દિવાળી આવી અને ગઈ..!
ગુજરાતમાં ઘમાસાણ મચ્યું છે..!
ગઈકાલે રાજસ્થાનથી અમદાવાદ પાછા ફરતા જેમ જેમ અમદાવાદ નજીક આવતું ગયું તેમ તેમ ટ્રાફિક ચડતો ગયો, હિમતનગર પછી તો લગભગ હાઈવે સીટી રોડમાં કન્વર્ટ થઇ ગયો હતો, અને બાકી બચ્યું હતું તો ગાંધીનગરમાંથી કોઈ રેલી વિખેરાઈ હતી,લગભગ ઠાકોર સમાજની રેલી હતી એવું લાગ્યું ઝંડા ઉપરથી..! એટલે ચારેબાજુ ટ્રાફિક જ ટ્રાફિક..!
આચારસંહિતા હજી લાગુ પડી નથી,પણ સાહેબના ગુજરાતના દોડાધક્કા જોઈને એમ થાય છે કે “ફેણ” ચડી ગયા લાગે છે..! અને રાહુલ ગાંધીના ગુજરાતમાં હડીયાપાટા જોઇને એમ થાય કે છો`રો કામે “સ`ડી” ગયો છે..!
આ વખતનું ગુજરાત ઈલેક્શન પણ લગભગ સોશિઅલ મીડીયા ઉપર “લઢાય” એવું લાગે છે, ભાદરવાના ભીંડા જેવા નવા પેદા થયેલા નેતાઓ અચાનક કાઠું કાઢી ગયા, અને “ખઈબદેલા” ડોસલાઓ ને ભાન જ ના રહ્યું કે એમના પગ નીચેની જમીન ક્યાં જતી રહી..!
ખરી કસોટી તો આ વખતે ગુજરાતના મતદારની છે..!!
આ ઈલેકશન કોઈપણ ઉમેદવારને જીતાડવા કરતા હરાવવા માટે વધારે લડાશે એવું લાગી રહ્યું છે, ચૂંટણી પેહલાના કાવાદાવા પ્રચંડ રીતે ચાલી રહ્યા છે,કોણ કોને શું આપી રહ્યું છે, કોણ કોને ક્યાં ખેંચી રહ્યું છે અને ક્યાંથી ક્યાં કોણ પલ્ટી મારે છે એની સામાન્ય જનસાધારણને તો “થે`ક” જ નથી લેતી..!
અત્યારે નો સીન જોઈએ તો એમ જ લાગે કે ગુજરાત હજી પણ યુ.પી.-બિહારની જેમ સમાજના વાડાઓમાં બંધાયેલું છે,વ્યસનમુક્તિ માટે પાંચ પાંચ લાખ લોકોની રેલી કરનારા સમાજની રેલીમાં કોઈ આગેવાન એમ બોલે કે “પેહલી ધારનો મળે તો પી લેજો પણ મત તો…!”
ગુજરાતના “કાર્યકારી” મુખ્યમંત્રી એવું બોલે કે “વિકાસ ગાંડો થયો છે” અને પ્રાઈમ સેવક એમ બોલે કે “હું વિકાસ છું..”
નવા નવા નેતા એમ બોલે કે “હિલેરી ક્લીન્ટન માઉન્ટ એવરેસ્ટ..”
અ..હા..હા..હા…
શું ગુજરાતના નેતાઓ છે..?
ડો હરિપ્રસાદ બુલાખીદાસ, ક.મા.મુનશી,વલ્લભભાઈ પટેલ,વિઠ્ઠલભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ,મોહનદાસ ગાંધી,મોરારજી દેસાઈ..અને બીજા અગણિત નેતાઓ,(બધા નામ લખવા જાઉં તો મારા આઠસો શબ્દોની લીમીટ નામ લખવામાં જ પૂરી થઇ જાય) અને ગણાવવા હોય તો ભીમરાવ આંબેડકરને પણ ગુજરાતી જ કેહવા પડે મહારાજા સયાજીરાવે જ એમને ભણાવ્યા ગણાવ્યા હતા..આવા અનેકો અનેક મહાન નેતાગણ ગુજરાતે ભારતવર્ષને આપ્યા અને આજે ગુજરાત શું ભારતને આપવા બેઠું છે ?
જવાબદાર કોણ ..?
પેહલી અને સીધી જવાબદારી તો સાહેબની આવે જો લેવી હોય તો..!
સાહેબ ક્યાંક એવું બોલ્યા હતા કે હાવર્ડ કરતા હાર્ડવર્કનું મહત્વ વધારે છે..મને લાગે છે હાવર્ડ+હાર્ડવર્ક જરૂરી છે..
દિશાહીન દેડકા અને આંધળા હાથી બધા જ જંગલનો ખો બોલાવી દે છે..!
સતત બીજીવાર ગુજરાતનું ઈલેક્શન રાષ્ટ્રની દિશા નક્કી કરશે..
કોંગ્રેસ આણી મંડલી ની જીત દિલ્લી સરકારનું ઘોર પતન નોતરશે,અને ભાજપની જીત એના અહંકારી વલણમાં વધારો કરશે, રાષ્ટ્રએ નોટબંધી અને અણઘડ જીએસટી જેવા બીજા “આકરા” પગલાં માટે તૈયાર રેહવું પડશે..ત્રીજી સંભાવના કે જેમાં હંગ એસેમ્બલી ગુજરાતને ઉંધે કાંધ પછાડીને વીસ વર્ષ પાછળ ફેંકશે..!
નરેન્દ્ર મોદી ગુજરાત માટે શેર ની સવારી સાબિત થઇ રહ્યા છે નથી હવે ગુજરાત એમની ઉપર બેસી શકતું અને નથી ઉતરી શકતું..! સાત લાખની સભામાં સિત્તેર હજારની મેદની અને યોગી આદિત્યનાથના રોડ શો ના વિડીઓ હતાશા અને નિરાશાપ્રેરક છે..
અત્યારે તો ગુજરાતનો તટસ્થ બિનજાતિવાદી મતદાર જેને પોતાના સમાજ જોડે ઓછું,અને રાજ્ય કે દેશ જોડે વધારે લેવાદેવા છે એ ઘોર નિરાશામાં ફરી રહ્યો છે, હવે જો આ નિરાશા જો મતદાનના દિવસ સુધી ખેંચાઈ તો પછી જે પક્ષનું બુથ મેનેજમેન્ટ પાવરફૂલ એનો પાવર રેહશે,(કેમકે નિરાશાની ગર્તામાં ડૂબેલો મતદાર મત આપવા નહિ જાય..!)
આ વખતે મુદ્દા ઘણા છે પણ દરેક મુદ્દાની હાલત પણ ગુજરાત સરકાર જેવી છે નરેન્દ્રભાઈ મોદીની સરકાર જયારે ગુજરાતમાં હતી ત્યારે પાવર સેન્ટર એક જ હતું આજે ચારપાંચ પાવર સેન્ટરના નામ તો દરેક ગુજરાતી બોલી કાઢે છે..દરેક મુદ્દે ચાર પાંચ જણાના જુદા જુદા મત,અભિપ્રાય પડે છે..!
છેલ્લા બે અઠવાડિયામાં સેન્ટરના ઘણા મીનીસ્ટર અને જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ ને ગુજરાત તેડાવી અને લીટમસ ટેસ્ટ લીધો પણ બધું ફ્લોપ ગયું, સભાઓમાં ટોળા ભેગા કરવા એ લોઢાના ચણા ચાવવા જેવા ખેલ થઇ ગયા છે..! દિવસે દિવસે જંગ અઘરો થતો જાય છે..
બંને મુખ્ય પક્ષોમાં સત્તાની મલાઈ ચાખ્યા વિનાનો “નિષ્ઠાવાન” કાર્યકર્તા ના ઘરમાં મોટી થઇ ગયેલી પેઢી હવે એમના નિષ્ઠાવાન માં-બાપને પ્રેમથી અને પેટ ભરીને ગાળો આપી રહી છે..!
પક્ષની સેવા કરી અને ત્યાં ને ત્યાં રહી ગયેલા માં-બાપ હવે એમના સંતાનોની નજરમાંથી ઉતરી ગયા છે..!! અને સંતાનની નજરમાંથી ઉતરી ગયેલા માંબાપ ફક્ત અને ફક્ત માંબાપ જ રહે છે એમના માનસન્માન એ લોકો ખોઈ બેસે છે..!
મોટામોટા નેતાઓ એમના “વ્યસ્ત” સમયમાંથી “સમય” કાઢીને એમના નિષ્ઠાવાન કાર્યકર્તાના નાના નાના પ્રસંગોમાં જવાનું પાછલા વર્ષોમાં ચુકી ગયા છે,અને એની કિમત સભાની ખાલી ખુરશીના રૂપમાં બંને પક્ષો ચૂકવી રહ્યા છે..!
બંને મોટા પક્ષોની સભાઓમાં રહેલી ખાલી ખુરશી એ લોકતંત્ર માટે ખતરારૂપ છે, ભારતના લોકતંત્રને જો આગળ લઈ જાવું હશે તો ગુજરાતના મતદારને ઘરની બહાર નીકળ્યે જ છૂટકો છે,ભલે તમને બેમાંથી એક પણ પક્ષના ગમતો હોય તો પણ ઘરની બહાર નીકળી અને “નોટા” ઉપર આંગળી દબાવી દેજો,
ઘણા લોકો એમ કહે છે કે નોટા એ મતનો બગાડ છે.. ના નોટા એ આપણી રાજકીય વ્યવસ્થા અને આપણા વામણા નેતાઓ તરફની આપણી “સૂગ” બતાડવાનું સાધન છે..!
અત્યારે જે રીતે ગુજરાતનો જનસાધારણ પાનના ગલ્લે કે બેઠકે કે સોશિઅલ મીડિયા ઉપર બખાળા કાઢી રહ્યો છે એ જોતા તો લોકો નોટાના બટન પર મારો ચલાવે તો કમ સે કમ વીસ સીટ ઉપર નોટા “જીતી” જાય, અને હું તો માનું છું કે એકપણ સીટ ઉપર પણ જો નોટા “જીતે” તો સદીઓથી દેશને દિશા ચિંધનાર ગુજરાત ફરી એકવાર દેશને દિશા બતાડવામાં કામયાબ થશે..!
ગઈ લોકસભામાં મારી ઘણી ઈચ્છા હતી કે હું નરેન્દ્ર મોદીને મત આપું પણ મારા નસીબે મને ભારતના પ્રધાનમંત્રી થવાની સદીઓ જૂની ઈચ્છા મનમાં રાખનારા પંચ્યાસી વર્ષના ઉમેદવાર મળ્યા હતા અને અંતે મારે નોટા દબાવવાનો વારો આવ્યો હતો..!
આ વખતે પણ મગજ શાંત રાખી અને વિચારજો અને પછી બટન દબાવજો નોટા નામનું ઓપ્શન પણ છે..!
બટન દબાવવા જજો ખરા..
એ ભઈ બેત્રણ દિવસ પેહલા અચાનક સાબરમતીમાં પાણીનું લેવલ વધી ગયું હતું,રીવરફ્રન્ટે સાપ આવી ગયા હતા,અને ગઈકાલ સાંજ સુધી છેક ચિલોડા સુધી સાબરમતી બે કાંઠે હતી..કોઈને કારણ જાણવા મળે તો કોમેન્ટ કરજો ભાઈ,બાકી આ બ્લોગ છે એટલે ખોટી ખોટી તરફેણ કે વિરુદ્ધની કોમેન્ટો ઠોકતા નહિ..
યાદ રાખજો હાવર્ડ+હાર્ડવર્ક..!
એકલું હાર્ડવર્ક કે હાવર્ડ નહિ..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા