૧ લી જુલાઈથી GST આવશે,આવશે અને આવશે જ..નાણામંત્રી જેટલી સાહેબે બરાબર ખખડાવીને કહી દીધુ..એટલે જેના ઓળખીતા પાળખીતા ફલાણી કમિટીમાં હતા અને ઢીંકણા પાસેથી “પાક્કા” ન્યુઝ છે કે સપ્ટેમ્બરથી આવશે એ બધા હવે નીચી મુંડી એ ચુપચાપ GST શું છે એ શીખવા અને સમજવા માટે ફાંફા મારવા લાગ્યા છે..
અલ્યા પેહલી તો આયી..હવે શું કરવાનું છે..?બીલો કેમના ફાડવાના અને રીટર્ન કેટલા ભરવાના..?રોકડાના ચિઠ્ઠા લઈને ટેમ્પોવાળો નીકળ્યો હોય તો એને કોઈ પકડે તો શું કરવાનું..?
“ઘેટી”બરાબરની ફીટ થઇ છે વેપારીઓની GSTમાં,બધું જોયા જાણ્યા પછી એ મારો બેટો એમ બોલે કે “નથી સમજણ પડી..!ટેલી(એકાઉન્ટીંગ સોફ્ટવેર)માં સમજાવો તો મેળ પડે,બાકી તો મગજ ભમી જાય છે..”
લોર્ડ મેકાલની શિક્ષણ પધ્ધતિમાંથી પેદા થયેલો “ક્લાર્ક” ટેલી (એકાઉન્ટીંગ સોફ્ટવેર) ના ઓલ્ટરેશન પોતાની જાતે કરે તો તો આ દેશ ક્યારનોય અમેરિકાને પાડીને આગળ નીકળી ગયો હોત અને ખોટા ખોટા આંકડાની માયાજાળ આ દેશના અત્યાર સુધીના થઇ ગયેલા બધા પ્રધાનમંત્રીઓ ને દુનિયાભરમાં ફેંકવી ના પડતે..!
પણ હશે, જે છે આ છે,
અને આ જ લોકો જોડે કામ કઢાવવાનું છે,તમારી અને મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી..!
દેશભરમાં ફેલાયેલા “એકાઉન્ટન્ટ” નામના પ્રાણીઓ માટે કપરા દિવસો આવી રહ્યા છે..જે શીખ્યા હતા એ બધું ભૂલી જવાનું અને તદ્દન નવું જ શીખવાનું અને એ જ પ્રમાણે તમારે હવે આગળ ચાલવાનુ..!
બે આવું તો કઈ હોતું હશે..? રોજે રોજ નવું શીખવાનું અને સમજવાનું, જુનું શીખ્યા અને સમજ્યા અને અત્તાર સુધી બધું ચલાયું એ બધું ભૂલી જવાનુ અને ફરીવાર નવું શીખી અને નવેસરથી એકડા ઘૂંટવાના એવું તો કઈ ચાલે..? નવી સીસ્ટમ, નવી સીસ્ટમ કરીને આવી રીતે હેરાન કરે તો કંઈ ચાલે..? એ આ તો નાં ચાલે ભઇ ના ચાલે,આ સરકાર તો ગાંડી થઇ ગઈ છે લોકો ને હેરાન કરવા સિવાય કઈ હુજ્તુ નથી..પેલા પે
લી નોટો બદલી અન હવે આ GST, અલ્યા જપીને બેહતા જ નહી..હવે આ ઉંમરે મારે બધું નવુ કેમ નું કરવુ..?
એકધારી ઘરેડમાં જીવવા ટેવાયેલા નાના વેપારી અને ક્લાર્ક ના માથે સમસ્યાના પર્વત તૂટી પડ્યા છે, નવથી પાંચની નોકરીમાં ઘુસેલા અને એક જ સીસ્ટમમાં સેટ થયેલી મેન્ટાલીટીને હવે કઈક નવું સમજવાનું અને શીખવાનું આવ્યું છે એટલે ભયંકર “જોર” પડી રહ્યું છે..!
લાગે છે કે લગભગ પેહલી જુલાઈથી સાતમી જુલાઈ દેશભરમાં બંધ જેવો માહોલ રેહવાનો..!
આપણા શિક્ષણ ની કમબખ્તી રહી છે જે જુનું જે હોય એની સાથે કો-રીલેટ કરો તો જ “નવું” કૈક ભેજામાં ઉતરે,અને સેહજ ભેજામાં ઉતાર્યું કે દરેક સીસ્ટમમાં ફોલ્ટ ક્યાં છે એ પેહલો શોધવાની કોશિશ કરે, સીસ્ટમને મારી માચડી અને તોડી કેમની નાખવી એ શીખવાડો પછી જ સીસ્ટમ સારી અને તો જ હું એ સીસ્ટમને ફોલો કરીશ..!
લાખ્ખો રજીસ્ટ્રેશન થયા છે GSTના અને લાખ્ખો છૂટી પણ ગયા છે હજી સપ્ટેમ્બરમાં આવશે એની રાહ જોવામાં પણ લાગે છે હવે બાકીની પ્રજા જલ્દીથી સીસ્ટમમાં આવી જશે..!
સરકાર તરફથી અપાતુ “ઈઝ ઓફ બીઝનેસ”નું વચન પૂરું થતું હોય એવું નથી લાગતુ કેમકે નોટબંધી વખતે દરેક “કેશ” ટ્રાન્ઝેક્શનને કાળુ નાણું ગણવાની ભૂલ થઇ ગઈ,પછી પાછળથી સમજાયું કે ના એવું નથી એટલે કેશલેસ ઈકોનોમીની વાર્તા ચાલુ કરી..!
GST માટે “એક રાષ્ટ્ર એક કર પ્રણાલી” આવું સરકાર બોલે છે, વાત સાચી છે, બરાબર પણ છે, છતાં પણ નવી બાટલીમાં જુનો દારુ તો નથી નખાઇ રહ્યો ને ?
એક GST ના તમે કેટલા GST કર્યા ? CGST,SGST,IGST વગેરે વગેરે..તો પછી જે હતું એ શું ખોટું હતુ..?
કદાચ પેહલા GSTના માળખા હેઠળ બધાને લાવી અને અંદર અંદર ના CGST અને SGST વગેરે વગેરેને એકાદ વર્ષમાં ખતમ કરી નાખશે એવું બને..
પણ અત્યારે તો રોજ સવાર પડ્યે ARN નબરની કોપીઓ મોકલો મોકલો કરીને ઈ-મેઈલના ઢગલા થાય છે, અમુક સળંગ ડાહ્યા એક્સેલ શીટમાં આખું ફોર્મ મોકલે ઓછામાં ઓછા પચીસ “ફિલ્ડ” ભરવાના મોકલે, અલ્યા શંખ તારી પાસે તારો જુનો ડેટા તો છે જ ને અને એમાં ખાલી GST માટે નો ARN નંબર નાખીને તારું માસ્ટર અપડેટ કરી લે ને, તારી છવ્વીસ આઈટમોની એક્સેલ શીટ ભરવા રહું તો તો મારે પથારી કરતા સવાર પડી જાય..!
કેટલા વેન્ડર અને કેટલા કસ્ટમર.. દરેકને એમના ફોર્મેટમાં મારે ડેટા મોકલવાના થાય..તો વાટ લાગી જાય, એકલી ARN નંબરની કોપી મોકલી દેવાની અને બાકીનું બધું તારી પાસે છે, અને તને શોખ થયો હોય તો રાખ બે એમ્પ્લોઇ વધારાના અને ભરાવ તારા ફોર્મ તું અમે તો ARN નંબરની કોપી સિવાય કઈ નહિ આપીએ..!
પેહલી તારીખે “કેઓસ” ના થાય એના માટે પેહલા પણ લખી ગયો છું અને ફરી લખું છું કે બને તેટલી ઝડપથી વેબસાઈટ અપડેટ કરી અને બે ચાર દિવસના ટ્રાયલ માટે સર્વર ખુલ્લા મૂકી દેવા જોઈએ,એટલે કોઈ “બગ” હોય તો ક્લીયર થઇ જાય, કેમકે એકસામટા સાહીઠ લાખ લોકો જો એક જ વેબસાઈટ પર મચી પડશે તો એક જ મિનીટમાં બધું “ક્રેશ” થઇ જશે અને ઉહાપોહ મચી જશે..
ક્યાંક વાંચ્યું કે રોજના ભારતમાં ૩૫ અબજ બીલો રોજ બને છે..! આંકડો થોડો વધારે લાગ્યો,પણ તો ય ૧૩૦ કરોડની વસ્તીમાં ત્રણ ચાર અબજ બીલો તો બને જ અને એને એક જ સર્વર પરથી હેન્ડલ કરવાની કનેક્ટિવિટી પકડી રાખવી એ પણ બહુ મોટું ટાસ્ક છે, પેલો અમદાવાદમાં બનેલો હાઈ સ્પીડ ઈંટરનેટ સેટેલાઈટ જી-સેટ હજી કામ કરતો માંડ થયો છે વાર લાગશે, અઠવાડિયે એકવાર તો બેંકો પણ કનેક્ટિવિટીની બુમો પાડે છે ત્યાં આ GST..,
થોડી બીક લાગે,પણ એક વાત નક્કી છે જેટલો ઉંચો ટેક્ષ નો સ્લેબ રાખશે એટલી ચોરીઓ વધશે અને પછી સરકારનો ટાઈમ ચોર-પોલીસ રમવામાં જ જશે એના કરતા ઓછો ટેક્ષ રાખી અને વધુ લોકો ટેક્ષ ભરે એવી વ્યવસ્થા રખાય તો GST અમલીકરણમાં સરળતા રેહશે..
નોટબંધીની સાઈડ ઈફેક્ટમાં બે ત્રણ મહિના રોકડાના વ્યહવાર ઠપ થઇ ગયા હતા હવે GSTની અસરમાં રોકડા બંધ થાય એવી સરકાર આશા રાખી રહી છે અને એના માટે વેપારીની સામે “ઈનપુટ ટેક્ષ” નામનું ગાજર લટકાવવામાં આવ્યું છે, પણ ચાર પાંચ ટકાના પ્રોફિટમાં ધંધો રળી લેતા વેપારીને ૧૮ ટકા GSTમાં નવ ટકા પણ દેખાશે તો રોકડા ઉપર ચડી જશે..!
દિલ દિયા હૈ જાન ભી દેંગે એય વતન તેરે લિયે.. ખુબ શાનથી ગાનારો ભારતીય ટેક્ષ ભરવાનો આવે ત્યારે છીંડા શોધે છે આ સત્યને સ્વીકારીને જ ચાલવું પડશે..!
અત્યારે GSTના સ્લેબ વધારે પડતા ઊંચા છે,માટે ચોરી-ચપાટી વધે તો નવાઈ નહિ,ફરી એકવાર “ઈન્સ્પેક્ટર રાજ” ચડી આવશે..
ડોસી મરે અને જમડા ઘર ભાળે..
માંડ માંડ નવી પેઢીના સરકારી ઇન્સ્પેકટરને દિમાગમાં ઘૂસ્યું છે કે ટ્રેડ “ચોર” નથી..અને ઊંચા સ્લેબ ટ્રેડને ચોક્કસ “ચોર” બનાવશે..!
અને હા નાના નાના વેહ્પારી અને કારખાનેદારો પાસેથી ઊંચા ટેક્ષ લઈને કોઈપણ સરકારને કરવાનું શું ?
તો કહે મોટા મોટા ઉદ્યોગપતિઓ ને લોનો આપી અને એનપીએ કરીને માંડવાળ કરવાની અને ખેડૂતોની લોનો માફ કરવાની..!
એના કરતા અમારા માથેથી ટેક્ષ ઓછો કરીને આ બધાને લોનો આપવાનું જ બંધ કરોને, મુઆ ચાર વસ્તુ ઓછી વાપરીશું અને બે રોટલી પણ ઓછી ખાઈશું..
આ તો છાશમાં માખણ જાય છે અને વહુ ફૂવડ કેહવાય છે..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા