જીમમાં કેમ જવું? ફિટનેસ મેળવવા કે લાઈફ એક્સ્પેકટન્સી વધારવા..? કે પછી શો ઓફ કરવા અને બોડી બનવવા .?અને આ બધાની બદલે “મોત” મળે તો ?
લગભગ તેર-ચૌદ વર્ષથી મીનીમમ અઠવાડિયામાં પાંચ દિવસ “રેગ્યુલર” જીમમાં જાઉં છું, અમદાવાદના દેશી અખાડા જેવા જીમથી લઈને વૈભવી ક્લબો ના જીમ, કે એના બાપ થાય એવા ફાઈવસ્ટાર જીમમાં પર્સનલ ટ્રેઈનર લઈને એકસરસાઈઝ કરી છે,અને ટ્રેઈનર પણ એવા કે જે આપણને પણ હવા મારે “સર હમ જૈસે ટ્રેઈનર એરો ગેરો કે સાથ મેં નહિ ઘૂમતે,ઔકાત ચાહિયે ટ્રેઈનર રખને કી ઔર મેન્ટેઈન કરને કી..માલ ભી ચાહિયે ઔર જીગર ભી ચાહિયે,ઔર સબસે ઉપર જિસ્મ મેં તાકત..વી આર ધેર ટુ ઇન્ક્રીઝ યોર લીમીટસ..એક સે બીસ કાઉન્ટ તો કોઈ ભી ટ્રેઈનર ગીન લેગા..!”
આટલા વર્ષોમાં જીમમાં પર્સનલ ટ્રેઈનર રાખીને સખ્ખત લક્ઝરી એન્જોય કરી છે, જેમ જેમ સિનીયોરીટી પકડાતી ગઈ અને બોડીમાં પાવર જનરેટ થતો ગયો તેમ તેમ સાઈઝો વધતી ગઈ, ૧૭.૫ ઇંચનો બાય્સેપ થયો ત્યારે તો બિચારા નાના નાના અઢાર વીસ વર્ષના બાળકો ને પેલો મારો ટ્રેઈનર ધમકાવે સાલે તેરી વેસ્ટ સે ઝ્યાદા ઇનકે બાયસેપ્સ કા ટોટલ હૈ..!
સિત્તેર સિત્તેરના ડમ્બેલ્સ આજે પણ રમતા ઊંચકીને ફેંકુ છું..૪૭મુ વર્ષ જાય છે વધતી ઉમરને ક્યાંય પાછળ નાખી દીધી,સ્કુલ કોલેજના મિત્રો ખરેખર ડોસા થઇ ગયા છે અને મને ફાંકો ઉતરતો નથી..!
પણ ગઈકાલ સાંજથી મન ખારું થઇ ગયું છે,
એક અજીબોગરીબ વાત મને જાણવા મળી, કાલે સાંજે એક વેહપારી મિત્રની ફેક્ટરી બેઠો હતો અને એમની ઉપર એક ફોન આવ્યો મારુ ફલાણું મટીરીયલ તૈયાર છે ? તો અમે અહિયા એક્સપ્રેસ હાઈવેથી બહાર નીકળીએ છીએ તો લેતા જઈએ..
પેલા વેહ્પારી મિત્ર એ હા પાડી અને દસેક મિનીટમાં ચાર પાંચ જણા આવ્યા અને એમની ઓફીસમાં બેઠા,મારા મિત્ર એ આવેલાની ઓળખાણ કરાવી.. આગંતુકોના મોઢા તદ્દન ઉતરી ગયેલા હતા, એ બધા ચાણોદ એમના સ્વજનના અસ્થિ વિસર્જન કરીને આવ્યા હતા..અને રસ્તામાં કામ પતાવવા ઉભા રહ્યા હતા..
મને કેહવામાં આવ્યું કે આમના ભાઈ ચાર દિવસ પેહલા,જે ફક્ત બાવન વર્ષના હતા અને જીમમાં કસરત કરતા કરતા હાર્ટએટેક આવ્યો અને મરી ગયા..અને એમને કોઈ જ વ્યસન પણ નોહતુ..એકદમ નોર્મલ અને રેગ્યુલર જીવન..!!
બાવન વર્ષની ઉમર અને રેગ્યુલર જીવન, એકસરસાઈઝ,છતાં પણ અકાળ મૃત્યુ અને એ પણ જીમમાં..???????
હું માથા થી પગ સુધી હાલી ગયો..મારો બધો જ ફાંકો એક જ મિનીટમાં હતો નોહતો થઇ ગયો, થોડાક દિવસ પેહલા એક આવી જ બીજી વ્યક્તિ જેમની ઉંમર પણ પચાસની આજુબાજુ જે એકદમ રેગ્યુલર જીમર અને સાંજે જીમમાં કસરત કરીને ઘરે જઈને જમી પરવારીને રાત્રે સુતા અને સવારે સીએનજીની ભઠ્ઠીમાં ધુમાડો થઇ ગઈ..!
મારું મન બરાબર ચકડોળે ચડી ગયું હતું કે ખુબ રેગ્યુલર, નિર્વ્યસની જીવન જીવતા અને કસરત આહાર બધા પર કન્ટ્રોલ હોવા છતાં પણ માણસ અચાનક કેમ મરી જાય..?
એકસામટા ઘણા બધા વિચારો ઘેરી વળ્યા,હું પણ તેર તેર વર્ષથી જીમ કરું છુ..અને પચાસની તો ઘણો નજીક છું..ત્યાં મૃતકનો બારમા ધોરણની પરીક્ષા આપી હતી એવો એમનો એક નો એક દીકરો પણ હતો..મને પેહલો ડાઉટ ગયો કે કોઈ સ્ટીરોઇડ કે હોર્મોન કે બીજી કોઈ થેરાપી ના રવાડે તો આ છોકરાનો બાપ નહિ ચડી ગયો હોય ને..? ચોકસાઈ કરવા મેં તરત જ કીધું તારા પાપાનો લેટેસ્ટ ફોટો બતાડને મને..એકદમ એ બાળકની આંખમાં ચમક આવી ગઈ એના મોબાઈલમાં એના ચાર દિવસ પેહલા જ મરી ગયેલા બાપના ફોટા બતાડ્યા..
મૃતક ની જરા પણ ઓવર મસ્ક્યુલર બોડી કે બીજી કોઈ જ ખામી નોહતી,એ એટલે એ શંકા તો રૂલ આઉટ થતી હતી,બાળક બોલી ઉઠ્યો અંકલ પાપાની ફીઝીકલ એઈજ તો ૩૭ વર્ષની જ હતી..એ સાડત્રીસ વર્ષની વ્યક્તિ જેટલી જ એકસરસાઈઝ કરી શકતા હતા..મને તરત જ એ મૃતકના ફોટામાં મારી જાત દેખાઈ..પેહલા લખ્યું એમ સિત્તેર ના ડમ્બેલ્સ તો હું રમતા ઉપાડીને ફેંકી દઉ છું જે આજકાલના વીસ વર્ષના ટેણીયા નથી કરી શકતા..!
મારું મગજ કમ્પલીટલી બ્લોક થઇ ગયુ..હું યંત્રવત એ બાળકના મોબાઈલમાં એમાં બાપના ફોટા ફેરવતો રહ્યો..સમજણમાં નોહ્તુ આવતુ કે આટલો ફીટ માણસ મરી કેમનો જાય અને એ પણ જીમમાં..? બારમા ધોરણની પરીક્ષા આપીને આવેલો એ ટેણીયો હોશથી મને ફોટા બતાડતો ગયો પણ અચાનક એને યાદ આવી ગયું કે એના પાપા તો ..
અને એની આંખ ભરાઈ ગઈ..મારી નજરે એ દીકરા ના હાવભાવના અચાનક ફેરફાર આવી ગયા..! મેં પૂછ્યું કોઈ વારસાગત રોગ કે ..?
બીજા એક વડીલ બોલ્યા ના કઈ જ નહિ પણ અમે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે..રીપોર્ટ આવશે ત્યારે કઈ ખબર પડે..!
એ નાના બાળકની આંખમાં સવાલ હતો કે મારા પપ્પા કેમ મરી ગયા..? બધા મારી સામે જોતા હતા,અને મારે કૈક લોજીકલ અને સંતોષકારક જવાબ આપવાનો હતો મારી જાતને અને એમને પણ..
મારો જવાબ હતો કે “ રેગ્યુલર જીમરની પેઈન બેરીંગ કેપેસીટી બહુ વધી જાય છે, સામાન્ય માણસને શરીરમાં કોઈ નાનકડો દુ:ખાવો હોય એ મોટો લાગે, અને જિમરને વધારે પડતો દુ:ખાવો પણ નાનો લાગે એમાં કદાચ માર ખાઈ ગયા..! અને કાર્ડીઆક સ્ટ્રોક એમને લઇ ગયો..એમને થોડું થોડું પેઈન હશે પણ સહનશક્તિ વધારે હોવાને કારણે ગણકાર્યું નહિ હોય અને આવું બન્યું હશે..”
પણ મને હજી સંતોષ નોહતો થતો, હું સતત વિચારતો રહ્યો બાયોલોજીકલ એઈજ બાવન વર્ષ અને ફીઝીકલ એઈજ ૩૭ વર્ષ..!
માણસને કેટલા વર્ષ પાછું જવું ગમે ? અને કેમ ?
જેમ જેમ આગળ જઈએ છીએ તેમ તેમ પાછળ જવાની ઈચ્છા તીવ્ર કેમ થતી જાય? અને એમાં પણ કોઈ આવું કેહનારું મળે કે તમે તો બોસ્સ કોઈ કહે જ નહી યાર જોરદાર..!
સખ્ખત ગમે..
શનિવારની રાત મારા માટે “આઝાદી”ની રાત હતી,મારા વાછરડા મિત્રો સાથે લગભગ રાતના ચાર વગડ્યા હતા..!
બહુ ધમાલ મસ્તી કરી, પોલીસને પણ ફેરવી જગ્યાઓ બદલી બદલીને, સાચું કહું છું જયારે વીસ થી ત્રીસ વચ્ચેના બેચલર છોકરાઓ સાથે રાતે ભટકવા મળે અને એમની સાથે એમની વાતોમાં ભળી જવું મારા જેવા “આધેડ”ને બહુ જ ગમે એકવાર તમે ખરેખર ભૂલી જાવ કે તમારી ખરેખર ઉમર કઈ છે..!
વધતી ઉમરનો પેહલો એહસાસ મને મારી આંખોએ કરાવ્યો,“બેતાળા” આવ્યા ત્યારે, પણ ગમે તેમ એને ઓવર કમ કરી ગયો..મારુ દુનિયાભરનું વધારાનું જ્ઞાન મને કામ આવી ગયુ.. કોઈપણ ઉમરની વ્યક્તિ સાથે તરત જ “કનેક્ટ” કરી જાઉં છું અને એમાં સાથ આપ્યો શરીરે..!
ધીરે ધીરે વણમાંગ્યા આવી પડેલા એ બેતાળાને સાથે લઈને જીવતા શીખી ગયો અને એને પણ ઇગ્નોર કરી અને આગળ જતો રહ્યો..પણ જ્યારે અચાનક “આવી” કોઈ ઘટના તમારી સામે આવે ત્યારે આત્મમંથન ચોક્કસ થઇ જાય..!
હું જવાબ શોધતો રહ્યો..
શારીરિક ઉમર, માનસિક ઉંમર અને ખરેખરી બાયોલોજીકલ ઉંમર.. કેટલા બધા ઉંમરના પણ પ્રકારો કરી નાખ્યા આપણે..!
જીમ,અખાડો,ગાર્ડનમાં ચાલવું,યોગ, મિતાહારી,.. આવું બધું જ કરવા છતાં પણ આવી અકળ “અકાળ મૃત્યુ”ની ઘટના કેમ બને છે..?
કારણ શું ?
તો કહે આપણા શરીરમાં આપણું કીધું કરતા સ્નાયુ કરતા આપણુ કીધું ના કરતા સ્નાયુની સંખ્યા વધારે છે..જેમ કે હ્રદયના ફેફસાના કીડનીના આ બધા જ અવયવો આપણા મનના કન્ટ્રોલમાં નથી,તમે “ના” પાડો કે “હા” પાડો એ તો એમનુ કામ કરે જ છે,અને માણસ જાતની સૌથી મોટી ખામી એ રહી છે કે જેને જીભ નથી આપી ભગવાને એને એ સૌથી વધારે કનડે,એ ન્યાયે જીભ વિનાના એ સ્નાયુઓને સપોર્ટ કરવાની જગ્યાએ આપણે એમને દે દે ખાઈ, પી અને વધારે પડતી કસરતો કરી કરીને એમનુ ટકવું મુશ્કેલ કરી દઈએ છીએ, અને છેવટે એ બધા ભેગા થઈને હડતાલ પાડે છે, અને પછી શું થાય એની તમને અને મને ખબર છે..!
અને આ બધાથી ઉપર ઉપરવાળો એટલે છેવટે એમ મન મનાવ્યું કે જનમ મરણ ને પરણ ત્રણે પ્રભુને શરણ..! અને દરેક વસ્તુ માપમાં સારી..
દુનિયા આખીનું બધું જ્ઞાન છતાં “સ્મશાન વૈરાગ” કોને કીધો..?
આજે સવારે બે પર્સનલ ટ્રેઈનર અને બીજા બે ફ્લોર ટ્રેઈનર, ચારે એ ભેગા થઇ ગયા અને ચેસ્ટ પ્રેસ મારતો હતો અને બારબેલમાં ૯૦ કિલોની પ્લેટો ઘાલી દીધી ખેંચી પાડો આ વર્ષનો માસ્ટર ગોલ્ડ મેડલ તમારો જ છે સર..!
નો પેઈન નો ગેઇન..સર
અને ચાર ચાર ટ્રેઈનર માથે ઉભા હોય , આખું જીમ જોતું હોય પછી તો પાર્ટી બધું ભૂલીને લાગી પડ્યા..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા