નમસ્તે દોસ્તો,
દિવાળીની શુભ સવારે બ્રહ્મમુર્હુતમાં ઊંઘ ઉડી ગઈ અને થયું કે કૈક લખું પણ બહુ મજાના આવી છેવટે આપણી આજુબાજુ ક્યાંક ચાલતી સંભળાતી અને જેમાં સમસ્ત સંસારને સૌથી વધારે મજા આવે એવી “કુથલી” લખી પાડી..!!!!!
આપણે માનીએ કે ના માનીએ પણ કુથલી, ગોસીપ કે નિંદારસ તમારે જે નામ આપવું હોય તે આપો પણ એનો આનંદ જ કૈક અનેરો હોય છે..અને આ નિંદારસનું પાન કરતી બે સ્ત્રીઓ થયેલી વાતચીતને આજે શબ્દરૂપ આપીને મુકું છું, કોઈ જ બોધપાઠ કે જ્ઞાનવર્ધન કરનારી વાત નથી આ ફક્ત અને ફક્ત “કુથલી” જ છે એટલે બીજા કોઈ જ વધારાના એક્સપેકટેશન સાથે વાંચવાની ચાલુ ના કરતા અને હા નિંદારસનું પાન પણ એક આચમની જેટલું જ હોય, એટલે લગભગ હજાર શબ્દો “જ” લખ્યા છે, વધારે પડતો નિંદારસ પછી બીભ્ત્સ્યરસમાં ફેરવાઈ જતો હોય છે એટલે બીભસ્ત્યરસ થી બચવા ટુંકાણમાં પતાવ્યું છે..!
કુથલી
“જો જે હોં એક વાર એને એના પિયરીયા મળ્યા તો પછી એ દુનિયામાં બીજા કોઈની સામે નહિ જોવે, એની ભાભીઓ અને એની બેહનો બસ એ બધાની વચ્ચે જ ફર્યા કરશે સ્વીટલી..એના વર અને છોકરા બધું ય ક્યાંય રખડતું મૂકી દેશે..!”
“એ હા હોં વાત તો સાચી, મેં પણ એવું માર્ક કર્યું છે સ્વીટીને જયારે જયારે ગમે તે પ્રસંગ હોય ત્યારે એના પીયરીયા મળે એટલે વાર્તા પૂરી એના હાવભાવ બોલવા ચાલવાની રીત સુધ્ધા બદલાઈ જાય છે અને એકદમ જ એના વાણી વર્તન બદલાઈ જાય છે..”
“એ પણ સ્વીટી લગનના વીસ વીસ વર્ષે કેમ આવું કરે છે હજી કેમ પિયરનો મોહ છૂટતો નથી ?”
“જો બેન એમાં છે ને ઘણા કારણો છે,પેહલી વાત તો એ કે સ્વીટી એના બાપ અરવિંદલાલનું છેલ્લું છોકરું છે,અને સ્વીટીની આગળ બે મોટાભાઈ અને એક મોટી બેહન અને મોટી બેહન અને સ્વીટી વચ્ચે તો બાર વર્ષનો ફેર છે, સ્વીટલી સૌથી નાની ઘરમાં અને પૈસે ટકે અરવિંદલાલનાઘરમાં કઈ જોવા જેવું નહિ, રાજકોટમાં એટલા નોકરચાકર અને સુખસાહેબીમાં સ્વીટી મોટી થઇ..!”
“તે પણ સ્વીટીને સાસરે પણ ક્યાં ઓછું હતું ? નાખી દેતા દસ બાર કરોડની પાર્ટી છે એનો વર રોનક..”
“હવે જા`વા દયે, રોનકના ના અને એના બાપના ચણા ય નાં આવે અરવિંદલાલની આગળ,અરવિંદલાલ રાજકોટમાં નાખી દેતા છસ્સો-સાતસો ખોખાની પાર્ટી કેહવાય..”
“હેં..તો પછી આ સ્વીટલીને આવા ઘરમાં કેમ નાખી અરવિંદલાલે..?”
“હવે ઈ તો ગામ આખું વિચારતું હતું કે અરવિંદલાલે આવું કેમ કર્યું ? આમ તો રોનક દેખાવડો ભણેલો એન્જીનીયર થયેલો, એના બાપાને એક કારખાનું હતું, એક નો એક, અને રોનકના અમદાવાદમાં ઘરના ઘર,પણ તો ય અરવિંદલાલની તોલે તો રોન`કો કે એનો બાપ જરાય ના આવે? સ્વીટી માટે તો એક હીરાવાળા એ માંગુ નાખ્યું હતું, બેલ્જીયમની પાર્ટી હતી ઓછામાં ઓછી હજાર કરોડની પાર્ટી હતી પણ એની મોટી ભાભી ખરીને પેલી સોનલ,એને એની બેહનને ત્યાં સેટ કરવી હતી એમાં એણે ઘરમાં રહીને જ સ્વીટીનું પત્તું કાપી નાખ્યું..”
