જિંદગીની રેસમાં આગળ નીકળી ગયેલા ને કદાચ ફરી એકવાર દોડ ચાલુ કરવી પડે એવો ઘાટ સર્જાયો છે..અમેરિકા એચવન બી વિઝા ધારકોને કદાચ પાછા ધકેલી દેશે એવા સમાચાર આવ્યા છે, ખાલી આટલા સમાચારે કેટલાય માંબાપ અને છોકરાઓના પેટમાં તેલ રેડી દીધા છે,
એવા કેટલાય લોકો છે ભારતમાં કે જે ફક્ત અને ફક્ત અમેરિકા “જવા માટે જ જન્મ્યા” હોય એમ જીવનભર ઝૂર્યા છે, એમાંના થોડાક યેન કેન પ્રકારેણ ત્યાં પોહચી પણ ગયા છે ને હવે એમને તકલીફો સર્જાય એવી પરિસ્થિતિ ઉભી થઇ ચુકી છે..!
હું માનું છું કે જો આવું બને તો એને કુદરતના છૂપા આશીર્વાદ ગણજો નહિ કે શ્રાપ..
છત્તે છોકરે વાંઝીયાની જિંદગી જીવવી એના કરતા ભર્યા ઘરમાં પોતાની વૃત્તિઓ ને થોડીક સંકોરીને જીવવું સારું..
આજે લોકડાઉનમાં જે બબ્બે “એકલી” જિંદગી જીવી રહ્યા છે ને ફક્ત ને ફક્ત વોટ્સ એપ કોલ ઉપર પોતાની મૂડીના વ્યાજ ને હા લૂ લૂ લૂ કરી રહ્યા છે એના કરતા મૂડી અને વ્યાજ ભલે પાછા આવી જતા..!
અમેરિકા કે બીજા દેશોમાં સ્થાયી થયેલા લોકોએ અને એમના માંબાપે ક્યારેક તો એક સવાલ એમની જાત ને પૂછવો રહ્યો કે એ લોકો “એવું” તો શું પામ્યા કે જે દેશમાં રહ્યા હોત તો ના પામ્યા હોત ?
સ્વતંત્રતા પામ્યા કે સ્વચ્છંદતા..?
ડોલરથી જે ખરીદ્યું એ રૂપિયામાં ના ખરીદી શક્યા હોત ..એવું ?
લગભગ ચાલીસેક દિવસનું લોકડાઉન દેશમાં પૂરું થવા ને આવી રહ્યું છે,
બિલકુલ દુનિયા આખી અત્યારે ઘરમાં બેઠી છે ત્યારે આવા સવાલો કરવાનું મન થાય..આંધળો સ્વાર્થ લઇ ને જીવ્યા છે દેશ છોડી ને ગયેલા મોટાભાગના લોકો …!
આજે આઈટી ફિલ્ડ જોડે સંકળાયેલા મિત્ર જોડે વાત ચાલી હતી લગભગ માર્ચ મહિનાની અગિયારમી તારીખથી એ ઘેર બેઠો છે ને વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે,
ટેકનોલોજી એ ઘણા બધા ધંધા બંધ નથી થવા દીધા, એમાંનો એક ધંધો આઈટી છે ને બીજો નામ લેવું હોય તો શિક્ષણ,
ઓનલાઈન કલાસીસ પણ સરસ મજાના ચાલી રહ્યા છે એટલે આ બે ધંધાની ઉપર નભતા ને ભાડા ખાતા લોકો ના ભવિષ્ય ખતરામાં છે..
આઈટીવાળા મિત્ર ના જણાવ્યા પ્રમાણે મુંબઈ જેવા શહેરમાં એક ટેબલ સ્પેસ જગ્યામાં એક એમ્પ્લોઇ ને બેસાડવો એટલે લગભગ મહીને પચ્ચીસ હજાર રૂપિયા નો ખર્ચો મીનીમમ થાય, હવે આવા સો જણ હોય તો પચ્ચીસ પેટી
થઇ જાય અને બાર મહીને આંકડો ક્યાં જઈને અટકે ..?
એના કરતા વર્ક ફ્રોમ હોમ.. તું ઘેર બેઠો જ કામ કર, તારા ઘરની જ ચા ને બિસ્કીટ ,પેન્ટ પેહરવું હોય તો પેહર નહિ ,તો ચડ્ડી પેહરી ને બેઠો રહે અમને શું ફેર પડે ?
પટાવાળાથી લઈને પાર્કિંગ આપવાની સુધીની કોઈ ફેસેલીટી આપવાની ઝંઝટ જ નહિ..!
એમ્પ્લોઇ માટે જગ્યા ભાડે રાખવી પછી એના એસી થી લઈને ચા નાસ્તા ઉપરથી પેલો આવવા જવાના પેટ્રોલ બાળે , એના કરતા વર્ક ફ્રોમ હોમ એટલે કોઈ વધારા નો ખર્ચો નહિ..!!
ઓનલાઈન કલાસીસમાં પણ અત્યારે મજા પડી ગઈ છે સંચાલકોને, ઘેર બેઠા છોકરા ભણે એટલે કલાસીસની પ્રીમાઈસીસ નો ખર્ચો ને બીજા મેન્ટેનન્સ ઝીરો..!!
