પીળી ધાતુ રમખાટ જઈ રહી છે..લગભગ દસ ટકા કમાઈને આપી દીધું છે,
અમેરિકા રશિયા અને ચીન દેશે ખરીદી કરી છે એમાં કંચન નવી નવી ઊંચાઈ દેખાડી રહ્યું છે..!
આપણા દેશની એક તકલીફ છે જેમાં તેજી ચડે એની પાછળ દોડે “હવે ચાલીસ હજાર તો જુવો બાપુ હમણાં આવશે..!”
અલ્યા ભઈ જપ ને યાર ,આવશે ત્યારે આવશે તું શું કરવા મે`થી મારે છે ..
આમ પણ હવે ઘરના પ્રસંગ સિવાય કોઈ ઘરેણા બહુ પેહરતું નથી અને હવે તો લગ્નો માં અચ્છા અચ્છા લોકો નકલી ઘરેણા પેહરી ને પરણવા અને પરણાવા બેસતા થઇ ગયા છે..!
રૂટીનમાં હજી બંગડી અને કાનમાં થોડું ઘણું પેહરે ,પણ ગળાના ચેઈન અછોડા તો લગભગ સાવ બધા ભૂલી ચુક્યા છે..!!
ઓવર ઓલ ભારત દેશે વસી રહેલી જનતા નું સોનું કે ઘરેણા ભારે હૈયે તિજોરી કે લોકરોમાં ધરબાયેલા પડ્યા છે..!!
ઘણા વર્ષોથી સોનાનું ગજબનું ઈમ્પોર્ટ દરેક સરકારોના માથાના દુઃખાવા રૂપ થઈને પડયું છે , ત્રણ વસ્તુઓ સરકારને ગજબ હેરાન પરેશાન કરી રહી છે ,સોનું ,ક્રુડ અને ઇલેક્ટ્રોનીક્સ ..!અને આ ત્રણેય વસ્તુઓ ના ઈમ્પોર્ટના બીલ ચુકવતા ફીણ ચડી જાય છે..!!
હવે વાત કરીએ એમાં ઇલેક્ટ્રોનીક્સની ..!
ગઈકાલે એક મિત્ર એક નવો નક્કોર પોણો લાખ રૂપિયાનો મોબાઈલ લઈને મારે કારખાને આવ્યો ..!
મેં કીધું અલ્યા બતાડ તો ખરો..
બકા એ તરત જ પાસવર્ડ આપી ને પોણો લાખનો મોબાઈલ મને ખોલી આપ્યો..
હા ભાઈ , આ જમાનામાં બહુ મોટી વાત કેહવાય હો પાસવર્ડ આપી અને કોઈ પોતાનો મોબાઈલ જોવા આપે તે ..!! મિલકત લખી આપે પણ મોબાઈલ પાસવર્ડ ના આપે..!
આપણે એ પોણી પેટીના મોબાઈલને થોડો મંત્રયો ,અને પછી મોઢામાંથી એક પૂરી સવ્વવા બે મણની ગાળ કાઢી.. હલકટ મોબાઈલવાળાઓ છેલ્લા ત્રણ ચાર વર્ષથી મોબાઈલમાં નવું કશું જ આપતા નથી, અને નવા નવા મોબાઈલના મોડેલ બહાર પાડતા જાય છે..અને તમારા અને મારા રૂપિયાની ઘાણી બોલાવતા જાય છે..!
ઉપરથી કોઈ કારણ વાળી કે વિનાની એ તો રામ જાણે ,પણ અપડેટના નામે તમારી અને મારી ઓપરેટીંગ સિસ્ટમોને “જાડી” કરતા જાય છે,
એટલે બે ત્રણ વર્ષ પછી મોબાઈલમાં પડી પડી “જાડીપાડી” થયેલી ઓપરેટીંગ સીસ્ટમ ને મોબાઈલમાં હરવા ફરવાની જગ્યા ઓછી પડે, અને અલ્ટીમેટલી મોબાઈલ હેંગ થાય અને તમે ત્રાસીને નવો મોબાઈલ લ્યો..!
નર્યા આપણા રૂપિયાના પાણી કરી મુક્યા છે આ અપડેટના નામે..!!
ઇલેક્ટ્રોનીક્સ ના ઈમ્પોર્ટ ઘટાડવા માટે જો સરકાર ખરેખર સીરીયસ અને કટિબદ્ધ હોય તો થોડુક `વિયર્ડ` સજેશન છે પણ વિચારવા જેવું તો ખરું ..