“તે ઈ બેલ્જીયમવાળો સોનલની બેહનને લઇ ગ્યો ..?”
“ના રે ના..બે બિલાડામાં ત્રીજી વાંદરી ફાવી ગઈ, હા`વ ક્યાંક કોડીનારની લઈને ઈ તો બેલ્જીયમ ભેગો થઇ ગ્યો, અને સ્વીટી અને ઓલી સોન`લી ની બે`ન બેઉ રખડી ગ્યા..પછી આ રોન્કા નું ઈ સોનલની બેન માટે માંગુ આય્વું હતું, અને ત્યારે સ્વીટીની મોટીબેન ખરીને એણે વટનો સવાલ બનાવી દીધો,હવે તો સોનલની બેન વે`રે આનું ના જ થવા દઉં અને અમથા અમથા આ તારા રોનકાના માર્કેટમાં ભાવ ચડી ગ્યા, અને સ્વીટલી રોન્કામાં ભરાણી..!”
“પણ અત્યારે તો સ્વીટી અને રોનક બંને સોનલભાભી સોનલભાભી જ કરતા ફરતા હોય છે..”
“તે કરે જ ને સોનલનું પિયરીયું જોયું છે ? મુંબઈમાં અત્યારે ક્યાંનું ક્યાં પોહચી ગયું છે અને સોનલનો વર છે હાવ માંગા પાર્ટી, સ્વીટલીમાં તો લાંબી છે જ નહિ,એટલે રોનક અને સોનલી મજા કરે છે અને સ્વીટલી અને એનો ભઈ રઘાપાંચમની જેમ બધું જોયા કરે છે..!”
“એ હા.. હા..જો ને ફેસબુક પર તો કેવા કેવા ફોટા મુકે છે રોનક અને સોનલ..જાણે જન્મ જનમના પ્રેમી હોય..મને તો એમ થાય કે સ્વીટીલી અને સોનલી નો વર ડોબા જેવા છે,પણ અરવિંદલાલના આખા ખાનદાનમાં બધા આંધળા મુ`આ છે..?”
“ના ના એવું નથી,બધાને બધી ખબર પડે છે,પણ હવે સોનલનું પિયરયુ બહુ મોટું થઇ ગયું અને એ બે બેહનો જ છે, એટલે સમજને મારી બો`ન અત્યારે સોનલ કરે ને એ બધી લીલા કેહવાય,”
“પણ ભાઈશા`બ ઓલો રોનક તો જ્યાં જાય ત્યાંના ફેસબુક પર ચેકઇન નાખે છે,અને એમાં ય ગઈસાલ ક્યાંક લોનાવાલા કોઈકના ફાર્મ પર બધું ય ગયું હતું, અને ત્યાંના ફોટા તો જો રોનક અને સોનલના..! મને તો એમ થાય કે આ બંનેને આવા ફોટા પાડી કોણ દેતું હશે..? ફોટા ય તે કેવા ? તું સોલાહ બરસ કી મૈ સત્રાહ બરસ કા એવા તો ફોટા હોય છે..!”
“શું કોણ પાડી આપે ? એ ચાર જ ફરવા ગયા હતા, તે રોનક અને સોનલના ફોટા તો સ્વીટી કે એનો ભાઈ જ પાડી આપતા હોય ને ..”
“બહુ કે`વાય હો બેન..”
“અરે શું બહુ કે`વાય સોનલના બાપે એ લોનાવાલાનું ફાર્મ સોનલના નામે લીધું છે એટલે એના વરને તો બીજું કઈ જોઈતું જ નથી અને રોનક રહ્યો પે`લેથી કડકો..”
“હા રે હા બે`ન સોનલના વર ને સોનલના રૂપિયા મળી ગયા અને રોનકને સોનલ..અને સ્વીટી ને મફતમાં મો`જો કરવા મળે છે..!”
“પણ મને તો એમ થાય કે હવે તો આ બધાય પિસ્તાલીસને પાર થઇ ગયા હશે તે હજી પણ આવા ધંધા કરે..?એમના છોકરામાં શું સંસ્કાર પડે ?”
“કઈ નહિ બેન ઈ બધામાં આવું છેકથી હાલ્યું આવે છે અરવિંદલાલના બાપા ને ય ઈ જમાનમાં બે બૈરા હતા અને અરવિદલાલએ ય ઘણા છાનગપતિયા કર્યા છે..!”
“હા ઈ તો મેં સાંભળ્યું હતું પણ એક વાત કહું તને આ રોનક મારી બાજુની કોલેજમાં જ ભણતો અને ત્યારે એ ગાડી લઈને રખડતો અને ત્યારેય ઘણી ફેરવતો હો..”
“હા હાવે મને તો એની બધી આગળપાછળ ખબર છે મારો ભાઈ એનો ખાસ ભાઈબંધ હતો અને એક જોડે તો સ્વીટી જોડે પરણ્યા પછી બે વર્ષ ચાલ્યું હતું, અને સ્વીટી પેહલી ડીલીવરી કરવા રાજકોટ આવી હતી ત્યારે જ બધું ખુલી ગયું હતું..અને સ્વીટી પછી અમદાવાદ જવાનું નામ જ નોહતી લે`તી, ખોળો ભરીને આવી `તી તે છેક પાંચ મહિનાનો છોકરો થયો ત્યારે પાછી ગઈ..!”
“હે શું વાત કરે છે ?”
“હા હવે ત્યારે તો જબરો ભવાડો થયો હતો”
“કેમ શું થયું હતું ?”
“અરે સ્વીટીને બાબો આવ્યો ને તે એના સાસુ સસરાને ઉત્સાહ આવી ગયો તે એક અઠવાડિયું રાજકોટ રેહવા ગયા સ્વીટીની સાસુનું પિયરએ તે રાજકોટ છે ને તે ત્યાં રેહવા ગયા અને રોજ `દિ આખો સ્વીટીના પિયર અરવિંદલાલને ત્યાં પડ્યા રે અને રાતે જાય એના પિયર.”.
“તે પણ રોન્કા એ શું કર્યું ?”
“કહું અલી ધીરજ તો રાખ..”
“હા હા બોલ બોલ..”
“તે રોનક ત્યાં અમદાવાદ એકલો અને ભાઈએ તો પેલી જેની જોડે એ ચાલુ હતો એને જ સીધી એના ઘેર રેહવા બોલાવી લીધી, અને આખા ફ્લેટમાં હો હા થઇ ગઈ કે આ બેન કોણ ?છેવટે વાજાતું ગાજતું અરવિંદલાલ સુધી ગયું અને મારતી ગાડીએ સ્વીટીના સાસુ સાસારા અને અરવિંદલાલ બધા ય અમદાવાદ આવ્યા, અને ત્યારે પેહલા તો પેલી બારણું જ ના ખોલે છેક રાત સુધી બધા બહારના બહાર છેવટે પોલીસ બોલાવી અને બારણું તોડ્યું તો પેલી ઉંધી ચોંટી રેઈપ કેસ ઠોકવાની વાત કરી અને રોનક તો રંગે હાથ ઝલાયો,એ જમાનામાં બધું વીસેક લાખમાં પત્યું હતું અને બોલ પેલી હજી કુંવારી છે..”
“ હેં શું વાત કરે છે ? આ રોનક તો ભારે છે, એકબાજુ સોનલને બીજી બાજુ ..”
“ અરે બેન જવા દે ને વાત જાવા દયે બધું ય સડેલું છે યાં તો..! નકરા રૂપિયાના ખેલ છે..”
“ હા રે હા બેન રૂપિયા હોય ત્યાં બધું ચાલે, અને કોઈ કોઈને ના પૂછે..તારા મારા જેવા તો જરાક ક્યાંક નજર માંડે ત્યાં તો ધણી વાં`હે આવી ને ઉભો જ હોય..”
“સાચી વાત છે, આપણે તો આપણા ઘર અને વરમાંથી નવરા પડીએ તો આવા બધા ધંધા સુઝેને..”
“અરે મારે તો સવાર ક્યાં થાય અને રાત ક્યા એની જ ખબર નથી પડતી આ તો આ નાની માસી ગુજરી ગયા અને કા`ણે આવવું પડે એટલે હું ઘર છોડીને આવી બાકી ઘરથી બહાર ક્યાં આપડે નીકળાય..”
“હા હો મારેય એવું જ છે આ નાની કાકી પાછા થ્યા તે કાણે આવવું તો પડે ને..”
“તે આ નાની કાકી અરવિંદલાલના હું સગા થાય ?”
“અરે બધું અંદર અંદર સગામાં સગું જ છે..”
“હમમ..લાગે જ છે જો`ને પેલી સોનલ અને સ્વીટી તો જો કેવા ફરે છે..”
“તે જોયું હમણાં ગઈ રક્ષાબંધને સોનલે હેપી રક્ષાબંધન માય ડીયર બ્રધર રોનકનું સ્ટેટ્સ નાખ્યું હતું..!”
“હા હવે પણ અરવિંદલાલના ઘરના લોકોને આંખને બદલે કોડા છે આપડે થોડા છે ?”
“બધાને ખબર છે,બધી હવે તો…”
“અરે હા હા આં બધાની લીલાઓ તો ચાલ્યા જ કરવાની,હશે ત્યારે કો`ક દી` દેખાવ હવે અમારા કચ્છ બાજુ, અમારે યાં ગાંધધામમાં ય તમારે બે` દિ ક્યાંય વયા જાહે..”
“ના ના બેન ચોક્કસ આવશું અને તમારે યાં રેહવાનું ગોઠવશું અને તમે અમદાવાદ આવો ક્યારેક..”
“હા હવે આવવાનું થાશે જ મારા દીકરાને કોલેજ કરાવી છે ત્યાં અમદાવાદ..”
“એ ભલે ભલે આવો ત્યારે મળીયે હાલો જે શ્રી ક્રષ્ણ”
“એ જે શ્રી ક્રષ્ણ..!”
-શૈશવ વોરા