
*(છેક સુધી વાંચજો ,અને ગમે તો ફોરવર્ડ કરજો ,ખોટો અભિપ્રાય પેહલા ના બાંધી લેશો)*
આજે બપોરે એક જબરો ફોન આવ્યો.. પેહલા તો નંબર અજાણ્યો દેખાયો એટલે ફોન ઉપાડવાની ઈચ્છા જ ના થઇ, પણ પછી ટ્રુ કોલર ઉપર દેખાડ્યું વિવાહ સમથીંગ સમથીંગ..!!
એટલે અંદરનો પુરુષ સળવળ્યો ,અલ્યા કૈક નવું આવ્યું પાછું બજારમાં એવું વિચારીને ફોન ઉપાડ્યો..
જોરદાર માદક અવાજમાં હલો સર ગુડ આફ્ટરનુન .. એક, બે સેકન્ડ અવાજના એનાલીસીસમાં બગાડી પણ પછી અનાયાસે મોઢામાંથી નીકળી ગયું ..બોલો બેન.!!
સંસ્કાર ,મુઆ સંસ્કાર..બીજું શું ..?
ફટાક કરતુ `બેન` મોઢામાંથી નીકળી ગયું , તો પણ માદક અવાજવાળા બેન એ તો ચાલુ કર્યું સર હું ફલાણા ફલાણા મેટ્રીમોનીઅલમાંથી બોલું છું અને અમારી આ વેબ સાઈટ છે , અમે લગ્ન માટેના મેચ મેઇકિંગથી લઈને લગ્ન કરાવી આપવા સુધીના બધા જ કામ કરીએ છીએ..
મેં વાત ટૂંકાવા કીધું સારું `બેન` જરૂર હશે તો કહીશું..
માદક અવાજવાળા બેન કહે તમારા ફેમીલી માં કે તમારે ..
બસ, પછી તો સંભળાયું જ નહિ અમારાથી એટલે અમે ફોન સટાક કરતો કાપી કાઢ્યો..!!
કેવું લાગે હે પત્નીજી ? કે એમના પતિદેવજી આવી રીતે વાતો કરે છે ? હાય હાય આવું થાય આપણાથી..?
ના થાય નાં થાય..!!
પણ પેલા માદક અવાજવાળા `બેન` પણ જરાય ઓછા નોહતા ..
મારી હાહરી વાંદરી એ જેવો મેં ફોન કાપ્યો કે તરત જ સાત આઠ વોટ્સ એપ મેસેજ મોકલી દીધા એમની વેબસાઈટની માહિતી આપતા..!
એવું મન લલચાયું કે બધું ડાઉનલોડ કરી કરી ને વાંચું..અને પેલું `હેલો સર` ફરીવાર સાંભળું પણ એ જ ….!!!
સંસ્કાર ,મુઆ સંસ્કાર..બીજું શું ..?
બધા જ મેસેજ વાંચ્યા વિના ડીલીટ કર્યા અને બેન …ને….. બ્લોક… કર્યા… માદક અવાજ..વાળા ..!!!
કોણ કહે છે કે પુરુષ માણસ ને દુઃખ ની અસર ઓછી થાય અરે થાય થાય બહુ થાય અને આવે સમયે તો બહુ થાય ..!!!
બળ્યો આ પુરુષો નો અવતાર..!!
મહાપુરુષો ને આવું કઈ હોય જ નહિ પોતાની ની પત્ની પાસે જઈને કહે ભિક્ષાન દેહી માતા..!!
આપણે પુરુષો આવું કરીએ તો ..? વેલણે વેલણે કે પછી ઝાડું જે હાથમાં આવે એનથી ઝૂડી ઘાલે..એટલે જાન લઈને આવ્યો હતો ? ત્યારે શું ? તારું “ભિક્ષાન દેહી માતા..!!“ આવતા જન્મમાં હો ..અને પેહલેથી માતા પાસેથી જ લઇ લેજે એટલે તારા છોકરાની માં ને તારી માતા ના કેહવું પડે..ત્યારે શું .. જાવ કામધંધે વળગો નવરી બજાર તેમાની ..!!
