્થામાં હું જમીન ઉપર આળોટતો પડ્યો હતો અને એવામાં ડોર બેલ રણકી એટલે મેં ઉભા થઈને આઈ પીસમાંથી જોયું તો મને એક મારો લંગોટીયો દેખાયો એટલે આપણે કપડા બદલવાની દરકાર ના કરી અને બારણું ખોલી અને ફરી પાછો સીધો જમીન પણ પડ્યો ને સોફા ઉપર ટાંટિયા ચડાવ્યા.. પેલો મારો મિત્ર અંદર આવ્યો,હવે એના મોઢા ઉપર કૈક વધારે પડતી ગંભીરતા હતી પણ હવે એ જમાનામાં તો કઈ ભાઈબંધોની આવી બધી બાબતો માઈન્ડ જ ના કરીએ .. હશે હવે (ગાળ ગાળ ગાળ ) .. થયું એવું કે મિત્ર પ્રવેશ્યો એની પાછળ એક જાડ્ડી કાળી ફ્રેમ ના ચશ્માં ,સફેદ પોહળા ઝભ્ભો અને એકદમ પોહળો સફેદ લેંઘો પેહરેલા એક પંચકોણીય મુખ ધરાવતા કાકા પ્રગટ થયા, એટલે હું સમજ્યો કે મારા મિત્ર ની જોડે કોઈ એના ગામડેથી આવ્યું હશે.. હજી એક કાકા નું પ્રાગટ્ય પૂર્ણ થયું ના થયું ત્યાં બિલકુલ એવું જ ડ્રેસિંગવાળા બીજા ચતુષ્કોણીય મુખવાળા કાકા મારા ડ્રોઈંગરૂમમાં પ્રગટ્યા ,હું હજી બેઠો થાઉં ત્યાં તો બીજા બે સેઈમ ટુ સેઈમ ડ્રેસિંગવાળા કાકાઓ..એમના મોઢા જ ખાલી જુદા એક ચપ્પટ અને છેલ્લો કાકો ત્રિકોણ મોઢા વાળો બાકી બધ્ધું સેઈમ ટુ સેઈમ..! ટોટલ ચાર કાકાઓ નું મારા ડ્રોઈંગરૂમમાં અવતરણ થઇ ચુક્યું હતું અને હું ચડ્ડી બનિયાનધારી અવસ્થામાં મનમાં એમ સમજુ કે આ મારા મિત્ર ને જોડે આવ્યા છે એટલે મને કે કમને એમના માટે કિચનમાં જઈ ને પાણીના પાંચ ગ્લાસ ભર્યા અને ટ્રે માં લઈને આવ્યો એ બધા એ પાણી પીધું અને હું ટ્રે પછી લઈને ગયો કિચનમાં .. એકવાર વિચાર આવ્યો કે થોડો કપડા બદલી અને સભ્ય અને સંસ્કારી થઇ જાઉં પણ પછી એમ થયું કે પુંછડામાં પેઠું પેલા અડબંગ ની જોડે જ આવ્યા છે આ ડોહાઓ , મારે ક્યાં એમની જોડે ઝાઝી લપ્પન છપ્પન કરવી.. હું ડ્રોઈંગરૂમમાં પાછો આવીને ખુરશીમાં ગોઠવાયો .. પેલો મારો અડબંગ તો કઈ બોલે નહિ ,ચાલે નહિ , અદબ વાળી ને બેઠો રહ્યો .. હવે પેલા પંચકોણીય ચશ્માંધારી એ પેહલા ચપ્પટ ની સામે જોયું ,ચપ્પટ એ મોઢું હકાર માં હલાવ્યું ,પછી ચતુષ્કોણીય મુખવાળા , ત્રિકોણ ની સામે અને છેલ્લે જોયું.. બધાય એ હકારમાં મોઢું હલાવ્યું અને અંદર અંદર મલકે એટલે પછી મેં પેલા મારા અડબંગ ની સામે જોયું અને આંખો ઝીણી કરીને આંખથી પૂછ્યું કોણ છે અલ્યા આ બધા ? પેલો અડબંગ સાલ્લો સુવ્વર આંખોથી મને કહે ..મને ન
હિ ખબર..
મારા તો નસકોરાં ફૂલ્યા મેં એને ઈશારો કર્યો અંદર આવ તો ..
હું ઉભો થઇ ને કિચનમાં ગયો મારો અડબંગ પાછળ આવ્યો મેં પૂછ્યું કોણ છે આ ભાભાઓ ?
સાલો અડબંગ બોલે મને શું ખબર ?
મેં ગાળ કાઢી ને કીધું તારી જોડે તો આવ્યા છે ..
અડબંગ બોલે ના ભઈ ના હું કોઈ ને નથી ઓળખતો ..
મારી તો જો ટર્ન મારી.. સિધ્ધો બાહર પેલા પંચકોણીય ચશ્માંધારી ને પૂછ્યું કાકા તમે કોણ છો ? મને ઓળખાણ નથી પડતી અને કેમ આવ્યા છો ?
અને મારો હહરો પંચકોણીય ચશ્માંધારી મંદ મંદ હસે .. અને બોલે ભાઈ અમે તમને “જોવા” આવ્યા છીએ ..અને અમને બધાય ને આપ બહુ જ પસંદ છો ..
