૩.૦ લોકડાઉન આવ્યું, પ્રજા નો એક ભાગ કાયો કાયો થઇ ગયો ,
ક્યાં સુધી ? અને કેમ ?
જવાબ ખરો ?
ના..
અતિસ્વતંત્ર
થઇ ગયેલી જિંદગી હવે પરાધીનતા
અનુભવી રહી છે ને રોજ વધતા કેસો જોઈ જોઈ ને દિલમાં ધરપત ઘટતી જાય છે.. પણ ઉપાય ના મળે ત્યાં સુધી તો આમ જ ચલાવવા નો વારો આવશે..!
થોડીક છૂટછાટો ગ્રીન ઝોનમાં આપી તો પ્રજા ફરી એકવાર કુછંદે ચડી ગઈ..!
આંકડા તો એક દિવસના વેચાણના એક રાજ્યમાં સો કરોડ અને બીજા રાજ્યમાં કૈક અડતાલીસ કરોડ રૂપિયાના દેખાડે છે..!
એક મિત્ર કહે ગુજરાતમાં પણ પેલી
પરમીટોની દુકાનો ખોલાવો ને કૈક ગોઠવો..
જાણે હું તો ધરાગુર્જરીનો સમ્રાટ હોઉં એમ ..!
જો કે હું તો માનું છું કે સરકારે પરમીટના દારુ ઉપર કોવિડ-૧૯ નો ટેક્ષ કરીને ૨૦૦ ટકા ટેક્સ વધારી ને પરમીટ ની દુકાનો ખોલી દેવી જોઈએ ને જોડે જોડે સિગારેટ ઉપર પણ ૨૦૦ ટકાનો ભાવ વધારો કરી ને વેચાણ ખોલી નાખવું જોઈએ ..!
એવું સંભળાય છે કે આઠસો-હજારની બાટલી ના ત્રણ હજાર અને ત્રણસોની સિગારેટ ના ખોખા ૯૦૦માં વેચાય છે , એટલે પછી તો પ્રજા હવે ખરીદે જ છે તો સરકારના કમાણી ના બધા સાધન બંધ છે તે ભલે ને ૨૦૦ ટકા ટેક્ષ નાખી ને વેચાણ ચાલુ થતા..
બોરડી સામેથી ઝુડાવા તૈયાર હોય તો પછી ઝૂડી જ ઘાલવાની હોય..
ખાલી પેહલા નીચે પાથરણું પાથરી રાખીએ ને પછી ઝુડીએ બોરડી ને તે ઝુડવાના સુખ મળે ને પાથરણું સરખું ઉશેટી
લઈએ તો બોરા વીણવાની જફામારી કર્યા વિના ભેગા ભેગું બોરા પણ ખાવા મળે.!!
હા થૂકવું પડે એવી પ્રોડક્ટ ના ચાલુ કરાય..દા.ત. ચીન્ગમ માવા ,ફાકી વગેરે વગેરે..!
આજે શેહરો ખાલી થઇ રહ્યા છે ને ગામડાં ઉભરાઈ રહ્યા છે,
જેની પાસે ગામડે ઘર છે એને ત્યાં ગામડે જવામાં ને ત્યાં જ રેહવામાં જ સલામતી લાગી રહી છે..
શેહરની ઝાકમઝોળ અને મેટ્રો લાઈફ શટડાઉન થઇ છે, એટલે એક જિંદગીમાં બધું મેળવી ને ભોગવી લેવા માટે ગામડેથી અમદાવાદ આવેલો આ શેહર ના કેહ્વાતા ગ્લેમર ભૂલી ને પાછો ગામડા તરફ ભાગી રહ્યો છે,
કઠીન પરિસ્થિતિમાં પલાયન એ ભારતીયોનું આગવું લક્ષણ રહ્યુ છે, જ્યાં સલામતી દેખાય ત્યાં ભાગવું અને જો ક્યાંય રસ્તોના દેખાય તો પછી લડી લેવું..!
મારા એક મિત્ર ને કાયમ અફસોસ રહે છે કે એમના ગામડે એમનું એકેય ઘર નથી લગભગ ત્રણેક પેઢી પેહલા એમના દાદા ગામડું છોડી મુંબઈ ગયા અને એમના પિતાશ્રી મુંબઈ છોડી ને અમદાવાદ આવી ગયા અને એમાં ને એમાં ગામડે ઘર હતું એ પિતરાઈના ભાગે ગયું એટલે લગ્ન મરણ સિવાય ગામડે કોઈ આવરો જાવરો રહ્યો જ નહિ..
આજ ના સંજોગોમાં તો એ મિત્ર ને બહુ જ અફસોસ થઇ રહ્યો છે ,ગામડે ઘર અને બે ચાર વીઘા જમીન હોત તો હેઈ મજાના કેવા અત્યારે જલસા કરતા હોત..!
બોલો શું કેહવું ?
જે નથી , એ હોય એવી ઝંખના બસ..!
આ એ જ મિત્ર છે કે જે એક જમાનામાં મને એમ કેહતો કે અરે યાર ગામડાની જિંદગી કઈ જિંદગી છે ? સાલી કોઈ ની ચાલમાં તરવરાટ જ નહિ ,બધા નિરાંતમાં હોય કોઈ ને ક્યાંક જવાની કે આવવા ની ઉતાવળ નહિ, આ રોજ સવાર પડી ને સાંજ પડી બીજી કોઈ વાત જ નહિ..? વર્ષો પેહલા ઘોડાગાડી ચાલતી ખબર છે તને શૈશવ..? મને તો ત્યારે એવી દાઝ ચડે કે ઘોડાગાડીમાં આગળ બેસી અને ચારે બાજુ આવતા જતા ને ચાબુક મારું અને દોડાવું બધાને કે ચલો દોડો આ શું છે બધું ..
એમાંય જો કોઈને ઓટલો ભાંગવા મળી ગયો તો બધા પોતાની જાત ને નરસિંહ મેહતા જ સમજે.. પેટમાં ભૂખ લાગે નહિ ત્યાં સુધી “ભજનીયા” ચાલ્યા જ કરે .. કોઈ કામ ની ઉતાવળ જ નહિ..!
હવે આજે એ જ મિત્ર ને ગામડું યાદ આવે છે વાડી ને ઘર યાદ આવે છે..!!
સમય સમયની વાત છે..!!
આપણે તો હજી સિંધુ ભવનના કોફા
અને ઘેર પાળેલો ઇટાલીયન ઘોડો ભૂલ્યા નથી..
જે થાય તે પણ એમ ઘરબાર મૂકી ને ના નીકળી જવાય..
જે રીતે વસ્તી ગામડે પલાયન કરી ગઈ છે એ જોતા હવે આવનારા સમયમાં હવે ગામડામાં કેસ આવવાના ચાલુ થયા તો પછી ભગવાન જ માલિક..!
લોકો ગામડે જે પ્રકારે જઈ રહ્યા છે એ જોતા એવું લાગે છે કે આવનારા વર્ષોમાં હાઉસિંગની સ્કીમો અને ઘર લેવામાં સરકાર જે રીતે છુટ્ટે હાથે મદદ કરતી હતી એમાં થોડું વિચારવું રહ્યું..
શેહરમાં પણ ઘર અને ગામડે પણ ઘર..! કેહવું પડે હો..શાહી ઠાઠ કેહવાય આજ ના ઈએમઆઈના જમાનામાં..!!
અમદાવાદના રોડ રસ્તાના સન્નાટા કરડે છે ,
ગઈકાલે સ્ટાર પ્લસના મહાભારતમાં અર્જુન સોમનાથ દર્શને જાય એવું બતાડ્યું ત્યારે એવો એહસાસ થયો કે દ્વાપરમાં જ જીવી રહ્યા છીએ ,સોમનાથ દર્શને જવું એ તો બહુ મોટી વાત છે..!!
પણ હકીકતે તો ભગવાન સોમનાથના ચાર હાથ અમારા ઉપર ,જ્યારે અમારી મરજી પડે ત્યારે પોહચી ને દિવસોના દિવસો એમના સાનિધ્યમાં રેહતા..!
પણ આજ નો સમય જ એવો આવ્યો છે જેમાં આપણી મરજી ચાલતી જ નથી એટલે હવે એની મરજી ઉપર છે બધું..!
લોકડાઉન ખુલે પછી પણ જયારે સાવધાની રાખવાની છે એવું ઠોક બજાવી ને સરકાર કહી રહી છે પણ ટોળાશાહીમાં જન્મેલી , ઉછરેલી પ્રજા ને ટોળામાં જ વગર મોતે
મરવાની ઉતાવળ હોય એમ ધસી જઈ રહી છે..!
કેટલાય નંગો ને હજી ચરબી
ઉતરતી નથી આ તો જોઈએ જ ને પેલું જોઈએ જ અને એ બધું લેવા જ્યાં ને ત્યાં ભટકે છે…
આજે સવારે ઘરની બહાર સાડા દસના સુમારે ગાડીઓ જ ગાડીઓ હતી, એક આમ રવિવારની સવાર હોય એટલી ભીડ રોડ ઉપર હતી..!
લાગી રહ્યું છે કે પ્રજા ને ફરી એકવાર ગ્લેમર જોઈએ છે ,પણ કોગળિયું એને ગ્લેમર ઝટ ભોગવવા નહિ દે..!
એક કરીયાણાના સ્ટોર્સના માલિકે સરસ વાત કીધી.. શૈશવભાઈ તમે વિચારો કે મંદિર, મસ્જીદ , ગુરુદ્વારા ,ચર્ચ દુનિયા આખ્ખીમાં એકેય ધાર્મિક સ્થળ ખુલ્લું નથી ,આમ તો આપણે રોજ બોલતા કે એની
મરજી વિના પાંદડું પણ હાલતું નથી, તો આ કદાચ એની
જ મરજી હશે કે મુઓ મરતો આ માણસ..અમુક તમુક દિવસો સુધી માણસજાત નું મોઢું સુધ્ધા મારે નથી જોવું ..!!
એવું ના બને..?
એકવાર તો એવું મને પણ લાગી ગયું કે ઉપરવાળો જ નથી ઈચ્છતો કે માણસજાત એના દ્વારે આવે..!!
હશે ત્યારે જે થાય તે સમજો ને ઘરમાં રહો તો સારું..!!
આજ રોજ તારીખ ૫મી મે સાલ ૨૦૨૦ના મંગળવારની સાંજ તમારી સારી રહે એવી શુભકામના..!! (તારીખ વાર તો એટલે લખ્યા કે બધું સરખું જ છે જનતા કર્ફ્યું પછી..)
શૈશવ વોરા