એક *કોઈપણ ઈલેક્ટ્રોનિક સાધનની લાઈફ મીનીમમ સાત વર્ષ તો હોવી જ જોઈએ અને વોરંટી ત્રણ વર્ષની..*
બે *દરેક ઈલેક્ટ્રોનિક સાધન ઓપરેટીંગ સીસ્ટમ તેના સપ્લાઈ સમયે જે હોય તેનાં કરતા અપ ડેટ સમયે દસ ટકાથી વધારે જગ્યા રોકવીના જોઈએ..*
અત્યારે ત્રણ વર્ષ પેહલા સોળ જીબીનો ફોન લીધો હોય એની ઓપરેટીંગ સીસ્ટમ અને બીજી બધી એપ ત્રણ વર્ષમાં અપ ડેટ થઇ થઇ ને બધી જગ્યા ખાઈ જાય એટલે છેવટે ફોન બદલાવો પડે છે..!
ચોક્કસ અહિયાં જે શોખીનો છે અને જેને ફોન બદલાવો જ છે વગર કારણે ,એને કોઈ રોકી નથી શકવાનું પણ સેકન્ડ હેન્ડ નું પણ આપણે ત્યાં બહુ મોટું માર્કેટ છે..
અને હા આવું કરવાથી બીજો એક મોટો ફાયદો પણ છે ઈલેક્ટ્રોનિક વેસ્ટ ઓછો પડશે અને ઈમ્પોર્ટ ઓછું થશે..!
ભારત દેશમાં બધા ને મોબાઈલ આપ્યો એ બરાબર છે, પણ હવે મોબાઈલમાં રસ્તે રખડી ખાતી `ઉબેટો` ને વધારે પડતી એપ અને બીજું બધું લેટેસ્ટ આપી ને કામ શું છે..?
સાત વર્ષની લાઈફવાળા મોબાઈલ હોય તો એ બધી ઉબેટો જુના મોબાઈલમાં પબ્જુ રમી ખાય અને થોડું નાગું નાગું જોઈ લ્યે એટલે એનું કામ પૂરું..!!
કોઈપણ મોબાઈલ સાત વર્ષ મીનીમમ ચાલવો જોઈએ અને આવા વિચાર પાછળનું કારણ ઓટોમોબાઇલ છે..!
ઓટોમોબાઈલનું ઉદાહરણ લઈએ તો પેહલા જુના જમાનામાં લગભગ ચાલીસ પચાસ હજાર કિલોમીટર એ ગાડીઓના એન્જીન ઉતારવાના વારા આવી જતા પછી લાખ કિલોમીટર થયું અને હવે ત્રણ લાખ કિલોમીટર સુધી લગભગ નવી ગાડીઓ ને કઈ થતું નથી..
૧૯૪૭ મોડેલની પોંટીઆક થી લઈને આજની લેટેસ્ટ એવી બધી છેલ્લા પચાસ વર્ષમાં મારા ઘરમાં આવેલી ઢગલો એક ગાડીઓના અનુભવ ઉપરથી હું કહું છું..!!
હવે ત્રણ લાખ કિલોમીટર ચાલે એવી ગાડીઓ આવવાથી ફાયદો એ થયો કે જન જન સુધી ગાડીઓ પોહચી ગઈ , અને આજે આવેલી ઓટો ફિલ્ડની મંદી એટલે છે કે જેને પણ લેવાની હતી એણે ગાડી લઇ લીધી અને જેટલી લેવાની હતી એટલી .. અને બીજી તરફ દરેક કાર બનવાનારી કંપનીઓ એ પોતાના પ્રોડક્શન જાયન્ટ કરી મુક્યા છે એટલે છેલ્લા ત્રણ મહિનાથી બજારમાં ગાડી ખરીદનાર નથી દેખાઈ રહ્યો..!!
ભલે મંદી રહી પણ બીજી બાજુ એ સારી નિશાની છે કે જનતા પોતાનો રૂપિયો સમજી વિચારીને વાપરી રહી છે ખોટા દે ..દે.. રૂપિયા નથી નાખી રહી..!!
ઈલેક્ટ્રોનિકસમાં પણ આવું થઇ શકે..જેમ ગાડીઓ ત્રણ લાખ કિલોમીટર ચાલતી થઇ અને વપરાશ ઘટ્યો તેમ ઇલેક્ટ્રોનીક્સ પણ સાત વર્ષ ચાલે તો એનું ઈમ્પોર્ટ ઘટે..