એની માં ને પેહલા તો મેં નક્કી કર્યું કે આ કારનામું જેનું હોય એનો વારો પાડવો પડશે.. પછી મેં પરાણે જરાક નમ્રતાથી કીધું કાકા તમે મારા પપ્પા મમ્મી સાથે વાત કરી છે પેહલા ?
પંચકોણીય ચશ્માંધારી બોલ્યા ના ..ના .હવે કરી લઈશું અમે તો આંય અમદાવાદ આવ્યા તા તે થ્યું લાવ સમય છે તો તમને જો
તા જાઈયે.. પણ હવે હું તમને ઓળખાણ આપી દઉં એમ કરીને પંચકોણીય ચશ્માંધારી ચતુષ્કોણીય તરફ ફર્યા આ મારો નાનો ભાઈ છે, પછી આંગળી ફરી ત્રિકોણ તરફ આ મારા બનેવી છે પછી આંગળી ફરી ચપ્પટ ઉપર આ મારા સાઢુભાઈ છે અને અમારે બધાય ને એક એક દીકરી આપના યોગ્ય છે તો આપ અમારે ગામડે આવો અને ચારેય દીકરીયું ને જોઈ લ્યો આપને જે અનુકુળ આવે તે .. બાકી અમને તો આપ અને આપનું ઘર બધુય અનુકુળ જ છે..
મને થયું મારી નાખ્યા અહી તો મારો સ્વયંવર સોરી સ્વયંવહુ
થઇ ગયો અને મને ખબર ના પડી.. હું દોડી અને મારા રૂમમાં ગયો કપડા બદલ્યા અને લેન્ડલાઇનથી મમ્મી ને ફોન લગાડ્યો મેં કીધું ..માં zzzવાડથી જીપ ભરીને ચાર ભાભા આવ્યા છે અને એકસામટી ચાર લાવ્યા છે મેહરબાની કરજે હો હું હમણાં ક્યાંય ગામડે ગામડે છોકરીઓ જોવા જવાનો નથી, મારે ધંધાના અત્યારે ઘણા કામો છે અત્યારે આઈસ્ક્રીમ ખવડાવી ને હું વિદાય કરું છું..
મમ્મી કહે ..તું એમને કહી દે કે અમારી જોડે વાત કરે નંબર આપી દે..
હું ફટાફટ કિચનમાં ગયો ચાર આઈસ્ક્રીમના કપ કાઢ્યા અને પકડાવ્યા પાછા પેલા પંચકોણીય ચશ્માંધારી કહે કેમ આ તમારા ભાઈબંધ ને નથી ખાવો આઈસ્ક્રીમ ..
મેં કતરાઈ ને કીધું બાધા છે એમને..
પંચકોણીય ચશ્માંધારી હસી ને બોલે ઠીક ઠીક..પણ તમારે કપડા બદલવાની જરૂર નોહતી કુમાર
હાલે હવે..અમારે યાં બધાય હવે આમ જ ફરતા હોય છે.. પંચકોણીય ચશ્માંધારી
કુમાર` બોલ્યા એટલે મારા અડબંગ ને જે મજા પડી .. સાલો સુવ્વર ફૂ ઉ ઉં દઈ ને હસ્યો અને જોડે જોડે ચાર હાહરા..!!
માંડ માંડ અષ્ટમ પષ્ટમ કરી ને ચારેય ને વિદાય કર્યા પછી તો અડબંગ અને હું સ્કુલમાં છેલ્લે બથ્થમબથ્થા આવી ગયા એમ જ એકબીજા ને ફેંટો મારી મારી ને અધમુઆ કરી નાખ્યા..
મારો તો સીન પડી ગયો એકસામટા ચાર ચાર મારો સ્વયંવર કરી ગયા..
પછી તો રોજ ફોન મમ્મી પપ્પા ઉપર ક્યારે આવો છો એકવાર આવો અને આખો દિવસ લઈને આવજો તો બીજા પણ અમારા સગામાં વિવાહ યોગ્ય કન્યાઓ છે..!
પત્નીજી ને આખો કિસ્સો કીધો છે અને વાર તેહ્વારે સાંભળવા મળે છે મમ્મી તમે પણ zzzવાડ એક દિવસ જઈ આવ્યા હોત તો હું તો બચી ગઈ હોત ને..!!
અમે કહીએ ત્યારે આખું સેલ લાગેલું તને ક્યાં ખબર છે એકે ત્રણ ફ્રી ની સ્કીમ જ બાકી હતી ખાલી..
અને જવાબ આવે હજી અભરખા રહી ગયા હોય તો લેતો આવ તું તારે બીજી ત્રણ..સાચવી લઈશ..
બોલો લવાય ?
આ લોકડાઉનમાં શું થાય ચાર ચાર હોય તો ?
સામે ચાલી ને કોરોનાવાળા ના ઘેર જવું પડે..!!
મારા કનકકાકા શીખવાડી ને ગયા છે બે બૈરા અને ઝાઝા ધંધાવાળા ને ભગવાન ના મારે..
મરેલો જ હોય ..
આવો સોમવાર જીવનમાં ફરી નહિ આવે મોજ કરો..!!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)