ક્યારેક મુસીબતમાં છુપા આશીર્વાદ પણ છુપાયેલા હોય છે..!
એચ વન વિઝા જો કેન્સલ થાય તો પણ નોકરીઓ એમ ઝટ જતી નહિ રહે , વર્ક ફ્રોમ હોમ..અહિયાં દેશમાં બેઠા કામ થાય..!
જો એવું થાય તો ખરેખર સ્વર્ગ કેહવાય, કમાવાનું ડોલરમાં અને ખર્ચવાનું રૂપિયામાં..!!
મારા જેવા ને તો ગોળના ગાડા દેખાય..!!
ઘણા બધા બીઝનેસ હાઉસ અત્યારે કોરોના પછી કે કોરોના ની સાથે વર્ક ફ્રોમ હોમ ના કન્સેપ્ટ ઉપર શિફ્ટ થવાનું વિચારી રહ્યા છે..!
જશ આપવો હોય તો કોમ્યુનીકેશન ના સાધનો ઈન્ટરનેટ ની સ્પીડ એ આ ક્રાંતિ આણી દીધી છે..!
એક વેહપારી મિત્ર છે, ઘણો મોટો બંગલો છે ને એના બંગલામાં રીતસર એક મોટી ઓફીસ બનાવેલી છે,
વર્ષો પેહલાથી..!
રોજ ના સો કિલોમીટર રખડવાવાળા મને ત્યારે એ સવાલ થયો હતો કે ઘેર બેઠા ધંધો કેવી રીતે થાય ?
નીચે પાન કી દુકાન ઉપર ગોરી કા મકાન, આવું ફાવે કેમનું ?
પણ આજે લોકો જે રીતે છેલ્લા બે મહિનાથી કામ ખેંચી રહ્યા છે એ જોતા એવું લાગે કે ચાલે , કોઈ વાંધો ના આવે, આ રોજ ઠંડા ટીફીન ખાવા એના કરતા ગરમ ગરમ રોટલી સેહજ મેનેજ
કરીએ તો ખાવા મળે ખરી..!!
કોરોના મોટી મોટી ઓફિસીસ અને મોટા મોટા ભવનો નો કન્સેપ્ટ કદાચ કાઢી નાખશે..!
ફક્ત અને ફક્ત જ્યાં મશીનો જોડે ઉભા રહી ને કે દુકાનમાં ઉભા રેહવું પડે એવી જ જગ્યાએ માણસો આવશે અને જશે..!
જો કે આઈડિયા ખોટો પણ નથી, હજી પચાસ દિવસ પેહલાનાં આપણા ટ્રાફિકથી ફાટ ફાટ થતા રોડ રસ્તા ને કીડીયારાની જેમ ઉભરાતા બજારોને આ તક મળી છે..
તો સુધારવા નો સમય પણ આ જ છે..!
બીજો સુધારો એ પણ કરી શકાય કે મેક્સીમમ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી શકાય..
આખા ભારત દેશમાં સવારે આઠ વાગે ઓફિસીસ ખુલી જ જવી જોઈએ અને ચાર વાગે બંધ..!!
આઠ વાગે જો ઓફીસ પોહચવા નું હોય એટલે લાલો
ને લાલી
જખ મારીને સવારે સાડા પાંચે ઉઠે ને સવારે સાડા પાંચે ઉઠેલી પ્રજા રાતના નવ વાગતા સુધીમાં તો ઘોંટાઈ જાય ..!
ઘણી બધી વીજળીની બચત થઇ જાય..
આ પેહલા દલીલો એવી આવતી હતી કે ઘણા અપડાઉનવાળા ને પ્રોબ્લેમ થાય ..ભાઈ ટ્રેઈન ,બસ પણ બંધ જ છે બધું ફરી રીશેડ્યુલ કરી શકાય તેમ છે..!
આપત્તિ ને અવસરમાં ફેરવવો રહ્યો..!
સુધારવું હોય તો અત્યારે બધું બંધ છે એટલે જે કોઈ સુધારો ઘુસાડવો હોય એ ઘુસાડી દેવાય તેમ છે, કમ સે કમ બેન્કિંગ અવર્સ તો સવારના આઠ સાડા આઠથી શરુ કરી જ દેવા જોઈએ..બાકી બધું પાછળ ઢસાડાતું આવશે..!
પરાણે પાછા આવવું પડે તેમ હોય ને તો ..દૂધ ને સાકર ..
બાકી એરપોર્ટ ઉપર ક્યારેક મૂળ ભારતીય પણ પશ્ચિમના રંગ ચડ્યા પછી ઘણીવાર અમુક સન્નારીઓ
અને જેન્ટલમૅન
ત્યાંથી ગ્રહણ કરેલી શ્વાન સંસ્કૃતિના દર્શન કરાવે છે..
એ સંસ્કૃતિ ત્યાં જ મૂકી ને આવજો ..કેમકે એરપોર્ટની બાહર તો આજ ની પ્રજા લાકડીઓ લઈને જ ફરે છે..!! નહી કરડી શકાય..! લાકડી જ પડશે..!
એટલે કોઈ ના મળે તો ઘરના ઘરડા માંબાપ ને કરડવા ના દોડશો..!!
એમનો કોઈ વાંક નથી..!!
કોઈ ને વાગે કરે લોહી નું ટીપું ..!
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)