બોલે કેટલાને આવો જવાબ મળે ? એકેએક ને ..!!
ખત્તરનાક ચાલ્યું છે આ બધું કોલ સેન્ટરોનું… ક્યારેક કામના સમયે એવા એવા ફોન આવે કે આપણને સખ્ખત ગુસ્સો આવે પણ ક્યારેક દયા પણ આવે કે શા માટે આવું કરતા હશે..?
એક મિત્ર સાથે થયેલો કિસ્સો શેર કરું ..એની પરમીશનથી..!
મિત્રનું કાલ્પનિક નામ નેહુલ રાખો..
નેહુલ સાથે મારે સારી ધંધાકીય મિત્રતા ,એકવાર આવી રીતે મને કોલ સેન્ટરમાંથી ફોન આવ્યો હશે કોઈ ક્રેડીટ કાર્ડ માટે , નેહુલની સામે મારાથી સેહજ છણકો થઇ ગયો એ છોકરી સાથે , એટલે નેહુલ મારી ઉપર બગડ્યો મને કહે નાં પાડવી છે તો સીધી રીતે ના પાડ ને આવી રીતે ખરાબ ભાષામાં કેમ વાત કરે છે ?
મેં કીધું યાર પણ રોજના ચાર પાંચ ફોન ની એવરેજ છે શું કરું યાર ..?
નેહુલ કહે તને ખબર છે કે એ છોકરી ની કઈ મજબુરી હશે કે એ તારા જેવાની ગાળો ખાવા નોકરી કરે છે ?
નેહુલ ને આવું બોલતો સાંભળ્યો એટલે મેં જરાક ગંદા ટોનમાં કીધું ઓ..હો ..તને કઈ બહુ હમદર્દી થઇ આવી છે કેમ કઈ ? બહુ “નજીક” થી ઓળખે છે કોઈ ને ?
નેહુલ સેહ્લ આડું જોઇને હસ્યો મને ખબર જ હતી હલકટ તું આવી રીતે જ લેવાનો..
મેં કીધું બસ મહાપુરુષ આજકાલ કરતા વીસ વર્ષ થયા છે તમને ઓળખતા બોલો કહાની આગળ..
એટલામાં એની ઓફીસમાં કોફી આવી અમે કોફી ચાલુ કરી અને કેબીન નું બારણું બંધ .. મેં કીધું ફટાફટ ..ટુંકસાર..
નેહુલ બોલ્યો શરુ તો કરવા દે..
બોલ ..
આવી રીતે એકવાર નવરો હતો અને એનો ફોન આવ્યો ,
એટલે અમે આંખો મોટી કરીને પૂછ્યું એનો નહિ નામ ,…નામ બોલો..
નીતુ નામ હતું ..
મેં કીધું .. ઉંમર બોલો ?
નેહુલ બોલ્યો આપણાથી અડધી..
મેં પૂછ્યું અડધી કે એનાથી ઓછી..?
(ગાળ ) ૧૯૯૫ની સાલ નો જન્મ હતો ..
સારું દેખાવે ?
નેહુલ ઉછળ્યો અરે હલકટ એવું કઈ નોહ્તું, હું તને એ જ સમજાવા માંગું છું હવે વચ્ચે બોલ્યો તો કઈ જ નહિ બોલું ..
મેં કીધું સોરી સોરી બસ નહિ બોલું..
નીતુ નો પેહ્લો ફોન આવ્યો ત્યારે મને પણ ટીખ્ખળ સુઝ્યું હતું અને નીતુ પણ મારી સાથે થોડીક લુઝ ભાષામાં વાત કરી રહી હતી , એક જ દિવસમાં એના ત્રણ ફોન આવ્યા , એ રાત થોડીક રોમાંચક ગઈ પછી બીજા દિવસે હું પ્રેક્ટીકલી એના ફોનની રાહ જોઈ રહ્યો હતો ,અને બરાબર અગિયાર ને ટકોરે એનો ફોન આવ્યો હું તો નવ વાગ્યે જ કારખાને આવી ગયો હતો.. મેં એને એક સાથે પાંચ ક્રેડીટ કાર્ડ ની લાલચ આપી..પછી નેહુલ બોલ્યો એમાં એક તને પણ ગણી લીધો હતો..
મેં કીધું એ ભાઈ મને નહિ સલવાડવાનો આ બધાના ચક્કરમાં..
નેહુલ હસી ને બોલ્યો હમણા તો દેખાવની પત્તરફાડતી હતી અને હવે પુંગી પેંપે થઇ ગઈ..
મેં કીધું આગળ આગળ ..
એ દિવસે ટોટલ લગભગ સાજ સુધીમાં છ ફોન આવ્યા એ મને મણીનગર મળવા આવવા તૈયાર થઇ ગઈ..
મારી આંખો ફાટી ગઈ .. મેં કીધું શું પત્તરફાડે છે બે નેહુલ્યા તારી મત્ત મારી ગઈ છે બે આવું બધું ગળે ના બંધાય મૂરખ ,
નેહુલ ઠંડકથી બોલ્યો આગળ સાંભળ .. અમે મણીનગર ચાર રસ્તા મળ્યા એ બીઆરટીએસમાં કાંકરિયા ઉતરી અને ત્યાંથી ચાલતી આવી હતી,સાવ દુબળી પાતળી દેખાવે કઈ જ નહિ ,અને એકદમ સાધારણ કપડા..એને જોઇને મને દયા આવી ગઈ મારી મસ્તી નીકળી ગઈ એટલે મેં એને કીધું હું તને એક પણ ક્રેડીટકાર્ડ નહિ અપાવી શકું પણ એનું જેટલું કમીશન તને મળવાનું હોય એ કહી દે હું તને આપી દઉં છું ..
બોલતા બોલતા નેહલની આંખના ખૂણા ભીના થઇ ગયા હતા , એ સેહજ અચકાઈ ને બોલ્યો શૈશાવ્યા બોલ એ છોકરી એવું બોલી કે મારે એના બદલામાં શું કરવાનું રેહશે ? મેં આજ સુધી એવું કઈ કર્યું નથી પણ લાગે છે હવે શરુ કરવું જ પડશે..
નેહલ આગળ બોલ્યો મને એની વાત અને આંખમાં સચ્ચાઈ લાગી .. હું એને બાજુ ની કીટલી પર લઇ ગયો ચા અને બિસ્કીટ મંગાવ્યા અને એને ખવડાવ્યા પછી પૂછ્યું ઘરમાં કોણ કોણ છે ,એક બીમાર ખાટલે પડેલો બાપ અને એનાથી નાની બીજી ત્રણ બેહનો અને માં ,નીતુ એકલી કમાતી હતી અને એ પણ સાત હજાર પગાર અને ક્રેડીટ કાર્ડ વેચાય એના ઇન્સેન્ટીવ બીજા બે હજાર ,બાપ ની દવા અને ખાવાનું લાવવામાં પગાર જતો હતો અને માં છૂટક કામ કરે એમાંથી કપડા..
મેં જરાક પ્રેક્ટીકલ થઇ ને કીધું નાટક..
નેહુલ બોલ્યો મને પણ વિશ્વાસના પડ્યો એટલે હું એને ત્યાંથી જ બાઈક પાછળ બેસાડી અને નિકોલથી આગળ એના નગરમાં એને ઘેર ઉતારવા ગયો અને શબ્દ શબ્દ સાચો હતો.. ઘર એટલે છાપરું બીજું કઈ જ નહિ વાસણ ગણી ને પાંચ , એક જુનો તૂટેલો ખાટલો એમાં એનો બાપ એક ટીનના ડબલા ઉપર મને બેસાડ્યો અને પ્લાસ્ટિકના ગ્લાસમાં પાણી આપ્યું મને ..
તું નહિ મને ખિસ્સામાં હતા એટલા બધા જ રૂપિયા આપી ને આવ્યો હતો અને પછી ઘેર જઈને તારી ભાભી ને વાત કરી ..આજે પણ અમે એના ઘરે મહીને અનાજ ભરીએ છીએ અને એની બેહનો ની ફી..સાચ્ચું કહું જયારે બીજા દિવસે નીતુ નો ફોન આવ્યો ને અને એની સાથે વાત કરતો હતો ને ત્યારે એના અવાજમાં કંપન હતા અને એ મને સ્પર્શી ગયા હતા શૈશાવ્યા..!!
મારું મન માનવા તૈયાર નોહ્તું ..સ્ટોરી ના બનાવ નેહુલ એ કામ મારું છે તારું નહી
ત્યાં જ એના ફોન પર એના વાઈફનો ફોન આવ્યો.. આ શૈશવ નીતુ વાળું વાત માનતો નથી લે વાત કર ને.. એમ કરીને નેહુલ એ મને ફોન પકડાવ્યો..અને મેં પણ ગજ્જબ નફ્ફટાઈથી પૂછ્યું ભાભી આ સાચ્ચો છે ?
ભાભી બોલ્યા હા એકદમ..
મેં કીધું …તો પછી તમે નેહુલ ને ઠોકી કેમ નહિ બે ત્રણ ? કે મણીનગર ચાર રસ્તે પેલી ને કેમ મળવા બોલાવી ..અમ જેનો ફોન આવે બધાને મળવા થોડું બોલાવાય ?
ભાભી નો જવાબ આવ્યો તમે બધાય ભાઈબંધો એકસરખા “મૂરખ” જ છો એને કઈ કરવું જ હોત ને તો ભ`ઈ તો એ `પેલી` ને સીધી ગેસ્ટહાઉસમાં લઇ જાત મણીનગર ચાર રસ્તે નહિ..
વારો મારો હતો કાન પકડવાનો …
નેહુલના મોઢા ઉપર એક છોકરી ને વેશ્યા બનતી અટકાવવાનો સંતોષ હતો અને ફોન કાપી ને એ બોલ્યો… શૈશવ વધારે પડતા લળી લળી ને કે પછી માદક અવાજમાં છોકરી કે સ્ત્રી વાત કરતી હોય ને એટલે સમજવું કે એનો મજબૂરીનો પહાડ એટલો વધારે મોટો છે..!!
અત્યારે એ વાત યાદ આવે છે.. માદક અવાજ હતો અને લળી લળીને વાત થતી હતી, કદાચ એનો મજબુરીનો પહાડ પણ ઘણો મોટો હશે..!!
ક્યારેક તમને પણ ફોન આવે તો ..ના બેન નથી લેવું કે નથી જોઈતું કરી ને મૂકી દેજો પણ છણકા ના કરશો..!!
આ પેહલા પણ કોલ સેન્ટર ઉપર એક બ્લોગ લખ્યો હતો પણ ત્યારે નેહુલ જોડે આ પ્રસંગ નોહ્તો જાણ્યો, મેઘધનુષી દુનિયા ના આ અનેક રંગ છે ક્યારે કયો રંગ સાચો અને કયો રંગ ખોટો એ સમજાતું નથી ..
સમય સમય પર અભિપ્રાય બદલાય છે..કાલે સાચું લાગતું હતું એ આજે ખોટું અને ખોટું લાગતું હતું એ આજે સાચું..!!
પણ એક વાત નક્કી છે.. “વધારે પડતા લળી લળી ને કે પછી માદક અવાજમાં છોકરી કે સ્ત્રી વાત કરતી હોય ને એટલે સમજવું કે એનો મજબૂરીનો પહાડ એટલો વધારે મોટો છે..!!”
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*