આજે જાપાનમાં ટ્રમ્પ કાકા , મોદી સાહેબ અને એમના મિત્ર અબે શી એક ટેબલ પર બેઠા હતા ,ઘણું વિરલ દ્રશ્ય હતું જાપાન ,અમેરિકા અને ભારત ના વડાઓ એક જ ટેબલ પર બેસી અને ચર્ચા કરતા હોય ..!
જોઈએ શું નીકળે છે એમાંથી સોનું કે પિત્તળ ..!!
બાકી ભલા ભલા ને `ફેણ` ચડે એવી મંદી ઘેરાણી છે, બેંકો લોન આપવા કા`યી કા`યી થઇ ને ફરે છે અને સરકારી બેંકોની એનપીએ નું હળાહળ સરકાર પી ગઈ છે પણ નોન બેન્કિંગ ફાયનાન્સની એનપીએ ને કોણ પીશે એની ખબર નથી ..
નોન બેન્કિંગ ફાયનાન્સ ની પરિસ્થિતિ અતિ ગંભીર છે . એમસેમએમઈ માં જરાય કરંટ દેખાતો નથી બધા ફાંફે ચડેલા છે ,અને ખરેખર પેલો જે વોટ્સ એપ ઉપર જોક ફરે છે એ તદ્દન સાચો છે..
*ગિરિમથકના ઇકો પોઈન્ટ ઉપર જઈ ને બુમ મારો કે પેમેન્ટ કરો તો સામેથી ઇકો આવવા ને બદલે એમ સાંભળવા મળે છે કે હમણા નહિ ,હમણાં નહિ..!!!*
સો વાત ની એક વાત , સોનું ઉપર ચડે એનો મતલબ કરન્સી ઉપર નો ભરોસો દુનિયાને તુટ્યો અને જો વધારે ઉપર જાય તો પછી દુનિયાના ઘણા દેશોમાં ઉથલપાથલ થાય..!
બધું ચોપડે ચડાવાનો પ્રયોગ થઇ રહ્યો છે..દરેક રોકડને કાળું નાણું ગણવાની ભૂલ થઇ રહી છે ,
આજે ભામાશા જયંતિ છે, આજ ની વ્યાખ્યા પ્રમાણે ભામાશાથી મોટો કોઈ કરચોર નથી.. કારણકે ભામાશા પાસે કેટલા રૂપિયા હતા એની તેમના શાસકને ખબર નોહતી..!!
અને તો પણ મહાદાની ભામાશાએ તેમનો ખજાનો ખોલી અને મહારાણા ને ચરણે ધરી દીધો હતો..!!
*આ દેશ મહાદાની વીર ભામાશાઓથી ભર્યો પડ્યો છે, બારસો વર્ષના વિધર્મી અને લુંટારાના શાસને હિંદુ પ્રજાને ટેક્ષ નહિ ભરવા માટે મજબુર કરી હતી.. હિંદુ ભારતીય કરચોર ક્યારેય નોહતો , એને બનવું પડ્યું હતું ,એના જીનેટીક્સમાં એણે કરચોરી ઉતારવી પડી હતી..!!*
*બહુ વાર લાગશે ભરોસો આવતા કે શાસન આપણું છે, અને આપણા માટે આપણે ટેક્ષ ભરવાનો છે એટલો ભરોસો આવતા..!!*
બાકી તો ઊંટ કાઢે ઢેકા તો માણસ કાઢે કાઠા ..
જોઈએ બજેટ નામની ગઠરિયા કેવી ખુલે છે..રૈયત ને દંડિત કરી અને રાજ કરવા કરતા રૈયતના રખોપા કરીને રાજ કરનારા ને ઇતિહાસે આંખ માથે બેસાડ્યા છે..!!
નિર્મલા ,ઉજવ્વલા વગેરે વગરે ઘણી સ્કીમો ગરીબ માટે આવી, પણ ઘંટીના બે પથ્થરની વચ્ચે પીસાતો સિત્તેર કરોડ લોકો નો બનેલો ચાર પૈસા કમાતો મધ્યમવર્ગ બે પૈસા ઘડપણ માટે બચાવી અને બે પૈસા ખર્ચવા માંગે છે…
અને એ જો બે પૈસા ખર્ચશે તો જ મંદી હટશે..!
વિચારજો અને મોકલજો આગળ કૈક તથ્ય આખા બ્લોગમાં લાગે તો ..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા