વિજય માલ્યા ફરાર થઇ ગયા..! આજે ટીવી ચાલુ કર્યું અને અર્ણવ ગોસ્વામીએ ન્યુઝ આપ્યા..પાલમ એરપોર્ટથી અગિયાર બેગો લઈને વિજય માલ્યા લંડન ભેગા થઇ ગયા..!!
શું કેહવુ ? કોનો કાન પકડવો?આ દેશમાં પબ્લિકના રૂપિયાનું અને તમામ સરકારી તંત્રોનું કોઈ રણીધણી છે ખરુ ?
આંકડો બહુ મોટો છે માલ્યાનો “,ફક્ત” ૯૦૦૦ કરોડ રૂપિયા ભારત વર્ષની બેન્કોને વિજય માલ્યા જોડે લેવાના બાકી છે, અને એની સામે માત્ર ૪૦૦ થી ૫૦૦ કરોડ રૂપિયાની એમની એસેટ મોર્ગેજ પડી છે ટોટલ થઈને ૧૭ બેંકો પાસે..! બાકી ની બધી મિલકતો માલ્યા સાહેબની પરદેશમાં જ છે ..!
સુપ્રીમ કોર્ટએ પૂછ્યું કે ૯૦૦૦ કરોડ રૂપિયા શું જોઈ ને ધીર્યા હતા તમે ? એવા સવાલની સામે હિન્દુસ્તાનના એટોર્ની જનરલ જવાબ આપે છે કે આટલું મોટું ધિરાણ બેંકોએ એમની બ્રાંડ વેલ્યુ પર બેંકોએ કર્યું હતું..! અહી આશ્ચર્યમ
સાલુ આપણે તો લાખ બે લાખ રૂપિયાની લોન લેવી હોય તો પણ બેંકોવાળા સિબિલ રીપોર્ટ કાઢે ,કોલેટરલ અને બાય લેટરલ સિક્યુરીટી અને દુનિયાભરના કાગળિયા ,ગેરેંટી અને ચેકો આપણી સહી કરાવીને લઇ લે છે તો પછી વિજય માલ્યાને ૯૦૦૦ કરોડ રૂપિયા કિંગફિશરની બ્રાંડ વેલ્યુ ઉપર આપી દીધા ?
અને આવી જ માલ્યા જેવી ટોટલ “ઘાલ ખાધ” ભારતની બેંકોને આવે છે પાંચ લાખ કરોડ રૂપિયાની , ફરી એક વાર કહું તો પાંચ લાખ કરોડની એનપીએ દેશની બેંકોની છે,
આપણને વિચાર આવે કે સરકાર ભલે કોઈની પણ હોય તો કાયદા શું ફક્ત મારા તમારા જેવા સામાન્ય માણસો માટે જ બન્યા છે ? લલિત મોદી ભાગી ગયા ત્યારે તો ચાલો પોપાબાઈ નું રાજ હતું પણ અત્યારે તો ભાયડા રાજ કરે છે ને તો પછી શું થયું ? માલ્યા કેમના રફુચક્કર થઇ ગયા..?
હું દિલ્લીના પાલમ એરપોર્ટ પરનો મારી સાથે બનેલો એક કિસ્સો કહું ..
થોડાક સમય પેહલા મારે ચાઈના જવાનું હતું અને મારી પાસે મારો નવો નક્કોર રીન્યુ થયેલો વેલીડ પાસપોર્ટ અને એની અંદર ચાઇનીઝ વિઝા ,એ પણ વેલીડ હતો..
અને ત્યારે થોડી મેં આળસમાં મારો જુનો પાસપોર્ટ ઘરે રેહવા દીધો .. હવે અડધી રાત્રે પાલમ પર મને ઈમિગ્રેશન ઓફિસરે રોક્યો અને કીધું તમારો જુનો પાસપોર્ટ ક્યાં છે ? મેં કીધું ઘેર છે ,તો કહે ના ચાલે ..મેં કીધું કેમ ના ચાલે આ મારો વેલીડ ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે .. તો કહે જુના પાસપોર્ટ જોઈએ. મેં કીધું જુના એટલે કેટલા જુના પાસપોર્ટ જોઈએ તમારે ? તો કહે તમારા બધા જુના પાસપોર્ટ જોઈએ મેં કીધું તો તો મારે ઢગલો થાય પાસપોર્ટનો હું ૧૯૮૨થી પાસપોર્ટ હોલ્ડ કરુ છુ ..એટલે મારે શું જુના બધા પાસપોર્ટ જોડે લઇ લઈને દુનિયાભરમાં રખડવાનું ? લગભગ વીસ પચ્ચીસ મિનીટ ના લમણા લીધા પછી એ ઈમિગ્રેશન ઓફિસરને લાગ્યું કે આ તો રીઢો ટ્રાવેલર છે એટલે મને માંડ માંડ છોડ્યો અને આગળ જવા દીધો..
સાલું આપણે જીવનમાં કોઈપણ ગુન્હો કર્યો નથી તો પણ આટલી કનડગત અને વિજય માલ્યા જેવા માણસ..જેના માટે છેલ્લા કેટલા બધા મહિનાઓથી છાપામાં આવે છે કે આ માણસ ગમે ત્યારે ભાગી જશે તો પછી પાલમ એરપોર્ટનું ઈમિગ્રેશન શું ઊંઘતું હતું ? ઈમિગ્રેશન ઓફિસરો આંધળા હતા ? માલ્યા એમને દેખાયા નહિ ?
વિજય માલ્યાને લંડન ભાગી જવા દેવા માટે શું વિદેશ મંત્રાલય જવાબદાર નથી ? કેમ આવું થયું ? લલિત મોદીના કેસમાં તો યુપીએ સરકાર પર રીતસરના માછલા ધોયા હતા..!!
દેશના એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટને કહે છે કે માલ્યા તો બીજી માર્ચના લંડન જતા રહ્યા છે ત્યારે તો સરકારને ભાન થાય છે કે ઘોડો ભાગી છૂટ્યો..
અને હવે આ કેસમાં તો તબેલો રહ્યો પણ નથી તો તાળુ ક્યાં મારવું એ જ મોટો સવાલ છે ..!
પણ જો જો તમે , આપણે આ પણ ભૂલી જઈશું.. મુઆ મરતા એમના પાપ એ ભોગવશે..!! એમ કરીને આપણે માલ્યાને “માફ” કરી દઈશું અને માલ્યા પણ લલિત મોદીની જેમ લંડનમાં મજા કરશે અને આપણા “મોટા દિલના” વિદેશમંત્રી વિજય માલ્યાને જયારે જયારે પણ જરૂર પડશે ત્યારે લલિત મોદીની જેમ ટેમ્પરરી ટ્રાવેલ ડોકયુમેન્ટ કાઢી આપશે ..”માનવતા” ના ધોરણે, જેથી એમને “બિચારા” ને લંડનમાં જ ભરાઈ ના રેહવું પડે ,બીજા દેશોમાં પગફેરો કરી શકે
ગુન્હેગાર છે તો શું થઇ ગયું હે સબ સે ઉંચી પ્રેમ સગાઇ ..ના ના “માનવતા”
થોડી બેંકોની વાત કરુ ..માલ્યાને તો એમની બહુ મોટી બ્રાન્ડ ઉપર બેંકો એ ધિરાણ કર્યું ,હવે આપણે નાના એવા ધિરાણ માટે કેવા હેરાન થઈએ છીએ એનો કિસ્સો કહું..
બહુ વર્ષો પેહલા એક બેંક આવી હતી હિન્દુસ્તાનમાં ,બ્રિટીશ બેંક હતી એ નામે એબીએન-એમરો ..
આ એબીએન-એમરો નામની બેંકે મને એક સરસ મજાનું ક્રેડીટકાર્ડ મોકલી આપ્યું હતુ ..અમે હોંશે હોંશે સાચવી પણ રાખતા પાકીટમાં ,
લગભગ છ મહિના જેવું થયુ અને એબીએન-એમરો બેંકમાંથી એક રૂપાળીનો ફોન આવ્યો સર તમારે ઈન્સ્યોરન્સ જોઈએ છે મેં એને ઘસીને ના પાડી ..
પાંચ લાખનો પર્સનલ એકસીડન્ટ એ રૂપાળી મને બારસો રૂપિયાના પ્રીમીયમથી પેહરાવતી હતી ..
બીજા મહીને એબીએન-એમરોમાંથી મને સ્ટેટમેન્ટ આવ્યુ અને બારસો રૂપિયા મને ડેબીટ કર્યા હતા ,મેં કોલ સેન્ટરમાં ફોન કર્યો કે ભાઈ મારે આ ઈન્સ્યોરન્સ નથી જોઈતો ,ભાઈ સમજુ હતા એટલે એમણે એ બારસો રૂપિયા રીવર્ત કર્યા અને ફરી મહિનો પૂરો થયો અને સ્ટેટમેન્ટ આવ્યું ,
બારસો રૂપિયા તો રીવર્સ થયા હતા પણ એ બારસો રૂપિયા મેં નોહતા ભર્યા એટલે મારી ઉપર સાડા ત્રણસો રૂપિયા લેટ ફી લગાડી દીધી ..!! મેં ફરી ફોન કર્યો તો જવાબ આવ્યો કે ના સર લેઈટ ફી તો તમારે ભરવી પડે ..!!
અલ્યા શંખ મેં જે વસ્તુ ખરીદી નથી અને જેનું મારે પેમેન્ટ પણ નથી કરવાનુ તો પણ એની ઉપર મારે લેઇટ ફી ભરવાની ..?
હું અડી ગયો , મારા સિધ્ધાંત ની વિરુદ્ધની વાત હતી મેં કોઈનો રૂપિયો બાકી નથી રાખ્યો પણ હું કોઈને વગર કારણે કોઈને રૂપિયો પણ ના આપુ
એ સાડા ત્રણસો રૂપિયા દર મહીને વધતા વધતા તેર હજાર થયા..
થોડા સમય પછી મારે ગાડી લેવા બે લાખની લોન લેવી હતી અને ત્યારે મને બેંકમાંથી એવું કીધું કે તમારો સિબિલ રીપોર્ટ ક્લીયર કરો .. મેં કીધું એના માટે મારે એબીએન-એમરો ને રૂપિયા આપવા પડે અને જે વસ્તુ મેં ખરીદી નથી એના રૂપિયા હું નહિ આપુ મેં કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ નાખેલી છે ..
તો બેન્કે કીધું ના એ સિબિલ રીપોર્ટ ક્લીયર ના હોય તો તમને લોન ના મળે મેં કીધું પુંછડામાં પેઠી તારી લોન, બે લાખ રૂપરડી માટે હું મારા સિદ્ધાંતો સાથે કોમ્પ્રોમાઈઝ નહિ કરુ ..
કાર્ગો મોટરવાળાને બોલાવ્યો અને કીધું પકડ આ તારો ગાડી નો આખો ચેક અને લાવ મારી ગાડી..
થોડા સમય પછી મારા નાના ભાઈનો મિત્ર એબીએન એમરો માં મેનેજર તરીકે આવ્યો, એણે મારું નામ ડિફોલ્ટર લીસ્ટમાં જોયુ અને એ ભડક્યો મને ફોન આવ્યો મેં આખી વાત એને કરી મને કહે મોટાભાઈ અત્યારે સ્કીમ છે બારસો રૂપિયામાં પતી જશે અને તમારો સિબિલ રીપોર્ટ ચોખ્ખો થઇ જશે તમે માનો મારુ કીધું અને પતાવી દો ..
મેં કીધું ના દોસ્ત ,ના એટલે ના ..છેવટે મને ખબરના પડે એમ એણે પોતાના ખિસ્સામાંથી બારસો રૂપિયા ભરી દીધા અને મારો સિબિલ એણે ચોખ્ખો કરી નાખ્યો ..જેની જાણ મને પાંચ વર્ષે થઇ.. ત્યારે મેં એને ફોન કર્યો મેં કીધું તે આવું કેમ કર્યું ?
મને કહે જુવો શૈશવભાઈ તમે સમજો હવે આ જમાનો આપણા બાપાઓ નો જમાનો હતો ને એવો જમાનો નથી ,બધું ઓનલાઈન છે ,અને આ બધું લડવા ઝઘડવાનું કામ આપડુ નહિ , તમે મારા મોટાભાઈ બરાબર છો અને એક બેન્કર તરીકે હું મારા ઘરના માણસનો સિબિલ ક્યારેય બગડવા ના દઉં..
છેવટે હું હાર્યો મેં કીધું પેલા બારસો રૂપિયા તો તું લઇ લે મારી પાસેથી મને કહે ના એ હું તમારી પાસેથી નહિ જ લઉં..
અને અત્યારે એ જ સિબિલ ના જોરે જે બેંકવાળો મને બે લાખ નોહતો આપતો એ મને દર મહીને ફોન કરે છે.. સર તમારી આટલા લાખની પ્રીએપ્રુવડ લોન છે તમારે મર્સિડીઝ લેવી છે કે જેગુઆર ?
ત્યારે પણ જવાબ તો એ જ મોઢામાંથી નીકળે છે પૂંછડામાં પેઠી તારી પ્રીએપ્રુવડ લોન .. નથી જોઈતી મારે..!!મારે તો મારી ઈન્ડીકા ભલી છે ..!
અને આ માલ્યાને બ્રાંડ વેલ્યુ ઉપર રૂપિયા ધરી દીધા અને એ પણ ૯૦૦૦ કરોડ..!
ઘીસ બે લાલિયા બાપ કા ચંદન ,
ના.. ના ..નાં ..
ઘીસ બે માલિયા બાપ કા ચંદન ..!!
ફરી એક્વાર જાગો નરેન્દ્ર પ્યારે જાગો ..!
શુભ રાત્રી
શૈશવ વોરા